૩૧મી ઓક્ટોમ્બર એટલે દેશના અને ગુજરાતના ગૌરવ સમા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ દિવસ.સરદાર વલ્લભભાઈ જયંતિ.
સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ ગુજરાતમાં કરમસદના એક સામાન્ય ખેડુત ઝવેરભાઈ પટેલને ત્યાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. એમનાં માતા-પિતા સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનુયાયી અને ખુબ ધાર્મિક હતાં.વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતમાં પુરું કર્યાબાદ ૧૯૧૦ માં ઇગ્લેંડ ગયા અને ૧૯૧૩માં બેરિસ્ટરની પદવી મળ્યા બાદ ભારત આવી અમદાવાદમાં વકીલાત શરુ કરી હતી . ગાંધીજીથી પ્રભાવીત થઇને તેમની સાથે આઝાદીની ચળવળમાં જોડાઇ ગયાં. તેઓએ ખેડૂતોની આગેવાની લઈને બારડોલી સત્યાગ્રહની ચળવળમાં સફળતા મેળવી.એમની કાર્ય પદ્ધતિ અને નેતાગીરીથી ખુશ થઈને ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બીરુદ આપ્યુ .
ગાંધીજીની સાથે રહીને સરદાર વલ્લભભાઇએ દેશની સ્વતંત્રતાની લડતમાં પાયાનો ફાળો આપ્યો હતો.સરદાર વલ્લભભાઈ આજીવન એમના ગુરુ સમા ગાંધીજીના એક વફાદાર શિષ્ય બનીને રહ્યા હતા.ગુજરાતના આ બે સપૂતોએ વિશ્વમાં ગુજરાતના નામને નવો આયામ આપ્યો છે અને જય જય કાર કર્યો છે.
૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારબાદ અંગ્રેજ સરકારે ડીવાઈડ એન્ડ રુલની નીતિ અખત્યાર કરી દેશને અનેક નાના રાજ્યોમાં વહેંચી દીધો હતો .પોતાની કુનેહ વાપરીને સમજાવટથી સરદાર વલ્લભભાઈએ દેશને એક અખંડ રાષ્ટ્ર બનાવીને ઇતિહાસમાં બીસ્માર્કની જેમ અમર થઇ ગયા .સરદાર વલ્લભભાઇ પટેલમાં એક અજોડ પ્રતિભા હતી.એમની અદ્વિતીય કાર્યક્ષમ નીતિથી કાંગ્રેસમાં જવાહરલાલ નહેરુ કરતાં ય એમણે વધુ પ્રેમ અને માન સંપાદન કર્યું હતું .
દેશની આઝાદી પછી કોંગ્રેસના બહુમતી સભ્યો નહેરુ નહી પણ સરદાર વલ્લભભાઈ દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાય એમ ઇચ્છતા હતા . પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન આપીને એમણે નહેરુની તરફેણમાં પોતાનો દેશના આ સર્વોચ્ચ પદનો દાવો જતો કરી એક અજબ ત્યાગ અને ગાંધીભક્તિની મિશાલ ખડી કરી હતી.બહુમતી મતો પ્રમાણે જો વલ્લભભાઈ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત તો કદાચ દેશનો ઇતિહાસ જુદો જ હોત અને આજદિન સુધી દેશને માટે કાંટા રૂપ બનેલો કાશ્મીરનો પ્રશ્ન જ ઉભો થયો ન હોત.
કેવા સંજોગોમાં વલ્લભભાઈ નહીં પણ નહેરુ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા અને ગાંધીજીના હાથે વલ્લભભાઈને કેવો અન્યાય થયો એને ઉજાગર કરતો નીચેનો વિડીયો જોવા જેવો છે. જેના ઉપરથી એ વખતની આખી પરિસ્થિતિનો ખ્યાલ આવશે.
How Nerue became First Prime Minister
દેશ માટે આટલો બધો ત્યાગ આપનાર વલ્લભભાઈના કોઈ વારસ વિષે આપણે આજે કશું જાણતા નથી, જ્યારે નહેરુના વંશજોએ આજ દિન સુધી દેશ ઉપર સતાની પકડ ટકાવી રાખી છે.હજુ આવતી ચૂંટણીમાં રાહુલ ગાંધીને દેશના વડા પ્રધાન બનાવવાની પેરવીઓ અને રાજકારણની રમતો રમાઈ રહી છે.ભારતના રાજકીય ઈતિહાસની આ કેટલી વિચિત્ર બલિહારી કહેવાય !
દેશને બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે ? કોણ જાણે ? ડીસેમ્બર, ૧૯૫૦ માં મુંબઈમાં એમનું અવસાન થયું ત્યારે દેશ માટે છેલ્લી ઘડી સુધી લડનાર એક મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો દેશની જનતાને આધાત લાગ્યો હતો.
ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈનું નામ સાંભળતાની સાથે જ દરેક ગુજરાતી એક પ્રકારનો ગર્વ અનુભવે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સદીઓ સુધી સરદાર વલ્લભભાઈનું નામ અમર રહે અને સૌને પ્રેરણા આપતું રહે એ માટે ગુજરાત સરકાર સૌના સહકારથી દુનિયાનું સૌથી ઉંચામાં ઊંચું સરદારનું સ્મારક STATUE OF UNITY ગુજરાતમાં નર્મદા કાંઠે બનાવવાની યોજનાને અમલી બનાવી રહી છે.દેશના આ સપૂતના કાર્યો માટે એ ખરેખર યોગ્ય અંજલિ બની રહેશે..
નીચેના વિડીયોમાંથી આ યોજનાની બધી વિગતવાર માહિતી મળશે.
STATUE OF UNITY:
TALLEST STATUE IN WORLD; HONORING SARDAR VALLABHBHAI PATEL
વાચકોના પ્રતિભાવ