વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 11, 2013

( 164 ) ક્યારેય નિષ્ફળ નહીં જતું ઔષધ…. લેખક- શ્રી મોહમ્મદ માંકડ

Josef Sugyu

 ગમે તેવાં દુઃખોમાં પણ માણસ એકાદ સુખદ સ્મરણનો આધાર લઈને ટકી શકે છે અને સ્મરણોને માણસ પાસેથી કોઈ ઝૂંટવી શકતું નથી 

ઈ.સ. ૧૯૦૭માં જન્મેલા અને પિસ્તાળીસ વર્ષના આયુષ્યમાં છેલ્લાં પંદર વર્ષ વ્હિલચેર અને પથારીમાં ગાળનાર અમેરિકન લેખક થોમસ જોસેફ સુગ્ય્રુની જિંદગી ઉપર એક નજર નાખવા જેવી છે.

જોસેફ સુગ્ય્રુ લેખક ઉપરાંત એક સારા વાયોલિનવાદક અને ફિડલવાદક પણ હતા. એડગર કેય્સીના જીવનના આધારે એમણે લખેલું પુસ્તક ‘ધેર ઇઝ અ રિવર’ આજે પણ વંચાતું પુસ્તક છે.

“હેરાલ્ડ ટ્રિબ્યુન’ અને ‘ધ અમેરિકન મેગેઝિન’ જેવા સામયિકમાં ગળાડૂબ વ્યસ્ત રહેતા આ લેખક-પત્રકારને એની ત્રીસ વર્ષની યુવાન વયે ભાગ્યે જ કોઈકને લાગુ પડે એવો એક ભયંકર રોગ લાગુ પડયો હતો. એમને લાગુ પડેલા આ એક વિશિષ્ટ આર્થરાઇટિસના રોગને કારણે એમના શરીરના એક પછી એક કોષો સુકાઈને મૃત થવા લાગ્યા હતા અને એ સ્થિતિમાં પણ એમણે મધ્ય-પૂર્વના અને યુરોપના કેટલાક દેશોનો પ્રવાસ ખેડયો હતો અને સાત પુસ્તકો લખ્યાં હતાં. સેંકડો લેખો લખ્યા હતા અને અનેક પ્રવચનો આપ્યાં હતાં.

અહીં આપણને વર્ષોથી મોટર ન્યૂરોન ડિસીઝથી પીડાતા અને મૃત્યુ સામે ઝઝૂમતા રહીને પણ પોતાના સંશોધનનું કામ કરી રહેલા વિજ્ઞાની સ્ટીફન હોકિંગની વાત યાદ આવી જાય છે. મહાન માણસોની કાર્યશૈલીમાં અને જીવન તરફના હકારાત્મક વલણમાં ઘણું સામ્ય જોવા મળે છે.  

૧૯૫૩માં હીપ રિપ્લેસમેન્ટના ઓપરેશનમાં મૃત્યુ પામ્યા એ પહેલાં થોડા સમયે જ લખેલા એક લેખમાં સુગ્ય્રુએ જીવન પ્રત્યેની પોતાની અટલ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ઘણા માણસો એમને પૂછતાં, આવી સ્થિતિમાં આટલી બધી શક્તિ તમને ક્યાંથી મળે છે? એ પ્રશ્નનો જવાબ એમણે પોતાના એ લેખમાં લખ્યો હતો. એ એમનો છેલ્લો લેખ હતો. લેખ આ પ્રમાણે હતોઃ 

હું જ્યારે સાઇકલ ઉપર હરફર કરી શકું એવડો હતો ત્યારે અમારા ગામમાં એક સ્ત્રી રહેતી હતી, જે અનેક મુસીબતો અને મુશ્કેલીઓથી ઘેરાયેલી હતી. એના છોકરાઓ કાયમ બીમાર રહેતા હતા. પતિ લગભગ પથારીમાં જ રહેતો હતો. એ સ્ત્રીની પોતાની તબિયત પણ જિંદગીનો બોજો ઉપાડીને ભાંગી પડી હતી. છતાં એ ભાંગી પડી નહોતી. વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરો સુકાઈ ગયો હતો. છતાં એની આંખોની ચમક એવી ને એવી જ હતી. હોઠ ઉપરનું હાસ્ય જરાય વિલાતું નહોતું. હું ઘણી વાર દવાની દુકાનેથી એને દવા લાવી દેતો હતો. એક વાર મારાથી એને પુછાઈ ગયું, “આટલી બધી તકલીફો તમે કઈ રીતે સહન કરી શકો છો?”

એક ક્ષણ એણે મારી સામે જોયું અને હસી પડી. “મને મદદ કરે એવી એક ગેબી વસ્તુ મારી પાસે છે.”

હું એની વાત સાંભળવા આતુર હતો. 

