વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 8, 2013

( 163 ) મનુષ્યના અજંપા અંગે વિચાર મંથન — લેખક-શ્રી પી.કે.દાવડા

P.K.Davada

P.K.Davada

આપણા અજંપાના મૂળમાં આપણી મૂળ જરૂરત કરતાં વધારે વસ્તુઓની ઈચ્છાઓ છે. આપણી મૂળ જરૂરતો કઈ કઈ છે?મારા મતે એ અનુક્રમે નીચે પ્રમાણે છે.

૧. ખોરાક

૨. વસ્ત્રો

૩. ઘર

૪. શારીરિક-ડોકટરી સારવાર અને દવાઓ

૫. શિક્ષણની સગવડ

૬. સાર્વજનિક વાહન

૭. સસ્તું મનોરંજન

 

આ સાતેય વસ્તુઓ માટે પૈસા જરૂરી છે.

 

પૈસા મેળવવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ પ્રયત્નનો પ્રકાર અને એની માત્રા આપણામાં અજંપો પેદા કરે છે. કેટલાક લોકો થોડી મહેનત કરી ખૂબ પૈસા કમાઈ લે છે, જ્યારે કેટલાક લોકોને અથાગ મહેનત પછી પણ એની મૂળભૂત જરૂરિયાત જેટલું મળતું નથી.

એવું પણ નથી કે જે લોકો અઢળક કમાય છે એમને અજંપો નથી.એમનો અજંપો અલગ પ્રકારનો છે. કરચોરી અને પકડાઈ જવાની બીક, પોતાની અને કુંટુંબની સલામતિની ચિંતા,બાળકો કુછંદે ન ચડી જાય તેની ચિંતા અને આવી તો અનેક ચિંતાઓના એ લોકો શીકાર થતા હોય છે. અછતવાળાઓને માત્ર એક જ ચિંતા હોય છે, “કેમ પૂરૂં કરવું?”

 

આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ખોરાકને અભાવે જેટલા લોકો મરે છે એનાથી વધારે લોકો વધુ પડતા ખોરાકને લીધે મરે છે. મોટાપો અને ડાયાબીટીસ એ અછતવાળાને બહું નડતા નથી.

 

પૈસાના અભાવવાળા કરતાં પૈસાના અભાવ વગરના લોકો વધારે સુખી છે એમાં કોઈ બે મત નથી, પણ પૈસાના અભાવ વગરના લોકો કરતાં અતિ પૈસાવાળા વધારે સુખી છે એ વાત માનવામાં મને ખચકાટ છે. અતિ પૈસાવાળાનો સૌથી મોટો અજંપો એમની અસલામતિનો અહેસાસ છે.

 

દસ બાય દસની રૂમમાં દસ જણ રહે છે એ કંઈ બહુ સારી વાત નથી; પણ ચાર હજાર સ્કેવર ફૂટમાં બે જણ રહે છે એ પણ સારી વાત નથી.આ લોકોને ત્યાં સગાં -સંબંધી અને મિત્રોની હાજરી કંઈ હંમેશાં આનંદદાયક હોતી નથી.મને આનો જાત અનુભવ છે.

 

આપણે વાપરી શકીએ એનાથી વધારે ભેગું કરવાની વૃતિ જ અજંપાના મૂળમા છે. મધ હશે ત્યાં માખીઓ તો આવશે, અને એ તમને ત્રાસ દાયક પણ લાગશે .લોકો તમારી પાસેથી મદદ માગશે , નહિં આપો તો ગામમાં તમને વગોવશે .

 

તો અજંપો ટાળવા કેટલું ધન હોવું જોઈએ? રામ જાણે ! મને તો ખબર નથી. હા, માત્ર એટલી વાત સાચી છે કે લોકોની મૂળભૂત જરૂરતો લગભગ એક સરખી જ હોય છે. આ જરૂરિયાતથી વધારે ધનને Economics નો Law of diminishing returns લાગુ પડે છે.

 

હવે હું ધન સંચયની પણ થોડી વાત કરી લઉં. આપણા દેશમાં આવતી પેઢીના સુખનો વિચાર કરી આપણે ધન સંચય કરીએ છીએ. સાત પેઢી ખાય એટલું રાખી જવાનો અભરખો સેવી, આપણી પોતાની જીંદગીમાં કરકસરથી જીવીએ છીએ. મેં પણ આમ જ કર્યું છે.છેક હવે મને સમજ પડી છે કે આખી જીંદગી કરકસર કરી મેં મારા બાળકો માટે જે ધન સંચય કર્યું છે એ તો એમની એક વર્ષની આવક જેટલું જ છે. મારી બચતની સામે જોવાની પણ એમને ફૂરસદ ક્યાં છે? મને હવે એ જ સમજાતું નથી કે શું સાચું છે અને શું સાચું નથી!!

વાચક મિત્રો , આ બાબતે તમે શું માનો છો? 

-પી. કે. દાવડા

Internet-Quote

 

 

 

 

 

 

 

(162 ) અસુન્દર બાલિકાએ રચી સુંદર મુરત – A Picture worth Thousand Words

Artist without two hands


A Picture worth Thousand Words

હે પ્રભુ , એનો પ્રાણ રેડી શરીરે અસુન્દર આ બાળાએ

તારી સુંદર મુરત બનાવી દીધી ,

તું તો હતો શ્યામસુંદર, એના કયા વાંકે

એને આવી અસુન્દર-વિકલાંગ બનાવી દીધી !