વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(121 ) મહાન પુરુષોનો વિનોદ (હાસ્ય યાત્રા શ્રેણી -ભાગ -5)

વિનોદ વિહારની હાસ્ય શ્રેણીની પાંચમી પોસ્ટમાં આજે કેટલાક  આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવનાર મહાન પુરુષો,સંતો ,શોધકોના જીવનના  હાસ્ય પ્રસંગો રજુ કરવામાં આવ્યા છે.

આ બધા મહાન  પુરુષો દેશ અને દુનિયાના પ્રશ્નો ઉકેલવામાં રાત  દિવસ ગંભીરતા પૂર્વક કાર્ય રત રહેતા હોવા છતાં પ્રસંગોપાત રમુજ કે ખડખડાટ હસવાની કોઈ તક હોય તો ઝડપી લઈને ગંભીર વાતાવરણને હળવું ફૂલ કેવી રીતે બનાવી દે છે એ આ પોસ્ટમાં રજુ કરેલા રમુજી પ્રસંગો ઉપરથી જાણવા અને શીખવા મળે છે.

મને આશા છે આપને આ બધા મહાન પુરુષોનો વિનોદ માણવાનું ગમશે  અને હળવા બનાવશે. એમની માફક તમારા જીવનમાં પણ   હાસ્યને  વણી લેવાની   પ્રેરણા   પૂરી પાડશે.  

સંકલન — વિનોદ આર.પટેલ 

_____________________________________________________________________

મહાન પુરુષોનો વિનોદ

1932માં મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ અને મહાદેવ દેસાઈ યરવડાની જેલમાં હતા, ત્યારે ગાંધીજીએ એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે સરકાર તેમને ઓછામાં ઓછાં 5 વર્ષ સુધી જેલમાં રાખશે. પણ એ દરમિયાન ‘ક્રોનિકલ’માં એવા સમાચાર પ્રગટ થયા કે ગાંધીજીને ત્રણ વર્ષ જેલમાં રાખવાના છે. આ સંદર્ભે ગાંધીજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં સરદાર પટેલને કહ્યું: ‘જુઓ, હું તો પાંચ વર્ષ કહેતો હતો, પણ આ તો બે વર્ષ ઓછાં થઈ ગયાં !’

વલ્લભભાઈએ તેમની આ હાસ્યવૃત્તિ પર કટાક્ષ કરતાં કહ્યું : ‘તમે તો પેલા નાગા જેવું કરો છો. કોઈકે કહ્યું : ‘અલ્યા, તારી પૂંઠે બાવળિયો ઊગ્યો, તો એ બોલ્યો : ‘ભલે ઊગ્યો છાંયડો થશે !

[2]

એકવાર કોઈ અટકચાળી વ્યક્તિએ અહિંસા ઉપર કટાક્ષ કરતો એક પત્ર મહાત્મા ગાંધીને લખ્યો : ‘આપણે ધરતી પર ચાલીએ છીએ ત્યારે અસંખ્ય કીડીઓ ને બીજા જીવ-જંતુઓ આપણા પગ તળે ચગદાઈ જાય છે. એ હિંસા કઈ રીતે અટકાવી શકાય ?’

ગાંધીજીએ પત્ર સરદાર પટેલને આપ્યો. તેમણે ખડખડાટ હસતાં કહ્યું : ‘બાપુ ! એને લખો કે પોતાના પગ માથા પર રાખીને ચાલે !’

[3]

આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’

એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’

[4]

મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા. તેમણે ઊભા થઈને જોયું તો ચાર અતિથિઓ પધાર્યા છે. એકનાથે પ્રેમપૂર્વક તેમને આવકાર્યા અને ભીનાં વસ્ત્રો કોરાં કરવાની વ્યવસ્થા કરી આપી. સાથોસાથ પત્નીને કહ્યું : ‘અતિથિઓ માટે જલદી રસોઈ બનાવી નાખ.’

પત્નીએ દબાયેલા સ્વરમાં જણાવ્યું : ‘ઘરમાં બળતણ નથી અને કાલે આવેલો લાકડાનો ભારો આ વરસાદમાં પલળી ગયો છે.’

