વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 27, 2012

(137) મેથ્યુ રિચર્ડ ,‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ અને એની સુખ અંગેની ફિલસુફી

Buddhist Monk Matthieu Ricard  (Photo courtesy-Bombay Samachar )

નવરાશે ઈન્ટરનેટ ઉપર સર્ફિંગ કરતાં કરતાં મુંબઈ સમાચાર.કોમમાં પીન્કીબેન દલાલનો લેખ “સુખી માણસનું પહેરણ “મારા વાંચવામાં આવ્યો. આ લેખ વાંચતાં જ મને એ ખુબ ગમી ગયો.ગમતાનો કરીએ ગુલાલ એ રીતે વિનોદ વિહારના વાચકો માટે મુંબાઈ સમાચાર.કોમના અને પીન્કીબેન દલાલના આભાર  સાથે એમનો આ ગમતીલો લેખ આજની પોસ્ટમાં મુક્યો છે.

આ લેખમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ “જગતની સૌથી સહુથી સુખી વ્યક્તિ ” તરીકે જેમની ગણના થઇ છે એવા દલાઈ લામાના શિષ્ય મૂળ ફ્રાન્સના વતની બૌદ્ધ સાધુ મેથ્યુ રિચર્ડ અંગે વધુ જાણવાની જીજ્ઞાસા થતાં એમના વિષે વધુ જાણવા માટે ઈન્ટરનેટમાં શોધ કરતાં વિકિપીડીયાની આ લીંક ઉપર મળી આવી .

આ લિંક અને એમાં બતાવેલી બીજી વેબ સાઈટોમાંથી મેથ્યુ રિચર્ડના જીવન ,એમની આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિ ,એમનાં જાણીતાં પુસ્તકો ,પ્રવચનોના લેખો અને ઘણા વિડીયો વિગેરેમાં પુષ્કળ માહિતી વાંચીને આનંદ અનુભવ્યો.મેથ્યુ રિચર્ડ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે એટલે એમણે લીધેલા હિમાલયનાં અદભુત કુદરતી દ્રશ્યોના ફોટાઓ જોઈને દિલ હરખાઈ ઉઠ્યું .

વિસ્કોન્સીન યુનિવર્સીટીના રીસર્ચ તજજ્ઞોએ ૬૬ વર્ષના આ બૌદ્ધ સાધુ ઉપર મનોવૈજ્ઞાનિક પ્રયોગો કર્યા એ પછી જગતના સૌથી સુખી વ્યક્તિનું બિરુદ આપ્યું હતું. મેથ્યુ રિચર્ડ ઉપર જે રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો એની બધી વિગતવાર માહિતી DAILY MAIL ના આ બ્લોગમાં વાંચીને તમે પણ હેરત પામશો.

આ પોસ્ટની નીચે Matthieu Ricard: The habits of happiness એ નામનો વિડીયો મુક્યો છે એમાં તમે મેથ્યુ રિચર્ડને સુખ વિષેનુ પ્રવચન સાંભળી તમને દલાઈ લામાના આ શિષ્યના ઊંડા આધ્યાત્મિક  જ્ઞાનનો પરચો મળશે.આ પ્રવચન સાથે વિડીયોની શરૂઆતમાં અને અંતે એમણે લીધેલા હિમાલય અને તિબેટના યાદગાર ફોટાઓ પણ જોઈને તમોને અહોભાવની લાગણી અનુભવાશે.

સુખના વિષયમાં ઘણા લેખકોએ પુસ્તકોમાં અને અગણિત લેખોમાં વિગેરેમાં અવનવી વ્યાખ્યાઓ કરી છે.પરંતુ આજના લેખમાં અને એમના વિડીયો પ્રવચનમાં સાધુ મેથ્યુ રિચર્ડએ જે વિચારો રજુ કર્યા છે  એ અવનવા અને મનોવિજ્ઞાન સાથે સંકળાએલા છે .સુખ .આખરે મનનો જ વિષય છે.તમારી જાતને તમે સુખી કરી શકો એનાથી બીજી ઉત્તમ કોઈ ભેટ તમે અન્યને આપી ન શકો.પ્રાણી માત્ર ઉપર જરા પણ ધિક્કાર,ઘૃણા ,ક્રોધ,ઈર્ષ્યા નહી પણ માત્ર કરુણા,અનુકંપા,દયા અને પ્રેમ રાખવાથી મનુષ્ય સુખી થઇ શકે છે.મનને આ માટે તૈયાર કરવામાં મેડીટેશન ખુબ જ ઉપયોગી સાધન છે.

