વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 1, 2013

( 175 ) લગ્ન કરવા જેવું એક મધુર સાહસ છે ………….લેખિકા- અવંતિકા ગુણવંત

Avantika Gunvant

Avantika Gunvant

સુખી થવા નહીં, પણ જીવનસાથીને સુખી કરવાનો સંકલ્પ લગ્નને સફ્ળ બનાવે છે

આંગણની તુલસી – અવંતિકા ગુણવંત

યુવક-યુવતી હજી તો યૌવનના પગથારે ડગ માંડે છે ને એમના સમસ્ત અસ્તિત્વમાં તેઓ ગજબનો થનગનાટ અને તરવરાટ અનુભવે છે. કંઈ કેટલીય આશા-આકાંક્ષા અને અભિલાષાઓ હૈયે જાગે છે, તેઓ રંગીન સ્વપ્નો જુએ છે. અનેક સ્વપ્નોમાંનું તેમનું એક સ્વપ્ન હોય છે પોતાનો સંસાર રચવાનું, લગ્ન કરવાનું. આપણો પૌરાણિક આદર્શ છે અર્ધનારીશ્ર્વરનો – દેહ – એક – અડધો શિવનો, અડધો પાર્વતીનો. દ્વૈતનો ખ્યાલ ન આવે તેવું સુસંવાદી મહિમાવંતુ એ રૂપ. એ રૂપ સ્વયં પ્રેમ છે, શિવ-કલ્યાણમય છે. એટલે જ આપણે ત્યાં લગ્નસંબંધને જન્મોજન્મનો સંબંધ માનવામાં આવ્યો છે. દામ્પત્યજીવનનો મહિમા આપણા સમાજમાં અનેરો છે.

સંતાન ભણીગણીને તૈયાર થઈ જાય એટલે માબાપ સંતાન માટે જીવનસાથીની શોધ આરંભી દે છે. થોડા દાયકા પહેલાં સંતાન માટે જીવનસાથીની શોધ માબાપ અને વડીલોના હસ્તક રહેતી હતી. પરંતુ સમય બદલાતો ગયો એમ સુધરેલા કુટુંબોમાં ઉમેદવાર જાતે જ નાતજાત અને ક્યારેક તો ધર્મનો ભેદભાવ ગણકાર્યા વગર પાત્રને પસંદ કરે છે.

ઘણાં આધુનિક જુવાનિયા તો કોર્ટ મેરેજ પણ પસંદ કરે છે, પરંતુ માબાપ માટે સંતાનનો લગ્નપ્રસંગ ઓચ્છવ અને પ્રસન્નતાનો પ્રસંગ હોય છે, તેઓ ચાર-પાંચ દિવસ સુધી રંગભર્યો ઉત્સવ ઉજવ્યા કરે છે, સગાં-સ્નેહીજનો અને મિત્રોને નિમંત્રે છે અને શાનદાર જમણવાર યોજે છે. જમણવારની પ્રથા આપણે ત્યાં સદીઓ જૂની છે, લગ્ન હોય એટલે જમણવાર તો હોય જ, અને હોવો જ જોઈએ એ સર્વમાન્ય પ્રથા છે. વળી આપણે બીજાના લગ્નોત્સવમાં જમી આવીએ છીએ તો અન્યજનોને આપણે જમાડવા જ જોઈએ એ એક વ્યવહાર છે, એવી માન્યતા અત્યંત દૃઢ રીતે પ્રચલિત છે.

