વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 25, 2012

(136 ) ગાંધીજીના દીકરાના દીકરાનો દીકરો શાંતિલાલ—- એકસ્ટ્રા કોમેન્ટ – કૃષ્ણકાંત ઉનડકટ.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે પોતાનો જાન આપી દેશ માટે મહાન ત્યાગ આપ્યો હતો .દેશ પાસેથી કોઈ બદલાની એમણે કોઈ આશા રાખી ન હતી.એવું જ ગુજરાતના બીજા સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ વિષે પણ કહી શકાય .દેશના આ લોખંડી નેતા સરદારે દેશને નાના ટુકડાઓમાં ખંડિત થતો બચાવીને દેશની એકતા માટે નિસ્વાર્થ ભાવે મહાન કાર્ય કરીને નામ અમર કરીને ગયાં.

આ બે દેશ નેતા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો વિષે જન સમાજમાં બહું ઓછી માહિતી પ્રવર્તે છે કારણ કે આ બન્ને નેતાઓ એમના સ્વાર્થ માટે નહી પણ દેશના હિતો માટે સદા વિચારતા હતા અને દિનરાત કામ કરતા હતા.એમના  પુત્રો અને પૌત્રોના ભવિષ્યની પણ એમણે જરાયે ચિંતા ન કરી એટલું જ નહી એ માટે પિતા તરીકે પૂરતું ધ્યાન પણ આપ્યું ન હતું.એમના વંશજો એક સામાન્ય માણસો તરીકે પોતપોતાના જીવનનો રાહ દેશ પાસેથી કોઈ પણ બદલાની આશા રાખ્યા વગર કંડારતા રહ્યા છે જેની આપણને કોઈ માહિતી મળતી નથી.

આની સામે દેશે આઝાદી પ્રાપ્ત કરી ત્યારથી આજ દિન સુધી નેહરુ પરિવારના સભ્યો વંશ પરંપરાથી દેશના રાજકારણમાં  છવાઈ ગયા છે. દેશના સર્વોચ્ચ સ્થાને ચીપકી રહ્યા છે.અત્યારે હાલ પણ કોંગ્રેસ પક્ષમાં રાહુલ ગાંધીને દેશના વડા પ્રધાન બનાવવા માટેનાં ચક્રો ગતિમાન થઇ ગયાં છે.

આ અંગે મેં એક વાત વાંચી હતી એ યાદ આવે છે.એક વખતનાં શક્તિશાળી કહેવાતાં ઇન્દિરા ગાંધી અને એમનાં ફોઈ વિજયાલક્ષ્મી પંડિત વચ્ચે બહું મનમેળ ન હતો.એક વખત વિજયાલક્ષ્મી પંડિતે જાહેરમાં આ મતલબનું જણાવ્યું હતું કે” લોકો એમ કહે છે કે નેહરુ પરિવારે દેશ માટે મોટો ભોગ આપ્યો છે, પરંતુ એમણે જે ભોગ આપ્યો એના બદલામાં દેશ પાસેથી એમણે પ્રાપ્ત પણ ઘણું કર્યું છે.”વિજયા લક્ષ્મીપંડિતના આ શબ્દો આજના દેશના રાજકીય માહોલમાં કેટલા  સાચા લાગે છે !

ખેર, આજની પોસ્ટમાં મહાત્મા ગાંધીના જયેષ્ઠ પુત્ર હરીલાલ ગાંધીના પુત્ર કાંતિલાલ ગાંધીના પુત્ર શાંતિલાલ ગાંધી વિશેનો જાણીતા લેખક અને પત્રકાર શ્રી  કૃષ્ણકાન્ત ઉનડકટનો એક સરસ લેખ “ગાંધીજીના દીકરાના દીકરાનો દીકરો શાંતિલાલ”એમના આભાર સાથે મુક્યો છે.

શ્રી શાંતિલાલ સૌ પ્રથમ જ્યારે અમેરિકા વધુ અભ્યાસ માટે આવ્યા ત્યારે પ્લેનની ટીકીટના પણ પૈસા ગાંધીજીના આ પ્રપૌત્ર પાસે ન હતા ! શ્રી શાંતિલાલ ગાંધીએ એમની ૭૨ વર્ષની ઉંમરે ,અમેરિકાની નવેમ્બરની ૬ઠી તારીખે યોજાએલ કેન્સાસ સ્ટેટ એસેમ્બલીની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો એ હકીકત અને એમના નિસ્પૃહી જીવનનો ઘણો અને સુંદર ચિતાર લેખકે એમના આજની પોસ્ટમાં મુકેલ લેખમાં આપ્યો છે.આ લેખ તમને  વાંચવો ગમશે.