એમનાં આ અવતરણમાં મેથ્યુ રિચર્ડએ  સરસ કહ્યું છે કે —

Mind training is based on the idea that two opposite mental factors cannot happen at the same time. You could go from love to hate. But you cannot, at the same time — toward the same object, the same person — want to harm and want to do good.”

—Matthieu Ricard

આજની પોસ્ટ આપ સૌને સુખના પ્રદેશ માટેની તલાશ માટેની આપની યાત્રામાં માર્ગદર્શક અને પ્રેરક બનશે એવી આશા છે .

વિનોદ પટેલ, સાન ડિયેગો

_______________________________________________________

                               સુખી માણસનું પહેરણ

સુખ ને દુઃખની ફિલોસોફી માનસિકતા છે, પણ હવે સુખી થવાની ચાવી મળી ગઇ છે.

ઓપિનિયન – પિન્કી દલાલ

 

દિવાળી ને નવું વર્ષ શુભ રહે, મા લક્ષ્મીનો સદા વાસ રહે, રિદ્ધિસિદ્ધિની મહેર રહે તેવા ટનબંધ મેસેજીસ વંચાઇ ગયા પછી પણ દિલમાં ન સમજાય તેવો અજંપો વર્તાયા કરે એટલે માણસ પાસે એક અકસીર ઉપાય બચે કે નવા વર્ષે કંઇક નવો સંકલ્પ લે, એ રોજ સવારે ચાલવા જવાનો હોય કે પછી ફેસબુક પર અડધા કલાકથી વધુ ન ચીટકી રહેવાનો કેમ ન હોય?

એવા બધા નિરુપદ્રવી સંકલ્પો ભલેને બિલકુલ તકલાદી હોય પણ મનને કામચલાઉ હાશકારો તો જરૂર આપે છે. નવા વર્ષે મનને શાંતિ ને ખુશીથી ભરી દેવાનો એક મિથ્યા પ્રયાસ. પણ, એ ખુશાલી ટકે કેટલો સમય? પાંચ દિવસ? બે અઠવાડિયાં? બે મહિના? અલબત્ત, ખુશીનું ટકાઉપણું તો માણસના પોતાના પોત પર આધાર રાખે છે પણ એ સમયે કોઇ આપણને કહે કે દુનિયામાં સુખીમાં સુખી, હેપીએસ્ટ માણસને મળ્યા છો? તો??

એવું બની શકે કે દુનિયામાં કોઇ શતપ્રતિશત સુખી માણસ હોય? એવી વાર્તા સાંભળી હતી કે એક દુઃખી માણસ ભગવાન પાસે ગયો. ભગવાનને ફરિયાદ કરી આટલું બધું દુઃખ મને એકલાને જ? જરા ન્યાય તો કરો, ભગવાન!

ભગવાને કહ્યુંઃ ઠીક છે, તારા દુઃખનું પોટલું બાંધ, ને પેલા રૂમમાં મૂકી દે, અને હા, ત્યાં બીજાં ઘણાનાં દુઃખનાં પોટલાં પડ્યાં છે તેમાંથી એક તું લઇ લે. એટલે કે ભગવાનની એક્સચેન્જ ઓફર. ભક્ત ગયો, પોતાનું પોટલું મૂક્યું. હવે શોધવાનું હતું થોડું ઓછું દુઃખવાળું પોટલું. પણ, આ શું? એકેય પોટલું ઓછું વજનદાર, નહોતું. ભક્તે વિચાર્યું, લે! આના કરતાં મારું પોટલું શું ખોટું હતું?

પોતાના પોટલા સાથે ભક્ત પાછો ફર્યો ત્યારે, તે એને હળવું લાગ્યું. કારણ? કારણ કે બધા કરતાં પોતાનું પોટલું હળવું છે તેની ખુશી ઉમેરાવાથી દુઃખનો ભાર ઓછો થઇ ગયો હતો.

આ આખી માનસિકતા છે સુખ ને દુઃખની ફિલોસોફી, પરંતુ આજનું મેડિકલ સાયન્સ સુખ અને દુઃખને વિજ્ઞાનની રીતે માપે છે.

ન્યુરો સાયન્સના આધુનિક વિજ્ઞાનની વ્યાખ્યા પ્રમાણે માનવીના મગજની ડાબી બાજુએ થતી પ્રી-ફ્રંટલ કોર્ટેક્સ એક્ટિવિટીથી ખુશી, આનંદ, હર્ષ જેવી લાગણી જન્મે છે. આ એક્ટિવિટી જેટલી વધુ એટલી સુખની માત્રા બળવત્તર. જેમ જેમ ડાબા મગજમાં આ પ્રવૃત્તિ ગતિ પકડે તેમ તેમ નેગેટિવિટી એટલે કે હતાશા, ક્રોધ, ઇર્ષ્યા, વેર-ઝેર જેવી તામસિક ભાવના નિર્મૂળ થતી જાય.