‘તું એની ચિંતા ન કર અને રસોડામાં જઈને તૈયારી કરવા લાગ, હું હમણાં લાકડાં લાવી આપું છું.’ એકનાથે કહ્યું. અને ખરેખર થોડીવારમાં જ, પત્નીના આશ્ચર્ય વચ્ચે તેમણે સૂકાં લાકડાંનો ભારો એની સામે રાખી દીધો, અને હસતાં-હસતાં અતિથિઓ સાથે જઈને બેઠા.

વરસાદ બંધ પડ્યો અને ભોજન કર્યા પછી અતિથિઓએ વિદાય લીધી ત્યારે એકનાથ ભોંયે ચાદર પાથરીને આડા પડ્યા. રસોડાનું કામ પતાવીને આવેલી પત્નીએ તેમને ભોંયે સૂતા જોઈ નવાઈ પામીને પૂછ્યું : ‘ખાટલો ક્યાં ગયો ?’

‘તેં રસોઈ બનાવી એ બળતણ ભલા ક્યાંથી આવ્યું ?’ એકનાથે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.

[5]

વિનોબા ભાવેને દક્ષિણ ભારતના એક કાર્યકરે પૂછ્યું : ‘વિજ્ઞાનમાં જેવી રીતે વસ્તુનિષ્ઠ કસોટીઓ હોય છે, તેવી રીતે આત્મજ્ઞાનમાં પણ કસોટીઓ ખરી ?’

વિનોબાએ હસતાં હસતાં કહ્યું : ‘કોઈના ગાલ પર તમાચો મારો ને તરત જ પારખી લો. જો એને ક્રોધ આવે તો સમજી લેવાનું કે આત્મજ્ઞાની નથી ! બસ આ છે આત્મજ્ઞાનની કસોટી !’

[6]

નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડેલા એક ભક્તે રમણ મહર્ષિ સામે પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું : ‘એવા જીવન કરતાં તો મૃત્યુ બહેતર છે !’ એ વખતે મહર્ષિ ખાખરાનાં પાંદડાંની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે પોતાનું કામ ચાલુ રાખતાં કહ્યું : ‘આ તૈયાર થયેલી પતરાવળીઓ ઉકરડે ફેંકી આવો. પછી આપણે શાંતિપૂર્વક એ અંગે વિચાર કરીએ.’

‘આપ શું કહો છો પ્રભુ !’ એણે નવાઈ પામતાં પૂછ્યું, ‘આટલા શ્રમથી તૈયાર કરેલી પતરાવળીઓ વાપર્યા વગર ઉકરડે ફેંકી દેવાનો શું અર્થ?’

મહર્ષિએ હસીને જવાબ આપ્યો : ‘વત્સ ! આવી જ રીતે આ અણમોલ માનવ અવતારનો યોગ્ય ઉપયોગ કર્યા વગર એનો અંત લાવી દેવાનો વિચાર પણ એક મૂર્ખતા છે!’

[7]

ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’

ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાનનો !’

[8]

એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા.એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને આરામથી જલ પીઓ.’

કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : ‘તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?’

કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : ‘જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !’

9]

એકવાર લિંકન પાસે ફરિયાદ લઈને ગયેલો ઓફિસર ઉશ્કેરાટમાં વચ્ચે-વચ્ચે અપશબ્દ બોલતો હતો. લિંકને એને અટકાવતાં કહ્યું : ‘ભલા માણસ, મારી સામે આટલો બફાટ કાઢવા કરતાં એ માણસને ધધડાવતો એક જોરદાર પત્ર લખી નાંખતો હોય તો ? લે આ કાગળ અને અત્યારે જ અહીં બેસીને લખી નાંખ!’

ગુસ્સે ભરાયેલ એ ઑફિસરે એવું જ કર્યું. એણે પોતાનો બધો ગુસ્સો પત્રમાં ઠાલવી દીધો. એ પછી હળવાશ અનુભવતાં એણે લિંકનને એ પત્ર વાંચવા આપ્યો.

