આ અગાઉની પોસ્ટ ( 190 )” શ્રી સુરેશભાઈ જાની અને એમનું પ્રેરક સાહિત્ય“માં આપણે એમની “બની આઝાદ “લેખ શ્રેણી મારફતે સુરેશભાઈને આપણે એક અંતરમનના યાત્રી -ચિંતક તરીકે નિહાળ્યા.
હાસ્ય દરબાર બ્લોગમાંથી શ્રી સુરેશભાઈ જાનીનો એક હાસ્ય લેખ અને કાવ્યસુર બ્લોગમાંથી એક કાવ્ય અને એક હાઈકુ આજની પોસ્ટમાં મુકવામાં આવ્યાં છે .
આ હાસ્ય લેખ ,કાવ્ય અને હાઈકુ એમનો એક હાસ્ય લેખક અને કવિ તરીકે વધુ પરિચય કરાવશે .
શ્રી સુરેશભાઈ, એ.ઈ.સી.ના સાબરમતી પાવર હાઉસ અમદાવાદમાંથી જનરલ મેનેજર તરીકે નીવૃત્ત થઈને અમેરિકા આવ્યા છે .
આમ એક એન્જીનીયર હોવા છતાં એમનો ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ આશ્ચર્ય જનક છે .
આશા છે આજની પોસ્ટમાં મુકેલ સુરેશભાઈનો હાસ્ય લેખ અને કાવ્યો આપને માણવાં ગમશે .
વિનોદ પટેલ
____________________________________________

આંખનું ઓપરેશન
આંખનું ઓપરેશન કરાવવાની જરુર ઉભી થઈ. જીંદગીનું પહેલ વહેલું ઓપરેશન. ગભરાટ તો પાર વગરનો. મીત્રોના અભીપ્રાય લીધા. જેમણે ઓપરેશન કરાવ્યું હોય તેવા સંબંધીઓ અથવા મીત્રોના સંબંધીઓ કે મીત્રોને રુબરુ મળી આવ્યો. ત્રણ ડોક્ટરોના અભીપ્રાય પણ લીધા. અને છેવટે હૃદય પર પથ્થર મુકીને ઓપરેશન કરાવવું એમ નક્કી કર્યું.
નક્કી કરેલો દીવસ આવી ગયો. પણ એ દીવસે સખત ઠંડી પડી. રસ્તાઓ બરફથી છવાઈ ગયા. તાપમાન 20 ડીગ્રી ફે. થઈ ગયું . અને ઓપરેશન મુલતવી રાખવું પડ્યું. હૈયામાં તો જે ટાઢક થઈ છે! ભલું થજો , એ આર્કટીક પવનનું !
પણ એ રાહત કેટલા દી? ફરી પાછી નવી મુદત નજીક આવતી ગઈ. અને ફરી રાબેતા મુજબ ગભરાટ વધતો ગયો. અને છેવટે એ સપ્પરમો દીવસ આવીને ઉભો જ રહ્યો.
અને ખળભળાટવાળું મન વીચારે ચઢ્યું.
….
હું ઓપરેશન થીયેટરમાંથી, ડાબી આંખ પર પાટો બાંધેલો, સોળમી સદીના ચાંચીયા જેવો દેખાતો હોઈશ. ખીન્ન વદને બહાર આવીશ. એક બાજુએ મારો ડાબો હાથ એ રુપાળી નર્સે અને બીજી બાજુએ જમણો હાથ મારા દીકરાએ ઝાલ્યો હશે. બહાર વેઈટીંગ રુમમાં મીત્રો, સંબંધીઓનું ટોળું મ્લાન વદને, શું થયું તે જાણવા આતુર હશે.
મને ખાટલામાં સુવાડશે. ખુણામાં ફળોના કરંડીયા ક્યારનાય આવીને પડ્યા હશે. એમની બાજુમાં રસ કાઢવાનુ નવું નક્કોર મશીન ઝગારા મારતું હશે. બાજુના ટેબલ પર તાજા ફુલોનો ગુલદસ્તો વાતાવરણને મહેંકાવતો હશે.
