વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 29, 2012

(119) ગાંધી તો ગાંધી હતા, પણ શાસ્ત્રી ય કંઇ કમ નહોતા…લેખક – જ્વલંત છાયા

બીજી ઓક્ટોબર એ ગાંધીજીનો જન્મદિવસ છે તો એક વખતના ભારતના ગાંધીવાદી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ આ જન્મદિવસ છે એની જાણ બહુ ઓછાને હશે .એકદમ સાદગીભર્યું અને નિરાળું વ્યક્તિત્વ ધરાવતા આ દેશ નેતા જાણે કે ભુલાઈ ગયા છે.ગાંધી જયંતીની ઉજવણીના માહોલમાં  દેશે શાસ્ત્રીજીની જોઇએ એટલી કદર કરી નથી એ હકીકત છે.લાલ બહાદુર શાસ્ત્રીના જીવન વિષે બહુ ઓછું લખાય છે અને વંચાય છે.

આજની પોસ્ટમાં શ્રી જ્વલંત છાયા લિખિત લાલ બહાદુર શાસ્ત્રીના અનોખા જીવન ઉપર પ્રકાશ પાડતો લેખ “ગાંધી તો ગાંધી હતા, પણ શાસ્ત્રી ય કંઇ કમ નહોતા..” દિવ્ય ભાસ્કર .કોમના સૌજન્યથી લેખકના  આભાર  સાથે મુક્યો છે.આશા છે આપને વાંચવો ગમશે.

વિનોદ આર. પટેલ

_________________________________________________________________

ગાંધી તો ગાંધી હતા, પણ શાસ્ત્રી ય કંઇ કમ નહોતા… લેખક – જ્વલંત છાયા

આજ હૈ દો અક્તુબર કા દિન, આજ કા દિન હૈ બડા મહાન,

આજ કે દિન દો ફૂલ ખિલે થે, ઉનસે મહેકા હિ‌ન્દુસ્તાન

જય જવાન જય કિસાન,

નામ એક કા બાપૂ ગાંધી ઔર એક લાલ બહાદુર હૈ

એક કા નારા અમન કા એક કા જય જવાન જય  કિશાન

લાલ બહાદુર જિસને હમ કો ગર્વ સે જીના સિખલાયા,

સચ પૂછો તો ગીતા કા અધ્યાય ઉસીને દોહરાયા…

હૈયે હાથ રાખીને વાત કરજો કે દર વર્ષે આપણે જેટલી તીવ્રતા, ત્વરા, તત્પરતાથી મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ તેટલી તીવ્રતાથી લાલ બહાદુર શાસ્ત્રીને આપણે યાદ કર્યા? કોઇ સરકાર કે પક્ષ તો ઠીક છે, પોતપોતાના દૃષ્ટિકોણથી નેતાઓને યાદ કરે અહીં આટલાં વર્ષોથી એ જ થતું આવ્યું છે તેથી તેનો અફસોસ ન હોય, પરંતુ આપણને એ વાતનો ભારોભાર અફસોસ છે કે આપણે લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાની ‘સ્મૃતિ’ તાજી કરવામાં જોમ અને જુસ્સો ઓછો બતાવીએ છીએ.

અરે અનેક ‘મહાનુભાવો’ હશે જેને એ યાદ પણ નહીં હોય કે ખ્યાલ પણ નહીં હોય કે આ ૨ ઓક્ટોબર એ ફક્ત ગાંધીજયંતી નથી શાસ્ત્રીજયંતી પણ છે ઉપર લખ્યું તે ૧૯૬૭માં બનેલી ફિલ્મ ‘પરિવાર’નું ગીત ખરેખર કબાટમાં સંઘરી રાખવા જેવું છે જે આપણને દર બે ઓક્ટોબરે યાદ અપાવે છે કે ‘આજ કે દિન દો ફૂલ ખિલે થે ઉનસે મહેકા હિ‌ન્દુસ્તાન…’ એ સિવાય એક ઉલ્લેખ ‘ઉપકાર’ ફિલ્મમાં આવે છે,’રંગ લાલ હૈ લાલ બહાદુર સે…’ બાકી અન્ય નેતાઓનાં જે સ્તુતિગાન થયાં છે તેવો પ્રચાર લાલ બહાદુર શાસ્ત્રીનો થયો નથી તે વાત સ્વીકાર્યા સિવાય વિકલ્પ નથી અને દુ:ખ એટલા માટે થાય કે આફ્ટર ગાંધીજી જે નેતાઓ આ દેશમાં થયા કે બનાવાયા તેમાં શાસ્ત્રી એક અંગૂઠોય ઊતરતા નેતા નહોતા.