‘વાહ તેં તો જોરદાર પત્ર લખ્યો છે !’ લિંકને મલકાતાં કહ્યું, ‘આવું તો મને પણ લખતાં ન આવડે !’

ઑફિસરે પ્રસન્ન થતાં પૂછ્યું : ‘હવે શું ?’

લિંકને પણ એ જ શૈલીમાં જવાબ આપ્યો : ‘હવે શું – હવે કાંઈ નહિ !’ અને માર્મિક ઢબે હસવા લાગ્યા. એ ઑફિસર તો ડઘાઈ ગયો અને લિંકનને બાઘાની જેમ જોઈ રહ્યો. ત્યારે લિંકને આદેશ આપ્યો : ‘જાઓ, આ પત્ર પેલી સગડીમાં નાખી દો. મને પણ જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે હું આવું જ કરું છું. આમ કરવાથી મનનું ઝેર બહાર નીકળી જાય છે ને આપણને શાંતિ મળે છે !’

[10]

બાળગંગાધર ટિળકને કોઈએ પૂછ્યું : ‘શાસ્ત્રીજી ! આપણાં શાસ્ત્રોમાં સારો વર મેળવવા માટે કન્યાઓને ગૌરીવ્રત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવી રીતે પુરુષો માટે સારી પત્ની મેળવવા માટે શા માટે કોઈ વ્રતની ભલામણ કરવામાં આવી નથી ?’

‘એટલા માટે કે બધી સ્ત્રીઓ જન્મજાત સારી હોય છે !’ ટિળકે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.

[11]

ભારતીય ઈતિહાસવિદ કાશીપ્રસાદ જયસ્વાલ એક્વાર કવિ મોહનલાલ મહતો સાથે ગપસપ કરી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં લંડનથી આવેલા તેમના બેરિસ્ટર મિત્ર તેમને મળવા પહોંચ્યા. ત્યાંથી વાતો દરમ્યાન તેમણે કહ્યું કે અંગ્રેજો યોગ પ્રત્યે અનન્ય જિજ્ઞાસા અને અભિરૂચિ ધરાવે છે.

અંગ્રેજો પ્રત્યેનો તેમનો એ અહોભાવ જોઈને કાશીપ્રસાદને ગમ્મત સૂઝી. તેમણે મોહનલાલ તરફ ઈશારો કરીને કહ્યું : ‘આ ભાઈ દેખાવે ભલે સામાન્ય માણસ લાગતા હોય, પણ ખરેખર તેઓ એક સિદ્ધ યોગી છે. એક વાર હું મારા કુટુંબ સાથે નેપાળ ગયો હતો ત્યારે તેમને અમારી સાથે ન લઈ ગયો. પણ કાઠમંડુ પહોંચતાં જ અમે તેમને અમારી હોટલના કાઉન્ટર પર ઊભેલા જોયા. ત્યાં પૂછપરછ કરતાં ખબર પડી કે તેઓ એક અઠવાડિયાથી એ જ હોટલમાં રોકાયા છે. અમે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં, કેમ કે ચાર દિવસ પહેલાં જ તેઓ અમારી સાથે પટણામાં હતા. આ રીતે કોઈ વ્યક્તિ એક જ સમયમાં બે જગાએ કેવી રીતે હોઈ શકે ? આવી છે તેમની યોગસિદ્ધિ !’

બેરિસ્ટર સાહેબ તરત જ મોહનલાલ મહતોના પગે પડી ગયા : ‘બાબા, આમિ આર તોમાકી છાડિબો ના. આમાર ઉદ્ધાર કરો !’

મહતો પોતાનું હસવું રોકી શક્યા નહિ અને તેમણે સ્પષ્ટતા કરી : ‘કાશીબાબુ તો મશ્કરી કરે છે. મારામાં એવી કોઈ શક્તિ નથી.’ પણ તેમને એ સ્પષ્ટતામાં વિશ્વાસ પડ્યો નહિ. અને તેઓ મહતોના ઘરનું સરનામું લઈને ઝંપ્યા. વળી જતાં જતાં કહેતા ગયા કે : ‘કાલે સાંજે ઘેર રહેજો. હું તમારે ત્યાં આવું છું.’

