વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(116) વિનોદ વિહારમાં શરુ થતી એક નવી લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” માં “શબ્દ” વિષે….. .

વિનોદ વિહારમાં આજથી એક નુતન લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” શરુ કરવામાં આવે છે.

આ લેખ શ્રેણીમાં કોઈ એક પસંદ કરેલા શબ્દ ઉપર મનમાં જે વિચારો આવે એને વિસ્તારીને પોસ્ટમાં આલેખવામાં આવશે.

આ શ્રેણીમાં આજનો પસંદ કરેલ શબ્દ  છે “શબ્દ “

આજનો શબ્દ -” શબ્દ”

એના વિષે વિચાર વિસ્તાર

આ કાના માતર વિનાના અઢી અક્ષરના શબ્દ “શબ્દ” ઉપર મારા મનમાં ઉદભવેલ વિચારોને વિસ્તારીને નીચે મુકું છું.

રોજે રોજ લોકો દ્વારા કેટલા શબ્દો બોલાતા હશે એનો અંદાઝ મેળવવો અશક્ય છે.જગતના કરોડો લોકોના મનમાં જ્ન્મ લેનાર શબ્દો વાક્યો બનીને  લેખો,પુસ્તકોમાં સંગ્રહ પામીને પુસ્તકાલયોમાં કેદ બનીને સદીઓથી પડેલા છે. રોજે રોજ આપણા નેતાઓ,એમનાં ભાષણોમાં શબ્દોના બાણોની  વર્ષા કરતા હોય છે.ટીવી રેડિયો,નાટકો ચલચિત્રો એમ ગણી ન ગણાય એટલી જગાએ શબ્દો જ અને માત્ર શબ્દો .લેખકોના વિચાર વલોણામાંથી શબ્દો રૂપી દહીં વલોવાઈને જે માખણ બને છે એનું નામ જ સાહિત્ય .જગતનો સૌથી નાનામાં નાનો અને જેનો અર્થ વિસ્તાર કરવા પુસ્તકો પણ ઓછાં પડે એવો જો કોઈ શબ્દ હોય તો એ છે મા.

શબ્દ  એટલે વાચા-વાણી.તમારા હૃદય-મનમાં ચાલતા વિચારોનો શબ્દ પડઘો પાડે છે.શબ્દ એ માનવ જાતને જન્મ સાથે જ ભગવાને આપેલી અણમોલ ભેટ છે.જન્મથી જ તમારો શબ્દ તમારી પહેચાન બનતો હોય છે.શબ્દની કિંમત કોઈ મુક કે બધિર ભાઈને નિહાળવાથી સમજાય છે.

બોલવું અને બોલી-બકી નાખવું એમાં ઘણો ફેર છે.કેટલાંક બોલે છે ,કેટલાંક બોલી નાખે છે.તમે જે બોલો એનું વજન પડવું જોઈએ .એમાંથી અર્થ નીકળવો જોઈએ. દ્રૌપદીના કૌરવો માટે સમજ્યા વગર વાપરેલા કટુ શબ્દો કે  “આંધળાના આંધળા જ હોય ” એ આખું મહાભારત રચ્યું હતું એ આપણે જાણીએ છીએ. શબ્દોને દાંત નથી હોતા પણ જ્યારે પણ એનાથી કોઈને જ્યારે બચકું ભરવામાં આવે છે ત્યારે એ ઘા એટલો ઊંડો હોય છે કે જીવનની સમાપ્તિ સુધી મન ઉપર પડેલો ઘા નથી રૂઝાતો કે નથી ભરાતો.

એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે ,બોલાયેલો શબ્દ તમારો માલિક .” એવી  જ એક બીજી શબ્દ અંગેની એક ચીની કહેવત પણ છે કે “બે વસ્તુ નબળાઈની એંધાણી છે : બોલવું ઉચિત હોય ત્યારે મૂંગા રહેવું અને મૌન ઉચિત હોય ત્યારે બોલવું.” સહદેવ માટે એમ કહેવાય છે કે એ મનમાં બધું જાણતો, સમજતો હતો પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કશું બોલતો ન હતો.જ્યારે ભીમ કોઈ પૂછે કે ન પૂછે જે મનમાં હોય એ ભરડી નાખતો.બોલવા વિષે સહદેવ અને ભીમ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવા જેવો ખરો !

શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,  

આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે…   

-હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દોમાં અપાર શક્તિ પડેલી છે.કોઈ સારા વક્તા દ્વારા વપરાયેલા શબ્દો લોકોને પ્રેરક બનીને જીવન પલટો કરાવી શકે છે.કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવન સારી રીતે જીવ્યા બદલ પોરસ ચડાવે છે.એનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને વધુ બહાર લાવવા માટે કટીબદ્ધ કરે છે.કોઈની અયોગ્ય ટીકા સંબંધોમાં તિરાડ પાડતી હોય છે.કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે.કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે  છે જ્યારે કેટલાકના શબ્દો એની સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે.