“દરેક વ્યક્તિ પાસે થોડાંક કીમતી સ્મરણો હોય છે. એવું એક અમૂલ્ય સ્મરણ મારી પાસે છે. મારો ઉછેર ખેતર ઉપર થયો છે. મારી મા વિધવા હતી અને મારાથી નાના ત્રણ ભાઈઓ હતા. અમને ચારેયને ઉછેરવાની જવાબદારી મારી મા ઉપર હતી. એ ઉપરાંત ખેતીનું કામ પણ એની માથે જ હતું. એક વખતની વાત છે. એ વખતે હું સાત વરસની હતી. શિયાળાનો સમય હતો. એક દિવસ સખત બરફ પડયો. અમે ભારે મુસીબતમાં મુકાઈ ગયાં. મારા બે નાના ભાઈઓ બીમાર હતા અને પથારીવશ હતા. એક ગાય હતી એ પણ માંદી હતી. પાણી જામીને બરફ થઈ ગયું હતું. મારી મા એકલી હતી. જિંદગી આખી જાણે થીજી જવાની હોય એમ ઠંડી અમને ઘેરી વળી હતી. મને થયું કે મારે માને મદદ કરવી જોઈએ. વાસણો ધોવા માટે અને રસોઈ બનાવવા માટે હું બહારથી તગારામાં બરફ ભરી લાવી.” 

મારી મા મને, નાનકડી છોકરીને એ રીતે કામ કરતી જોઈને હસી પડી; ખૂબ હસી અને પછી રડી પડી. મને નજીક ખેંચીને એક ચૂમી ભરી અને કહ્યું, “તું હવે મને મદદ કરે એવડી થઈ ગઈ! ચાલ, આપણે સાથે ચા પીએ.”

“અમે રસોડામાં ગયાં. બરફને ઓગાળીને એ પાણીમાંથી એણે ચા બનાવી અને અમે બંનેએ સાથે બેસીને ચા પીધી. એ મારો પહેલો ચાનો કપ હતો.” 

“મને મદદ કરનાર ગેબી વસ્તુ એ જ છે – રસોડાનું એ દૃશ્ય – હું મારી મા સાથે બેઠી હતી અને અમે બંને ચા પીતાં હતાં. એ દૃશ્ય મારી સ્મૃતિમાં ક્યારેય ભૂંસાઈ ન શકે એવી રીતે જડાઈ ગયું છે.”

“જ્યારે જ્યારે હું હતાશ થઈ જાઉં છું, હારી જાઉં છું, ભાંગી પડવાની અણી પર આવી જાઉં છું ત્યારે મારી માને યાદ કરું છું. રસોડાના એ દૃશ્યને યાદ કરું છું. હસવાનો પ્રયત્ન કરું છું, રડી પડું છું. રડવાનું પણ ઘણી વાર જરૂરી હોય છે. રસોડામાં જાઉં છું અને ચાનો કપ તૈયાર કરું છું. એ પીઉં છું અને ગમે તેવી મુસીબતો સામે ઊભી રહેવા તૈયાર થઈ જાઉં છું.” 

વાત કરતાં કરતાં એ સ્ત્રી ગળગળી થઈ ગઈ. મારો હાથ પકડીને બોલી, “ચાલ દીકરા, આપણે પણ ચાનો એકાદ કપ સાથે પી લઈએ.” 

ચા પીને અમે છુટા પડતાં હતાં ત્યારે એણે મને કહ્યું, “એક વાત યાદ રાખજે, સુખદ સ્મરણ એ જગતની સૌથી અમૂલ્ય વસ્તુ છે.”

અને હું પણ એમ માનું છું. ગમે તેવાં દુઃખોમાં પણ માણસ એકાદ સુખદ સ્મરણનો આધાર લઈને ટકી શકે છે અને સ્મરણોને માણસ પાસેથી કોઈ ઝૂંટવી શકતું નથી. આપણા આ વિજ્ઞાન યુગમાં માનસશાસ્ત્રીઓ સ્મૃતિને આપણા બચપણમાં અપમાનો, પીડા, ડંખ અને દ્વન્દ્વ છુપાવવાનું સાધન ગણે છે. પરંતુ મને એ તદ્દન સાચું લાગતું નથી. આપણી સ્મૃતિ એ વધુ સારા બનવાના આપણા અધકચરા પ્રયત્નનો આલેખ છે. એમાં આપણા તૈયાર થતા વ્યક્તિત્વની સંપૂર્ણ નોંધ હોય છે. આપણે ભૂલવા માગતા હોઈએ એવી અણગમતી બાબતો પણ એમાં હોય છે, પરંતુ આપણને ગમે અને જેનાથી આપણો વિકાસ થયો હોય એવી સુખદ બાબતો પણ એમાં હોય છે અને અવારનવાર એ પળો યાદ પણ આવતી હોય છે. જો આપણે એને પ્રયત્નપૂર્વક યાદ કરીએ તો જેટલી વાર એનું સ્મરણ કરીએ એટલી વાર આપણને એ આનંદ અને બળ આપી શકે છે. 

એવું એકાદ સ્મરણ જિંદગીના આ અફાટ, દિશાહીન દરિયામાં દીવાદાંડી જેમ પ્રકાશ આપતું રહે છે. જ્યારે પણ કોઈ માણસ નિરાશ થઈ જાય, મૂંઝાઈ જાય,મુસીબતોથી ઘેરાઈ જાય ત્યારે કોઈક એવા સ્મરણનો સહારો લઈ શકે છે. એ એક ક્યારેય નિષ્ફળ નહીં જતું ઔષધ છે.

સૌજન્ય- સંદેશ ,કેલિડોસ્કોપ

Life is like a book

Narendra Modi

Photo Courtesy- Ashwin Patel