૧૯૦૪ની ૨ ઓક્ટોબરે શિક્ષક પિતા શારદા શ્રીવાસ્તવ પ્રસાદના પરિવારમાં જન્મેલા લાલ બહાદુરની અટક શાસ્ત્રી નહીં, પરંતુ શ્રીવાસ્તવ હતી અને તેઓ કાયસ્થ જ્ઞાતિના હતા. શ્રીવાસ્તવ અટકથી એ વાત સાફ જાહેર થતી હતી કે તેઓ કાયસ્થ છે. પોતે જ્ઞાતિવાદમાં માનતા નહોતા, કાયસ્થ હોવાને લીધે કોઇ વિશેષ લાભ પોતાને મળે તેવું ઇચ્છતા નહોતા, રિપીટ કરું – જ્ઞાતિવાદમાં માનતા નહોતા – રાજકારણમાં હોવા છતાં તેથી પોતાની જ્ઞાતિ જાહેર ન થાય તે માટે તેમણે અટક શ્રીવાસ્તવમાંથી શાસ્ત્રી કરી નાખી.

કેટલું આશ્ચર્યજનક છે ને? આજે તો લોકો પોતાની જ્ઞાતિ કઇ છે તે જાહેર કરવાનો સતત પ્રયાસ કરતા હોય છે, વાહનની પાછળ કાં તો કોઇ શસ્ત્રનું સિમ્બોલ હોય કે પછી કોઇ ધાર્મિ‌ક ધામનું નામ લખ્યું હોય, દુકાન કે કારખાનાનું નામ પણ એ મંદિર પરથી એટલે ખબર પડે કે આ ‘આપણા ભાઇ’નું છે બીજું તો ઠીક આ વખતે તો સરકારે પણ જ્ઞાતિ અનુસાર વસ્તીગણતરી કરાવી એટલે ખબર પડે કે આપણને મત આપનારા લોકો કેટલા વધ્યા ક્યાં આ વોટબેન્કની માનસિકતા અને ક્યાં એ કાસ્ટીઝમ સંદર્ભનું ‘શાસ્ત્રીઇઝમ’ આઝાદી પછીના પણ અનેક નેતાઓને શહીદનું બિરુદ આપણે આપી દીધું છે.

બીજી તરફ અન્ય વિચારધારાઓમાં જે નેતાઓ થયા તેમને ગાંધીજી અને નેહરુ સાથે સરખાવવા તેમના મૃત્યુની ઘટનાને ‘રહસ્યમય’કહીને, તેમણે આપેલા એક વિચારને કોઇ ‘વાદ’નામ આપીને તેનું જસ્ટિફિકેશન પણ અપાય છે. અહીં ગાંધી,નેહરુ અને સરદાર તો ત્યાં પણ એક મુખ્ય વ્યક્તિ અને બે મુખ્ય શિષ્ય (સમજને વાલે સમજ ગયે હૈ) તેની પાછળ છૂપો ભાવ એ છે કે તમારી પાસે ગાંધી હતા તો અમારી પાસે ‘આ’ હતા, ગાંધીની હત્યા થઇ તો અમારા નેતાનું મોત પણ રહસ્યમય હતું અરે એવી કોઇ જરૂર નથી. જેનું જે પ્રદાન હોય તે આદરણીય જ છે, પરંતુ આ બધી આંટીઘૂંટીમાં પણ શાસ્ત્રીની સ્મૃતિ પર ધૂળ લાગી ગઇ છે, લાઇબ્રેરીમાં પડેલા મૂલ્યવાન છતાં જૂના પુસ્તક પર લાગે તેમ.

