વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જાન્યુઆરી 2013

( 168 ) હિમ્મતે મર્દા તો મદદે ખુદા – એક પ્રેરક વિડીયો અને અંગ્રેજી કાવ્ય

અમેરિકા તરફથી ગલ્ફના યુદ્ધમાં સૈનિક તરીકે લડનાર આર્થર

બુર્મેન યુદ્ધ વખતે પેરેશુટમાંથી  અવાર નવાર કુદીને નીચે

પડવાથી  એના બે પગોએ ઇઝાઓ થવાથી એને માટે ચાલવાનું

પણ મુશ્કેલ બની ગયું હતું .બેઠાં બેઠાં એનું વજન ખુબ વધી ગયું

અને એકવાર  તો નાહિંમત થઇ આશાઓ છોડી દીધી હતી કે

કદી એ પહેલાની જેમ ચાલી શકશે કે કેમ . પરંતુ એણે હિમ્મત

એકઠી કરીઅને  યોગ અને કસરતનો સહારો લીધો . આર્થર

બુર્મેનએ એ પછી સતત પુષ્કળ જહેમત કરીને એણે વધી ગયેલું

વજન કેવી રીતે ઉતાર્યું અને પહેલાની જેમ દોડતો થઇ ગયો એ

નીચેના પ્રેરક વિડીયોમાં જે બતાવવામાં આવ્યું છે એ અદભૂત

છે .

વધુ વિગતો તો આ સુંદર વિડીયોમાં જ નિહાળો અને એક

ધ્યેયનિષ્ઠા , સાધના અને પ્રયત્નોથી કેવું પરિણામ મેળવી

શકાય છે એની પ્રતીતિ કરો.

Never, Ever Give Up. Arthur’s Inspirational Transformation!

_________________________________________________________________________________

એક પ્રેરણાદાયી અંગ્રેજી કાવ્ય DON’T  QUIT

આજની પોસ્ટના વિષયની પૂર્તિ કરતું એક અજાણ કવિનું બહું જાણીતું અંગ્રેજી કાવ્ય નીચે મુક્યું છે એ પણ માણો .આ ખુબ જ  પ્રેરક કાવ્ય છે .

DON’T  QUIT

When things go wrong,

as they sometimes will,

When the road you’re trudging seems all uphill,

When the funds are low and the debts are high,

And you want to smile, but you have to sigh,

When care is pressing you down a bit,

Rest,if you must, but don’t you quit.

 

Life is queer with its twists and turns,

As every one of us sometimes learns,

And many a failure turns about,

 When he might have won had he stuck it out;

Don’t give up though the pace seems slow–

You may succeed with another blow.

Often the goal is nearer than,

It seems to a faint and faltering man,

Often the struggler has given up,

When he might have captured the victor’s cup,

And he learned too late when the night slipped down,

How close he was to the golden crown.

Success is failure turned inside out–

The silver tint of the clouds of doubt,

And you never can tell how close you are,

It may be near when it seems so far,

So stick to the fight when you’re hardest hit–

It’s when things seem worst that you must not quit.

– Author unknown

 

 

 

 

 

( 167 ) માણસોને મદદરૂપ થવું એ મોટી પ્રાર્થના છે

ચાઇનીઝ સાધુ માત્સુ અને તેમના ગુરુની વચ્ચે થયેલો સંવાદ

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

ચીનમાં માત્સુ નામના એક મહાન સાધુ હતા. તેમણે ભગવાનને પામવા માટે આકરી સાધના શરૂ કરી હતી. તેઓ પોતાનું શહેર છોડીને નિર્જન સ્થળે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે એક નાનકડી ઝૂંપડી બાંધી હતી. તેમણે સતત ઈશ્ર્વરની સાધના શરૂ કરી અને તમામ લોકો સાથે સંબંધ કાપી નાખ્યો.

એક સાધક તરીકે તેમના નામની વાહવાહ બોલાવા લાગી. જોકે માત્સુને એવી વાહવાહની પરવા નહોતી. તેઓ તો પોતાની સાધનામાં મસ્ત હતા.

એક દિવસ માત્સુના ગુરુ માત્સુને મળવા જઈ પહોંચ્યા. તેમના સુધી પણ માત્સુની વાહવાહ પહોંચી હતી. માત્સુના ગુરુ માત્સુથી જુદી પ્રકૃતિના હતા. તેઓ લોકો વચ્ચે ફરતા રહેતા હતા અને સાથે સાથે સમય મળે ત્યારે સાધના પણ ચાલુ રાખતા હતા.

માત્સુના ગુરુ માત્સુ પાસે જઈને ઊભા રહ્યા પણ માત્સુ સાધનામાં એટલા રત હતા કે તેમને ગુરુના આગમનની પણ ખબર પડી નહીં.

ગુરુએ માત્સુને સાધનામાં રહેવા દીધા. ખાસ્સી વાર થઈ પણ માત્સુને ગુરુની હાજરીની ખબર પડી નહીં. છેવટે ગુરુએ એક ઈંટ ઉપાડી અને એ ઈંટ એક પથ્થર ઉપર ઘસવા માંડી. માત્સુએ સાધનામાંથી જાગૃત થઈને જોયું ત્યારે તેમના ગુરુજી પથ્થર ઉપર ઇંટ ઘસી રહ્યા હતા.

