વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 28, 2012

(154 ) વિપુલ સમૃધ્ધિનાં દુષણો…………- કેલિડોસ્કોપ………લેખક-મોહમ્મદ માંકડ

દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે

આજનો માણસ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. એક ભાગ અતિસમૃદ્ધ કે પૈસાદારોનો છે, તો બીજો ભાગ ગરીબોનો છે. મધ્યમ વર્ગનો માણસ આ બન્નેની વચ્ચે ક્યારેક પીસાઈ રહ્યો છે, તો ક્યારેક રબ્બર બેન્ડની જેમ ખેંચાઈ રહ્યો છે.

માણસ જ્યારે એક તરફ સમૃદ્ધિની છોળો ઊડતી જુએ છે અને બીજી તરફ દારુણ ગરીબી અને ભૂખમરો જુએ છે ત્યારે સ્વાભાવિક રીતે જ માને છે કે સમૃદ્ધિમાં સુખ સિવાય કશું નથી અને ગરીબીમાં દુઃખ સિવાય કશું નથી, પરંતુ એ બેમાંથી એકેય સ્થિતિમાં સાચું સુખ રહેલું નથી એવું એને અનુભવે સમજાય છે. સુખી થવું હોય તો એને ખપ પૂરતી વસ્તુઓ મળી રહે એટલે એ સુખી થઈ શકે છે, કારણ કે માણસ પાસે જરૂરિયાત કરતાં વસ્તુઓ વધી જાય છે ત્યારે એનાં દૂષણોથી એ ભાગ્યે જ બચી શકે છે.

સમૃદ્ધિને માણસ સંયમથી જીતી શકે છે, પરંતુ સમૃદ્ધિ આવે છે ત્યારે ‘સંયમ’ નામનું એ શસ્ત્ર મોટે ભાગે બૂઠું થઈ જાય છે અને સમૃદ્ધિની સાથે જ માણસના જીવનમાં અનેક દૂષણો અને વિકૃતિઓ પણ દાખલ થઈ જાય છે, જે છેવટે એના જીવનને પાયમાલ કરી નાખે છે.

સો-સવાસો વર્ષ પહેલાં ટોલ્સ્ટોયે લખેલી એક નાનકડી વાર્તા આપણને આ બાબતમાં ઘણું કહી જાય છે. મૂળ રશિયન ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી એ વાર્તાનો સાર કાંઈક આ પ્રમાણે છે.

એક ગરીબ ખેડૂત વહેલી સવારે ઘોડાઓ લઈને પોતાનું ખેતર ખેડવા ગયો. સાથે લાવેલું ભાથું-જેમાં ફક્ત એક રોટલો જ હતો અને ફાળિયામાં વીંટાળીને સાચવીને શેઢાની ઝાડીમાં મૂક્યું.

બપોર થતાં રોટલો ખાઈને થોડો આરામ કરવાના ઇરાદે થાકી ગયેલા ઘોડાઓને વિરામ આપીને એણે ચરવા માટે છોડી મૂક્યા. ઝાડી પાસે જઈને રોટલો રાખેલો એ ફાળિયું એણે ઉપાડયું તો એ ફાળિયું તો ખાલી હતું. એમાંનો રોટલો તો કોઈ ચોરી ગયું હતું. આશ્ચર્યની વાત તો એ હતી કે ખેતરમાં એના પોતાના સિવાય બીજું કોઈ તો આવ્યું જ નહોતું અને છતાં ભાથાનો રોટલો ચોરાઈ ગયો હતો. એણે રોટલાની ઘણી તપાસ કરી પણ બધું વ્યર્થ હતું. રોટલો ચોરાઈ ગયો હતો એ હકીકતનો સ્વીકાર કર્યે જ છૂટકો હતો. એનો લૂખો સૂકો રોટલો પણ ચોરાઈ ગયો હતો એટલે એનું દુઃખ તો એને હતું જ, પરંતુ એથી એ એટલો ઉશ્કેરાઈ ગયો નહોતો કે ગાળાગાળી કરવા લાગ્યો નહોતો. ઊલટાનું એણે તો સ્વસ્થતાપૂર્વક સ્વીકારી લીધું કે જેણે એ રોટલો લીધો હશે એને એની જરૂર હશે અને એથી એનું પેટ તો ભરાશેને!

પોતે ભૂખ્યો હતો છતાં માત્ર પાણી પીને સંતોષ માનીને ફરી એ કામે લાગી ગયો હતો.

વાર્તામાં આગળ વધતાં ટોલ્સ્ટોય અહીં Evil-શેતાની તત્ત્વને કથાવસ્તુ તરીકે લઈ આવે છે. વાર્તામાં ટોલ્સ્ટોય કહે છે કે ખેડૂત જ્યારે ખેડ કરતો હતો ત્યારે શેતાનની સોબતમાં રહેતા એક વિઘ્નસંતોષી અને ઈર્ષ્યાખોર સેવક જેવા શેતાનના મદદગાર સાથીદારે એના રોટલાને ગૂમ કરી દીધો હતો.