અલબત્ત, શાસ્ત્રીજીના જીવન પર પુસ્તકો પણ કમ્પેરિટિવ ઓછાં લખાયાં. સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે શાસ્ત્રીના વારસદારો રાજકારણમાં હોવા છતાં તેમની પાસે પોતાના વડીલનું માર્કેટિંગ કરવાનો કસબ નહોતો. અમારા વડવાએ જ આ દેશને ઘડયો છે તેવું તેઓ ન બોલી શક્યા, પુત્ર અનિલ શાસ્ત્રી આજ પર્યંત રાજકારણમાં છે, ઓલમોસ્ટ બેદાગ છે. શાસ્ત્રીજીના વારસદારો પાસે પક્ષનો કમાન્ડ નહોતો, તેથી તેમને નમવાનું કોઇને જરૂરી ન લાગ્યું. મોટામાં મોટા પુલથી લઇ ગામના પાયખાના સુધીની યોજનાઓને ત્રણ-ચાર જ નામો આપવાં એવું શાસ્ત્રીજીના વારસદારો ન કરી શક્યા. તેથી આજે આપણને ૨ ઓક્ટોબરે લાલ બહાદુર ક્યારેક જ યાદ આવે છે.

અહીં કોઇ અંગત કે જાહેર પ્રેજ્યુડાઇઝ છે પણ નહીં અને તેવી વાતય નથી, પરંતુ જે લોકો નેહરુ અને શાસ્ત્રીની સરખામણી કરે છે તેમને પણ ખ્યાલ છે કે સ્વયં શાસ્ત્રીજી ગાંધીજી ઉપરાંત નેહરુના સમાજવાદથી પ્રભાવિત હતા.પંડિતજીને તેઓ અત્યંત આદર આપતા. આ બંને વચ્ચે સામ્ય અનેક છે, તો તફાવત પણ ઘણા છે. નેહરુનો ઉછેર ભવ્ય રીતે થયો હતો. તેમના પરિવારના કપડાંની ધુલાઈ પેરિસમાં થતી અને નેહરુ સક્રિય થયા ત્યાં સુધી મોતીલાલજી જીવતા હતા,નેહરુ વૃદ્ધ થયા() ત્યાં ઇન્દિરાજી સક્રિય થઇ ગયાં હતાં.

શાસ્ત્રીજી જ્યારે એક જ વર્ષના હતા ત્યારે તેમના પિતાજીનો દેહાંત થયો હતો. નેહરુ કેમ્બ્રિજ સુધી ભણ્યા, શાસ્ત્રી સ્કૂલે જતા ત્યારે વચ્ચે એક નદી આવતી અને નાવિકને આપવાના પૈસા ન હોય તેથી તેઓ માથે દફતર રાખી, પીઠ પર ચોપડીઓ રાખીને નદી ઓળંગીને ભણવા જતા. શાસ્ત્રીજી ૧૯૨૧થી ગાંધીજીપ્રેરિત આંદોલનોમાં સક્રિય હતા, જેલમાં રહ્યા, છૂટયા અને તરત ‘ભારત છોડો’ના નારામાં પોતાનો સૂર ભેળવી દીધો, ફરી જેલમાં ગયા.ગાંધીજી ૧૯૧પમાં ભારત આવ્યા, શાસ્ત્રી ૧૯૨૦થી તેમની સાથે જોડાયા હતા. ટૂંકમાં આઝાદીની લડતમાં પણ તેઓ અનેક નેતાઓની સમાંતર જ રહ્યા હતા.