માત્સુએ એ જોઈને આશ્ર્ચર્ય સાથે સવાલ કર્યો કે, ‘ગુરુજી તમે નાના બાળકની જેમ આ શું કરી રહ્યા છો?’ ગુરુએ શાંતિથી પથ્થર ઉપર ઈંટ ઘસતા ઘસતા કહ્યું કે ‘આ પથ્થર ઉપર ઈંટ ઘસીને હું તેનો અરીસો બનાવીશ.’

આ સાંભળીને માત્સુને હસવું આવ્યું. તેમણે કહ્યું કે, ‘તમે આ કેવી વાત કરો છો? ઈંટ કદી આયનો બને? તમે તો મૂર્ખ જેવી વાત કરો છો!’ ગુરુએ કહ્યું, ‘મૂર્ખ હું નહી તું છે.’ માત્સુ કહે કે, ‘હું સમજયો નહીં.’

ગુરુએ કહ્યું, ‘ભલા માણસ તું તારા મનરૂપી ઈંટને સતત ખાલી પ્રાર્થના અને સાધના રૂપી પથ્થર પર ઘસ્યા કરે છે. પણ એથી શું તારું મન દર્પણ બનશે ખરું? અહીં નિર્જન સ્થળે પ્રાર્થના સાધના કરવાને બદલે લોકોને ઉપયોગી થાય એવા કામ કર. લોકોને મદદરૂપ બનવાની કોશિશ કર. લોકોની સેવા કરતા મોટી કોઇ સાધના નથી. દુખી અને જરૂરતમંદ લોકોને મદદ કર એ જ સાચી સાધના છે.’

માત્સુના ગળે એ વાત ઊતરી ગઇ અને તેમણે નિર્જન સ્થળ છોડીને લોકોની વચ્ચે વસવાનું નક્કી કર્યું. એ પછીની જિંદગી તેમણે લોકોને મદદરૂપ બનવામાં કાઢી .

ચાઇનીઝ સાધુ માત્સુના જીવન પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે મંદિરોમાં અને આશ્રમોમાં ભટકવાને બદલે આપણી આજુબાજુના માણસોને  મદદરૂપ થઇએ તો એ સાચી સાધના કે ભક્તિ છે. દેખાડો કરવા માટે લાખો રૂપિયાનું દાન કરવાને બદલે આપણી આજુબાજુના માણસોને ઉપયોગી થવું એ ભગવાન સુધી પહોંચવાનો સરળ રસ્તો છે.

 સૌજન્ય- મુંબઈ સમાચાર

 

__________________________________________________________________________________________________

મહાન લોકોના અનુભવની ૧૬ વાતો…

1-ગુણઃ- ન હોય તો રૂપ વ્યર્થ છે.

2-વિનમ્રતા- ન હોય તો વિદ્યા વ્યર્થ છે.

3-ઉપયોગ- ન આવે તો ધન વ્યર્થ છે.

4-સાહસ- ન હોય તો હથિયાર વ્યર્થ છે.

5-ભૂખ- ન હોય તો ભોજન વ્યર્થ છે.

6- હોશ- ન હોય તો જોશ વ્યર્થ છે.

7- પરોપકાર- ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.

8-ગુસ્સો-અકલને ખાઈ જાય છે.

9-અંહકાર- મનને ખાઈ જાય છે.

10-ચિંતાઃ- આયુને ખાઈ જાય છે.

11-રિશ્વત- ઇન્સાફને ખાઈ જાય છે.

12-લાલચ- ઇમાનને ખાઈ જાય છે.

13-દાન- કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.

14-સુંદરતા- લજ્જા(લાજ) વગરની સુંદરતા વ્યર્થ છે.

15-દોસ્ત-ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.

16-ચહેરો-માણસની કિમત તેની સૂરતથી નહીં પણ સીરત

અર્થાત ગુણોથી લગાવવી જોઈએ.

(એક મિત્રના ફોર્વર્ડેડ ઈ-મેલમાંથી સાભાર )

Father Valles about old age

(166 ) મારા ૭૬મા જન્મ દિવસે થોડુંક ચિંતન ……

૧૫મી જાન્યુઆરી, ૨૦૧૩ એ છે મારો ૭૬મો જન્મ દિવસ. આ વાસી ઉતરાયણનો પણ દિવસ .

વતન અમદાવાદમાં હતો ત્યારે દર વર્ષે વાસી ઉતરાયણના આ દિવસે બધાં નજીકના સગાઓ

ભેગાં મળી અગાસીમાં જમણ અને પતંગના પેચ સાથે જન્મ દિવસ ઉજવતાં એની યાદ કેમ ભૂલાય ! 

