૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે દેશ માટે એક મહાત્માએ આપેલ પોતાના જીવનની આહુતિનો -શહીદીનો દિવસ.
આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો જે દિવસે લોકોના લાડીલા નેતા મહાત્મા ગાંધીએ એક પાગલ હત્યારાની ત્રણ ગોળીઓનો ભોગ બની દેશ માટે પ્રાણ આપી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.
આ સત્ય અને અહિંસાના પુજારી ,એક નાના જંતુની પણ હિંસા સાંખી ન શકે એવા શાંતિના દૂતનો પ્રાણ એક દેશવાસી અને સહધર્મી વ્યક્તિ લે એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય !દુનિયાના કરોડો લોકોએ આ ૭૮ વર્ષના ફકીરની વિદાયથી આંસુ ભરી શોકાંજલિ અર્પી હતી.
ગાંધીજીના જીવન અને કાર્ય અંગે કેટકેટલું અનેક લેખકો દ્વારા લખાયું છે અને લખાતું રહેશે .એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક છે.ડો.માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળ લડાયેલ અમેરિકાની અહિંસક સામાજિક ક્રાંતિમાં અને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની સ્વતંત્રતાની લડતમાં ગાંધી વિચારોની અસર ચોખ્ખી જણાઈ આવે છે
આ કર્મયોગી પૂજ્ય બાપુ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં એમનામાં ભારોભાર નમ્રતા ભરી હતી.એમની આત્મકથા સત્યના પ્રયોગોમાં એમણે કહ્યું છે :
”મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે.એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી .જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું ,મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું ,તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. “
આવા નિર્મોહી દેશનેતા એવા પ્રાતઃસ્મરણીય મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથીના આજના દિવસે એમને કોટિ કોટિ અંતરના પ્રણામ
ગાંધીજીના જીવનનો છેલ્લો દિવસ -૩૦મી જાન્યુઆરી ૧૯૪૮નો સંપૂર્ણ નો અહેવાલ અને એ દિવસ પહેલાં એમના ખુન માટે ગોડસે અને એના સાથીદારોના ષડ્યંત્રની વિગતો નિહાળો નીચેના વિડીયોમાં .
January 30, 1948: Martyrs Day in Memory Of Mahatma Gandhi
વાચકોના પ્રતિભાવ