                                                                     વિનોદ પટેલ, સાન ડિયેગો

____________________________________________________________________

ગાંધીજીના દીકરાના દીકરાનો દીકરો શાંતિલાલ

                                                                           (Shantilal K. Gandhi )   

ભારતનાં રાજકારણમાં વારસાઇ પરંપરાની બોલબાલા છે. ત્રણ-ચાર પેઢીથી રાજકારણમાં જ હોય એવાં લોકો બાપ-દાદાનું નામ વટાવવામાં કોઇ કસર છોડતા નથી. મહાત્મા ગાંધીજીના વારસદારો મોટા ભાગે પોતાની રીતે જિંદગી જીવ્યા છે. અમેરિકામાં ગાંધીજીના પ્રપૌત્ર શાંતિલાલ ગાંધી ચૂંટણી જીત્યા ત્યારે છેક ઘણાને ખબર પડી કે ગાંધીજીના એક વારસદાર અહીં પણ વસે છે અને સૌથી મોટી વાત એ છે કે,આ ગાંધીએ ચૂંટણીમાં મત મેળવવા માટે ક્યારેય ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો નથી!

અમેરિકાના ન્યૂયોર્ક ખાતે યુનિયન સ્કવેર પાર્કમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવામાં આવી છે. ગઈ ૨જી ઓકટોબર અહીં મહાત્મા ગાંધીજીની ૧૪૩મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય કોન્સ્યુલેટ અને ભારતીય વિદ્યા ભવનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકામાં વસતાં ઘણા ઇન્ડિયન્સ આ કાર્યક્રમમાં હાજર હતા. આ બધામાંથી ભાગ્યે જ કોઇને ખબર હતી કે ગાંધીજીના એક વારસદાર શાંતિલાલ ગાંધી અમેરિકામાં વસે છે. તેમાં વાંક એ લોકોનો ન હતો પણ ખૂબી શાંતિલાલ ગાંધીની હતી. ખૂબી એ જ કે તેમણે ક્યારેય મહાત્મા ગાંધીજીના નામને વાપર્યું ન હતું!

ડોકટર શાંતિલાલ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દીકરા હરિલાલના દીકરા કાંતિલાલના દીકરા છે. ગાંધીજીના નામ સાથે જ શાંતિ અને અહિંસાનો સંદેશ જોડાયેલો છે. કદાચ એટલે જ કાંતિલાલે પોતાના પુત્રનું નામ શાંતિ પાડયું હશે. એ વાત જગજાહેર છે કે ગાંધીજીના પુત્ર હરિલાલને પિતા સાથે બનતું ન હતું. હરિલાલના રંગ-ઢંગ અને ટેવ-કુટેવની વાતો પણ ખૂબ બહાર આવી છે. લોકો હરિલાલની વાત નીકળે ત્યારે એ જ જૂની ગુજરાતી કહેવત ’ર્દીવા પાછળ અંધારૂ’ નો ઉપયોગ કરતા. જો કે હરિલાલના પુત્ર કાંતિલાલની વાત જુદી હતી. ગાંધીજીને પણ કાંતિલાલ પ્રત્યે અપાર સ્નેહ હતો એવું તેના પત્રો અને લખાણોમાં જોવા મળ્યું છે. કાંતિલાલના દીકરા શાંતિલાલે ૭૨ વર્ષની ઉંમરે અમેરિકાની કેન્સાસ સ્ટેટ એસેમ્બલીમાં વિજય પ્રાપ્ત કર્યો છે.