શેતાનના એ સાથીદારે ખેડૂતને ચીડવીને ખૂબ જ ગુસ્સે કરવાના ઇરાદાથી એનો રોટલો ગુમ કરી દીધો હતો. એને હતું કે ખેડૂત ભૂખ્યો થશે એટલે ગુસ્સે થશે અને પોતાના મગજ ઉપરનો કાબૂ ગુમાવીને ઈશ્વર, શેતાન અને આખી દુનિયાને ગાળો આપશે. બધા સાથે ઝઘડા શરૂ કરશે, પરંતુ ખેડૂતે તો માત્ર પાણી પીને સંતોષ માની લીધો. કોઈના ઉપર ગુસ્સે થવાના બદલે એ તો પોતાના કામે લાગી ગયો. એ રીતે શેતાનના સાથીદારની કોઈ કારી ફાવી નહીં.

પેલા સાથીદારે શેતાનને જેવી આ વાત કરી કે શેતાનનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે એને ધમકાવતાં કહ્યું કે તને તારું કામ આવડતું નથી. બધા આ રીતે જ વર્ત્યા કરશે તો આપણું તો કાંઈ ચાલશે જ નહીં, હું તને ત્રણ વરસનો સમય આપું છું. જો તું એને તારી જાળમાં ફસાવવામાં સફળ નહીં થાય તો મારે તને ફાંસીએ લટકાવી દેવો પડશે.

શેતાનની ધમકીથી એના સેવક અને ચાકર જેવો આ સાથીદાર ખૂબ મૂંઝાયો. ખૂબ વિચારને અંતે ખેડૂતને ફસાવવાની એક સચોટ યોજના તેણે ઘડી કાઢી.

મનુષ્યદેહ ધારણ કરીને ખેડૂતને ત્યાં એ એક મજૂર તરીકે રહેવા લાગ્યો. ખેડૂતને નાની-મોટી બધી વાતમાં એ મદદ કરવા લાગ્યો અને એમ કરીને ખેડૂતનો ઠીક ઠીક વિશ્વાસ એણે સંપાદન કરી લીધો. પહેલે જ વર્ષે દુષ્કાળ પડયો. બધા ખેડૂતોનો પાક સુકાઈ ગયો, પણ ખેડૂતને ખૂબ સારો પાક ઊતર્યો. શેતાનના સાથીદારોએ પહેલેથી જ ખેતરના નીચાણવાળા, કાદવવાળા ભાગમાં વાવણી કરવાની સલાહ આપી હતી. ખેડૂતને તો આખું વરસ ખાધા પછીએ દાણા વધે એટલો સારો પાક થયો હતો.

બીજા વરસે શેતાનના આ સાથીદારે ખેડૂતને ઊંચા અને ઢોળાવવાળા ભાગમાં વાવણી કરવાની સલાહ આપી. અગાઉના વર્ષે દુષ્કાળ પડયો હતો, પરંતુ આ વર્ષે એથી તદ્દન ઊલટું બન્યું અને અતિ વરસાદ પડયો. સખત વરસાદને કારણે બીજા ખેડૂતોનો માલ ધોવાઈ ગયો અને સડી પણ ગયો, પરંતુ આ ગરીબ ખેડૂતનું નસીબ બીજા વર્ષે પણ ખીલી ઊઠયું. પહેલા વર્ષ કરતાંય પાક વધારે આવ્યો. વધારામાં દાણાનું શું કરવું એનો એણે વિચાર કરવો પડે એમ હતું.

હવે શેતાનના સાથીદારની શેતાની શરૂ થઈ. દાણા બીજા વર્ષ માટે સાચવી રાખવાનું કે બીજા ખેડૂતોને મદદરૂપ થવાનું શીખવવાના બદલે એણે ખેડૂતને અનાજ કોહવડાવીને એમાંથી દારૂ બનાવતાં શીખવ્યું.

બહુ જ થોડા સમયમાં ખેડૂતને એણે દારૂનો પાકો વ્યસની બનાવી દીધો. બહુ જલદી ઓળખીતા પાળખીતા મિત્રો અને સંબંધીઓની મહેફિલ એને ત્યાં જામવા માંડી. ખેડૂત હવે એની પત્ની પાસે પણ દારૂ પીરસાવીને મહેમાનોની સરભરા કરાવતો હતો અને નશામાં છાકટો બનીને પત્ની સાથે સામાન્ય કારણસર પણ ઝઘડવા લાગતો હતો.