આ દિવસે હું જીવન સધ્યાના અવનવા રંગો નિહાળતો નિહાળતો મારી ભાતીગર જીવન યાત્રાના ૭૬ વર્ષ પુરાં કરીને  ૭૭ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં જાગેલ કેટલાંક વિચાર મંથનોને શબ્દ રૂપ આપી આજની પોસ્ટમાં રજુ કર્યા છે .આજના દિવસે મારી જીવન કિતાબનાં પાછલાં પૃષ્ઠો ઉપર નજર દોડાવું છું ત્યારે મારા માનસ પટ ઉપર વીતેલા સમયના ચિત્રો ઉપસી આવે છે .

આ ચિત્ર પટમાં જીવનમાં આવેલ ધૂપ અને છાંવ અને  ચઢાવ ઉતરાવના પ્રસંગો  દેખાય છે ! જીવનના તપતા લોખંડ ઉપર સંજોગોના હથોડા પડતા ગયા એમ જિંદગીને એક નવો આકાર મળતો ગયો .મજબુત મનોબળ અને આંતરિક હિમ્મત એજ સંજોગો પર સવાર થવા માટેનો એક માત્ર ઉપાય છે એ સમજાયું ..

જીવનમાં આવેલી દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર આનંદ પૂર્વક ચાલતી રહી.

કવિ ઉમાશંકર જોશીના શબ્દોમાં કહું તો

”ત્રણ વાનાં મુજને મળ્યાં ,હૈયું,મસ્તક, હાથ, બહું દઈ દીધું નાથ,જા ચોથું નથી માગવું.”

જે સમયે જે આવી મળે એને પ્રેમથી સમજપૂર્વક સ્વીકારીને સંજોગો સાથે સમજણ કેળવીને મનમાં કોઈ પણ જાતનો દગો રાખ્યા વિના આગળ વધતા રહેવું એમાં જ જીવન જીવ્યાનો સંતોષ અને આનંદ રહેલો હોય છે ..

જિંદગીનો છેલ્લો પડાવ મનથી માનેલા આ દેશ અમેરિકામાં આવીને અટક્યો છે . આપણી આ જિંદગી નદીના વહેતા વહેણ જેવી છે .રસ્તામાં આવતા અવરોધો નદીને ડરાવતા નથી .એ બધાં અવરોધોને એક બાજુ કરીને એમાંથી પોતાનો માર્ગ કરીને એ  આગળ વધતી રહે છે .

એનું અંતિમ લક્ષ્ય એના જન્મદાતા સમુદ્રને મળવાનું હોય છે .સમુદ્ર નજીક આવતો જાય એમ એના વહેણ ઠાવકાં અને  શાંતિથી વીશાળ પટમાં ખળ ખળ વહેતાં હોય છે.

આપણે પણ નદીમાંના પાણીના બુંદ જેવાં છીએ પણ જ્યારે બુંદ સાગરને જઈને મળે છે ત્યારે બુંદ એક મહાસાગરનું રૂપ ધારણ કરે છે .

નદીની જેમ આપણા આ જીવનના વહેણનું અંતિમ લક્ષ્ય પરમાત્મા રૂપી સમુદ્રને જઈને મળવાનું છે .આ લક્ષ્ય કેવું હોવું જોઈએ ? એક ઘોડેસ્વાર એના ઘોડાને કુદાવવા માટે લગામ પકડીને  પોતાની જાતને બરાબર સંભાળી લઈને ઘોડાને કુદાવ્વાની વાડ તરફ જ પોત્તાની દ્રષ્ટિ સ્થિર કરે છે એમ જ જીવન સંધ્યાના આ સમયે અંતરીક્ષમાં દેખાતા પ્રભુ મિલનના લક્ષ્ય તરફ દ્રષ્ટિ સ્થિર રાખીને જાતને સંભાળી લઈને આ મોટા કુદકાની તૈયારી કરવા માટે પોતાની જાતને પ્રભુમાં જોતરવાનો આ સમય છે .

જીવન સંધ્યાનો આ સમય છે આત્મ ખોજનો સમય.આ સોનેરી સમયની હરેક પળને આનંદથી જીવવા નિવૃતિને મનગમતી પ્રવૃતિમાં અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.

મારા આ બ્લોગના પેજ ઉપર મારા પરિચય નીચે મુકેલ મારા કાવ્ય” મને શું ગમે ?” ની અંતિમ ક્ડીયોમાં મેં કહ્યું છે એમ-

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી  

વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.  

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને

જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

You can’t change the past,  

but you can ruin the present  

by worrying over the future. 

એક અજ્ઞાત કવિના હિન્દી કાવ્યની પ્રેરક ક્ન્ડીકાનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં આપું છું .

ઘડી દર ઘડી એનાં રૂપ બદલી રહી છે આ જિંદગી

કોઈક સમયે છાંય તો કોઈક સમયે તાપ  છે જિંદગી

દરેક પ્રાપ્ત પળને મન ભરીને જીવીલો આ જિંદગીમાં 

કેમકે આવો સમય કદાચ કાલે આવે કે ન પણ આવે !

શાયર “મરીઝ ” નો પણ એક સુંદર શેર યાદ આવે છે

બસ એટલી જ સમજ મને  પરવરદિગાર દે ,

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે .

ભગવાન ઉપર મને અપાર શ્રધા છે.મને  હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ કસોટીનો પ્રસંગ આવ્યો,જ્યારે હિમ્મત હારીને બેસી ગયો એવા વખતે કોઈ અદ્રશ્ય દિવ્ય શક્તિએ હિમ્મત આપીને મને બેઠો કરી મારો માર્ગ સરળ બનાવ્યો છે. ગીતા જેવા સદગ્રંથોના વાચને મારા મનોબળને  મજબુત કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે.   કોઈએ સાચું જ કહ્યું છે કે ચિંતાની ચકલી મનમાં માળો બાંધે એ પહેલાં એણે ઉડાડી મુકો .કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય જે પળ જીવતા હોઈએ  એને સારી રીતે આનંદથી જીવી જાણવી એમાં જ જીવનની સાર્થકતા છે.

શ્રીમદ ભગવદ ગીતા એ જીવન જીવવાની કળા શીખવતો વિશ્વ માન્ય ગ્રંથ છે .સાચો યોગી કોને કહેવાય એની વ્યાખ્યા કરતાં યોગેશ્વર શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના ૬ ઠા અધ્યાયના ૧૭માં શ્લોકમાં કહે છે કે —

“જેનો આહાર ,વિહાર,વિચાર અને વ્યવહાર સંતુલિત અને સંયમિત છે, જેના કાર્યોમાં દિવ્યતા,મનમાં સદા પવિત્રતા અને શુભની પ્રત્યે અદમ્ય ઈચ્છા છે ,જેનું સુવું અને ઉઠવું અર્થપૂર્ણ છે , તે જ સાચો યોગી છે .”

આવા યોગી બનવા માટેનો આપણો પ્રયત્ન હોવો જરૂરી છે . .

મારી આજ સુધીની જિંદગીને સહ્ય અને સરળ તથા  નિવૃતિના આ સોનેરી કાળને રસિક અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અને મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.  

તા-જાન્યુઆરી ૧૫,૨૦૧૩ ,

૭૬મો જન્મ દિવસ .                                                                                  વિનોદ આર. પટેલ     

-_______________________________________________________________________________________

આજના આ જન્મ દિવસે મને પ્રિય એક સુંદર ગુજરાતી પ્રાર્થના યુ-ટ્યુબના સૌજ્ન્યથી વિડીયોમાં માણો

જીવન અંજલિ થાજો મારૂ,
જીવન અંજલિ થાજો….
ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જળ થાજો….
દીન દુઃખીયાના આંસુ લુછતાં
અંતર કદી ન ધરાજો….
સત્યની કાંટાળી કેડી પર,
પુષ્પ બની પથરાજો….
ઝેર જગતના ઝિરવી ઝિરવી,
અમૃત ઉરના પાજો….
પડખાં કયા ચરણો મારા નીત,
તારા સમીપે રાજો….
હૈયાના પ્રત્યેક સ્પંદને,
તારૂં નામ રટાજો….
વમળોની વચ્ચે નૈયા મુજ,
હાલક ડોલક થાજો….
શ્રધ્ધા કેરો દીપક મારો
નવ કદી ઓલવાજો….

જીવન અંજલિ થાજો મારૂ, જીવન અંજલિ થાજો….

Life is like a book...

( 165 ) ત્રણ સાહિત્ય પ્રેમી બ્લોગર મિત્રોનું લોસ એન્જેલસમાં સ્નેહ મિલન

તા.૯મી ડીસેમ્બર ૨૦૧૨ના દિવસની બપોર એક યાદગાર બની ગઈ જ્યારે પરાર્થે સમર્પણ બ્લોગના શ્રી ગોવિંદભાઇ ‘સ્વપ્ન’ અને તેમના લઘુ બંધુ ચિમનભાઈના પ્રેમ ભર્યા આમંત્રણે લોસ એન્જેલસમાં અનાયાસે જ ત્રણ સાહિત્ય પ્રેમીઓના સ્નેહ મિલનનો સંજોગ બની ગયો .

આકાશદીપ બ્લોગના જાણીતા કવિ શ્રી રમેશભાઈ ,શ્રી ગોવિંદભાઈ અને હું એ દિવસે શ્રી ગોવિંદભાઈના નાના ભાઈ ચીમનભાઈની આર્તેશીયામાં આવેલ રેસ્ટોરન્ટમાં મન ભરીને મળ્યા ,સપરિવાર સાથે જમ્યા અને ઘણા વખતથી મનમાં એક બીજાને રૂબરૂ મળવાની જે લાંબા સમયની ઈચ્છા રહેલી એની પૂર્તિ થયાનો આનંદ સૌને થયો . .

કવિ હૃદયના શ્રી રમેશભાઈએ તો એમના બ્લોગમાં 10 મી ડીસેમ્બર,2012ની પોસ્ટમાં આ સ્નેહ મિલનના પ્રસંગને વાકયોમાં વર્ણન કર્યા પછી કાવ્યમાં આ રીતે ઢાળ્યું છે .