તેમના ગયા પછી બંને જણ ખૂબ હસ્યા. કાશીબાબુએ કહ્યું : ‘જોયું તમે! વિલાયત ભણીને આવ્યો છે, પણ અક્કલનો ઓથમીર છે !’

[12]

લિવરપુલનાં શ્રીમતી મારિયા થેરેસાએ અદાલતમાં અરજી કરી કે મારા પતિ આખો દિવસ મારી સાથે ઝગડ્યા કરે છે અને મારી સાથે શાળાનાં બાળકો જેવો વ્યવહાર કરે છે. ક્યારેક સ્ટૂલ ઉપર ઊભા થઈ જવાની શિક્ષા કરે છે, તો ક્યારેક સો વખત એવું લખવાનું કહે છે કે, ‘હું હવે નહિ ઝગડું અને રોજ સવારે વહેલી ઊઠીશ.’

તેમની આ ફરિયાદ ઉપર ન્યાયાધીશે કાનૂની અને માનવીય બંને દષ્ટિથી વિચાર કર્યો અને છૂટાછેડાની માગણીનો અસ્વીકાર કરતાં તેમના પતિને ચેતવણી આપી કે તેઓ મારિયા થેરેસા સાથે પુખ્ત વ્યક્તિ જેવો વ્યવહાર કરે.

[13]

એકવાર નહેરુ ચૂંટણી પ્રચાર માટે વિંધ્યાચલ પર્વત પાસે આવેલ શહેર મિરજાપુર જઈ રહ્યા હતા. રસ્તામાં આવેલ એક ઘાટ પાસે કેટલાક ડાકુઓએ એમની કાર અટકાવી. નહેરુએ બહાર નીકળીને કહ્યું : ‘હું જવાહરલાલ નહેરુ છું. બોલો, તમને શું કામ છે ?’ ડાકુઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને કોઈ સૂઝ ન પડતાં, તરત જ નીચે નમીને નહેરુને પ્રણામ કર્યા અને રૂપિયાથી ભરેલી એક થેલી ભેટ આપી.

ચૂંટણી મુકામે પહોંચ્યા પછી ત્યાંના વ્યવસ્થાપકે પૂછ્યું : ‘તમને રસ્તામાં કોઈ મુશ્કેલી તો નથી નડી ને ?’

‘અરે! મુશ્કેલી?’ નહેરુએ પોતાની સ્વસ્થતા પ્રગટ કરતાં કહ્યું : ‘અમને તો કેટલાક અજાણ્યા માણસોએ કાર રોકીને રૂપિયાની થેલી ભેટ આપી છે !’

‘પંડિતજી! એવા સજ્જન માણસો તો આ વિસ્તારમાં જોવા નથી મળતા!’ એ ભાઈએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું : ‘અહીં તો કાર રોકીને લૂંટફાટ કરનારા લોકો ભર્યા પડ્યા છે !’

‘વાહ ! તો પછી હું ડાકુઓનો સરદાર ગણાઉં !’ નહેરુએ ખડખડાટ હસતાં કહ્યું અને રસ્તાનો બનાવ સંભળાવ્યો. એ પછી તો ત્યાં ઉપસ્થિત બધા લોકો ખૂબ જ હસ્યા.

[14]

જનરલ કરીઅપ્પ્પાના ભાઈ કુમારપ્પા પહેલીવાર ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમે પહોંચ્યા. ત્યાં માથે ફાળિયું બાંધેલો એક ડોસો સાફસૂફીનું કામ કરી રહ્યો હતો. કુમારપ્પાએ તેમને પૂછ્યું : ‘ગાંધીજીને જણાવો કે જનરલ કરીઅપ્પાના ભાઈ તેમને મળવા આવ્યા છે.’

એ ડોસાએ તેમને સામે પ્રશ્ન કર્યો : ‘ગાંધીજીએ તમને કેટલા વાગ્યાનો સમય આપ્યો છે?’

