
Shri Sureshbhai Jani
ગુજરાતી બ્લોગ જગતમાં શ્રી સુરેશભાઈ જાનીને ન જાણતા હોય એવું ભાગ્યે જ કોઈ મળી આવે ! મારા માટે તો તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી એક સહૃદયી મિત્ર ,ફિલસૂફ અને ભોમિયા ( Friend, Philosopher and Guide ) બની ગયા છે . એમના બ્લોગોમાંથી પ્રેરણા લઈને જ મેં મારો આ વિનોદ વિહાર બ્લોગ શરુ કરેલો. બ્લોગની શરૂઆતથી માંડી આજદિન સુધી તેઓએ મને સુંદર માર્ગદર્શન આપ્યું છે.એમની સાથેનો ઈ-મેલ સંપર્ક હંમેશાં આનંદ દાયક અને ઉપયોગી બની રહે છે .
મારી જેમ શ્રી સુરેશભાઈ અન્ય બ્લોગરોને પણ હંમેશાં એમના બ્લોગિંગ ક્ષેત્રના બહોળા અનુભવોનો લાભ આપતા જ રહે છે .
શ્રી સુરેશભાઈનો ટૂંક પરિચય
શ્રી સુરેશભાઈ સને ૨૦૦૦ થી અમેરિકામાં મેન્સફીલ્ડ, ટેક્સાસ, ખાતે એમના પરિવાર જનો સાથે નિવાસ કરે છે .
અમેરિકા આવ્યા પછી નિવૃતિની પ્રવૃત્તિ તરીકે આ બધા આઠ બ્લોગો નું સંચાલન કરીને ગુજરાતી ભાષાની અસ્મિતા માટેનું અભિનંદનીય કાર્ય કરી રહ્યા છે .
સ્પીક-બીન્દાસ – શ્રી.દેવાંગ વિભાકર સાથેના એમના અંગ્રેજી ભાષાના ઈન્ટરવ્યુમાંથી એમનો વિગતવાર પરિચય મળી રહેશે .
પાછલી ઉંમરે અમેરિકામાં પ્રવૃતિમય જીવન કેવી રીતે જીવી શકાય એ માટે શ્રી સુરેશભાઈ બધા સીનીયરો માટે એક ઉદાહરણ રૂપ છે .
_________________________________________________
શ્રી સુરેશભાઈ જાનીનું પ્રેરક સાહિત્ય સર્જન – “બની આઝાદ” લેખ શ્રેણી
સુરેશભાઈએ અત્યાર સુધીમાં ઘણા લેખો ,ત્રણ ઈ-બુકો ,અવલોકન લેખો ,પરિચય લેખો ,કાવ્યો વી. લખ્યાં છે . એમના બ્લોગોની મુલાકાત લેવાથી એ જોઈ શકાય છે .તેઓ એક ચિંતકની ચીત-વૃતિ ધરાવે છે એ એમના વિશાળ વાચન અને અનુભવ આધારિત લેખોમાંથી જણાઈ આવે છે .
અમેરિકા આવ્યા બાદ જીવન જીવવાની કળા માટેના એમના અનુભવ આધારિત વિચારો રજુ કરતા જે લેખો એમણે લખેલા એ બધા લેખો સરળતાથી વાચકને વાંચવા મળી શકે એ આશયથી એમણે તાંજેતરમાં એક નવું પાનું શરુ કર્યું છે .
“બની આઝાદ -શ્રેણીનો પ્રથમ લેખ નીચે મુક્યો છે . આ ચિંતન લેખ તમને જરૂર ગમશે .
‘
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
– રજની ‘પાલનપુરી’
અભિગમ બદલવાથી સમય આધીન થાય.’
આ ખાલી વાત કે મનનો તુક્કો નથી.
સાવ સામાન્ય રીતે જીવનની શરૂઆત કરનાર અને ખાસ બુદ્ધિ કે સાધન સમ્પત્તિ ન ધરાવતા હોય તેવી, વ્યક્તિઓ યુગપુરૂષ જેવું જીવન જીવી ગયાના અસંખ્ય દાખલા આપણી નજર સમક્ષ મોજૂદ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને ગાંધીજી આ બે જ વ્યક્તિઓનાં જીવન જુઓ, અને આપણને ખાતરી થશે કે તેઓ આઝાદ થઇ ગયેલ વ્યક્તિઓ હતા. આપણે તેવી ઊંચાઈઓ હાંસલ કરવા જરૂરી તાકાત ધરાવી શકીએ તેમ છે.
આ તો બહુ મોટી વાત થઇ;
અને આપણે કરી શકીએ તેવી વાત.
કોઇની મદદની,
જન્મજાત ક્ષમતાની કે
સમ્પત્તિની જરુર જ નહીં.