શબ્દ નો વિરોધી શબ્દ છે અપશબ્દ.શબ્દો એ ગમે તેમ બોલીને વેડફી મારવાની ચીજ નથી.યોગ્ય સમયે યોગ્ય શબ્દ વાપરવાની કુનેહ જરૂરી છે. મનમાં કઈ અને જીભ ઉપર કઈ એ અપ્રમાણિકતાની નિશાની છે.સારા અને સ્પષ્ટ શબ્દો વાપરનાર ઉપર લોકો વિશ્વાસ મુકતા હોય છે.આવા પ્રમાણિક માણસોના બોર બજારમાં જલ્દી ખપી જાય છે. કોઇના યોગ્ય કામના યોગ્ય વખાણ કરવા સારા શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરવા જેવી નથી . સમજ્યા વગર અને પરિણામની કાળજી દાખવ્યા વિના બોલાયેલા શબ્દો નફરતની આગ પેદા કરી શકે છે.સમય સુચકતા અને પ્રેમથી યોગ્ય સમયે વપરાયેલા યોગ્ય શબ્દથી કોઈની ચિંતાને હળવી કરી આશીર્વાદ સાબિત થઇ શકે છે.બીજો તમારા વિષે કઈ બોલે અને તમારી લાગણી દુભાતી હોય તો એ જ વસ્તુ તમારા બીજાના વિષે બોલાયેલા શબ્દોને પણ એટલી જ લાગુ પડે છે.શબ્દ તારે છે તો ડુબાડે પણ છે.શબ્દ હસાવે છે તો રડાવે પણ છે.શબ્દ જો અમૃત છે તો વિષ પણ છે.શબ્દ સાથે રમત ખેલવા જેવી નથી. એનો ઉપયોગ બહું જ સાવધાનીથી કરવા જેવો છે.

શબ્દ અંગે અંગ્રેજીમાં મેં એક સુંદર અવતરણ મારી નોટબુકમાં ટપકાવી રાખ્યું છે એ નીચે આપું છું.

A  careless  word may kindle strife

A  cruel word may wreck a life

A  bitter word may hate instill

A  brutal word may smite and kill

A  joyous word may light the day

A  timely word may lessen stress

A  loving word may heal and bless .

કહેવત છે કે બોલે એના બોર વેચાય તો એનાથી વિરુદ્ધ એક બીજી પણ કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ.બહું બોલે નહિ એ મુગામાં અને બહું બોલે એ બોલકામાં ખપી જાય છે.એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે જ્યારે બોલાયેલો શબ્દ તમારો માલિક .”ઘણા માણસો જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી એમની મૂર્ખામી વિષે શંકા રહે છે પરંતુ જ્યારે બોલે છે ત્યારે એમની  મૂર્ખામી વિષે રહી સહી શંકાનું નિવારણ થઇ જાય છે.

માણસના મનના સરોવરમાં ચાલતાં વિચાર વર્તુળો અમાપ અને અનંત છે.એને નથી કોઈ આરો કે ઓવારો.આ વિચારોને સંપૂર્ણ રીતે શબ્દોમાં કેદ કરવા અશક્ય છે.શબ્દ વિષે હજુ વધુ વિચારીએ તો ઘણા શબ્દો લખી શકાય એમ છે.મને જે વિચાર આવ્યા એનાથી વધુ સારા વિચારો વાચકોના મનમાં પણ આવી શકે છે.વાચકોના વાચન,જ્ઞાન, અનુભવ અને કલ્પના શક્તિ આધારિત બીજા પૂરક શબ્દો એમના મનમાં ઉદભવે એ બિલકુલ સ્વાભાવિક છે.

વાચકોને એમનાં મનમાં રમતા શબ્દ વિષય ઉપરના વધુ પૂરક શબ્દો પ્રતિભાવ પેટીમાં લખી જણાવવા નિમન્ત્રણ છે.

આ વિનોદ વિહારની નવી શરુ કરેલી શબ્દ શ્રેણીમાં આજના શબ્દ “શબ્દ ” ઉપર જે બે શબ્દો મેં લખ્યા છે એ શબ્દો તમોને જો ગમ્યા હોય

તો એના પ્રતિભાવમાં તમારા તરફથી વધુ બે શબ્દો ઉમેરીને લખવામાં કંજુસી ન કરતા.

એવું જ નિમંત્રણ હવે પછી પોસ્ટ થનાર બીજા શબ્દો માટે પણ ખરું.

હવે પછીનો શબ્દ છે …”મન”. ચાલો મન એના ઉપર  મનન કરવા માંડો.!

વિનોદ આર. પટેલ, સાન ડીયેગો

10 responses to “(116) વિનોદ વિહારમાં શરુ થતી એક નવી લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” માં “શબ્દ” વિષે….. .

