વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 30, 2012

(139 ) જીવનના અલગ અલગ મુકામ- પી. કે. દાવડા- એક પરિચય

  1. એક નવા સાહિત્ય રસિક મિત્રનું સ્વાગત

P.K.Davada

મારા ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની એક વર્ષ જૂની આનંદ યાત્રામાં એક સરખો સાહિત્ય રસ અને જીવન મૂલ્યોમાં રસ ધરાવતા અનેક સહૃદયી મિત્રો આવી મળ્યા છે .અમેરિકાના દરેક ખૂણે પોતાના પરિવાર જનો સાથે નિવાસ કરી રહેલ આ સૌ પ્રવૃતિશીલ મિત્રોને કદી નજરે જોયા ન હોવા છતાં એમનો નિસ્વાર્થ પ્રેમાળ મૈત્રીભાવ અને એમની સાથેનો અનોખો ઈ-મેલ વિચાર વિનિમય રસદાયક આનંદની અનુભૂતિ કરાવે છે.

આ મિત્ર વર્તુળમાં તાંજેતરમાં જ અનાયાસે જ એક નવા સાહિત્ય મિત્ર શ્રી પી.કે.દાવડાનો ઉમેરો થયો છે.

એમનો પરિચય અને એમની સાથેનો ઈ-મેલ વિનિમય મનને આનંદિત કરે એવો છે.

મારે જે બ્લોગ અને એના સંચાલક મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાયો છે એ હાસ્ય દરબાર બ્લોગમાં શ્રી દાવડાનુ એક મજાનું કાવ્ય પોસ્ટ થયું હતું.એના પ્રતિભાવમાં મેં એમને વિનોદ વિહાર બ્લોગ માટે લેખ મોકલવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.આનો સ્વીકાર કરીને એમણે મને આજની પોસ્ટમાં મુકેલ એક સુંદર મજાનો સમજવા જેવો ચિંતન લેખ મોકલીને “શ્રી  ગણેશ ” કર્યા છે. આ માટે હું એમનો આભારી છું.

શ્રી પી.કે.દાવડાનો ટૂંક પરિચય

શ્રી પી.કે.દાવડાનો જન્મ ૧૯૩૬માં મુંબઈમાં થયો હતો.એમનો ઉછેર ,અભ્યાસ અને વ્યવસાય બધું જ મુંબઈમાં .માત્ર ૧૯૫૭ થી ૧૯૬૧ દરમ્યાન સિવિલ એન્જીનીયરીંગના અભ્યાસ માટે તેઓ વડોદરામાં રહ્યા હતા.

ભારતમાં ખુબ જ ઉજ્જવળ ગવર્નમેન્ટની ઊંચા હોદ્દાની જોબ કર્યા પછી એમના નિવૃત્તિ કાળમાં  Fremont ,California માં વર્ષોથી સ્થાયી થયેલ  એમના પુત્ર (M.S. in Computer Science) અને દીકરી ( Ph.D. in Pharmaceuticals) એ એમને અમેરિકા તેડાવતાં જાનુઆરી ૨૦૧૨થી તેઓ ગ્રીનકાર્ડ લઈને કાયમી નિવાસ માટે અમેરિકા આવી ગયા છે.હાલ તેઓ એમના દીકરા સાથે Fremont માં રહે છે .એ પહેલાં તેઓ ચારેક વખત અમેરિકાની મુલાકાત વિઝીટર વિઝા ઉપર લઇ ચુક્યા છે .

એક રીટાયર્ડ સીવીલ એન્જીનીયર હોવાં છતાં મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીની માફક એમની ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપરની પકડ ગજબની છે, જે એમના લેખોમાંથી જણાઈ આવ્યા વગર રહેતી નથી.એમની ૭૬ વર્ષની ઉંમરે નિવૃત્તિની એક ફલદાયક પ્રવૃત્તિ તરીકે છેલ્લા ત્રણેક વર્ષથી હાથમાં કલમ (માઉસ) પકડીને એમનામાં સુસુપ્ત પડેલા સાહિત્ય રસને રીડ ગુજરાતી , અક્ષરનાદ ,હાસ્ય દરબાર જેવા બીજા ખુબ વંચાતા બ્લોગોમાં એમની સાહિત્ય કૃતિઓ મોકલીને પોષી રહ્યા છે.

