Daily Archives: ઓક્ટોબર 25, 2012
વિનોદ વિહારમાં આજથી એક નુતન લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” શરુ કરવામાં આવે છે.
આ લેખ શ્રેણીમાં કોઈ એક પસંદ કરેલા શબ્દ ઉપર મનમાં જે વિચારો આવે એને વિસ્તારીને પોસ્ટમાં આલેખવામાં આવશે.
આ શ્રેણીમાં આજનો પસંદ કરેલ શબ્દ છે “શબ્દ “
આજનો શબ્દ -” શબ્દ”
એના વિષે વિચાર વિસ્તાર
આ કાના માતર વિનાના અઢી અક્ષરના શબ્દ “શબ્દ” ઉપર મારા મનમાં ઉદભવેલ વિચારોને વિસ્તારીને નીચે મુકું છું.
રોજે રોજ લોકો દ્વારા કેટલા શબ્દો બોલાતા હશે એનો અંદાઝ મેળવવો અશક્ય છે.જગતના કરોડો લોકોના મનમાં જ્ન્મ લેનાર શબ્દો વાક્યો બનીને લેખો,પુસ્તકોમાં સંગ્રહ પામીને પુસ્તકાલયોમાં કેદ બનીને સદીઓથી પડેલા છે. રોજે રોજ આપણા નેતાઓ,એમનાં ભાષણોમાં શબ્દોના બાણોની વર્ષા કરતા હોય છે.ટીવી રેડિયો,નાટકો ચલચિત્રો એમ ગણી ન ગણાય એટલી જગાએ શબ્દો જ અને માત્ર શબ્દો .લેખકોના વિચાર વલોણામાંથી શબ્દો રૂપી દહીં વલોવાઈને જે માખણ બને છે એનું નામ જ સાહિત્ય .જગતનો સૌથી નાનામાં નાનો અને જેનો અર્થ વિસ્તાર કરવા પુસ્તકો પણ ઓછાં પડે એવો જો કોઈ શબ્દ હોય તો એ છે મા.
શબ્દ એટલે વાચા-વાણી.તમારા હૃદય-મનમાં ચાલતા વિચારોનો શબ્દ પડઘો પાડે છે.શબ્દ એ માનવ જાતને જન્મ સાથે જ ભગવાને આપેલી અણમોલ ભેટ છે.જન્મથી જ તમારો શબ્દ તમારી પહેચાન બનતો હોય છે.શબ્દની કિંમત કોઈ મુક કે બધિર ભાઈને નિહાળવાથી સમજાય છે.
બોલવું અને બોલી-બકી નાખવું એમાં ઘણો ફેર છે.કેટલાંક બોલે છે ,કેટલાંક બોલી નાખે છે.તમે જે બોલો એનું વજન પડવું જોઈએ .એમાંથી અર્થ નીકળવો જોઈએ. દ્રૌપદીના કૌરવો માટે સમજ્યા વગર વાપરેલા કટુ શબ્દો કે “આંધળાના આંધળા જ હોય ” એ આખું મહાભારત રચ્યું હતું એ આપણે જાણીએ છીએ. શબ્દોને દાંત નથી હોતા પણ જ્યારે પણ એનાથી કોઈને જ્યારે બચકું ભરવામાં આવે છે ત્યારે એ ઘા એટલો ઊંડો હોય છે કે જીવનની સમાપ્તિ સુધી મન ઉપર પડેલો ઘા નથી રૂઝાતો કે નથી ભરાતો.
એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે ,બોલાયેલો શબ્દ તમારો માલિક .” એવી જ એક બીજી શબ્દ અંગેની એક ચીની કહેવત પણ છે કે “બે વસ્તુ નબળાઈની એંધાણી છે : બોલવું ઉચિત હોય ત્યારે મૂંગા રહેવું અને મૌન ઉચિત હોય ત્યારે બોલવું.” સહદેવ માટે એમ કહેવાય છે કે એ મનમાં બધું જાણતો, સમજતો હતો પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કશું બોલતો ન હતો.જ્યારે ભીમ કોઈ પૂછે કે ન પૂછે જે મનમાં હોય એ ભરડી નાખતો.બોલવા વિષે સહદેવ અને ભીમ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવા જેવો ખરો !
શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,
આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે…
-હર્ષ બ્રહ્મભટ્ટ
શબ્દોમાં અપાર શક્તિ પડેલી છે.કોઈ સારા વક્તા દ્વારા વપરાયેલા શબ્દો લોકોને પ્રેરક બનીને જીવન પલટો કરાવી શકે છે.કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવન સારી રીતે જીવ્યા બદલ પોરસ ચડાવે છે.એનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને વધુ બહાર લાવવા માટે કટીબદ્ધ કરે છે.કોઈની અયોગ્ય ટીકા સંબંધોમાં તિરાડ પાડતી હોય છે.કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે.કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે છે જ્યારે કેટલાકના શબ્દો એની સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે.
