વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 26, 2013

( 171 ) અહંકાર પણ એક પ્રકારનો નશો છે (સંકલિત)

ગુર્જિયેફે જ્યારે વિખ્યાત લેખિકા કેથરિન મેન્સફિલ્ડને ‘વ્યસન’ છોડાવ્યું

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

વિખ્યાત તત્ત્વચિંતક સંત ગુર્જિયેફને મળવા મશહૂર લેખિકા કેથરિન મેન્સફિલ્ડ ગયાં. કેથરિન મેન્સફિલ્ડ ચેઈન સ્મોકર હતાં અને ગુર્જિયેફને એ વાતની ખબર હતી.

ગુર્જિયેફે કેથરિનને કહ્યું, “તમે આવડા મોટાં લેખિકા છો. તમારી આટલી બધી પ્રતિષ્ઠા છે. પણ તમારું સિગારેટનું વ્યસન સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. તમને ક્યારેય એવું લાગતું નથી કે તમારે આ વ્યસન છોડી દેવું જોઈએ?

કેથરિને કહ્યું, “તમારી વાત તો સાચી છે પણ સિગારેટનું વ્યસન છોડવું બહુ મુશ્કેલ છે.

ગુર્જિયેફે કહ્યું, “કશું જ મુશ્કેલ નથી. તમે સંકલ્પ કરો તો કોઈ પણ વ્યસન છોડી શકો છો.

કેથરિન મેન્સફિલ્ડને એ વાત ગળે ઉતરી ગઈ અને એ જ ક્ષણે તેમણે સિગારેટ છોડી દેવાનો નિશ્ર્ચય કર્યો.

કેથરિનના દૃઢ નિશ્ર્ચયથી તેમની સિગારેટની લટ છૂટી ગઈ. એકાદ વર્ષ પછી તેઓ ગુર્જિયેફને મળવા ગયાં. કેથરિન ગુર્જિયેફને મળ્યાં ત્યારે તેમના ચહેરા પર અભિમાનનો ભાવ હતો.

કેથરિને બીજી કંઈ વાત કરવાને બદલે ગુર્જિયેફને કહેવા માંડયું, “તમે કહ્યું એ પ્રમાણે મેં સિગારેટ છોડવાનો નિશ્ર્ચય કર્યો અને સિગારેટ પીવાની લતથી મેં છુટકારો મેળવી લીધો. હવે તો મારી આજુબાજુમાં કોઈ સિગારેટ પીતું હોય કે કોઈ મને સિગારેટ પીવા માટે લલચાવે તો પણ હું સિગારેટ પીતી નથી. મેં સિગારેટ છોડવાનો દૃઢ સંકલ્પ કર્યો એ પછી હું મારા નિર્ણયમાંથી ડગી નથી, આવો દૃઢ સંકલ્પ કરવાની શક્તિ કોઈ મક્કમ મનોબળવાળી વ્યક્તિમાં જ હોય છે…

કેથરિન મેન્સફિલ્ડ આગળ બોલી રહ્યાં હતાં પણ તેમને અટકાવીને ગુર્જિયેફે કહ્યું કે, “તમે એક વ્યસનમાંથી નીકળીને બીજું વ્યસન પકડી લીધું છે એનું મને દુ:ખ થાય છે.

કેથરિને ચેલેન્જ ફેંકીને કહ્યું કે, “મને બીજું કોઈ જ વ્યસન નથી. કોણ કહી શકે એમ છે કે મને કોઈ પ્રકારનું વ્યસન છે?

ગુર્જિયેફે કહ્યું કે, “સિગારેટ કે બીજા કોઈ નશા કરતા અભિમાનનો વધુ નશો હોય છે. તમે સિગારેટ કરતા

વધુ ખતરનાક નશાનો ભોગ બની ગયાં છો, તમે જે બોલી રહ્યાં છો એ અહંકારના નશા સાથે બોલી રહ્યાં છો.

કેથરિન મેન્સફિલ્ડે એ દિવસે બીજું વ્યસન, અહંકારનું વ્યસન છોડી દીધું.

સૌજન્ય- મુંબઈ સમાચાર

 

 

Swami Vvekaanand -Quote