કુમારપ્પાએ એ પૂછપરછ પ્રત્યે અણગમો પ્રગટ કરતાં કહ્યું : ‘એનું તારે શું કામ છે ? તું તારે જઈને ખબર આપ. જો કે એમણે ચાર વાગ્યે મળવાનો સમય આપ્યો છે.’

‘પણ હજી તો સાડાત્રણ જ વાગ્યા છે !’ ડોસાએ તેમને જણાવ્યું.

કુમારપ્પા ચિડાઈ ગયા : ‘ડહાપણ કર્યા વગર હું કહું છું એમ કર!’

આથી એ ડોસો અંદરના ખંડમાં ચાલ્યો ગયો અને થોડીવારે પાછો આવીને બોલ્યો : ‘સાહેબ ! આપ બેસો. ગાંધીજી આપને ઠીક ચાર વાગ્યે મળશે.’ કુમારપ્પા બેઠકખંડની ગાદી પર બેસી ગયા. બરાબર ચાર વાગ્યે એ ડોસાએ પોતાના માથેથી ફાળિયું કાઢી નાંખ્યું અને કુમારપ્પાને પૂછયું : ‘બોલો સાહેબ ! શું કામ છે ? મને જ લોકો ગાંધીજી કહે છે !’

[15]

રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટનાં પત્ની સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં હતાં. એકવાર તેઓ નારી નિકેતન જેવી કોઈ સંસ્થાની ઑફિસમાં બેઠાં હતાં ત્યારે એક યુવતીએ તેમને કહ્યું: ‘મારું લગ્ન થયે હજી એક જ વર્ષ થયું છે, પણ કોણ જાણે શાથી મને પહેલાં જેવું દાંપત્યસુખ મળતું નથી.’

તેમની બધી વાત સાંભળી લીધા પછી શ્રીમતી રૂઝવેલ્ટે પૂછ્યું : ‘તમે કદી તમારા પતિ સાથે ઝગડ્યાં છો ખરાં ?’ એનો જવાબ નકારમાં મળતાં, બીજો પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી તમારા પતિ સાથે કદી રિસાયાં છો ખરાં ?’ એનો જવાબ પણ ‘ના’માં મળ્યો. એ પછી તો રૂઝવેલ્ટ ખડખડાટ હસી પડ્યાં. એ જોઈને એ યુવતી આશ્ચર્ય પામી. ત્યારે તેમણે એના ગાલે હળવી ટપલી મારતાં કહ્યું : ‘બેબી ! તમે ખરેખર હજી પરણ્યાં જ નથી ! પહેલાં પરણો, પછી ઝગડો, એ પછી રિસાઓ, ત્યારે જ તમને મારી સલાહ કામ લાગશે !’

[16]

અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જોન્સને ગ્રેટ બ્રિટનના લોર્ડ સ્નોડન અને રાજકુંવરી માર્ગરેટ માટે એક સત્કાર સમારંભ યોજ્યો હતો. ત્યારે કોઈએ ગમ્મતમાં તેમને પૂછ્યું : ‘તમારી પત્નીને ખુશ રાખવા માટે તમે શું કરો છો ?’

તેમણે એનો જવાબ આ પ્રમાણે આપ્યો: ‘પત્નીને ખુશ રાખવા માટે બે વસ્તુઓ જરૂરી છે. – એક એને એ વિચારવા દો કે એનો પોતાનો સ્વતંત્ર અભિગમ છે અને બીજી એ કે, એ અભિગમ એને માણવા દો.’

[17]

ગુરુ નાનકદેવ એકવાર હરદ્વાર ગયા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો પૂર્વ દિશા તરફ મોં કરીને પોતાના પૂર્વજોને અંજલિ આપી રહ્યા છે. તેમની એ મૂર્ખતાને ચૂંટિયો ભરવા માટે પોતે આથમણી દિશામાં મોં કરીને ખોબે ખોબે પાણી ઉલેચવા લાગ્યા. એ જોઈ એક પંડાએ કહ્યું : ‘અલ્યા ! આ શું કરી રહ્યો છે ?’

‘મહારાજ ! મારું ગામ આ દિશામાં છે. ત્યાં આવેલ મારા ખેતરને હું પાણી સિંચી રહ્યો છું.’

‘તારું માથું તો ખસી નથી ગયું ?’ પંડાએ તેમના ઉપર ઉપહાસ કરતાં કહ્યું, ‘આ રીતે તારા ગામના ખેતર સુધી કંઈ પાણી પહોંચી શકે ?’

ગુરુનાનકે હસીને જવાબ આપ્યો : ‘મહારાજ ! તમે લોકોના મરી ગયેલા બાપદાદાઓ માટે સ્વર્ગ સુધી પાણી પહોંચાડી શકો છો, તો હું અહીં ઢૂંકડે આવેલ મારા ગામ સુધી પાણી કેમ ન પહોંચાડી શકું ?’ ત્યાં ઉપસ્થિત યાત્રીઓ ગુરુ નાનકનો આ કટાક્ષ સાંભળીને હસી પડ્યા. પંડાએ ચિડાઈને કહ્યું : ‘ભણેલા લોકોની મૂર્ખતા આવી જ

_________________________________________________________

આભાર- શ્રી ભીખુભાઈ મિસ્ત્રી ,હ્યુસ્ટન .

4 responses to “(121 ) મહાન પુરુષોનો વિનોદ (હાસ્ય યાત્રા શ્રેણી -ભાગ -5)

  1. નિરવ ની નજરે . . ! નવેમ્બર 2, 2012 પર 5:04 પી એમ(PM)

    અત્યંત મજેદાર પ્રસંગો . . મારા તરફથી પણ એક સ્વીકારશો . .

    બ્રિટન ના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ એકવાર જંગલમાં પોતાના સાથીઓ સાથે જઈ રહ્યા હતા , પણ સમય જતા તેઓ વિખુટા પડી ગયા અને રસ્તો ભટકી ગયા . . ત્યાં ચાલતા ચાલતા તેઓએ આગળ એક ખુલ્લી જગ્યામાં એક રહેઠાણ જેવું કશુક જોયું ! અને તેઓ ત્યાં પહોંચ્યા . તે રહેઠાણ ની બહાર બેઠેલા બે ત્રણ લોકોને તેઓએ પૂછ્યું કે ભાઈ આ કઈ જગ્યા છે અને અહી થી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ? તે લોકોએ કહ્યું કે પ્રથમ તમારું નામ જણાવો , બીજી વાત બાદમાં . .

    ચર્ચીલે કહ્યું : મારું નામ ચર્ચિલ છે અને હું બ્રિટનનો વડાપ્રધાન છું . . એ સાથે જ તે સૌ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું કે અહી આવનાર સર્વે લોકો , આવાજ કઈક ગપ્પા મારે છે 🙂 તે સાંભળી ચર્ચિલ આંચકો ખાઈ ગયા અને તે મકાન ની ઉપરનું સાઈનબોર્ડ વાંચ્યું તો ; લખ્યું હતું . . . ” પાગલખાનું ” !!!

    Like

  2. pragnaju નવેમ્બર 2, 2012 પર 11:51 પી એમ(PM)

    આપના વિવિધ વિષયના સંકલનો ખૂબ સુંદર સંગ્રહ કરવા જેવા છે.જુદા જુદા વિષય વાર ઇ પુસ્તક રુપે સચવાય તો
    રેફરન્સ કરવાનું સરળ રહે

    Like

  3. સુરેશ જાની નવેમ્બર 3, 2012 પર 1:12 એ એમ (AM)

    એકે એક મસ્ત છે.
    પણ એક એક કરીને મૂક્યા હોત તો વાંચવાની વધારે મજા આવત. આટલો મોટો ઢગલો ભાર રૂપ લાગ્યો !

    Like

  4. chandrakant નવેમ્બર 3, 2012 પર 1:59 એ એમ (AM)

    Vinodbhai nice mast che to day link joi che
    નાના મોટા માણસ, ઝીણી ઝીણી વાત – સં. પ્રકાશ વેગડ

    Posted by Devanshi Bhatt on November 1, 2012 at 5:50pm must see,&read

    Like

Leave a reply to નિરવ ની નજરે . . ! જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.