ગરીબ હતો ત્યારે પોતાનો લૂખો સૂકો રોટલો ચોરાઈ ગયો હતો છતાં જે ખેડૂતે એ ચોરી કરનારનું ખરાબ ઇચ્છયું નહોતું એ હવે વાત વાતમાં ઝઘડા ઉપર ઊતરી આવતો હતો.

આ વખતે શેતાન પોતાના સાથીદારના કામની કમાલ જોઈને ખૂબ રાજી થયો. એણે જોયું કે ખેડૂત અને એના મહેમાનો દારૂના નશામાં ગમે તેવો બકવાસ કરતા હતા. એકબીજા માટે હલકામાં હલકી ભાષા વાપરતા હતા અને ઘૂરકિયાં કરીને અંદરોઅંદર લડતા હતા. શેતાને પોતાના સાથીદારને એ બદલ શાબાશી આપી.

દારૂની ત્રણ-ત્રણ પ્યાલીઓ ચડાવીને યજમાન ખેડૂત મહેમાનોને વળાવવા ગયો ત્યારે તો એ લથડિયું ખાઈને ઊંધા મોંએ ગટરમાં જ પડયો અને ભૂંડની જેમ આળોટવા લાગ્યો.

આ જોઈને શેતાને ખૂબ જ આનંદિત થઈને કહ્યું, “વાહ! તેં તો અદ્ભુત કામ કર્યું છે, પણ એ તો કહે કે તેં આ પીણું બનાવ્યું છે કઈ રીતે? મને લાગે છે કે તેં આ પીણું બનાવવા માટે પહેલાં શિયાળનું લોહી લીધું હશે, જેનાથી ખેડૂતો એકબીજાને જૂઠી વાતો કરીને છેતરતાં શીખ્યા. પછી એમાં તે વરુનું લોહી ઉમેર્યું હશે અને છેલ્લે ભૂંડનું લોહી નાખ્યું હશે, જેથી તેઓ ભૂંડની જેમ આળોટતાં થઈ જાય.”

સેવક સાથીએ જવાબ આપ્યો, “ના, માલિક, મેં તો એવું કાંઈએ કર્યું નથી. મેં તો ફક્ત ખેડૂત પાસે એની જરૂરિયાત કરતાં વધારે અનાજ ભેગું થાય એટલી જ ગોઠવણ કરી હતી. દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે. ખેડૂતને ત્યાં જ્યારે જરૂર કરતાં વધારે દાણા પાક્યા ત્યારે એમાંથી દારૂ બનાવીને મોજ માણવાનો મેં ચીંધેલો રસ્તો એણે અખત્યાર કર્યો.

જ્યારે ધરતીએ આપેલા દાણાની અમૂલ્ય ભેટને એણે દારૂમાં પરિવર્તિત કરી ત્યારે એનામાં વસેલું શિયાળનું, વરુનું તથા જંગલી ભૂંડનું લોહી બહાર આવ્યું. હવે જો તે આ રીતે જ જીવવાનું ચાલુ રાખશે તો પશુ જેવો થઈ જશે.

શેતાને સફળતા બદલ પોતાના સાથીદારને શાબાશી આપીને એની પીઠ થાબડી.

ટોલ્સ્ટોયની આ વાર્તા આટલાં વર્ષો પછી પણ એટલી જ પ્રસ્તુત છે. સમૃદ્ધિમાં શેતાન દાખલ થયા વિના રહેતો જ નથી અને આજે તો અગાઉ ક્યારેય નહોતાં એટલાં બધાં મનોરંજનનાં સાધનો ઉપલબ્ધ થયાં છે. ટોલ્સ્ટોયના જ શબ્દોમાં કહીએ તો મનોરંજનનાં એ સાધનો પાછળ પાગલ થનાર આજના માણસને જોઈને શેતાન જરૂર હરખાતો હશે કે કુદરતે આપેલી અમૂલ્ય ભેટને આજનો માણસ પોતાના ક્ષણિક આનંદ માટે કેવી વિકૃત બનાવી રહ્યો છે!

સમૃદ્ધિ અને વિપુલતા માણસમાં રહેલી માણસાઈ અને એના સંસ્કારોને છીનવી લે છે. એનામાં વસેલાં પશુઓનાં લક્ષણોને સપાટી પર લઈ આવે છે. આજે શરાબની મહેફિલો, હુક્કાબાર ડ્રગ્ઝ વગેરેનો જે રીતે વધારો થઈ રહ્યો છે એ વિપુલ સમૃદ્ધિનું પરિણામ છે અને એમાં પુરુષો સાથે જે રીતે વધુ ને વધુ સ્ત્રીઓ જોડાઈ રહી છે તે તેની પરાકાષ્ટા સૂચવે છે.

સૌજન્ય -કેલિડોસ્કોપ ,સંદેશ

Suresh Dalal-Quote