આ ૧૯૪૭ પહેલાંની વાતો હતી. ’૪૭ પછી પણ શાસ્ત્રીનું યોગદાન સતત નોંધ લેવી પડે તેવું રહ્યું હતું. વિચાર તો કરો આજે રાજકારણમાં કેવા કેવા લોકો છે, જેઓ કરોડો રૂપિયા ખાઇને પણ કહે છે અમે નિર્દોષ છીએ અને શાસ્ત્રીજી રેલવેમંત્રી હતા ત્યારે ટ્રેનનો એક્સિડન્ટ થયો તો કોઇ રાજીનામું માગવાનો વિચાર પણ કરે તે પહેલાં તેમણે રાજીનામું ધરી દીધું. નેહરુએ દેશને ભાખરા નાંગલની ભેટ આપી, ઇન્દિરાજીની ‘મર્દાનગી’ ૧૯૭૧ની લડાઇ અને ’૭૪ની કટોકટીમાં દેખાઇ, તો શાસ્ત્રીજીએ ૧૯૬પમાં યુદ્ધ સમયે લીધેલા નિર્ણયો, તે વખતે જેઓ જીવતા અને પરિપક્વ હતા તે તમામને યાદ છે.

અરે, સાહેબ જય જવાન જય કિસાન નારો તાત્ત્વિ‌ક છે કે કિસાન જો ધાન પકવશે તો સૈનિક લડી શકશે આપણી જમીનની રક્ષા તો જ થઇ શકે જો તેમાં ધાન પકવનારનું મહત્ત્વ પણ સ્વીકારીએ. બંદૂક અને હળ બંનેનું મહત્ત્વ સરખું સ્વીકારનાર કદાચ આ એક જ પ્રધાનમંત્રી હતા અને યુદ્ધ ચાલતું ત્યારે તેમણે દેશને એક ટંક ભૂખ્યા રહેવાની અપીલ કરી હતી. આજે ફેર એટલો જ છે કે દેશનો કેટલોક વર્ગ એમ કહે છે કે એક ટંક ખાઇ શકીએ તેવી વ્યવસ્થા તો કરો મુદ્દો બે. સમય અમુક વ્યક્તિ સાથેની સરખામણીનો નથી. દરેક શાસકને પોતાની મર્યાદા અને ખૂબી હોય.

વાત એ છે કે જેટલા આપણે અન્ય લોકોને યાદ કરીએ છીએ અથવા આપણને યાદ કરાવવામાં આવે છે તેટલા શાસ્ત્રી આપણા સ્મરણમાં નથી, જે હોવા જોઇએ. તેમની રાજકીય કારકિર્દી, વિદેશનીતિ કે અર્થનીતિ પોલિટિકલ સાયન્સમાં એકાદ પેપરનું તો સ્થાન ધરાવે જ છે અને તેમનું મૃત્યુ આજે પણ ચર્ચાસ્પદ છે. અલબત્ત, મોરારજી દેસાઈએ જે તે સમયે જ કહ્યું હતું કે તેમનું શાસ્ત્રીજીનું અવસાન હાર્ટએટેકથી થયું હતું, પરંતુ કથા-ક્વિંદંતીઓ આજે પણ છે.

વિખ્યાત પત્રકાર કુલદીપ નાયરની આત્મકથા’બિયોન્ડ ધ લાઇન્સ’ ઓલમોસ્ટ ભારતના જાહેર જીવનના પાંચ દાયકાનો દસ્તાવેજ છે. તેમાં શાસ્ત્રીજીના મૃત્યુની ઘટનાનું જોરદાર વર્ણન છે. કારણ કે કુલદીપ નાયર પોતે પણ તે સમયના સાક્ષી હતા. અંતિમ દિવસે કોણે લાલ બહાદુર શાસ્ત્રીને દૂધ આપ્યું, કોણે પાણી આપ્યું, તાસ્કંદમાં કે ભારતમાં તેમનું પોસ્ટમોર્ટમ થવા ન દેવાયું, તેમનાં પત્નીનો શો પ્રતિભાવ હતો એ બધું વર્ણન છે. નેહરુ વડાપ્રધાન હતા ત્યારે ઇન્દિરાજીની શી ભૂમિકા હતી અને તેનાથી શાસ્ત્રીજીને શું નુકસાન થઇ શકત, બધું તેમાં છે. શાસ્ત્રીવાળું પ્રકરણ આ પુસ્તકમાં વાંચવા જેવું છે.