 1. nabhakashdeep October 28, 2012 at 11:18 AM

  શબ્દ શોભે જાણે નગદ નાણું, અવિનાશી અક્ષય ભંડાર
  શત્રુ મિત્ર પ્રિતમ પ્યારો, વિશ્વે કરે મહા વિજય ટંકાર

  શબ્દ જ શૌર્ય શબ્દ જ સંગીત , શોભે શબ્દથી સકલ સંસાર
  મોટો મોંઘેરો માનવંતો મહેકે, તારી શક્તિ જગે અપાર

  ધર્મ ધારક , જીવન ઉધ્ધારક , પરમ પથ દર્શક પ્રેમાળ
  વરસાવી કરૂણા રૂલાવે રુદિયા , ઝરમરે પશ્ચાતાપની ધાર

  તું જ સ્ફુરણાએ લડે લડવૈયા, રમે જગે લઈ દેશદાઝ
  તું જ સંવેદક તું જ સર્જક, મહિમા સદા તારો સરતાજ

  પરમ બ્રહ્મ પ્રગટીને ઝૂલે, શબ્દથી જ ઉજાગર અંબાર
  લાગે સૂના સૂના શબ્દ વગર, આ ગર્જીલા જગ વ્યવહાર

 2. Ameeta Dharia October 27, 2012 at 6:06 PM

  ‘હાક મારી અમે ‘ને કૈક બેઠા થયા, ને ઉભા હતા તેઓ દોડી ગયા,
  માનો ન આને અમારો પ્રતાપ, શબ્દોના પ્રવાહે એ વહેતા ગયા.’

 3. aataawaani October 27, 2012 at 2:19 PM

  વિનોદભાઈ નવી શ્રેણી ચાલુ કરવા બદલ હું તમને ધન્ય વાદ આપું છું.
  એક લોક દોહરો લખું છું.
  બહુ બોલાંને બટકનાં વલ વલ કાઢે વેણ
  ઈને કાળી નાગણ કરડજો મર હોય પોતાના શેણ
  કવિ કહે છેકે બહુજ બોલ બોલ કરતાં હોય અને વચનો પણ સંત માણસને પણ ઉશ્કેરી દ્યે એવાં હોય ઈને હે ભગવાન કાળી નાગણ કરડજો ભલે એ પોતાનું સ્વજન હોય .

 4. chandrakant October 27, 2012 at 1:30 PM

  Dear Vinodbhai very good
  કહેવત છે કે બોલે એના બોર વેચાય તો એનાથી વિરુદ્ધ એક બીજી પણ કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ.બહું બોલે નહિ એ મુગામાં અને બહું બોલે એ બોલકામાં ખપી જાય છે.

 5. Vinod R. Patel October 27, 2012 at 12:26 PM

  FROM: pravina kadakia

  TO: vinodbhai patel

  Friday, October 26, 2012 5:37 PM

  અઢી અક્ષર નો શબ્દ ક્યાં, ક્યારે . કેવી રીતે વાપરવો એ અગત્યનું છે.

  ક્યારે તેનો ઉપયોગ ન કરવો તે મહત્વનું છે.

  સરસ વાત તમે લઈને આવ્યા.

  please visit

  http://www.pravinash.wordpress.com

  વિનોદભાઈ તમારી પોસ્ટ ઉપર મૂકશો.

 6. P, P, MANKAD October 27, 2012 at 12:08 PM

  Very good article, indeed.

 7. pravinshastri October 27, 2012 at 11:49 AM

  આ શબ્દ ક્ષેણી એક જ્ઞાન યાત્રા બની રહેશે એમાં જરા પણ શંકા નથી, વિનોદભાઈ આ ઉત્તમ અભિગમ બદલ ધન્યવાદ.
  પ્રવીણ શાસ્ત્રી.

 8. pragnaju October 27, 2012 at 2:35 AM

  ફાધર વાલેસની વાત યાદ આવે
  કોન્ફયુશસને કોઈએ પૂછયું … આપણે બેદરાકારીથી એ શબ્દો બોલીએ છીએ, એ નામો ઉચ્ચારીએ છીએ. હવે એ પ્રેમથી … તો બહેન સમજીને જુઓ. બસ, દરેક શબ્દ સાચવો, દરેક નામ ઉજાળો, દરેકનો અર્થ જાણો, દરેકના ગુણ ઉપસાવો.

 9. સુરેશ October 27, 2012 at 1:51 AM

  ફાધરનો સંદેશ બહુ જ ગમ્યો. એમાંથી જ શબ્દની તાકાત અને શબ્દની કુતાકાત છતી થાય છે.
  શબ્દ શક્તિશાળી હોય તો છે જ- પણ એની મર્યાદાઓ પણ હોય છે. શબ્દનું મૂળ સ્વર અને એનું મૂળ ભાવ હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: