
હસો અને હસાવો
આપણે નવા સંવત વર્ષ 2069 માં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આ પ્રવેશ હસતાં હસતાં કરીએ તો કેવું ?
આજની પોસ્ટમાં હાસ્ય યાત્રા શ્રેણીમાં જાણીતા અને લોક પ્રિય હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડના પુસ્તક ‘મારે ક્યાં લખવું હતું ?’માંથી શિક્ષકોના
બહારવટાનો હાસ્યલેખ અને એક ચિંતનાત્મક લેખ “પંખીઓનો મેળો” એમના આભાર સાથે મુક્યા છે,
આ બે લેખ વાચી અને બે વિડિયો નિહાળી બે ઘડી હસી લઈને હળવા બનો
વિનોદ પટેલ
_______________________________________________________________
શિક્ષકોનું બહારવટું
એક વાર શિક્ષક-મિત્રો સૌ ચર્ચાએ ચડ્યા. સર્વશ્રી શાહ, શુક્લ અને
સાકરિયા, દોશી, દક્ષિણી અને દવે-જોષી, જાની અને મુલતાની –
રાઠોડ, રાણા, ચૌહાણ અને પઠાણ તેમ જ અન્ય શિક્ષક-મિત્રો,
જિલ્લામાંથી આવેલા નિરીક્ષકો સૌ એવા ચર્ચાએ ચઢ્યા કે બપોરના
ભોજન માટે વારંવાર વિનંતી કરવા છતાં કોઈ મંચ છોડતા નહોતા.
દોશીસાહેબે કહ્યું : ‘ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે.
દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કાર્ય આપણે કરી રહ્યા
છીએ, છતાં સમાજમાં આપણું જોઈએ તેવું માન નથી, સન્માન
નથી, સ્થાન નથી. આપણે નીકળીએ ત્યારે વાલીઓ અદબથી ઊભા
નથી થઈ જતાં. આ પરિસ્થિતિ શોચનીય છે, વિચારણીય છે.’
શ્રી સાકરિયા સાહેબે કહ્યું : ‘સન્માન એ વ્યક્તિની યોગ્યતા પ્રમાણે
આપોઆપ પ્રાપ્ત થાય છે કે એ મેળવી લેવું પડે છે ? આ મુદ્દો સ્પષ્ટ
થાય તો વધુ સારું.’ તરત જ શિક્ષકો બે વિભાગોમાં વહેંચાઈ ગયા.
એક વર્ગે કહ્યું : ‘જો આપણામાં લાયકાત હશે તો સન્માન
આપોઆપ મળી જશે.
“માનવતાનું કાર્ય કરતાં કીર્તિ એ આવી પડેલી આપત્તિ છે.” આવું
ડૉક્ટર આલ્બર્ટ સ્વાઈટ્ઝર કહેતા.’ જ્યારે બીજા વર્ગની એવી
દલીલ હતી, ‘માગ્યા વગર મા પણ પીરસતી નથી, માટે સમાજ
સન્માન આપશે એવી વ્યર્થ આશામાં જીવવા કરતાં કર્મવીરની જેમ
મેળવી લેવા પ્રબળ પુરુષાર્થ કરવો.’
શ્રી ઠાકરસાહેબે કહ્યું : ‘પ્રયત્ન કરવા છતાં પણ જો સન્માન ન મળે
તો ? તો શું કરવું ?’
અને અચાનક ઊભા થઈ શ્રી રાણાસાહેબે કહ્યું : ‘બહારવટે ચડવું.’
રાણાસાહેબના ચહેરા ફરતું તેમનું વર્તુળ જોવા સૌ પ્રયાસ કરવા
માંડ્યા. આવેશમાં અને વીરરસના સંચારને લઈ રાણાસાહેબનું
અંગ ધ્રૂજવા લાગ્યું. તેમણે કહ્યું : ‘બહારવટે ચડવું ! પ્રાચીન કાળમાં
જ્યારે સ્વમાનનો ભંગ થતો ત્યારે વીર પુરુષો બહાર રહી વટ
રાખતા, જેથી બહારવટિયા કહેવાતા. આપણે પણ આપણા માનને
ખાતર, સ્થાનને ખાતર બહારવટે ચડવું.’ સમગ્ર શિક્ષણજગત માટે
આ વિચાર ક્રાંતિકારી હતો, જલદ હતો, પોતાની અને સમાજની
ઊંઘ ઉડાડી દે તેવો હતો. નવી ભરતી થઈ હોય તેવા યુવાન શિક્ષકો
પોતાનું શૌર્ય અને પરાક્રમ દાખવવા થનગની ઊઠ્યા. અમુકે શોર
મચાવ્યો, ‘બહારવટે ચડવું ! બહારવટે ચડવું !’ અમુક ખંધા
અનુભવી શિક્ષકોએ બહારવટે ચડી, લૂંટ ચલાવી, જો માત્ર સંપત્તિ
જ પ્રાપ્ત કરવી હોય તો તે બહારવટે ચડ્યા વગર પણ કઈ-કઈ
રીતે સહેલાઈથી મેળવી શકાય તેવા ટૂંકા રસ્તા સૂચવ્યા, પરંતુ એ
માન્ય રહ્યા નહિ.
પરંતુ નિષ્ઠાવાન, બુદ્ધિમાન ગણાતા દવેસાહેબ જેવાની વાત
વિચારવામાં આવી. દવેસાહેબે કહ્યું : ‘હક્ક-રજાઓ વ્યર્થ જાય તે
પહેલાં મેળવી લ્યો. પ્રાયોગિક ધોરણે બહારવટાનો પ્રાથમિક
અનુભવ પ્રાપ્ત કરો અને એમાં જો સફળતા મળે તો જ કાયમી
ધોરણે બહારવટું અપનાવવું, નહિતર નહિ.’ શ્રી દવેસાહેબની વાત
સૌને વાજબી લાગી. જેને જે પ્રકારની રજા પ્રાપ્ત હોય તે પ્રમાણે
રજા-રિપોર્ટો ભરવાનું નક્કી થયું અને પ્રથમ બહારવટાનો અનુભવ
મેળવી પછી જ અંતિમ નિર્ણય લેવો એવું સર્વાનુમતે નક્કી થયું.
બીજે દિવસે સૌએ ગૌરવભેર શાળામાં પ્રવેશ કર્યો, વિધિસર રજા-
રિપોર્ટો રજૂ કર્યા અને શાળાનો ત્યાગ કરી સૌ ચાલી નીકળ્યા અને
પહોંચ્યા બજારમાં. બજારમાંથી પ્રાથમિક ખરીદીનું મહત્વનું કાર્ય
સૌ પ્રથમ પૂર્ણ કરવાનું હતું તેનો પ્રારંભ કરવામાં આવ્યો. શાહીના
બ્લ્યુ, લાલ અને લીલા રંગના ખડિયા ખરીદ્યા. મહત્વની બાબત
હોય તો જ લાલ શાહીનો ઉપયોગ કરવો અને જે મંજૂર કરવામાં
આવે ત્યાં લીલી શાહીથી લખવું – આમ નક્કી થયું. પચીસ ઘા
કાગળની ખરીદી થઈ. ઉપરાંત ફૂટપટ્ટીઓ, પેન્સિલો, રબ્બરો, પેનો
અને બોલપેનો, ફાઈલો અને થોડાં પુસ્તકો ખરીદવામાં આવ્યાં.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈના ‘સોરઠી બહારવટિયા’
અને ‘ દરિયાપારના બહારવટિયા’ વગેરે પુસ્તકો જે મળ્યાં તે
લેવામાં આવ્યાં. અસલ કાઠિયાવાડી દોહાસંગ્રહ અને શૌર્યગીતોના
સંગ્રહો વસાવવામાં આવ્યા. આટલી સામગ્રીથી સજ્જ થઈ અર્ધી-
અર્ધી ચા પીને સૌએ વનવગડાની વાટ લીધી. ‘ચાલ્યો ઘોર
રજનીમાં ચાલ્યો, માર્ગ જ્યોતિ અનુપમ ઝાલ્યો’ – આવું
ગુજરાતીના શિક્ષક શ્રી બાબરિયાએ ગાયું. બાંડિયાવેલીના રસ્તે
પ્રયાણ કરતાં સૌ માંડવામાં આવી પહોંચ્યા. મહાનદીના કાંઠે ભેખડો
જોઈ આચાર્ય શ્રી રાઠોડે કહ્યું : ‘બહારવટિયાને રહેવાને અનુકૂળ
એવા ભયાનક સ્થાનમાં આપણે આવી પહોંચ્યા છીએ.’ એટલે
નદીના કાંઠે બગલા બેસે એમ શ્વેત વસ્ત્રોમાં શોભતો શિક્ષક-સમુદાય
બેસી ગયો.
ચોકસાઈ એ જીવનમાં સ્વીકારવા જેવો સદગુણ છે, માટે આપણે
પ્રત્યેક કાર્ય ચોકસાઈપૂર્વક કરવું – આમ વિચારી કાર્યના પ્રારંભમાં
બે-ત્રણ ઘા કાગળ વાપરી નાખવામાં આવ્યા. અનેક પ્રકારનાં
પત્રકો બનાવવામાં આવ્યાં. ઉદાહરણ રૂપે એક પત્રક નંબર ‘અ’ –
એક અનુક્રમ નંબર, ઘટનાસ્થળ, લૂંટમાં મેળવેલ માલ – ‘આ’
ખાનાનાં પાછાં બે પેટા ખાનાં – રોકડ અને દાગીના, લૂંટમાં
બતાવેલ પરાક્રમ, લૂંટનો માલ ખરીદનારની સહી, લૂંટનો માલ
વેચનારની સહી અને છેલ્લું ખાનું રિમાર્કનું. કોઈએ સૂચન કર્યું, ‘ત્રણ
ઠેકાણેથી ટેન્ડર લઈ કોઈ પણ કાર્ય કરવું, જેથી ઑડિટ
ઓબ્જેક્શનની તકલીફ ન રહે.’
પત્રકોનું કાર્ય પૂર્ણતાએ પહોંચ્યા પછી જુદી જુદી સમિતિઓની
રચના કરવામાં આવી. સૌ પ્રથમ શસ્ત્ર-સમિતિનું નિર્માણ થયું. તેના
પ્રમુખ અને મંત્રી નિમાઈ ગયા. સાથે નોંધ કરવામાં આવી : ‘હાલ
તુરત આપણે દંડા, સોટીઓ, લાઠીઓ, ચાકુ તેમ જ ગડદિયાથી
કામ ચલાવવું, પરંતુ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થતાં જાનહાનિ કરી
શકાય એ કક્ષાનાં હિંસક શસ્ત્રો પણ વસાવી લેવાં, જેનો ઉપયોગ
સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર થયા પછી પ્રમુખશ્રીની
મંજૂરી પછી થશે.’
ત્યાર બાદ અન્વેષણ-સમિતિની નિમણૂક થઈ, જેનું કાર્યક્ષેત્ર હતું
ક્યાં-ક્યાં લૂંટ કરવા જેવી છે, ક્યાં ધાડ પાડવામાં ઓછું જોખમ રહેલું
છે તેની તપાસ કરવી અને અહેવાલ કારોબારીમાં રજૂ કરવો. તેના
હોદ્દેદારો પણ નિમાઈ ચૂક્યા. હવે રચના થઈ લલકાર-સમિતિની, જે
યુદ્ધ જેવા પ્રસંગો આવી પડે તો શૌર્યગીતો ગાઈ, વીરરસના દુહાઓ
રજૂ કરી, સૌમાં જોમ અને જુસ્સો જગાવે. આ સમિતિનું કાર્ય અને
હોદ્દેદારોની નિમણૂકની કાર્યવાહી પૂરી થઈ. વ્યાયામ-શિક્ષક શ્રી
પઠાણના સૂચનથી એક શિસ્ત-સમિતિની રચના કરવામાં આવી.
સમગ્ર યુદ્ધનું સંચાલન શિસ્તબદ્ધ રીતે થાય તેની જવાબદારી તેમને
અને શ્રી મોથલિયાને સોંપવામાં આવી. યુદ્ધપ્રસંગે શિક્ષકગણની
આગેવાનીનું સુકાન આચાર્ય શ્રી રાઠોડે સંભાળવું અને તેમને
અચાનક ક્યાંક કાર્યક્રમ નિમિત્તે જવાનું થાય તો આગેવાની શ્રી
મુલતાનીએ લેવી તેમ નક્કી થયું. જો કે યુદ્ધના સમયમાં કોઈએ
રજા લેવી નહીં એવું પણ સાથે નક્કી થયું, છતાં જરૂરિયાત ઊભી
થાય તો ધોરણોસરની કાર્યવાહી કરવી એવી જોગવાઈ પણ
કરવામાં આવી. ઉતારા અને ભોજન-સમિતિઓની પણ રચના થઈ
અને આવા કપરા કાળમાં તેમણે પણ પોતાનાં સ્થાનો સંભાળી
લીધા.
અન્વેષણ-સમિતિના કન્વીનર શ્રી સી.બી. ઠાકરે સમાચાર આપ્યા કે
અહીંથી એક જાન પસાર થવાની છે. તેમની પાસે કેટલી સંપત્તિ
અને આભૂષણો છે તે અન્વેષણનાં પૂરતાં સાધનો પ્રાપ્ત નહિ
હોવાથી જાણી શકાયું નથી, છતાં આપણી અપેક્ષાઓથી વધુ જરૂર
હશે એવું કહ્યા વગર હું રહી શકું તેમ નથી. અન્વેષણ-સમિતિના
રિપોર્ટ પર ગંભીરતાથી ચર્ચાવિચારણા થઈ. જાન પર ધાડ
પાડવાનો અને લૂંટ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમામ
સમિતિઓ કાર્યરત બની ગઈ. વ્યાયામ-શિક્ષક પઠાણે યુદ્ધની
પૂર્વતૈયારી રૂપે જે કવાયત કરાવી તેમાં જ મોટા ભાગના શિક્ષક-
મિત્રો થાકી રહ્યા, છતાં ફરજમાં અડગ રહ્યા. શ્રી બાબરિયાએ બુલંદ
અવાજે ‘સૌ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યાહોમ કરીને પડો
ફતેહ આગે’ ગીત લલકાર્યું. આચાર્યશ્રી શાહબુદ્દીન રાઠોડે
શિક્ષકગણનું સેનાપતિપદ સંભાળ્યું અને સૌ નીકળી પડ્યા. આ
તરફથી શિક્ષક-સમાજ અને સામેથી આવતી જાન સામસામાં આવી
ગયાં. આચાર્યશ્રીએ બુલંદ અવાજે પડકાર કર્યો : ‘ખબરદાર, જ્યાં
છો ત્યાં જ ઊભા રહેજો. અહીં ભીષણ રક્તપાત થશે, સ્ત્રીઓના
આક્રંદ અને બાળકોનાં રુદનથી વાતાવરણ કરુણ બની જશે. આ
સ્થિતિ સહી લેવી એ અમારા માટે અસહ્ય હોવાથી હું આપ સૌને નમ્ર
વિનંતી કરું છું કે આ સમસ્યાનું નિરાકરણ મંત્રણાના મેજ પર થાય.
આ હત્યાકાંડ રોકવા શાંતિભર્યા માર્ગો પણ છે જ.
વાટાઘાટોનાં દ્વાર પણ ખુલ્લાં છે જ, પરંતુ આ બધું આપના સાનુકૂળ
પ્રતિભાવ પર આધાર રાખે છે.’જાનવાળા આચાર્યશ્રીના નિરર્થક
લંબાણભર્યા પ્રવચનમાં કંઈ સમજ્યા નહિ – માત્ર આટલું જ
સમજ્યા કે ‘આ છે કોઈ ફંડફાળો ઉઘરાવવાવાળા, પણ આમ
વગડામાં દુ:ખી કેમ થાય છે તે સમજાતું નથી.’ જાનવાળાની વાતો
સાંભળી આચાર્યશ્રીએ કાયમની ટેવ પ્રમાણે કહ્યું : ‘બંધ કરો અવાજ
અને શાંતિપૂર્વક હું પૂછું તે પ્રશ્નો સાંભળી તેના પ્રત્યુત્તર આપો’
પ્રશ્ન પહેલો : તમારી સાથે સામનો કરી શકે તેવા હથિયારધારી
વોળાવિયા કેટલા ?
પ્રશ્ન બીજો : તમે ક્યાંથી નીકળ્યા છો ?
પ્રશ્ન ત્રીજો : તમે ક્યાં જવાના છો ?
પ્રશ્ન ચોથો : તમારી પાસે રોકડ અને દાગીના કેટલાં છે ?
પ્રશ્ન પાંચમો : તમે કુલ કેટલાં માણસો છો ?
જાનવાળા કહે, ‘કોક નાટક કંપનીવાળા રમતે ચડી ગયા લાગે છે.’
સામતુભાબાપુએ બંદૂક કાઢી, કાર્ટિસ ચડાવ્યા અને પડકાર કર્યો :
‘અલ્યા કોણ છો ?’ જવાબમાં સૌ સમિતિના હોદ્દેદારોનાં રાજીનામાં
આવી ગયાં. આચાર્યશ્રીએ ગૌરવભેર કહ્યું : ‘હાલ તુરત આપણે
માનભેર આ અભિયાન મુલતવી રાખીએ છીએ.’ શ્રી પઠાણે આદેશ
આપ્યો : ‘પીછે મુડેગા… પીછે મુડ..’ સૌ ફરી ગયા અને પાછા
તળાવને કાંઠે આવી પહોંચ્યા. તાત્કાલિક સામાન્ય સભાની મિટિંગ
યોજવામાં આવી અને આચાર્યશ્રી રાઠોડે રજૂઆત કરી : ‘આ સમગ્ર
વ્યવસાયનું નિરીક્ષણ કરી, પૃથક્કરણ કરી, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત
કરી, વિશ્લેષણ કર્યા બાદ એવું જણાય છે કે આ વ્યવસાય આપણી
ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે.’ સ્ટેશનરી સૌએ વહેંચી
લીધી અને પુસ્તકો શાળાની લાઈબ્રેરીમાં ભેટ આપી સૌ રજા-રિપોર્ટ
કૅન્સલ કરી, શિક્ષણ-કાર્યમાં લાગી ગયા.
[ ‘મારે ક્યાં લખવું હતું ?’ પુસ્તકમાંથી સાભાર.]
શાહબુદ્દીન રાઠોડ નો એક વધુ હાસ્ય લેખ પંખીઓનો મેળો-સૌજન્ય- રીડ ગુજરાતી,કોમ
Shabuddin Rathod live in Ahmedabad … Sikshak Jokes… Pengda maa pag rahi gayo..-વિડીયો
http://www.youtube.com/watch?feature=player_detailpage&v=eF9SwWZ7-gk
Enjoy his latest title ‘Haasya Ni Rangat’.-વીડિઓ
http://www.youtube.com/watch?v=zXL7KCw9MBM&feature=player_detailpage
વાચકોના પ્રતિભાવ