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે….રમેશ પટેલ(આકાશદીપ)

ભોર ભયે આવ્યું સ્વપ્ન મુજને,

સ્વપ્ન એ દૈવી સાચું જ થયું

વાહ! તમારી લીલા જ ગોવિંદ

સન્મુખ વિનોદી હાસ્ય જ સર્યું

દીપ જ આકાશનો કેવો ઉજાશે

ડૂબ્યો ‘સ્વપ્ન’ માં ઝીલી ગોવિંદ

વિહારી ઘેલમાં છે વિનોદરાયજી

મિત્રો ત્રણે બ્લોગના એક પિંડ

રે સુભગ ઓ ઘડી! સ્વપ્નસી

મળ્યા રે ભાવ ભરતા જ ઉરે

ઉછાળ્યા તરંગો મા ગુર્જરીના

ખીલ્યા ત્રિવેણી સંગમે જ સૂરે

રમેશ પટેલ(આકાશદીપ)

નસીબજોગે, આ વખતે થેન્ક્સ ગીવીગથી ક્રિસમસ દરમ્યાન હું મારી દીકરીને ત્યાં લોસ એન્જેલસમાં હતો .અમારા ત્રણે જણની ઈચ્છા તો ડીસેમ્બરની તારીખ ૨ થી ૧૦ દરમ્યાન બોસ્ટનથી લોસ એન્જેલસ એમના મોટા ભાઈ જીતુભાઈને ત્યાં એમનાં પત્ની ડૉ. ગીતાબેન સાથે ટૂંકી મુલાકાતે આવેલ બ્લોગર મિત્ર ડૉ.રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે આ સ્નેહમિલન કરવાની હતી .પરંતુ સંજોગો અનુકુળ ન થતા આ શક્ય ન બની શક્યું એનો મનમાં અફસોસ રહી ગયો.એમ છતાં ફોન ઉપર બે-ત્રણવાર એમની સાથે અને શ્રી જીતુભાઈ સાથે વાત થઇ હતી જેમાં એમણે એમનાં સુશિક્ષિત બહેનો ૮૮ વર્ષનાં ડૉ.ભાનુબેન , ૮૫ વર્ષનાં જ્યોતિબેન, અલ્કાબેન અને જીતુભાઈનો પરિચય કરાવ્યો હતો એથી ખુશી થઇ.

ચંદ્ર પુકાર બ્લોગના ડૉ.ચંદ્રવદનભાઈ પણ આ વખતે મારી જેમ એમની દીકરીને ત્યાં લંડન ,યુ.કે. વેકેશનમાં ગયાં હોઈ એમને પણ રૂબરૂ મળવાની ઈચ્છા બાકી રહી ગઈ .

આ સ્નેહમિલન વખતે શ્રી રમેશભાઈએ એમના ત્રીજા કાવ્ય સંગ્રહ ત્રિપથગાનું દળદાર સુંદર પુસ્તક આ મિલન પ્રસંગની યાદગીરી રૂપે મને ભેટ આપ્યું એ બદલ એમનો આભારી છું.

શ્રી ગોવિંદભાઈ અને એમના પરિવારે એમનાં માતુશ્રી સ્વ. સુરજબાના સ્મરણાર્થે અંગ્રેજીમાં સચિત્ર છપાવેલ હનુમાન ચાલીસાની સુંદર પુસ્તિકા અને અન્ય સાહિત્ય શ્રી ગોવિંદભાઈએ મને ભેટ આપ્યાં એ બદલ એમનો પણ આભારી છું . આ સ્નેહની પ્રસાદી આ સ્નેહ મિલનની યાદ અપાવતી રહેશે .

શ્રી ગોવિંદ ભાઈ પટેલના બ્લોગ પરાર્થે સમર્પણની આ લિંક ઉપર એમની અવનવી હાસ્ય અને કટાક્ષ કથાઓ માણો .

શ્રી રમેશભાઈના બ્લોગ આકાશદીપની લિંક ઉપર ઉપર એમનાં અવનવાં કાવ્યોનો આસ્વાદ લેવાની મજા માણો .

વિનોદ પટેલ,

____________________________________________________________________________________________

ત્રણ બ્લોગર મિત્રોના સ્નેહ મિલનની બે બોલતી તસ્વીરો

<

Bloggers' meet-2

આ તસ્વીરમાં ડાબેથી શ્રી રમેશભાઈ ,વચ્ચે વિનોદભાઈ અને શ્રી ગોવિંદભાઈ

Bloggers' meet-3

આ તસ્વીરમાં ડાબેથી ગોવિંદભાઈના લઘુ બંધુ ચીમનભાઈ ,રમેશભાઈ ,વિનોદભાઈ,ગોવિંદભાઈ અને બે દિવસ પહેલાં જ અમેરિકા આવેલ

એમના બનેવી.

