વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 19, 2012

( 151 )આજના સમયની એક સમસ્યા – મલ્ટીટાસ્કિંગ (Multi tasking)

આ એકવીસમી સદીમાં લોકો મલ્ટીટાસ્કર એટલે કે બે થી વધુ કામો એક સાથે કરવામાં માનતા થઇ ગયા છે .તેઓ એમ માને છે કે આજની ખુબ ઝડપથી બદલાતી દુનિયામાં મલ્ટિ-ટાસ્કિંગ કરવું એ એક જરૂરીયાત બની ગઈ છે, અને એ જો ન કરીએ તો ફેંકાઇ જઈએ .

આ અગાઉ જેમના બે લેખો આ બ્લોગમાં પોસ્ટ થઇ ચુક્યા એ વિનોદ વિહારના શુભેચ્છક મિત્ર લેખક શ્રી પી.કે.દાવડાનો મલ્ટીટાસ્કિંગ અંગેનો સુંદર લેખ એમના આભાર સાથે આજની પોસ્ટમાં મુકવામાં આવ્યો છે .

એક વસ્તુ નક્કી છે કે એક કરતાં વધુ કામ એક સાથે કરવામાં આપણું એટેન્શન સ્પાન દરેક કામમાં વહેંચાઈ જાય છે અને કામમાં જોઈએ એવી બરકત આવતી નથી.દરેક માણસની મગજની શક્તિ એક સરખી નથી હોતી અને એકથી વધુ કામ કરવા માટે માણસના મગજની મર્યાદા નડતી હોય છે .આ વિચારની  પૂર્તિ કરતો યુ-ટ્યુબનો એક સરસ વિડીયો The Brain Cannot Multi-task  શ્રી દાવડાના લેખ પછી નીચે મુક્યો છે,એ તમને જરૂર ગમશે

વિનોદ આર. પટેલ     

_____________________________________________________________

multitasking

                                                             ( Photo courtesy- Google image )

આજકાલ આપણી કોઈપણ કામ કરવાની એકાગ્રતા ઘટતી જાય છે. આનુ કારણ એક જ સમયમાં એકથી વધારે કામો કરી લેવાની વૃત્તિ (Multi tasking) માં થઈ રહેલો વધારો છે. આજે દુનિયા ઝડપી થઈ રહી છે, એટલાં બધાં કામો કરવાની ઈચ્છા થાય છે કે ૨૪ કલાકનો દિવસ પૂરો થતો નથી, એટલે એકી સમયે એકથી વધારે કામ કરવાની વૃત્તિ કેળવાય છે.

આજે માહિતીના ઘોડાપૂર અને સંપર્કના સાધનોની સગવડ માણસના મગજને થકાવી દેવા સમર્થ છે. આવી પરીસ્થિતિમાં કોઈપણ વસ્તુ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવાનું શક્ય જ નથી. આજની પરીસ્થિતિનેroller coaster સાથે સરખાવી શકાય. એકવાર એમાં સવાર થયા તો વચ્ચે ઉતરી જવાનું લગભગ અશક્ય છે.

આની શરૂઆત રેડિયોના આગમનથી થઈ ગઈ હતી. લોકો રેડિયો સાંભળતા સાંભળતા બીજું કામ કરતાં શિખી ગયા. ટેલિફોનનું પણ લગભગ આવું જ થયું. સ્પીકો ફોન ચાલુ રાખી, ફોનપર વાતચીત કરતાં કરતાં શાક સમારતી ગૃહિણીઓ બધાએ જોઈ હશે. ટી.વી.નું પણ આવું જ છે. મોબાઈલ પર વાત કરતાં કરતાં કાર ચલાવવાનું જોખમ ભરેલું કામ પણ આજકાલ સામાન્ય છે.

