વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 6, 2012

(104)ગુજરાતી સુગમ સંગીતસમ્રાટ રાસબિહારી દેસાઈનું નિધન-શ્રદ્ધાંજલિ

Rasbihari Desai and Vibha Desai

 અમદાવાદ : ઓક્ટોબર 6,2012 .

ગુજરાતી સુગમ સંગીતના સમ્રાટ એવા જાણીતા ગાયક, સંગીતકાર રાસબિહારી દેસાઈનું હૃદયરોગના હુમલાને કારણે આજે સવારે અહીંની જીવરાજ મહેતા હોસ્પિટલમાં અવસાન થયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ‘આપણે ગુજરાતી સુગમ સંગીતમાં અમૂલ્ય યોગદાન આપનાર ગીતકાર અને સંગીતકાર સ્વ. રાસબિહારી દેસાઈને હંમેશાં યાદ કરીશું. ભગવાન તેમના આત્માને ચિરશાંતિ અર્પે.’ 

સ્વ. રાસબિહારી દેસાઈનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૫ ના રોજ પાટણ ખાતે થયો હતો. રાસભાઈના હુલામણા નામે જાણીતા સ્વ. રાસબિહારી દેસાઈને સંગીત એમનાં માતા-પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. એમના પિતા ડો. ચિંટુલાલ દેસાઈ તબલાવાદક હતા તો માતા પનુલક્ષ્મી ગાયિકા હતાં. 

સ્વ. રાસબિહારી દેસાઈને નાનપણથી જ બંસરીવાદનનો શોખ હતો. એ બંસરીવાદન શરૂઆતમાં એમના મોટાભાઈ પાસેથી અને બાદમાં અમદાવાદની સી.એન. હાઈસ્કૂલમાં શંકરરાવ ગદ્રે પાસેથી શીખ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં રાસબિહારી દેસાઈનું ખૂબ યોગદાન રહ્યું છે. 

તેઓ ફિઝિક્સના પ્રોફેસર અને અમદાવાદમાં ભવન્સ કોલેજના ફિઝિક્સવિભાગના વડા હતા. તેમણે ભવન્સ કોલેજમાં તેમની સંગીત એકેડેમી મારફત સેંકડો વિદ્યાર્થીઓને ગુજરાતી સંગીતની તાલીમ આપી હતી. 

સ્વ. રાસભાઈએ ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં આપેલા સંગીત માટે એવોર્ડ જીત્યો હતો. તેમણે માંડવાની જુઈ અને શ્રવણમાધુરી જેવી અન્ય ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત પીરસ્યું હતું. રાસભાઈનાં પત્ની વિભાબેન દેસાઈ પણ સારા ગાયક છે. આ દંપતીએ મળીને ગુજરાતી સંગીતમાં અનેક આલ્બમ પ્રસ્તુત કર્યાં છે. 

વિભાબેન ગુજરાતમાં ઓલ ઈન્ડિયા રેડિયો અને ટીવી પર ગાયિકા તરીકે જાણીતાં થયાં છે. તેઓ ઈન્કમટેક્સ વિભાગમાં જોઈન્ટ કમિશનર છે.  ગયા જુલાઈ મહિનામાં જ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કાર્યક્રમમાં રાસબિહારી દેસાઈનું જાહેર સન્માન કર્યું હતું.

 (સમાચાર સૌજન્ય- જીજીએન )

______________________________________________________________

રાસબિહારી દેસાઈના મધુર સ્વરની ઓળખ વિભાબેનની સંગતમાં એમણે ગાયેલ  જાણીતા ગીત 

“માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો ” આ વિડીયોમાં સાંભળીયે .

Madi Taru Kanku Kharyu Ne – Raas Bihari Desai – Gujarati Bhajan

Prarthana – Sanskrit Shloka – Rasbihari Desai

આ વિડીયોમાં એમને પ્રાર્થનાના શ્લોકો ગાતા નિહાળી શકાશે .

(Adapted from a 1988 Live Concert. The rendition in Sanskrit by Rasbihari Desai is excellent. Please look past the  poor video quality.)

આ બે વિડીયોમાં રાસ બિહારી દેસાઈને એમના મધુર સ્વરે ગાતા સાંભળીએ અને એમને શ્રધાંજલિ આપીએ.