વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 19, 2013

( 188 ) દિકરાથી દાઝેલી છતાં સદા એનું શુભ ઈચ્છતી એક માતાની કથા

Old Indian lady

‘બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતા જ નથી.મારા મિત્રની હાજરીમાં પણ ઠો..ઠો કર્યા કરો છો. ઉધરસ આવે તો બીજા રૂમમાં જતા શું જોર પડે છે ? મારું ખરાબ લાગે એ તમને ગમે છે?

‘મે પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે પણ એમને શિખામણની કોઈ અસર થતીજ નથી.’ ઉમેશ અને પુર્વી બન્નેએ એકી સાથે મારા પર પ્રહાર શરુ કર્યા.

‘મને કોઈ શોખ નથી થતો કે તમારા મિત્રની હાજરીમાં ઉધરસ ખાઉં. ઉધરસ મટતી નથી.ઘરગથ્થુ કેટલા ઉપાય કર્યા છતાં પણ ઉધરસ ઓછી થતી નથી. ડૉકટર પાસે મને લઈ જવા તમારી પાસે સમય અને પૈસા બન્ને નથી. મે તમને બધું આપી દીધું એ ભુલ મને આજ સમજાણી.

દિકરો જન્મ્યા બાદ છ મહિનામા ઉમેશના પપ્પા આ દુનિયા માંથી જતા રહ્યાં ૨૪ વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કુલમાં શિક્ષિકા હતી. બહું પગાર પણ નહોતો. બીજા લગ્ન કરીશ તો મારા પુત્રને સ્ટેપ ફાધર, પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ? એ પ્રશ્નમાં મે નક્કી કર્યું કે હું ઉમેશની મા અને પિતા બની બન્નેનો પ્રેમ આપીશ.ઉમેશના સારા ભાવિ માટે મારા ત્યાગની જરૂર છે.

સર્વિસ સાથો સાથ ટ્યુશન કરી મારા એકના એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા, મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જીનયર બનાવ્યો, તેની પસંગીની છોકરી ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્નબાદ એજ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મે આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાસ્પીભવન કેમ થઈ ગયા! આ નવા યુગની હવામાં એવીતો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમના વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું ?..આવા વિચારો અવાર નવાર મારા મનમાં આવી જતા…હશે…ચાલ્યા કરે…મનને મનાવી લેતી..

૫૮ વર્ષે નિવૃત થઈ. નિવૃતી એટલે.જિંદગીભર કરેલા પરિશ્રમને વિશ્રામ! યુવાનીમાં વાવેલા બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શિતળતા! પણ મને ના તો વિશ્રામ, ના તો કોઈ શિતળતા મળી..વહું ને મે દીકરી તરિકે માની પણ ઉર્મીએ મને કદી મા તરિકે ના સ્વિકારી..ના તો દિકરાએ મા ની ગોદની લાજ રાખી..મારી પાછલી જિંદગી એક સહરાના રણ જેવી બની ગઈ! કંટાળી ગઈ!’

‘ઉષાબેન..આ જાહેરાત જોઈ ? અમેરિકાથી એક ડૉ.કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી બહેનપણી લત્તાએ કહ્યું. ‘નર્ક જેવી જિંદગી જીવવા કરતા આ તક તારા માટે ઘણી સારી છે.’

‘પણ લત્તા, તેના માટે પાસપોર્ટ પણ જોઈએ.’ ‘તેની તું ચિંતા નકર.તારા બનેવી ને ઘણી લાગવગ છે. વાંધો નહી આવે..’

હું અને લત્તા બન્ને અમેરિકાથી આવેલ મિસ્ટર,અને મિસિસ વ્યાસને મળ્યા.બધું સેટ થઈ ગયું. બન્ને ડૉકટર હતાં.પાંચ વર્ષનો બાબો હતો..લત્તાએ મને ઘણીંજ હેલ્પ કરી.ત્રણજ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું..ઉમેશને એકદમ આશ્રર્ય થયું પણ શૉક નહી.. પતિ-પત્નિએ ‘હાશ’ની લાગણી અનુભવી…ચાલો લપ ગઈ!

‘પારકા’ ને ‘ પોતાના’ની ખરી વ્યાખ્યા શું ? મારે માટે પોતાના હતા એ પારકા બની ગયા અને જેને લોકો પારકા ગણે છે તે મારા પોતાના બની ગયા.જે ફેમિલીએ રહેવા ,ખાવા પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિએ એક વખત રજા.આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજ કાલ કરતાં અમેરિકામાં ૧૨ વર્ષ થઈ ગયાં.’વ્યાસ’ ફેમિલીની એક મેમ્બર તરિકે રહી. નહી કે નોકરાણી તરીકે,ઘરમાં સૌ મને ‘બા”ના નામથીજ સંબોધે. સુધાબેન અને સતીષભાઈ મને મા તરીકે ગણતા એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે એના આનંદ અને ઉલ્લાસથી મારો દુ;ખ ભર્યો ભુતકાળ ભુલી ગઈ છું. હું ૭૦ની થઈ.

સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે એમની લેક્સસ મને ભેટમાં આપેલી. હું રવિવારે મારી બેનપણી, કે કોઈ કાર્યક્રમમાં, મુવી જોવા મારી કાર ડ્ર્રાઈવ કરીને જાઉં છુ.નિયમિત યોગા, કસરત,હેલ્થી ડાયેટ અને ઘરના ડોકટરની સલાહ સુચન , જેથી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારિરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનન ને એક સારી યુનિવસિટીમાં એડમિશ પણ મળી ગયું છે. આજ મારો સુખી પરિવાર છે!

“બા” તમારો પત્ર ઈન્ડિયાથી આવ્યો છે’ સુધાબેને મને પત્ર હાથમાં આપતાં કહ્યું. પત્ર ઉમેશનો હતો. ખોલ્યો.

‘બા,

તમો તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ કે અમારા પર ધ્યાનજ નથી આપ્યું. ક્યાંથી આપો! તમે તો અમેરિકામાં ખાઈપી જલશા કરતા હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોય ત્યાં અમો તમને યાદ ક્યાંથી આવીએ !

અમો અત્યારે બહુંજ મુશ્કેલીમાં છીએ..ઉર્મિને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છુટી ગઈ છે.. દીકરી ટીના કોલેજમાં આવી છે.. ઘર ગીરવે મુક્યું છે.તમને દયા આવે તો થોડા પૈસાની મદદ કરજે.. મોકલીશને..અમારા પર દયા આવશે ને?

લિ.ઉમેશ

હજું એ જ જુસ્સો..એ જ ગુસ્સો..બાવળ સુકાઈ જાય પણ એમના કાંટા તો એમના એમજ રહે! મનમાં તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગારબેજમાં નાંખી દઉં. ઉમેશના પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે નહી. તો હું શા માટે મદદ કરુ ?એને મારી કશી દયા આવી હતી ? પણ અંતે હ્ર્દયમાં બેઠેલી મમતા બોલી ઉઠી! ‘મા ની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી, થવાની નથી.કોઈ પણ પરિસ્થિતિમાંએમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી . મા માટે કદી પણ પ્રેમના ધોધમાં પૂર્ણ વિરામ આવતું જ નથી..તેનો પ્રેમ સદેવ અવિરત છે..આ જગતમાં અવિરતજ રહેશે. મારામાં ઘડીભર આવેલ નેગેટીવ વિચારો.અદ્ર્શ્ય થઈ ગયા.. દિકરાને પત્ર લખ્યો..

‘મારા વ્હાલા દિકરા ઉમેશ,

તારી કપરી પરિસ્થિતિને લીધે મારા પર ઠાલવેલ ઉભરો વાંચી તારા પ્રત્યે મને કોઈ દ્વેશ કે ગુસ્સો નહી પણ લાગણી અને પ્રેમ ઉદભવ્યો છે.દયા ઉદભવી છે. એક માનવતા ઊભરી આવી છે..તારી કપરી પરિસ્થિતિમાં મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એજ તારી મજબુરી છે.એક માનવતા ખાતર મારી બચતમાંથી હું તને બે લાખ રુપિયાનો ચેક આસાથે રવાના કરું છુ તેમાંથી તારી બિમાર પત્નિનો ઈલાજ ,બાકીના પૈસામાંથી ઘર-ગુજરાન ચલાવજે.

ઈશ્વર પાસે હું એટલીજ પ્રાર્થના કરું છું કે તને સદબુધ્ધી સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત બક્ષે. સાથો સાથ એક નમ્ર વિનંતી જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા બે લાખ, કોઈ દિકરાથી ઠુકરાયેલા,દુઃખી થયેલા મા-બાપ જે વૃદ્ધાસ્થામમાં રહે છે તેમાં તું આપી દેજે ,આ મારી વિનંતી ધ્યાનમાં રાખી મારા ધાવણની લાજ રાખજે.

સદા સુખી રહે એજ આશિષ.

લિ. દિકરાથી દાઝેલી છતાં સદેવ શુભ ઈચ્છતી મા.

______________________________________________________________

આભાર- શ્રી મનસુખલાલ ગાંધી ( એમના ઈ-મેલમાંથી )

 

 

Amitabh Bachchan in Film Bagban

Amitabh Bachchan in Film Bagban