Sunita Williams with her two fellow astronaughts -Photo Courtesy Google
અંતરિક્ષમાં ચાર મહિના વિતાવ્યા બાદ ભારતીય મૂળની અવકાશયાત્રી અને નાસાના સ્પેસ મિશન એક્સ્પીડીશન 33 ની કમાન્ડર સુનીતા પોતાના બે સાથી કર્મચારીઓ રશિયાના યુરી મલેનચેન્કો અને જાપાનના અકીહિકો હોશીદે સાથે પૃથ્વી પર સહી સલામત પરત ફરી છે.સુનીતાનું અંતરિક્ષયાન સોયુઝ કઝાખસ્તાનના અર્કાલ્ય્ક સ્ટેશન પર લેન્ડ થયું હતું. સુનીતા 15 જુલાઈએ અંતરિક્ષમાં ગઈ હતી.
ભ્રમણકક્ષામાં સ્થિર મૂકવામાં આવેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં સૌથી લાંબો સમય – છ મહિના સુધી રહેનારી વિશ્વની પ્રથમ મહિલા તરીકે ૨૦૦૬માં રેકોર્ડ કરનાર સુનિતાનું આઈએસએસ પર આ બીજું રોકાણ હતું.
આ ટીમે અંતરિક્ષમાં 127 દિવસો વિતાવ્યા હતાં. 46 વર્ષીય સુનીતા વિલિયમ્સનો આ બીજો અંતરિક્ષ પ્રવાસ હતો. સુનીતા અંતરિક્ષમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા છે. તેણે અત્યાર સુધીમાં અંતરીક્ષમાં 322 દિવસ રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
આ પહેલાં 2006માં સુનીતાએ 195 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા. ત્યારે લગભગ 6 મહિના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કામ કર્યું હતું.
આ વખતની અવકાશયાત્રામાં સુનિતા ઘણી વ્યસ્ત રહી હતી અને વૈજ્ઞાનિક પ્રયોગો, સંશોધનો કરવાની સાથોસાથ સુનીતાએ આ મિશન દરમિયાન 3 વાર સ્પેસ વોક કર્યું એ ખાસ વાત કહી શકાય કેમકે એ અત્યંત મુશ્કેલ પ્રક્રિયા છે.આના માટે અનેક તૈયારીઓ કરવી પડે છે. સુનીતાએ આ વખતે ટેકનીકલ મુશ્કેલીઓ પણ દૂર કરી હતી.
ભારતીય મુળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં બનેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈએસએસની કમાન્ડર બનવાનું માન મેળવનાર બીજા નંબરની મહિલા અંતરિક્ષ વૈજ્ઞાનિક છે.
અત્યાર સુધીની તમામ મહિલા અવકાશયાત્રીઓમાં સૌથી વધારે વખત અવકાશમાં રહેવાનો વિક્રમ ધરાવનાર સુનિતાની અવકાશયાત્રી તરીકે પસંદગી અમેરિકાની ‘નાસા’ સંસ્થાએ ૧૯૯૮માં કરી હતી.
ઉપર જણાવ્યા મુજબ સુનીતા વિલિયમ્સ જ્યાં મહિનાઓ સુધી રહી હતી એ સ્પેસ સ્ટેશનની યાત્રા કરાવતો એક સુંદર વિડીયોની લિંક હ્યુસ્ટન રહેતા શ્રી ચીમનભાઈ પટેલે મને ઈ-મેલમાં મોકલી આપી છે એને એમના આભાર સાથે નીચે આપું છું .
આ વિડીયોમાં સુનીતા વિલિયમ અંગ્રેજીમાં વિશાળ સ્પેસ સ્ટેશનની ટેકનીકલ માહિતી આપતાં આપતાં આપણને જુદાં જુદા વિભાગોની ટુર કરાવે છે .
આ વિડીયો જોઈને તમે જરૂર રોમાંચ અનુભવશો અને સ્પેસ સ્ટેશન અંગે ઘણું નવું જાણવાનું મળશે .
Please Click below to see Sunita William giving a “personal tour” of the space station.
અગાઉ સ્પેસ સાહસમાં જાન આપનાર ભારતીય મૂળની કલ્પના ચાવલા પછી સુનીતા વિલિયમ્સ એ ભારતનું જ નહી પણ ગુજરાતનું ગૌરવ છે.
ગુજરાતી પિતા દિપક પંડ્યા અને સ્લોવેકિયન માતા બોની પંડ્યાની પુત્રી સુનીતા વિલિયમના ભારતીય -ગુજરાતી મૂળ અને એના વ્યક્તિગત જીવનની રસસ્પદ માહિતી આ પછીની પોસ્ટમાં વાંચવા માટે રાહ જોવા વિનંતી છે.
વાચકોના પ્રતિભાવ