પહેલી નજરે આ વાંચી કે જાણીને અચરજથી આંખ પહોળી થઇ જાય. ક્ષણવાર માટે આ વાત ટાઢા પહોરના ગપ્પા જેવી વધુ લાગે, પરંતુ આ પ્રયોગો થતા રહ્યા છે, અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે દુનિયામાં હેપીએસ્ટ મેન એટલે કે સૌથી સુખી માણસ વિજ્ઞાનીઓએ શોધી પણ કાઢ્યો છે.

છેલ્લાં ચાર વર્ષથી આ પ્રયોગો ચાલી રહ્યા હતા અને આખરે જવાબ મળ્યો હોય તેમ દુનિયાને સુખીમાં સુખી માણસ જડ્યો. આ આનંદીપુરુષ છે મેથ્યુ રિચર્ડ. જેને વિજ્ઞાનીઓએ ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ ટાઇટલ આપ્યું છે. આ માટેના પ્રયોગો કરનાર ન્યુરો સાયન્ટિસ્ટ રિચર્ડ ડેવિડસને તે માટે પ૦,૦૦૦થી વધુ વાર મેડિટેશન કરી ચૂક્યા હોય તેવા સેંકડો લોકોને પસંદ કર્યા હતા. ન્યુરો સાયન્સની એક થિયરી એ પણ કહે છે કે મેડિટેશન જ એવી અવસ્થા છે જ્યારે માનવમગજ ગામા વેવ્ઝ ઉત્પન્ન કરે છે, આ રિસર્ચ જ ન્યુરો સાયન્સની તવારીખમાં નવીનવાઇની ઘટના છે. આ પ્રયોગ માટે મેડિટેશન દરમિયાન રપ૬ સેન્સર્સ મસ્તક સાથે જોડાતા હતા જે મગજમાં ઉદ્ભવતા ઝીણામાં ઝીણા તરંગ માપી શકે. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે મેથ્યુ રિચર્ડના મસ્તકમાં મેડિટેશન દરમિયાન જે ગામા વેવ્ઝ જોવા મળ્યા તે વાત જ અચંબાભરી છે, આ થઇ સુખી માણસની વ્યાખ્યા. નો નેગેટિવિટી ઓન્લી પોઝિટિવિટી. કોઇ જીવ માટે લેશમાત્ર ધિક્કાર, ઘૃણા, ક્રોધ, ઇર્ષ્યા નહીં, માત્ર અનુકંપા, દયા, ને પ્રેમ. હવે દુનિયા માટે મેથ્યુ રિચર્ડ જ એક કોયડો છે.

ઓક્ટોબર મહિનાથી વિશ્વભરમાં આ વ્યક્તિ માટે એટલું બધું લખાઇ, છપાઇ ચૂક્યું છે કે કદાચ એ હેપીએસ્ટ એન્ડ મોસ્ટ નૉન તરીકે પણ જાણીતા થઇ જાય તો નવાઇ નહીં. ઉંમર ૬૬ વર્ષ, બૌદ્ધ સાધુ, લેખક, ભાષાંતરકાર, ફોટોગ્રાફર, દલાઇ લામા માટે ફ્રેંચ દુભાષિયાનું કામ કરનાર આ મૂળ ફ્રેંચ એવા મેથ્યુ રિચર્ડ છેલ્લાં ૪૦ વર્ષથી હિમાલયમાં રહે છે. ફ્રેંચ ફિલોસોફર અને પેઇન્ટર માના સંતાન એવા મેથ્યુ રિચર્ડની યુવાની પેરિસના આર્ટ અને ઇન્ટલેક્ચ્યુઅલ કહેવાય તેવા માહોલમાં વીતી રહી હતી ત્યારે કશુંક અગોચર તત્ત્વ તેમને ૧૯૬૭માં સૌપ્રથમ વાર ભારત ખેંચી લાવ્યું. તિબેટિયન બૌદ્ધ ધર્મગુરુઓનું આકર્ષણ જબરું હોવા છતાં પેરિસ જઇ તેમણે સેલ જેનેટિક્સમાં પીએચડી કર્યું, પણ વિજ્ઞાની અને યોગીની કશ્મકશમાં યોગી જીતી ગયો. ૧૯૭૨માં ભારત પાછા આવીને મેથ્યુ રિચર્ડે માત્ર ભારતના જ નહીં ભૂતાન, નેપાળના બૌદ્ધ સાધુઓ સાથે જીવન ગાળવું શરૂ કર્યું અને પાછળથી સંન્યસ્ત જીવન પણ સ્વીકાર્યું.