( 164 ) ક્યારેય નિષ્ફળ નહીં જતું ઔષધ…. લેખક- શ્રી મોહમ્મદ માંકડ

Josef Sugyu

 ગમે તેવાં દુઃખોમાં પણ માણસ એકાદ સુખદ સ્મરણનો આધાર લઈને ટકી શકે છે અને સ્મરણોને માણસ પાસેથી કોઈ ઝૂંટવી શકતું નથી 

ઈ.સ. ૧૯૦૭માં જન્મેલા અને પિસ્તાળીસ વર્ષના આયુષ્યમાં છેલ્લાં પંદર વર્ષ વ્હિલચેર અને પથારીમાં ગાળનાર અમેરિકન લેખક થોમસ જોસેફ સુગ્ય્રુની જિંદગી ઉપર એક નજર નાખવા જેવી છે.

જોસેફ સુગ્ય્રુ લેખક ઉપરાંત એક સારા વાયોલિનવાદક અને ફિડલવાદક પણ હતા. એડગર કેય્સીના જીવનના આધારે એમણે લખેલું પુસ્તક ‘ધેર ઇઝ અ રિવર’ આજે પણ વંચાતું પુસ્તક છે.

“હેરાલ્ડ ટ્રિબ્યુન’ અને ‘ધ અમેરિકન મેગેઝિન’ જેવા સામયિકમાં ગળાડૂબ વ્યસ્ત રહેતા આ લેખક-પત્રકારને એની ત્રીસ વર્ષની યુવાન વયે ભાગ્યે જ કોઈકને લાગુ પડે એવો એક ભયંકર રોગ લાગુ પડયો હતો. એમને લાગુ પડેલા આ એક વિશિષ્ટ આર્થરાઇટિસના રોગને કારણે એમના શરીરના એક પછી એક કોષો સુકાઈને મૃત થવા લાગ્યા હતા અને એ સ્થિતિમાં પણ એમણે મધ્ય-પૂર્વના અને યુરોપના કેટલાક દેશોનો પ્રવાસ ખેડયો હતો અને સાત પુસ્તકો લખ્યાં હતાં. સેંકડો લેખો લખ્યા હતા અને અનેક પ્રવચનો આપ્યાં હતાં.

અહીં આપણને વર્ષોથી મોટર ન્યૂરોન ડિસીઝથી પીડાતા અને મૃત્યુ સામે ઝઝૂમતા રહીને પણ પોતાના સંશોધનનું કામ કરી રહેલા વિજ્ઞાની સ્ટીફન હોકિંગની વાત યાદ આવી જાય છે. મહાન માણસોની કાર્યશૈલીમાં અને જીવન તરફના હકારાત્મક વલણમાં ઘણું સામ્ય જોવા મળે છે.  

૧૯૫૩માં હીપ રિપ્લેસમેન્ટના ઓપરેશનમાં મૃત્યુ પામ્યા એ પહેલાં થોડા સમયે જ લખેલા એક લેખમાં સુગ્ય્રુએ જીવન પ્રત્યેની પોતાની અટલ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ઘણા માણસો એમને પૂછતાં, આવી સ્થિતિમાં આટલી બધી શક્તિ તમને ક્યાંથી મળે છે? એ પ્રશ્નનો જવાબ એમણે પોતાના એ લેખમાં લખ્યો હતો. એ એમનો છેલ્લો લેખ હતો. લેખ આ પ્રમાણે હતોઃ 

હું જ્યારે સાઇકલ ઉપર હરફર કરી શકું એવડો હતો ત્યારે અમારા ગામમાં એક સ્ત્રી રહેતી હતી, જે અનેક મુસીબતો અને મુશ્કેલીઓથી ઘેરાયેલી હતી. એના છોકરાઓ કાયમ બીમાર રહેતા હતા. પતિ લગભગ પથારીમાં જ રહેતો હતો. એ સ્ત્રીની પોતાની તબિયત પણ જિંદગીનો બોજો ઉપાડીને ભાંગી પડી હતી. છતાં એ ભાંગી પડી નહોતી. વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરો સુકાઈ ગયો હતો. છતાં એની આંખોની ચમક એવી ને એવી જ હતી. હોઠ ઉપરનું હાસ્ય જરાય વિલાતું નહોતું. હું ઘણી વાર દવાની દુકાનેથી એને દવા લાવી દેતો હતો. એક વાર મારાથી એને પુછાઈ ગયું, “આટલી બધી તકલીફો તમે કઈ રીતે સહન કરી શકો છો?”

એક ક્ષણ એણે મારી સામે જોયું અને હસી પડી. “મને મદદ કરે એવી એક ગેબી વસ્તુ મારી પાસે છે.”

હું એની વાત સાંભળવા આતુર હતો. 

