વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 13, 2013

( 165 ) ત્રણ સાહિત્ય પ્રેમી બ્લોગર મિત્રોનું લોસ એન્જેલસમાં સ્નેહ મિલન

તા.૯મી ડીસેમ્બર ૨૦૧૨ના દિવસની બપોર એક યાદગાર બની ગઈ જ્યારે પરાર્થે સમર્પણ બ્લોગના શ્રી ગોવિંદભાઇ ‘સ્વપ્ન’ અને તેમના લઘુ બંધુ ચિમનભાઈના પ્રેમ ભર્યા આમંત્રણે લોસ એન્જેલસમાં અનાયાસે જ ત્રણ સાહિત્ય પ્રેમીઓના સ્નેહ મિલનનો સંજોગ બની ગયો .

આકાશદીપ બ્લોગના જાણીતા કવિ શ્રી રમેશભાઈ ,શ્રી ગોવિંદભાઈ અને હું એ દિવસે શ્રી ગોવિંદભાઈના નાના ભાઈ ચીમનભાઈની આર્તેશીયામાં આવેલ રેસ્ટોરન્ટમાં મન ભરીને મળ્યા ,સપરિવાર સાથે જમ્યા અને ઘણા વખતથી મનમાં એક બીજાને રૂબરૂ મળવાની જે લાંબા સમયની ઈચ્છા રહેલી એની પૂર્તિ થયાનો આનંદ સૌને થયો . .

કવિ હૃદયના શ્રી રમેશભાઈએ તો એમના બ્લોગમાં 10 મી ડીસેમ્બર,2012ની પોસ્ટમાં આ સ્નેહ મિલનના પ્રસંગને વાકયોમાં વર્ણન કર્યા પછી કાવ્યમાં આ રીતે ઢાળ્યું છે .

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે….રમેશ પટેલ(આકાશદીપ)

ભોર ભયે આવ્યું સ્વપ્ન મુજને,

સ્વપ્ન એ દૈવી સાચું જ થયું

વાહ! તમારી લીલા જ ગોવિંદ

સન્મુખ વિનોદી હાસ્ય જ સર્યું

દીપ જ આકાશનો કેવો ઉજાશે

ડૂબ્યો ‘સ્વપ્ન’ માં ઝીલી ગોવિંદ

વિહારી ઘેલમાં છે વિનોદરાયજી

મિત્રો ત્રણે બ્લોગના એક પિંડ

રે સુભગ ઓ ઘડી! સ્વપ્નસી

મળ્યા રે ભાવ ભરતા જ ઉરે

ઉછાળ્યા તરંગો મા ગુર્જરીના

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે

રમેશ પટેલ(આકાશદીપ)

નસીબજોગે, આ વખતે થેન્ક્સ ગીવીગથી ક્રિસમસ દરમ્યાન હું મારી દીકરીને ત્યાં લોસ એન્જેલસમાં હતો .અમારા ત્રણે જણની ઈચ્છા તો ડીસેમ્બરની તારીખ ૨ થી ૧૦ દરમ્યાન બોસ્ટનથી લોસ એન્જેલસ એમના મોટા ભાઈ જીતુભાઈને ત્યાં એમનાં પત્ની ડૉ. ગીતાબેન સાથે ટૂંકી મુલાકાતે આવેલ બ્લોગર મિત્ર ડૉ.રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે આ સ્નેહમિલન કરવાની હતી .પરંતુ સંજોગો અનુકુળ ન થતા આ શક્ય ન બની શક્યું એનો મનમાં અફસોસ રહી ગયો.એમ છતાં ફોન ઉપર બે-ત્રણવાર એમની સાથે અને શ્રી જીતુભાઈ સાથે વાત થઇ હતી જેમાં એમણે એમનાં સુશિક્ષિત બહેનો ૮૮ વર્ષનાં ડૉ.ભાનુબેન , ૮૫ વર્ષનાં જ્યોતિબેન, અલ્કાબેન અને જીતુભાઈનો પરિચય કરાવ્યો હતો એથી ખુશી થઇ.

ચંદ્ર પુકાર બ્લોગના ડૉ.ચંદ્રવદનભાઈ પણ આ વખતે મારી જેમ એમની દીકરીને ત્યાં લંડન ,યુ.કે. વેકેશનમાં ગયાં હોઈ એમને પણ રૂબરૂ મળવાની ઈચ્છા બાકી રહી ગઈ .

આ સ્નેહમિલન વખતે શ્રી રમેશભાઈએ એમના ત્રીજા કાવ્ય સંગ્રહ ત્રિપથગાનું દળદાર સુંદર પુસ્તક આ મિલન પ્રસંગની યાદગીરી રૂપે મને ભેટ આપ્યું એ બદલ એમનો આભારી છું.

શ્રી ગોવિંદભાઈ અને એમના પરિવારે એમનાં માતુશ્રી સ્વ. સુરજબાના સ્મરણાર્થે અંગ્રેજીમાં સચિત્ર છપાવેલ હનુમાન ચાલીસાની સુંદર પુસ્તિકા અને અન્ય સાહિત્ય શ્રી ગોવિંદભાઈએ મને ભેટ આપ્યાં એ બદલ એમનો પણ આભારી છું . આ સ્નેહની પ્રસાદી આ સ્નેહ મિલનની યાદ અપાવતી રહેશે .

શ્રી ગોવિંદ ભાઈ પટેલના બ્લોગ પરાર્થે સમર્પણની આ લિંક ઉપર એમની અવનવી હાસ્ય અને કટાક્ષ કથાઓ માણો .

શ્રી રમેશભાઈના બ્લોગ આકાશદીપની લિંક ઉપર ઉપર એમનાં અવનવાં કાવ્યોનો આસ્વાદ લેવાની મજા માણો .

વિનોદ પટેલ,

____________________________________________________________________________________________

ત્રણ બ્લોગર મિત્રોના સ્નેહ મિલનની બે બોલતી તસ્વીરો

<

Bloggers' meet-2

આ તસ્વીરમાં ડાબેથી શ્રી રમેશભાઈ ,વચ્ચે વિનોદભાઈ અને શ્રી ગોવિંદભાઈ

Bloggers' meet-3

આ તસ્વીરમાં ડાબેથી ગોવિંદભાઈના લઘુ બંધુ ચીમનભાઈ ,રમેશભાઈ ,વિનોદભાઈ,ગોવિંદભાઈ અને બે દિવસ પહેલાં જ અમેરિકા આવેલ

એમના બનેવી.