વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 16, 2013

( 167 ) માણસોને મદદરૂપ થવું એ મોટી પ્રાર્થના છે

ચાઇનીઝ સાધુ માત્સુ અને તેમના ગુરુની વચ્ચે થયેલો સંવાદ

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

ચીનમાં માત્સુ નામના એક મહાન સાધુ હતા. તેમણે ભગવાનને પામવા માટે આકરી સાધના શરૂ કરી હતી. તેઓ પોતાનું શહેર છોડીને નિર્જન સ્થળે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે એક નાનકડી ઝૂંપડી બાંધી હતી. તેમણે સતત ઈશ્ર્વરની સાધના શરૂ કરી અને તમામ લોકો સાથે સંબંધ કાપી નાખ્યો.

એક સાધક તરીકે તેમના નામની વાહવાહ બોલાવા લાગી. જોકે માત્સુને એવી વાહવાહની પરવા નહોતી. તેઓ તો પોતાની સાધનામાં મસ્ત હતા.

એક દિવસ માત્સુના ગુરુ માત્સુને મળવા જઈ પહોંચ્યા. તેમના સુધી પણ માત્સુની વાહવાહ પહોંચી હતી. માત્સુના ગુરુ માત્સુથી જુદી પ્રકૃતિના હતા. તેઓ લોકો વચ્ચે ફરતા રહેતા હતા અને સાથે સાથે સમય મળે ત્યારે સાધના પણ ચાલુ રાખતા હતા.

માત્સુના ગુરુ માત્સુ પાસે જઈને ઊભા રહ્યા પણ માત્સુ સાધનામાં એટલા રત હતા કે તેમને ગુરુના આગમનની પણ ખબર પડી નહીં.

ગુરુએ માત્સુને સાધનામાં રહેવા દીધા. ખાસ્સી વાર થઈ પણ માત્સુને ગુરુની હાજરીની ખબર પડી નહીં. છેવટે ગુરુએ એક ઈંટ ઉપાડી અને એ ઈંટ એક પથ્થર ઉપર ઘસવા માંડી. માત્સુએ સાધનામાંથી જાગૃત થઈને જોયું ત્યારે તેમના ગુરુજી પથ્થર ઉપર ઇંટ ઘસી રહ્યા હતા.

માત્સુએ એ જોઈને આશ્ર્ચર્ય સાથે સવાલ કર્યો કે, ‘ગુરુજી તમે નાના બાળકની જેમ આ શું કરી રહ્યા છો?’ ગુરુએ શાંતિથી પથ્થર ઉપર ઈંટ ઘસતા ઘસતા કહ્યું કે ‘આ પથ્થર ઉપર ઈંટ ઘસીને હું તેનો અરીસો બનાવીશ.’

આ સાંભળીને માત્સુને હસવું આવ્યું. તેમણે કહ્યું કે, ‘તમે આ કેવી વાત કરો છો? ઈંટ કદી આયનો બને? તમે તો મૂર્ખ જેવી વાત કરો છો!’ ગુરુએ કહ્યું, ‘મૂર્ખ હું નહી તું છે.’ માત્સુ કહે કે, ‘હું સમજયો નહીં.’

ગુરુએ કહ્યું, ‘ભલા માણસ તું તારા મનરૂપી ઈંટને સતત ખાલી પ્રાર્થના અને સાધના રૂપી પથ્થર પર ઘસ્યા કરે છે. પણ એથી શું તારું મન દર્પણ બનશે ખરું? અહીં નિર્જન સ્થળે પ્રાર્થના સાધના કરવાને બદલે લોકોને ઉપયોગી થાય એવા કામ કર. લોકોને મદદરૂપ બનવાની કોશિશ કર. લોકોની સેવા કરતા મોટી કોઇ સાધના નથી. દુખી અને જરૂરતમંદ લોકોને મદદ કર એ જ સાચી સાધના છે.’

માત્સુના ગળે એ વાત ઊતરી ગઇ અને તેમણે નિર્જન સ્થળ છોડીને લોકોની વચ્ચે વસવાનું નક્કી કર્યું. એ પછીની જિંદગી તેમણે લોકોને મદદરૂપ બનવામાં કાઢી .

ચાઇનીઝ સાધુ માત્સુના જીવન પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે મંદિરોમાં અને આશ્રમોમાં ભટકવાને બદલે આપણી આજુબાજુના માણસોને  મદદરૂપ થઇએ તો એ સાચી સાધના કે ભક્તિ છે. દેખાડો કરવા માટે લાખો રૂપિયાનું દાન કરવાને બદલે આપણી આજુબાજુના માણસોને ઉપયોગી થવું એ ભગવાન સુધી પહોંચવાનો સરળ રસ્તો છે.

 સૌજન્ય- મુંબઈ સમાચાર

 

__________________________________________________________________________________________________

મહાન લોકોના અનુભવની ૧૬ વાતો…

1-ગુણઃ- ન હોય તો રૂપ વ્યર્થ છે.

2-વિનમ્રતા- ન હોય તો વિદ્યા વ્યર્થ છે.

3-ઉપયોગ- ન આવે તો ધન વ્યર્થ છે.

4-સાહસ- ન હોય તો હથિયાર વ્યર્થ છે.

5-ભૂખ- ન હોય તો ભોજન વ્યર્થ છે.

6- હોશ- ન હોય તો જોશ વ્યર્થ છે.

7- પરોપકાર- ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.

8-ગુસ્સો-અકલને ખાઈ જાય છે.

9-અંહકાર- મનને ખાઈ જાય છે.

10-ચિંતાઃ- આયુને ખાઈ જાય છે.

11-રિશ્વત- ઇન્સાફને ખાઈ જાય છે.

12-લાલચ- ઇમાનને ખાઈ જાય છે.

13-દાન- કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.

14-સુંદરતા- લજ્જા(લાજ) વગરની સુંદરતા વ્યર્થ છે.

15-દોસ્ત-ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.

16-ચહેરો-માણસની કિમત તેની સૂરતથી નહીં પણ સીરત

અર્થાત ગુણોથી લગાવવી જોઈએ.

(એક મિત્રના ફોર્વર્ડેડ ઈ-મેલમાંથી સાભાર )

Father Valles about old age