“દરેક વ્યક્તિ પાસે થોડાંક કીમતી સ્મરણો હોય છે. એવું એક અમૂલ્ય સ્મરણ મારી પાસે છે. મારો ઉછેર ખેતર ઉપર થયો છે. મારી મા વિધવા હતી અને મારાથી નાના ત્રણ ભાઈઓ હતા. અમને ચારેયને ઉછેરવાની જવાબદારી મારી મા ઉપર હતી. એ ઉપરાંત ખેતીનું કામ પણ એની માથે જ હતું. એક વખતની વાત છે. એ વખતે હું સાત વરસની હતી. શિયાળાનો સમય હતો. એક દિવસ સખત બરફ પડયો. અમે ભારે મુસીબતમાં મુકાઈ ગયાં. મારા બે નાના ભાઈઓ બીમાર હતા અને પથારીવશ હતા. એક ગાય હતી એ પણ માંદી હતી. પાણી જામીને બરફ થઈ ગયું હતું. મારી મા એકલી હતી. જિંદગી આખી જાણે થીજી જવાની હોય એમ ઠંડી અમને ઘેરી વળી હતી. મને થયું કે મારે માને મદદ કરવી જોઈએ. વાસણો ધોવા માટે અને રસોઈ બનાવવા માટે હું બહારથી તગારામાં બરફ ભરી લાવી.” 

મારી મા મને, નાનકડી છોકરીને એ રીતે કામ કરતી જોઈને હસી પડી; ખૂબ હસી અને પછી રડી પડી. મને નજીક ખેંચીને એક ચૂમી ભરી અને કહ્યું, “તું હવે મને મદદ કરે એવડી થઈ ગઈ! ચાલ, આપણે સાથે ચા પીએ.”

“અમે રસોડામાં ગયાં. બરફને ઓગાળીને એ પાણીમાંથી એણે ચા બનાવી અને અમે બંનેએ સાથે બેસીને ચા પીધી. એ મારો પહેલો ચાનો કપ હતો.” 

“મને મદદ કરનાર ગેબી વસ્તુ એ જ છે – રસોડાનું એ દૃશ્ય – હું મારી મા સાથે બેઠી હતી અને અમે બંને ચા પીતાં હતાં. એ દૃશ્ય મારી સ્મૃતિમાં ક્યારેય ભૂંસાઈ ન શકે એવી રીતે જડાઈ ગયું છે.”

“જ્યારે જ્યારે હું હતાશ થઈ જાઉં છું, હારી જાઉં છું, ભાંગી પડવાની અણી પર આવી જાઉં છું ત્યારે મારી માને યાદ કરું છું. રસોડાના એ દૃશ્યને યાદ કરું છું. હસવાનો પ્રયત્ન કરું છું, રડી પડું છું. રડવાનું પણ ઘણી વાર જરૂરી હોય છે. રસોડામાં જાઉં છું અને ચાનો કપ તૈયાર કરું છું. એ પીઉં છું અને ગમે તેવી મુસીબતો સામે ઊભી રહેવા તૈયાર થઈ જાઉં છું.” 

વાત કરતાં કરતાં એ સ્ત્રી ગળગળી થઈ ગઈ. મારો હાથ પકડીને બોલી, “ચાલ દીકરા, આપણે પણ ચાનો એકાદ કપ સાથે પી લઈએ.” 

ચા પીને અમે છુટા પડતાં હતાં ત્યારે એણે મને કહ્યું, “એક વાત યાદ રાખજે, સુખદ સ્મરણ એ જગતની સૌથી અમૂલ્ય વસ્તુ છે.”

અને હું પણ એમ માનું છું. ગમે તેવાં દુઃખોમાં પણ માણસ એકાદ સુખદ સ્મરણનો આધાર લઈને ટકી શકે છે અને સ્મરણોને માણસ પાસેથી કોઈ ઝૂંટવી શકતું નથી. આપણા આ વિજ્ઞાન યુગમાં માનસશાસ્ત્રીઓ સ્મૃતિને આપણા બચપણમાં અપમાનો, પીડા, ડંખ અને દ્વન્દ્વ છુપાવવાનું સાધન ગણે છે. પરંતુ મને એ તદ્દન સાચું લાગતું નથી. આપણી સ્મૃતિ એ વધુ સારા બનવાના આપણા અધકચરા પ્રયત્નનો આલેખ છે. એમાં આપણા તૈયાર થતા વ્યક્તિત્વની સંપૂર્ણ નોંધ હોય છે. આપણે ભૂલવા માગતા હોઈએ એવી અણગમતી બાબતો પણ એમાં હોય છે, પરંતુ આપણને ગમે અને જેનાથી આપણો વિકાસ થયો હોય એવી સુખદ બાબતો પણ એમાં હોય છે અને અવારનવાર એ પળો યાદ પણ આવતી હોય છે. જો આપણે એને પ્રયત્નપૂર્વક યાદ કરીએ તો જેટલી વાર એનું સ્મરણ કરીએ એટલી વાર આપણને એ આનંદ અને બળ આપી શકે છે. 

એવું એકાદ સ્મરણ જિંદગીના આ અફાટ, દિશાહીન દરિયામાં દીવાદાંડી જેમ પ્રકાશ આપતું રહે છે. જ્યારે પણ કોઈ માણસ નિરાશ થઈ જાય, મૂંઝાઈ જાય,મુસીબતોથી ઘેરાઈ જાય ત્યારે કોઈક એવા સ્મરણનો સહારો લઈ શકે છે. એ એક ક્યારેય નિષ્ફળ નહીં જતું ઔષધ છે.