પરંતુ ક્યારેક આ જમણવારની પ્રથા યજમાનને થકવી નાખે છે અને આમંત્રિતો વ્યવહાર ખાતર, આમંત્રણને માન આપીને જમવા આવે છે, પરંતુ આ વ્યવહાર સાચવવાનોય ક્યારેક થાક લાગે છે. તો આ જમણવારનો કોઈ વિકલ્પ ખરો? કમલબહેન અને રાજેન્દ્રભાઈ ખીમાણીએ દીકરાનો લગ્નપ્રસંગ કાયમ યાદ રહે એવા શુભ આશયથી લગ્નજીવન અને પ્રેમનો મહિમા ગાતું એક પુસ્તક ગીત ગાવું તો પ્રીતનું ગાવુંપ્રકાશિત કર્યું છે અને સ્નેહીજનોને વહેંચ્યું છે. આનંદ ઉમંગને આ રીતે વહેંચવાની રીત કેટલાક વરસોથી શરૂ થઈ છે, અત્યારે દામ્પત્યજીવનને અનુલક્ષીને તૈયાર થયેલા પુસ્તકો બજારમાં મળે છે. ઉત્સાહી માબાપ આવાં પુસ્તકો વહેંચે છે – આવા પુસ્તકો માત્ર લગ્નનો મહિમા ગાતાં નથી હોતા, પણ ક્યારે નવદંપતી મુંઝાય તો એમને માર્ગદર્શન આપે છે. એટલે તો સહજીવનનું પ્રથમ પગથિયુંગુજરાતી પુસ્તકોમાં બેસ્ટ સેલરનું સ્થાન પામ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી થનારા અને સાયકોલોજી ટૂડેનામના સાપ્તાહિકના તંત્રી રોબર્ટ કહે છે કે બે માણસ નિશ્ર્ચય કરે અને સભાન પ્રયત્ન કરે તો પ્રેમભર્યું દામ્યત્યજીવન શક્ય છે જ. આ વિદ્વાન માનસશાસ્ત્રીને આપણા ભારત દેશની લગ્ન ભાવના માટે ખૂબ માન છે. આપણા દેશમાં હજુય ૯૫ ટકા માણસો પહેલાં લગ્ન કરે છે અને પછી તેઓ જીવનસાથીને પ્રેમ કરે છે. લગ્ન પછી તેઓને અન્યોન્ય માટે પ્રેમ

ઉદ્ભવે છે અને પ્રેમ વૃદ્ધિ પામે છે. લગ્નગ્રંથિથી જોડાનાર દરેકના હૈયે પોતાના જીવનસાથીના સુખની કામના હોય છે. આ કામના અનાયાસ અને સાહજિક હોય છે. તેથી તો જીવનમાં ગમે તેવાં સંકટો, આધિ, વ્યાધિ, ઉપાધિ આવે પણ એ લગ્નને ખંડિત નથી કરી શકતા. કસોટીના એરણે ચડીને લગ્ન દૃઢતર બને છે. ત્યાં લગ્ન બંધન નથી લાગતું, પણ જીવનની સંજીવની લાગે છે. પતિ-પત્ની વચ્ચે નિરપેક્ષ સાહજિક પ્રેમ હોય તો હજારો અભાવો વચ્ચેય જીવન ભર્યું રહે છે. જીવન રસભર્યું, રંગભર્યું, રળિયામણું રહે છે.

લગ્ન સાદાઈથી કરો કે ધાંધલ ધમાલ અને ઝાકઝમાળથી કરો અગત્યની વાત છે, પ્રેમ અને સમજદારી. વિશ્ર્વાસથી અને પ્રેમથી જોડાયેલાં દંપતીના જીવનમાં સુખ જ સુખ હોય છે. તદ્દન અપરિચિત કે અલ્પપરિચિત વ્યક્તિને જીવનમાં પ્રવેશ આપીને એની સાથે હાથમાં હાથ ભેરવીને જીવનના નૂતન અગોચર પ્રદેશમાં ડગ માંડવાં એ ખરેખર સાહસનું કામ છે, પણ શ્રદ્ધા હોય તો કંઈ અશક્ય નથી, કઠિન નથી.

જીવનમાં ક્યારેક સમસ્યા કે સંકટ આવે ત્યારે પતિ-પત્ની બેઉ એક થઈને લડે ત્યારે એ જીવન મધુર, સુંદર અને સંવાદિતાભર્યું બને છે.

માત્ર સુખી થવા નહીં પણ જીવનસાથીને સુખી કરવાના સંકલ્પ સાથે જે લગ્ન થાય છે એ સફળ નીવડે જ.

સૌજન્ય- મુંબઈ સમાચાર

 

_________________________________________________________________

લેખિકા અવંતિકા ગુણવંતનો પરિચય અહીં વાંચો .

રાધા કૃષ્ણ- જન્માષ્ટમી પર્વ