પણ આપણે તે કેમ કરી શકતા નથી? આ તો એવી વાત થઇ કે, આપણી પાસે હથિયાર છે, અને આપણે તે વાપરી શકતા નથી. કેટલી મોટી વિડંબણા! કેટલી અસહાયતા!
જો આપણે આ બાબતને ગંભીરતાથી લેવા માંગતા હોઇએ, અને આઝાદ થવાનો સંકલ્પ કરવા માંગતા હોઇએ તો, પહેલાં આ અસહાયતાનાં કારણો અને પરિબળો સમજવાં જોઇએ.
આપણને શાસ્ત્રોમાં ષડ્રિપુઓ વિશે કહેવામાં આવ્યું છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર.મારા મતે આ બધા દુશ્મનો એક જ અસહાયતામાંથી જન્મતા, મનના વિકાર છે. એક જ મૂળભુત અસહાયતા આપણને આ વિષચક્રમાં ફસાવા મજબૂર કરે છે. આપણે મનના આ વિકારોના પ્રવાહમાં તણાઇ જઇએ છીએ -સાવ વિવશ થઇને, એક તરણાંની જેમ, લાકડાના એક નિર્જીવ ઠુંઠાની જેમ. આ છ રિપુઓ તો પ્રવાહ છે, વહેણ છે – માનવજીવનના અવિભાજ્ય ભાગ છે. તે બધા પ્રવાહ પાછળના પરિબળને કારણે પેદા થતાં વમળ માત્ર છે.
કયું છે આ પરિબળ? કયો છે આ પ્રચંડ તાકાતવાળો જળરાશીનો ધોધ – જે જીવનને છિન્ન ભિન્ન વમળોમાં પલટી નાંખે છે? – જેમાં તણાયા સિવાય આપણે કશું જ કરવા સમર્થ નથી? કઇ છે આપણી એ મૂળભુત નબળાઇ; જેના કારણે સર્જાતા વમળોમાંથી ઉત્પન્ન થયેલા, પેલા છ યે દુશ્મનો અટ્ટહાસ્ય કરતા આપણી વિડંબના કરે છે? આપણી જીવન જીવવાની આઝાદીને, મુક્ત ગગનમાં મ્હાલવાની આપણી તાકાતને ધરાશાયી કરી નાંખી છે?
એ છે: જીવનની મુળભુત, જીવનના પાયામાં રહેલી, જગત પર પહેલા શ્વાસ લીધાની સાથે જ આપણી સાથે જડાયેલી, જીજીવિષા- જીવતા રહેવાનો મરણિયો પ્રયાસ. આપણી, આપણા પોતાના હોવાપણા પાસેની એક માત્ર અપેક્ષા :
‘મારે જીવતા રહેવું છે.મારે મરવું નથી.’
અપેક્ષાનું આ પ્રથમ ચરણ; પહેલા શ્વાસ સાથે જડાયેલી એ ચીસ, એ રૂદન – એ જ છે આપણી બધી અસહાયતાનું મુળ.
અપેક્ષા
પ્રયત્ન
સફળતા
મદ
લોભ
કામના
–
નવી અપેક્ષા
અને વળી………
અપેક્ષા
પ્રયત્ન
અસફળતા
ક્રોધ
હતાશા
બીજું કોઈ આગળ નીકળી ગયાનો ઓથાર
ઇર્ષ્યા
વેર લેવાની ભાવના
બસ! બધાં જ વિષચક્રો ફરી શરુ. વધારે પ્રબળ વિષચક્રો. એજ પ્રવાહમાં વહેવાનું, ફંગોળાવાનું – કદીક પ્રવાહની ઉપરની સપાટી પર આવીને તર્યાનો આનંદ માણવાનો; અને ફરી પાછા અંદર ડુબકી અને ગુંગળામણ – એ જ વિવશતા, એજ પાછી જન્મચીસ – નવા સ્વરૂપે –
‘મારે જીવવું છે.
મારે મરવું નથી. ‘
આ છે આપણું જીવન.
અપેક્ષા – અપેક્ષા – અપેક્ષા…. કદી ન સંતોષાય એવી ભૂખ અને તરસ.. ઝાંઝવે ઝાંઝવાં..એ જ ગુલામી – એ જ બંધન – એ જ જન્મભરની કેદ.
” આકાશ તો મળ્યું, પણ ઊડી નથી શકાતું.
પિંજરને તોડવામાં પાંખો કપાઇ ગઇ છે.”
– શોભિત દેસાઇ
આઝાદ થવું છે ને? જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલની જેમ મુક્ત ગગનમાં ઊડવું છે ને? આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવું છે ને ?
તો આ અપેક્ષાની ચુંગાલમાંથી છુટવું પડશે.
——————
આ શ્રેણીના આગળના આવા બીજા પ્રેરક લેખો વાંચવા માટે અહીં ક્લિક કરવા વિનંતી

વાચકોના પ્રતિભાવ