૧૫મી જાન્યુઆરી, ૨૦૧૩ એ છે મારો ૭૬મો જન્મ દિવસ. આ વાસી ઉતરાયણનો પણ દિવસ .
વતન અમદાવાદમાં હતો ત્યારે દર વર્ષે વાસી ઉતરાયણના આ દિવસે બધાં નજીકના સગાઓ
ભેગાં મળી અગાસીમાં જમણ અને પતંગના પેચ સાથે જન્મ દિવસ ઉજવતાં એની યાદ કેમ ભૂલાય !
આ દિવસે હું જીવન સધ્યાના અવનવા રંગો નિહાળતો નિહાળતો મારી ભાતીગર જીવન યાત્રાના ૭૬ વર્ષ પુરાં કરીને ૭૭ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં જાગેલ કેટલાંક વિચાર મંથનોને શબ્દ રૂપ આપી આજની પોસ્ટમાં રજુ કર્યા છે .આજના દિવસે મારી જીવન કિતાબનાં પાછલાં પૃષ્ઠો ઉપર નજર દોડાવું છું ત્યારે મારા માનસ પટ ઉપર વીતેલા સમયના ચિત્રો ઉપસી આવે છે .
આ ચિત્ર પટમાં જીવનમાં આવેલ ધૂપ અને છાંવ અને ચઢાવ ઉતરાવના પ્રસંગો દેખાય છે ! જીવનના તપતા લોખંડ ઉપર સંજોગોના હથોડા પડતા ગયા એમ જિંદગીને એક નવો આકાર મળતો ગયો .મજબુત મનોબળ અને આંતરિક હિમ્મત એજ સંજોગો પર સવાર થવા માટેનો એક માત્ર ઉપાય છે એ સમજાયું ..
જીવનમાં આવેલી દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર આનંદ પૂર્વક ચાલતી રહી.
જે સમયે જે આવી મળે એને પ્રેમથી સમજપૂર્વક સ્વીકારીને સંજોગો સાથે સમજણ કેળવીને મનમાં કોઈ પણ જાતનો દગો રાખ્યા વિના આગળ વધતા રહેવું એમાં જ જીવન જીવ્યાનો સંતોષ અને આનંદ રહેલો હોય છે ..
જિંદગીનો છેલ્લો પડાવ મનથી માનેલા આ દેશ અમેરિકામાં આવીને અટક્યો છે . આપણી આ જિંદગી નદીના વહેતા વહેણ જેવી છે .રસ્તામાં આવતા અવરોધો નદીને ડરાવતા નથી .એ બધાં અવરોધોને એક બાજુ કરીને એમાંથી પોતાનો માર્ગ કરીને એ આગળ વધતી રહે છે .
એનું અંતિમ લક્ષ્ય એના જન્મદાતા સમુદ્રને મળવાનું હોય છે .સમુદ્ર નજીક આવતો જાય એમ એના વહેણ ઠાવકાં અને શાંતિથી વીશાળ પટમાં ખળ ખળ વહેતાં હોય છે.
આપણે પણ નદીમાંના પાણીના બુંદ જેવાં છીએ પણ જ્યારે બુંદ સાગરને જઈને મળે છે ત્યારે બુંદ એક મહાસાગરનું રૂપ ધારણ કરે છે .
નદીની જેમ આપણા આ જીવનના વહેણનું અંતિમ લક્ષ્ય પરમાત્મા રૂપી સમુદ્રને જઈને મળવાનું છે .આ લક્ષ્ય કેવું હોવું જોઈએ ? એક ઘોડેસ્વાર એના ઘોડાને કુદાવવા માટે લગામ પકડીને પોતાની જાતને બરાબર સંભાળી લઈને ઘોડાને કુદાવ્વાની વાડ તરફ જ પોત્તાની દ્રષ્ટિ સ્થિર કરે છે એમ જ જીવન સંધ્યાના આ સમયે અંતરીક્ષમાં દેખાતા પ્રભુ મિલનના લક્ષ્ય તરફ દ્રષ્ટિ સ્થિર રાખીને જાતને સંભાળી લઈને આ મોટા કુદકાની તૈયારી કરવા માટે પોતાની જાતને પ્રભુમાં જોતરવાનો આ સમય છે .
જીવન સંધ્યાનો આ સમય છે આત્મ ખોજનો સમય.આ સોનેરી સમયની હરેક પળને આનંદથી જીવવા નિવૃતિને મનગમતી પ્રવૃતિમાં અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.
મારા આ બ્લોગના પેજ ઉપર મારા પરિચય નીચે મુકેલ મારા કાવ્ય” મને શું ગમે ?” ની અંતિમ ક્ડીયોમાં મેં કહ્યું છે એમ-
ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.
આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.
You can’t change the past,
but you can ruin the present
by worrying over the future.
એક અજ્ઞાત કવિના હિન્દી કાવ્યની પ્રેરક ક્ન્ડીકાનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં આપું છું .
ઘડી દર ઘડી એનાં રૂપ બદલી રહી છે આ જિંદગી
કોઈક સમયે છાંય તો કોઈક સમયે તાપ છે જિંદગી
દરેક પ્રાપ્ત પળને મન ભરીને જીવીલો આ જિંદગીમાં
કેમકે આવો સમય કદાચ કાલે આવે કે ન પણ આવે !
શાયર “મરીઝ ” નો પણ એક સુંદર શેર યાદ આવે છે
બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે ,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે .
ભગવાન ઉપર મને અપાર શ્રધા છે.મને હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ કસોટીનો પ્રસંગ આવ્યો,જ્યારે હિમ્મત હારીને બેસી ગયો એવા વખતે કોઈ અદ્રશ્ય દિવ્ય શક્તિએ હિમ્મત આપીને મને બેઠો કરી મારો માર્ગ સરળ બનાવ્યો છે. ગીતા જેવા સદગ્રંથોના વાચને મારા મનોબળને મજબુત કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે. કોઈએ સાચું જ કહ્યું છે કે ચિંતાની ચકલી મનમાં માળો બાંધે એ પહેલાં એણે ઉડાડી મુકો .કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય જે પળ જીવતા હોઈએ એને સારી રીતે આનંદથી જીવી જાણવી એમાં જ જીવનની સાર્થકતા છે.
શ્રીમદ ભગવદ ગીતા એ જીવન જીવવાની કળા શીખવતો વિશ્વ માન્ય ગ્રંથ છે .સાચો યોગી કોને કહેવાય એની વ્યાખ્યા કરતાં યોગેશ્વર શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના ૬ ઠા અધ્યાયના ૧૭માં શ્લોકમાં કહે છે કે —
“જેનો આહાર ,વિહાર,વિચાર અને વ્યવહાર સંતુલિત અને સંયમિત છે, જેના કાર્યોમાં દિવ્યતા,મનમાં સદા પવિત્રતા અને શુભની પ્રત્યે અદમ્ય ઈચ્છા છે ,જેનું સુવું અને ઉઠવું અર્થપૂર્ણ છે , તે જ સાચો યોગી છે .”
વાચકોના પ્રતિભાવ