શબ્દ નો વિરોધી શબ્દ છે અપશબ્દ.શબ્દો એ ગમે તેમ બોલીને વેડફી મારવાની ચીજ નથી.યોગ્ય સમયે યોગ્ય શબ્દ વાપરવાની કુનેહ જરૂરી છે. મનમાં કઈ અને જીભ ઉપર કઈ એ અપ્રમાણિકતાની નિશાની છે.સારા અને સ્પષ્ટ શબ્દો વાપરનાર ઉપર લોકો વિશ્વાસ મુકતા હોય છે.આવા પ્રમાણિક માણસોના બોર બજારમાં જલ્દી ખપી જાય છે. કોઇના યોગ્ય કામના યોગ્ય વખાણ કરવા સારા શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરવા જેવી નથી . સમજ્યા વગર અને પરિણામની કાળજી દાખવ્યા વિના બોલાયેલા શબ્દો નફરતની આગ પેદા કરી શકે છે.સમય સુચકતા અને પ્રેમથી યોગ્ય સમયે વપરાયેલા યોગ્ય શબ્દથી કોઈની ચિંતાને હળવી કરી આશીર્વાદ સાબિત થઇ શકે છે.બીજો તમારા વિષે કઈ બોલે અને તમારી લાગણી દુભાતી હોય તો એ જ વસ્તુ તમારા બીજાના વિષે બોલાયેલા શબ્દોને પણ એટલી જ લાગુ પડે છે.શબ્દ તારે છે તો ડુબાડે પણ છે.શબ્દ હસાવે છે તો રડાવે પણ છે.શબ્દ જો અમૃત છે તો વિષ પણ છે.શબ્દ સાથે રમત ખેલવા જેવી નથી. એનો ઉપયોગ બહું જ સાવધાનીથી કરવા જેવો છે.
શબ્દ અંગે અંગ્રેજીમાં મેં એક સુંદર અવતરણ મારી નોટબુકમાં ટપકાવી રાખ્યું છે એ નીચે આપું છું.
A careless word may kindle strife
A cruel word may wreck a life
A bitter word may hate instill
A brutal word may smite and kill
A joyous word may light the day
A timely word may lessen stress
A loving word may heal and bless .
કહેવત છે કે બોલે એના બોર વેચાય તો એનાથી વિરુદ્ધ એક બીજી પણ કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ.બહું બોલે નહિ એ મુગામાં અને બહું બોલે એ બોલકામાં ખપી જાય છે.એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે જ્યારે બોલાયેલો શબ્દ તમારો માલિક .”ઘણા માણસો જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી એમની મૂર્ખામી વિષે શંકા રહે છે પરંતુ જ્યારે બોલે છે ત્યારે એમની મૂર્ખામી વિષે રહી સહી શંકાનું નિવારણ થઇ જાય છે.
માણસના મનના સરોવરમાં ચાલતાં વિચાર વર્તુળો અમાપ અને અનંત છે.એને નથી કોઈ આરો કે ઓવારો.આ વિચારોને સંપૂર્ણ રીતે શબ્દોમાં કેદ કરવા અશક્ય છે.શબ્દ વિષે હજુ વધુ વિચારીએ તો ઘણા શબ્દો લખી શકાય એમ છે.મને જે વિચાર આવ્યા એનાથી વધુ સારા વિચારો વાચકોના મનમાં પણ આવી શકે છે.વાચકોના વાચન,જ્ઞાન, અનુભવ અને કલ્પના શક્તિ આધારિત બીજા પૂરક શબ્દો એમના મનમાં ઉદભવે એ બિલકુલ સ્વાભાવિક છે.
વાચકોને એમનાં મનમાં રમતા શબ્દ વિષય ઉપરના વધુ પૂરક શબ્દો પ્રતિભાવ પેટીમાં લખી જણાવવા નિમન્ત્રણ છે.
આ વિનોદ વિહારની નવી શરુ કરેલી શબ્દ શ્રેણીમાં આજના શબ્દ “શબ્દ ” ઉપર જે બે શબ્દો મેં લખ્યા છે એ શબ્દો તમોને જો ગમ્યા હોય
તો એના પ્રતિભાવમાં તમારા તરફથી વધુ બે શબ્દો ઉમેરીને લખવામાં કંજુસી ન કરતા.
એવું જ નિમંત્રણ હવે પછી પોસ્ટ થનાર બીજા શબ્દો માટે પણ ખરું.
હવે પછીનો શબ્દ છે …”મન”. ચાલો મન એના ઉપર મનન કરવા માંડો.!
વિનોદ આર. પટેલ, સાન ડીયેગો

વાચકોના પ્રતિભાવ