સૌજન્ય- સંદેશ ,કેલિડોસ્કોપ

Life is like a book

Narendra Modi

Photo Courtesy- Ashwin Patel

( 163 ) મનુષ્યના અજંપા અંગે વિચાર મંથન — લેખક-શ્રી પી.કે.દાવડા

P.K.Davada

P.K.Davada

આપણા અજંપાના મૂળમાં આપણી મૂળ જરૂરત કરતાં વધારે વસ્તુઓની ઈચ્છાઓ છે. આપણી મૂળ જરૂરતો કઈ કઈ છે?મારા મતે એ અનુક્રમે નીચે પ્રમાણે છે.

૧. ખોરાક

૨. વસ્ત્રો

૩. ઘર

૪. શારીરિક-ડોકટરી સારવાર અને દવાઓ

૫. શિક્ષણની સગવડ

૬. સાર્વજનિક વાહન

૭. સસ્તું મનોરંજન

 

આ સાતેય વસ્તુઓ માટે પૈસા જરૂરી છે.

 

પૈસા મેળવવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ પ્રયત્નનો પ્રકાર અને એની માત્રા આપણામાં અજંપો પેદા કરે છે. કેટલાક લોકો થોડી મહેનત કરી ખૂબ પૈસા કમાઈ લે છે, જ્યારે કેટલાક લોકોને અથાગ મહેનત પછી પણ એની મૂળભૂત જરૂરિયાત જેટલું મળતું નથી.

એવું પણ નથી કે જે લોકો અઢળક કમાય છે એમને અજંપો નથી.એમનો અજંપો અલગ પ્રકારનો છે. કરચોરી અને પકડાઈ જવાની બીક, પોતાની અને કુંટુંબની સલામતિની ચિંતા,બાળકો કુછંદે ન ચડી જાય તેની ચિંતા અને આવી તો અનેક ચિંતાઓના એ લોકો શીકાર થતા હોય છે. અછતવાળાઓને માત્ર એક જ ચિંતા હોય છે, “કેમ પૂરૂં કરવું?”

 

આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ખોરાકને અભાવે જેટલા લોકો મરે છે એનાથી વધારે લોકો વધુ પડતા ખોરાકને લીધે મરે છે. મોટાપો અને ડાયાબીટીસ એ અછતવાળાને બહું નડતા નથી.

 

પૈસાના અભાવવાળા કરતાં પૈસાના અભાવ વગરના લોકો વધારે સુખી છે એમાં કોઈ બે મત નથી, પણ પૈસાના અભાવ વગરના લોકો કરતાં અતિ પૈસાવાળા વધારે સુખી છે એ વાત માનવામાં મને ખચકાટ છે. અતિ પૈસાવાળાનો સૌથી મોટો અજંપો એમની અસલામતિનો અહેસાસ છે.

 

દસ બાય દસની રૂમમાં દસ જણ રહે છે એ કંઈ બહુ સારી વાત નથી; પણ ચાર હજાર સ્કેવર ફૂટમાં બે જણ રહે છે એ પણ સારી વાત નથી.આ લોકોને ત્યાં સગાં -સંબંધી અને મિત્રોની હાજરી કંઈ હંમેશાં આનંદદાયક હોતી નથી.મને આનો જાત અનુભવ છે.

 

આપણે વાપરી શકીએ એનાથી વધારે ભેગું કરવાની વૃતિ જ અજંપાના મૂળમા છે. મધ હશે ત્યાં માખીઓ તો આવશે, અને એ તમને ત્રાસ દાયક પણ લાગશે .લોકો તમારી પાસેથી મદદ માગશે , નહિં આપો તો ગામમાં તમને વગોવશે .

 

તો અજંપો ટાળવા કેટલું ધન હોવું જોઈએ? રામ જાણે ! મને તો ખબર નથી. હા, માત્ર એટલી વાત સાચી છે કે લોકોની મૂળભૂત જરૂરતો લગભગ એક સરખી જ હોય છે. આ જરૂરિયાતથી વધારે ધનને Economics નો Law of diminishing returns લાગુ પડે છે.

 

હવે હું ધન સંચયની પણ થોડી વાત કરી લઉં. આપણા દેશમાં આવતી પેઢીના સુખનો વિચાર કરી આપણે ધન સંચય કરીએ છીએ. સાત પેઢી ખાય એટલું રાખી જવાનો અભરખો સેવી, આપણી પોતાની જીંદગીમાં કરકસરથી જીવીએ છીએ. મેં પણ આમ જ કર્યું છે.છેક હવે મને સમજ પડી છે કે આખી જીંદગી કરકસર કરી મેં મારા બાળકો માટે જે ધન સંચય કર્યું છે એ તો એમની એક વર્ષની આવક જેટલું જ છે. મારી બચતની સામે જોવાની પણ એમને ફૂરસદ ક્યાં છે? મને હવે એ જ સમજાતું નથી કે શું સાચું છે અને શું સાચું નથી!!

વાચક મિત્રો , આ બાબતે તમે શું માનો છો? 

-પી. કે. દાવડા

Internet-Quote