બૌદ્ધ સાધુ બનેલા મેથ્યુ રિચર્ડે સાધુ બના હૈ તો નામ બદલના પડતા હૈ તેવા કોઇ નિયમો માન્યા નથી. નામે ફ્રેંચ, કર્મે બૌદ્ધ સાધુ તિબેટિયન માસ્ટર્સના સાંનિધ્યમાં આધ્યાત્મિક પ્રગતિ કરતા રહ્યા. સાથે સાથે વ્યક્તિત્વને નવી નવી શાખા ફૂટતી રહી લેખક તરીકે, ફોટોગ્રાફર તરીકે, ભાષાંતરકાર તરીકે, ફિલોસોફર તરીકે, કર્મયોગી તરીકે… મેથ્યુ રિચર્ડે લખેલાં પુસ્તકો દુનિયાની ૭૦થી વધુ ભાષામાં અનુવાદ થયાં છે એટલું જ નહીં, બેસ્ટ સેલરની યાદીમાં રહી ચૂકેલાં પુસ્તકો છે ધ ક્વોન્ટમ ઓફ ધ લોટસ અને હેપીનેસઃ અ ગાઇડ ટુ ડેવલપિંગ લાઇફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ. એટલે કે સુખી થવું એ પણ એક કળા છે, અને એ પામવાની ચાવી છે મેડિટેશન. મેથ્યુ રિચર્ડનું ‘વ્હાય મેડિટેટ?’ પુસ્તક ૭૦થી વધુ ભાષામાં આજે પણ ચપોચપ ઊપડે છે. દુનિયાનો સૌથી સુખી આ માણસ ૧૯૮૯થી દલાઇ લામા માટે ફ્રેંચ દુભાષિયા તરીકે કામ તો કરે છે, પરંતુ તેમનો મોટા ભાગનો સમય વીતે છે પુસ્તકો લખવામાં, ફોટોગ્રાફી કરવામાં, વિશ્વભરમાં ફેલાયેલી માઇન્ડ એન્ડ લાઇફ ઇનિ્સ્ટટ્યૂટની શાખાઓમાં જઇ પેપર રજૂ કરવામાં અને તેમના ૧૧૦ પ્રોજેક્ટમાં. આ ૧૧૦ પ્રોજેક્ટ એટલે કે નેપાળનાં ગરીબ, સુવિધાવિહીન ગામોમાં ચલાવાતાં ક્લિનિક, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને વોકેશનલ ટ્રેઇનિંગ સેન્ટરો. જ્યારે મેથ્યુ રિચર્ડ પ્રવાસ પર નથી હોતા ત્યારે તેઓ પોતાની કાઠમંડુથી ૪૦ કિ.મી. દૂર આવેલી ઝેશેન મોનેસ્ટ્રીમાં જ હોય છે.

દુનિયાનો સૌથી સુખી પુરુષ જાહેર થયા પછી ન તો મેથ્યુ રિચર્ડની કોઇ દિનચર્યામાં ફરક પડ્યો છે ન પ્રવૃત્તિમાં.

બૌદ્ધ કથાઓમાં કિસા ગોતમીની એક વાત આવે છે. જેમાં ગૌતમ બુદ્ધ સુખી માણસનું પહેરણ લઇ આવવા કહે છે. વાર્તા કહે છે કે કિસા ગોતમીને ક્યાંયથી પહેરણ મળતું નથી જે સુખી માણસનું હોય! એટલે કે સુખી માણસ હોય તો પહેરણ મળેને!

આ કિસા ગોતમી કોણ છે? હું? તમે? આપણે?

બસ, આટલી જ વાત રિચર્ડ મેથ્યુ પોતાની જાતને પૂછવા માટે કહે છે. આખરે તો પેલું કહેવાતું સુખી માણસનું પહેરણ પેલા દુઃખના પોટલામાં જ બંધાઇ ગયું છે તેવું નથી?

છેલ્લે છેલ્લે…

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

(સૌજન્ય – મુંબઈ સમાચાર )

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=70943

______________________________________________________________

Matthieu Ricard: The habits of happiness  (Video)

What is happiness, and how can we all get some? Buddhist monk, photographer and author Matthieu Ricard has devoted his life to these questions, and his answer is influenced by his faith as well as by his scientific turn of mind: We can train our minds in habits of happiness. Interwoven with his talk are stunning photographs of the Himalayas and of his spiritual community.

___________________________________________________