બરાક ઓબામા અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણી બીજી વાર જીતી ગયા. જે પરિણામો આવ્યા તે જોતાં એ વાત કહેવી પડે કે લોકોએ બરાક ઓબામાને ખુલ્લા દિલે મતો આપ્યા છે. મતલબ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનો હાથ ઘણો ઉપર રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીની બોલબાલા વચ્ચે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર શાંતિલાલ ગાંધી એસેમ્બ્લીમાં ચૂંટાયા એ વાત પણ નોંધવા જેવી છે. મતલબ કે તેની વ્યક્તિગત છાપ જ આ વિજય માટે કામ કરી ગઇ છે. મજાની વાત તો એ પણ છે કે જ્યાં સુધી શાંતિલાલ ગાંધી ચૂંટણી જીતી ગયા ત્યાં સુધી પણ કોઇને ખબર ન હતી કે ગાંઘીજીના એક વારસદાર એસેમ્બલી ઇલેકશન લડે છે. ઇન્ડિયન મીડિયા પણ ઊંઘતું ઝડપાયું એમ કહીએ તો ખોટું નથી, જો કે સાચી વાત એ છે કે લો-પ્રોફાઇલ શાંતિલાલ ગાંધીએ દાદાના પિતા મહાત્મા ગાંધીજીના નામને ક્યારેય વટાવ્યું ન હતું ! તમે તેની સામે ભારતના રાજકારણીઓના સંતાનોની સરખામણી કરી શકો છો!

આ રવિવારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના બાઝીપુરા ગામે કોંગ્રેસની એક જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં કોંગ્રેસના નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝ હાજર હતા. તેમણે પોતાના પ્રવચનમા કહ્યું કે આપણા દેશમાં બે જ ગાંધીને લોકો ઓળખે છે, એક મહાત્મા ગાંધી અને બીજા રાહુલ ગાંધી. બરાબર એ જ દિવસે બહાર આવ્યું કે એક ગાંધી અમેરિકામાં પણ જીત્યા છે. આપણા રાજકારણીઓ તો વ્હાલા લાગવા માટે ચાપલુસી કરવાની એકેય તક પણ જતી નથી કરતાં ત્યારે શાંતિલાલ ગાંધી પાસેથી દેશના નેતાઓએ ઘણુંબધું શીખવા જેવું છે.

અત્યારે રાજકારણીઓના સ્વિસ બેંકમાં નાણાંનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે શાંતિલાલ ગાંધીની બીજી પણ એક વાત જાણવા જેવી છે. મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોંલેજમાં ભણીને અમેરિકા જવા માટે તેમની પાસે નાણાં ન હતા. તેમની કાબેલિયત જોઇને જ ઓહાયોના યંગસ્ટાઉનની એક હોસ્પિટલે તેમને ઇન્ટર્નશિપ ઓફર કરી હતી. હાલત એ હતી કે શાંતિલાલ કે તેમના પિતા પાસે અમેરિકાની ટિકિટના રૂપિયા પણ ન હતા. આખરે હોસ્પિટલે ટિકિટના નાણાં પણ લોન તરીકે આપ્યા હતા. અમેરિકા ગયા પછી પણ તેમણે ઘણી સ્ટ્રગલ કરી છે. પત્ની સુશાનને પણ પહેલી વખત એ જ્યાં કામ કરતાં હતા એ યંગસ્ટાઉનમાં જ મળેલા. શાંતિલાલ અને સુશાનને ત્રણ પુત્રીઓ છે.

શાંતિલાલ ગાંધી અને સુશાન આમ તો ૧૯૮૦થી રાજકારણમાં છે. રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ હતા ત્યારે જ તેઓનું કામ શરૂ થઇ ગયું હતું, પણ હોસ્પિટલની જોબ ચાલુ હતી એટલે પૂરો સમય આપી શકાતો ન હતો. આખરે ડિસેમ્બર-૨૦૧૨માં રિટાયરમેન્ટ લઇને સમાજસેવાના કામમાં સક્રીય થયા.

રાજકારણમાં આવવા વિશે તેણે કહ્યું કે મારો ઉદ્દેશ એક જ છે કે, લોકોને તેના રોજિંદા જીવનમાં નડતી સમસ્યામાં મદદરૂપ થવું. કાશ, આવા જ ઇરાદા સાથે આપણા રાજકારણીઓ પણ રાજકારણમાં ઝંપલાવતા હોત! બાકી અહીં તો રાજકારણીઓ મહાત્મા ગાંધીજીનું નામ વાપરવા અને વટાવવા જ બેઠાં છે !

-આભાર-  કૃષ્ણકાંત ઉનડકટ.

( ‘સંદેશ’, તા. 13મી નવેમ્બર,2012. મંગળવાર. ‘એકસ્ટ્રા કોમેન્ટ’)