અને છેલ્લે, શું હતા શાસ્ત્રી? ‘લાલ બહાદુર શાસ્ત્રી-પોતાની સાદગી, પ્રામાણિકતા, માનવતા માટે જાણીતા એક સમર્પિ‌ત કોંગ્રેસી. જનસંઘ અને આરએસએસની વિચારધારાને પણ સન્માન આપનારા, દેશ મુસીબતમાં હોય ત્યારે વિરોધીઓની સલાહ પણ લેનારા અને ૧૯૬પમાં ‘ગો ફોરવર્ડ એન્ડ સ્ટ્રાઇક’નો કમાન્ડ આપનારા.હાજીપીર અને તીથવા પાસેથી સૈનિકદળ હટાવવાની સ્પષ્ટ ના કહેનારા.’

આ શબ્દો કોઇ કોંગ્રેસી નેતા, કોઇ ઇતિહાસકારના નથી, આ અને આવા અનેક શબ્દો લાલ કૃષ્ણ અડવાણીએ પોતાની આત્મકથા ‘માય કન્ટ્રી માય લાઇફ’માં લાલ બહાદુર શાસ્ત્રી માટે લખ્યા છે. અનુગામીઓ, સાથીઓ તો માણસને વખાણે, કદાચ માનવજીવનની મોટી સિદ્ધિ એ છે કે તેના વિરોધીઓ પણ તેની કેટલીક બાબતોનાં તો સ્પષ્ટ વખાણ જ કરે’

 જ્વલંત છાયા

jwalant.chhaya@guj.bhaskarnet.com

___________________________________________________________

શાસ્ત્રીજી વ્યસ્તતા વચ્ચેય માતા માટે સમય કાઢતા

નવી દિલ્હીઃ સ્વર્ગસ્થ વડા પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી ખૂબ વ્યસ્ત કાર્યક્રમ છતાં પોતાની માતા રામદુલારી માટે સમય કાઢતા, એમ ‘લાલબહાદૂર શાસ્ત્રી – મેરે બાબુજી’ પુસ્તકમાં એમના પુત્ર સુનીલ શાસ્ત્રીએ લખ્યું છે.

શાસ્ત્રીજીના એમની માતા સાથેના ગાઢ અનુસંધાન એ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે. મા-બાપને અવગણતી અને વિવિધ મુદ્દે એમને દોષ આપતી આજની પેઢીથી વિરુદ્ધ શાસ્ત્રીજીએ એમની માતાને ક્યારેય અવગણ્યાં નહોતાં, એમ સુનીલે લખ્યું છે.

માનસિક કે લાગણીની તાણના સમયમાં પણ તેઓ માતા સાથે થોડીક મિનટ ગાળવાનું ચૂકતાં નહીં. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો વચ્ચે ઘેરાયેલા હોય ત્યારે પણ માતા સાથે થોડો સમય ગાળવામાં એમને શાંતિ મળતી, એમ પણ સુનીલે લખ્યું છે. શાસ્ત્રીજીનું તાશ્કંદમાં ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ અવસાન થયું એના થોડા મહિના પછી દાદીનું અવસાન થયું હતું, એમ એમણે નોંધ્યું છે. આ પુસ્તકમાં જણાવાયા પ્રમાણે રામદુલારીએ પોતાના જીવનના છેલ્લા નવ મહિના લાગણીની દષ્ટિએ ઘણા પીડાભર્યા ગણાવ્યા હતા.

સૌજન્ય- મુંબાઈ સમાચાર.કોમ