શ્રી પી.કે. દાવડાનુ અને એમણે પ્રેમથી ઈ-મેલથી મોકલી આપેલ પ્રથમ ગદ્ય રચનાનું વિનોદ વિહારમાં આભાર સાથે હાર્દિક સ્વાગત છે.

શ્રી પી .કે .દાવડાએ એમના નીચેના ” જીવનના અલગ અલગ મુકામ” લેખમાં માણસે એની બદલાતી ઉંમરે અને ખાસ કરીને વૃધ્ધાવસ્થામાં સમજીને પોતાના વિચારો અને વર્તનમાં જરૂરી ફેરફારો કરીને કેવી રીતે પોતાના સંતાનો સાથે અનુકુળ થવું જોઈએ એનું સરસ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે .જોકે એમના લેખના અંતમાં તેઓ નમ્રતાથી ખુલાસો કરે છે કે “મારા આ વિચારો કોઈ પણ સાયન્ટીકફીક સ્ટડી પર આધારીત નથી, તેમ મારા પોતાના અનુભવ પર પણ આધારિત નથી. મારી ઉમરના લોકો સાથે ઘણીવાર થયેલી વાતચીત પર, અડોશ  પડોશમાં જોયેલા પ્રસંગો પર થોડે ઘણે અંશે અધારીત છે. થોડું મારૂં Logic છે. “

તેઓ આવા વધુ સારા લેખો,કાવ્યો વિગેરે સાહિત્ય સામગ્રી મોકલતા આગળ પણ મોકલતા રહેશે એવી હું આશા રાખું છું.

વિનોદ પટેલ ,સાન ડિયેગો

_____________________________________________________

જીવનના અલગ અલગ મુકામ-         લેખક-શ્રી પી. કે. દાવડા

ભારત સરકાર તરફથી નિમાયલા Immovable Property ના વેલ્યુઅર તરીકે મેં Obsolescence શબ્દ અનેક વાર વાપર્યો હશે. કોઈ પણ મકાનની ઓછી કીમત આંકવા આ શબ્દ દલીલ તરીકે વાપર્યો છે. ઉમરને લીધે કાં તો મકાનની strength ઘટી ગઈ હોય, અગર જૂના જમાનાના planning વાળું ઘર ખરીદવા કોઈ આગળ ન આવતું હોય ત્યારે હું આ શબ્દ વાપરતો.

આજે મને આ શબ્દ વયોવૃધ્ધ માણસો માટે બંધબેસતો લાગે છે. જ્યારે તમે યુવાન હો,સ્ફૂર્તિલા હો, ખુબ પૈસા કમાતા હો, ત્યારે કુટુંબમાં , મિત્રોમાં અને સમાજમા તમારૂં એક મોભાભર્યું સ્થાન હોય છે. તમારા નાના બાળકોને  તમારામાં role model દેખાય છે.તેમને લાગે છે કે દુનિયાના કોઈ પણ પ્રશ્નનો તમારી પાસે જવાબ છે. કુટુંબના બધા જ નિર્ણયો તમારી સંમતિથી લેવાય છે.

જ્યારે તમે ૩૦-૩૫ વર્ષના થાવ છો, ત્યારે તમારા ૧૨-૧૪ વર્ષના બાળકો મનોમન તમારી સરખામણી પોતાના મિત્રોના પિતા સાથે કરવા લાગે છે. આનું કારણ એમની અપરીપક્વ વિચાર શક્તિ અને મિત્રોના કુટુંબોની વધારે સારી આર્થિક પરિસ્થિતિ સમજવાની અક્ષમતા હોઈ શકે.કોઈક્વાર માતા પાસે આ વિષય કાઢે છે. સમજદાર માતાનું એ વખતે કર્તવ્ય થઈ જાય છે બાળકને સમજ પાડે કે આપણા કરતાં એ વધારે પૈસાવાળા હોવાથી એ બાળકોને આવી મોંઘી વસ્તુઓ પોષાય પણ આપણને ન પોષાય. બાળક્ને ઉત્સાહ આપવા માતાએ એ પણ કહેવું જોઈએ કે સારી રીતે અભ્યાસ કરી, મોટો થઈ ખૂબ પૈસા કમાજે તો આનાથી પણ સારી વસ્તુઓ ખરીદી શકીશ. આ તબકે માતા જો પોતાની ફરજ સારી રીતે ન બજાવે તો બાળક નાનપણથી જ પૂર્વાગ્રહથી ગ્રસ્ત થઈ જાય છે.

જ્યારે તમે ૫૦ વર્ષના થાવ છો અને તમારા બાળકો યુવાનીમા પ્રવેશ કરે છે ત્યારે કોઈ કોઈ વાર બાળકો સાથે ચર્ચા કે વિવાદ થાય છે. આ સમયે પણ માતાની ફરજ વધી જાય છે. બાળકો પિતા કરતાં માતાની વધારે નજીક હોય છે અને સામાન્ય રીતે માતા સાથે ખુલા દિલે વાત કરી શકે છે. માતા માટે આ કામ સહેલું નથી. પતિને અને બાળકોને એકી સાથે રાજી રાખવાનું કામ ખરેખર અઘરૂં છે. બાળકોનો પક્ષ લે તો પતિને માઠું લાગે છે.

બાળકો કમાતા થાય અને એમને આર્થિક સ્વતંત્રતા મળે ત્યાર બાદ પરિસ્થિતિમાં  મોટો બદલાવ આવે છે.

ઘરની બાબતમા નિર્ણય લેવાની તમારી સત્તામાં ભારે ઘટાડો થાય છે. કેટલાક ફેરફારો તો તમને તમારી પત્ની દ્વારા જાણવા મળે છે, અને એ તમને સમજાવે છે કે જે થયું એ જરૂરી હતું.કોને ખબર છે માતાઓ ભવિષ્યમાં  પોતાના બાળકોને આશ રે રહેવાની અજાણતાં  તૈયારી કરતી હોય.કેટલીકવાર તમને પૂછ્યા વગર કંઈ કરી, પછી તમને જણાવે એ બાબતમા તમે દુભાવ છો, પણ ધીરે ધીરે આદત પાડો છો.

લગ્ન પછી બાળકોના વર્તનમા થોડો ઘણો બદલાવ આવે એ સ્વભાવિક છે. જ્યાં સુધી એ બદલાવ હદમાં હોય ત્યાં સુધી તમે બદલાતા સંજોગોને અનુકુળ થવાની કોશિશ કરો છો. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે સામાજીક રીતરિવાજો પ્રમાણે તમારૂં માન સન્માન જળવાતું નથી.

યુવાનોએ પોતાના વર્તુળમાં  પોતાની એક છાપ ઊભી કરી હોય છે અને તેને ધક્કો ન લાગે તે માટે તેઓ પૂરા સજાગ હોય છે. આ વર્તુળની હાજરીમાં  તમે અજાણતા કરેલી નાની ભૂલનો જ્યારે ઘરે જઈ તમારી પાસેથી જવાબ માંગવામાં  આવે ત્યારે તમને લાગે છે કે જે કુટુંબ માટે તમે વર્ષો સુધી રાતદિવસ એક કર્યા એ કુટુંબમાં  હવે તમારૂં કોઈ વજૂદ નથી.

સારા નશીબે આપણો સમાજ હજી પણ સંવેદનશીલ છે. તમારા કુટુંબની બહારના સભ્યો હજી પણ તમારા ડહાપણ, કુટુંબ માટે તમે કરેલી મહેનત અને તમારા સામાજીક મોભાની કદર કરે છે. આ એક ચીજ તમને જીંદગી જીવવાની નવી તાકાત આપે છે અને તમને Obsolescence થી થોડા દૂર રાખે છે. કદાચ તેઓ તમને Obsolescence નહિ પણ heritage નો અહેસાસ અપાવે છે.

આ પરિસ્થિતિમા બદલાવ લાવવો હોય તો જીવનના પ્રત્યેક તબક્કે તમને પોતાને બદલવા પડશે.બાળકો જેમ જેમ મોટા થાય તેમ તેમ તમારે હાથે જ એમને ઘરની સત્તા સોંપવી જોઈએ. જ્યાં જરૂરી હોય અથવા તમારી પાસેથી માગવામાં  આવે ત્યારે જ સલાહ આપવી. બાળકો પોતાની કમાઈ કેવી રીતે ખર્ચ કરે છે તેનો હીસાબ માગવો નહિં, તમને જો પૈસાની જરૂરત હોય તો તેમને જણાવવું, તેઓ જરૂર સમજદારી દાખવશે. તેમના પતિ-પત્નીના સંબંધોની બાબતમા હસ્તક્ષેપ કરવો નહિં, અને તેમના સાસરિયા સાથેની લેણી દેણી  અને સંબંધોમાં રસ લેવો નહિં. બાળકોની ઈચ્છા ન હોય તો તેમના વર્તુળમાં direct સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો નહિં.આટલું કરવાથી તમને માનસિક શાંતિ મળશે  અને બાળકો તમને માન આપશે.

મારા આ વિચારો કોઈ પણ સાયન્ટીકફીક સ્ટડી પર આધારીત નથી, તેમ મારા પોતાના અનુભવ પર પણ આધારિત નથી. મારી ઉમરના લોકો સાથે ઘણીવાર થયેલી વાતચીત પર, અડોશ  પડોશમાં જોયેલા પ્રસંગો પર થોડે ઘણે અંશે અધારીત છે. થોડું મારૂં Logic છે.

-પી.કે. દાવડા ,કેલીફોર્નીયા ,યુએસએ .

__________________________________________________________________

શ્રી પી .કે . દાવડાનો  અંગ્રેજીમાં એક રસપ્રદ  ઈ-મેલ  

નવેમ્બર 28,2012ના રોજ શ્રી દેવડાએ મને એક અંગ્રેજીમાં  સુંદર ઈ-મેલ મોકલ્યો છે જે ખુબ પ્રેરક અને

એમના વિચારોની પાકટતા  ઉપર  સારો પ્રકાશ પાડે છે .

એમનો  આ ઈ-મેલ એમના ઉપરના લેખના વિચારો સાથે થોડે ઘણે  અંશે  પુરક હોઈ 

એમના આભાર સાથે નીચે  રજુ કરું છું . 

 Art of living 

For the first 72 years, I did nothing of the five below. For the last five years, I am struggling to follow them(better late than never). Honest to God, I am deriving enormous benefits in the form of mental peace. Just try it, you will not find this very difficult.

P.K.Davda  

1. Accept all the people as they are, with their strength and weaknesses, fullness and short comings.

2. Accept all the situations as they are.

3. It is difficult to change others, but it is easy to change yourself.

4. Unless you change you cannot be happy .Change is the only permanent thing in

this world.

5. Stretch your hands first, to greet, to thank, to praise, to ask for forgiveness and to

forgive others.

__________________________________________________________________

અક્ષરનાદ ગુજરાતી બ્લોગમાં પ્રગટ થયેલા  શ્રી પી.કે.દાવડાના લેખો,કાવ્યો વાંચવા અહીં ક્લિક કરો.