SMS અને Text Message, Twitter અને Facebookયુવાનોનો કેટલો સમય લઈ લે છે એની કલ્પના કરવી મુશ્કેલ છે. જ્યારે લોકો ટી.વી. જોતાં જોતાં ટેલીફોન પર વાત કરતા હોય છે ત્યારે એ કોનું સાંભળે છે એ સમજવું મારા માટે મુશ્કેલ છે.કેટલાક લોકો આમાંથી છૂટવાનો વિચાર કરે છે. પ્રયત્ન પણ કરે છે. કેટલાક લોકો મોબાઈલ ઘરે મૂકી સવારના ફરવા જાય છે,કેટલાક લોકો મોબાઈલ બંધ કરી યોગા કરે છે.પ્રત્યેક પ્રયત્ન દિમાગને થોડો આરામ આપવા માટે છે.

આજની યુવા પેઢી આવી વસ્તુઓથી ટેવાઈ ગઈ હોય છે, એટલે એમને આવા પ્રયત્નો કરવા પડતા નથી.જો કે એમની એકાગ્રતાની ક્ષમતા વત્તે ઓછે અંશે ઓછી થઈ જાય છે.

એ હકિકત છે કે જ્યારે આપણે લેપટોપ લઈને બેસીએ છીએ ત્યારે જાણે આખી દુનિયાને ખોળામાં લઈને બેસીએ છીએ. આવે વખતે દુનિયા જોડે વાતચીત કરવાની લાલચ આપણે રોકી શકતા નથી.

આ બધાની એક આડ અસર એ છે કે એસ.એમ.એસ. ના ટુંકા ટુંકા વાક્યોની આદત પડ્યા પછી આપણે લાંબા વાક્યો બોલી કે લખી શકતા નથી. MTV ના તાલ પર નાચતા થયા પછી, આપણી શબ્દોની જરૂરીઆત ઘટી જાય છે.

કેટલાક લોકો માને છે કે multitasking થી કાર્યક્ષમતા વધે છે. હકીકતમાં આવું નથી. દરેક કામમાં ૧૦૦ % એકાગ્રહતાના અભાવથી રહી ગયેલી ભૂલો સુધારવામાં પછીથી વધારે સમય આપવો પડે છે. શિક્ષણ માટેની કોન્ફરંસમાં જઈ,લેપટોપ પર ઈ-મેલ ચેક કરતા લોકો બન્ને વસ્તુને પુરતો ન્યાય આપી શકતા નથી.

હવે લોકોને આ સમજાવા લાગ્યું છે, પણ માહિતીના યુગમા આપણે પાછળ ન રહી જઈએ એ બીકમાં આમાં થી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી. વળી ઈ-મેલનો જવાબ ન આપવો એ કોઈને પરવડે એવું નથી, પણ મુશીબત એ છે કે જવાબ આપવા જેટલો સમય આપણે ફાળવી શકીએ એટલા સમયમાં બીજા એનાથી પણ વધારે ઈ-મેલ આપણને આવી ચૂક્યા હોય છે.

જ્યારે પણ કોઇ નવી શોધ થાય છે ત્યારે આપણે ઉત્સાહમાં આવી જઈ એનો જોરદાર સ્વાગત કરીએ છીએ. થોડા વર્ષોના અનુભવ પછી જ્યારે એના ગેરફાયદા સામે આવે છે, ત્યારે આપણે એનાથી એટલા ટેવાઈ ગયા હોઈએ છીએ કે ગેરફાયદાને નજરઅંદાઝ કરીએ છીએ. દા.ત. ટી.વી.

આ બધામાંથી થોડેઘણે અંશે બહાર આવવાનો એક સરળ ઉપાય છે. જેમ આપણે આપણી તંદુરસ્તી માટે એકટાણા અપવાસ કરીએ છીએ, તેમ ક્યારેક ટી.વી. ને તો ક્યારેક લેપટોપને, ક્યારેક મોબાઈલને તો ક્યારેક કારને છૂટી આપી, એનાથી બચેલો સમય આપણે એવી પ્રવૃત્તિમાં ગાળીએ કે જે આપણે કરવા ઈચ્છીએ છીએ પણ સમયના અભાવે કરી શકતા નથી.

પી.કે. દાવડા

_______________________________________________________________

The Brain Cannot Multi-task — વીડિઓ .