મારો દીકરો બધાંને શું થયું તેનો વીગતવાર રીપોર્ટ આપતો હશે. કેટલા દીવસે પાટો ખુલશે તે જાહેર થશે. ‘ આમ તો ઓપરેશન બહુ સરસ થયું છે; ડોક્ટર બહુ સારો હતો ; નર્સ તો તેનાથી પણ વધારે સારી હતી (અલબત્ત!)’ – એવી હૈયાધારણો બાદ, છવાઈ રહેલી શાંતી ભેદાઈ હશે. અને દબાવી રાખેલી અભીવ્યક્તીઓ ધીમે ધીમે, ઉઘડતી કળીઓની જેમ ખીલી ઉઠશે. ઉભરતા ગણગણાટનો રવ ધીમે ધીમે , કોલાહલની માત્રામાં પહોંચી જશે.
‘ ખાવા પીવામાં બરાબર સાચવજો . ‘
’ અઠવાડીયું ઈન્ટરનેટને આરામ આપવાનો છે.’
‘ ખબરદાર લખાપટ્ટી કરી છે તો.’ ( અલબત્ત શ્રીમતીજી ઉવાચ જ હોય ને?!)
‘તળેલું બીલકુલ બંધ હોં !’ ( દીકરી સ્તો!)
‘રેટીના પર કેટલું લોહી ગંઠાયેલું મળ્યું? હવે ફરી ન જામે એ માટે બી.પી. નીયમનમાં રાખજો; નહીં તો ….. ભાઈની જેમ પુરો અંધાપો હા! ‘ ( મીત્રના મીત્રના મીત્રના ડોક્ટર તરફથી મળેલી ચીમકી!)
આમ વચનબાણોનો માર ખમતાં ખમતાં, એક દર્દભર્યો ઉંહકારો. ધીમા સાદે આર્તનાદ….
’મોસંબીનો રસ!‘
અને ત્રણ જણાનું સફાળા પ્રવૃત્તીશીલ થવું.
…..
અરેરે! મુઈ આ રેટીના લેસર સર્જરી!
અરેરે !! આમાંનું કાંઈ નહીં. સમ ખાવા પુરતું પણ કશુંય નહીં.
અને મેં વેઠેલી વેદના વીનાની વ્યથા તો મારે જ એકલતામાં વાગોળ્યા કરવાની ને? એક પછી એક બોમ્બ ફુટતા હોય (અલબત્ત, નીરવ શાંતી સાથે!) એવા અસંખ્ય લેસર ઝબકારા. આંખ આંધળી થઈ જાય એટલો, પરમ સત્ય જેટલો ઝળહળાટ. આંખોના પોપચાં ઢાળી પણ ન દેવાય એ માટે બાંધેલી જડબે સલાક ક્લીપ. આ હંધુંય મારે જ યાદ કર્યા કરવાનું ને? કોને સમજાય એ અકળ વ્યથા?
કોઈ ઉંહકારો ય નહીં. લોહીનું એક ટીપું પણ પડ્યું હોય તો પાટો હોય ને? અરે! કોઈ ઈન્જેક્શન પણ નહીં. દસ મીનીટ પણ ઓપરેશન ન ચાલ્યું. ડોક્ટરને રડમસ અવાજે પુછ્યું , ”હવે શું સંભાળ રાખવાની? આંખ ક્યારે ખોલવાની?”
અને એ જોગમાયાએ પોતાની કાબેલીયતમાં મગરુર અવાજે, વીજયી સ્વરે, અકલ્પનીય જવાબ આપ્યો ,
”જે કરવું હોય તે કરાય.”
અને આપણી તો
‘ આશ નીરાશ ભયી! ”
બહાર નીકળ્યો તીં, પડી જતો હોઉં તેવી કલ્પના કરી; પણ પગેય મુઆ ના લડખડાયા. આંખે થોડી ઝાંખ જેવું લાગ્યું એટલે ગોગલ્સ ચઢાવી આંખ મીંચી દીધી. કારમાં સીટ ઢાળી, સુઈ જવા પ્રયત્ન કર્યો; પણ પાંચેક મીનીટ માંડ થઈ હશે અને આકસ્મીક આંખ ખુલી ગઈ.
અને માળું બધુંય બરાબર દેખાણું હોં! અને એ સાથે જીવનના એકમાત્ર એ ઓપરેશનનો રુવાબ ગયો; ખબર કાઢવા આવનારનાં એ ટોળાં ગયાં; એ ફળોના કરંડીયા ગયા, એ ગુલદસ્તો ગયો; એ રંગ ગયો; એ રાગ ગયો; એ સપ્સેન્સ ગયો; એ કલ્પનાની લીજ્જત ગઈ. એ લ્હાવો ગયો.
હત્તારીની! ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર !
(સૌજન્ય : હાસ્ય દરબાર બ્લોગ -ફેબ્રુઆરી ૨૫,૨૦૦૯ )
_________________________
સુરેશભાઈની કાવ્ય પ્રસાદી ( એમનાં બ્લોગ કાવ્યસુર માંથી સાભાર)
(સ્વ. બાલાશંકર કંથારીયા માફ કરે. તેમનો જમાનો તો સ્વર્ગસ્થ બની ગયો.
હવે એકવીસમી સદીનું ‘ગુજારે જે શીરે તારે’ વાંચો..)
—————————————–
મફતમાં જે મળ્યું
મફતમાં જે મળ્યું તેને સ્વીકારી લે અરે! માનવ
મળ્યું કે ના ફરી મળશે, તરત ખીસ્સું ભરી લેજે.
‘દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે
કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા માટે..
ફરી આવી તકો ના સાંપડે તુજને, ગ્રહી લેજે
ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે.
જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહીમા,
બીજાનાં સો પરાક્રમને સુખે તું પોતીકાં ગણજે.
પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે
‘કદી વહેંચી ન ખાવું. ‘ તે મહા નીર્ણય કરી લેજે.
ડુબે ના કોઈ’દી તું, સમંદર સો તરી જાશે
બીજાનાં ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.
હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજે
હલેસાં મારવાની વાતને તું મુર્ખતા ગણજે.
હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.
– સુરેશ જાની (1- સપ્ટેમ્બર – 2009 )
_______________________
ધ્યાન હાઈકુ
વિચાર, કામ
નહીં હર્ષ શોકેય.
આતમ દીવો ઝગે.
————————
સુરેશભાઈનાં અન્ય સ્વ.રચિત કાવ્યો એમના બ્લોગ કાવ્ય સુરની આ લિંક ઉપર વાંચી શકાશે

Like this:
Like Loading...
Related
‘સીદી ભાઈને સીદકાં વ્હાલાં.’ – એ ન્યાયે આ જણની રચનાઓ તો ગમે જ. પણ..
એનાથી અનેક ગણો વધારે સૌથી છેલ્લો સુવિચાર ગમ્યો.
હાસ્ય દરબારની આ જ તો ફિલસુફી છે ને?
LikeLike
An excellent compilation of Sureshbhai’s literary work. Vinodbhai,thank you for this and congratulations on your choice.
LikeLike
વિનોદભાઈ આ સુરેશ પણ મારો બેટો જબરો કવિ છે . એતો ધીરે ધીરે ખબર પડતી જાય છે .એણે એક લીટી લખી કે “મૂછોને તાવ તું દેજે ” તો એ મૂછો કોની ?આતાની ? કેમકે એને તો મૂછો જ્યોતિબેન રાખવા નથી દેતાં અને મારી મૂછોને તાવ દેવા આવે તો મારે મારી ગોરી મિત્રને સુરેશ ભાઈએ પૂછવું પડે .કેમકે એને મારી દાઢી મૂછવાળો ચહેરો ખુબ ગમે છે . જોકે સુરેશ ભાઈ મૂછો કાપીને લઈ જઈ ને મૂછોને તાવ દેવાના નથી .
LikeLike
આ રીતનું આંખનું ઓપરેશન તો અમેરીકામાં થયું એટલે જડબેસલાક માની લીધું , પણ,જો ભારતમાં આવી રીતનું ઓપરેશન થયું હોય તો એ, આંખનું ઓપરેશન નહીં હોય, ડોક્ટર આંખમાં ભારેખમ મલમ આંજીને, કાળા ચશ્મા પહેરાવીને, પૈસા લઈને રવાના કરી દેતા હશે……દર્દી પણ રાજી(વહેમ હોય તે મટી જાય) અને ડોક્ટર(!) પણ રાજી……….!!!!!!!!!
LikeLike
ચીંતન અને પાછું કૉઈને ઉપયોગમાં આવે તે રીતે ભોગ્ય બનાવવું , તે તેમની વિશિષ્ટ ખાસિયત છે.
કવિતા અને લેખો અને સારું મળે તેમાં ભાગીદાર બનાવતા ..શ્રી સુરેશભાઈને માણે એ જાણે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
બહુ સરસ લખ્યું આપે….વધુ માં વધુ સર્જન કરો એવી અમારી શુભેચ્છા…………
LikeLike
“મફતમાં જે મળ્યું”ના અનુસંધાનમાં મારા એક કર્મકાંડીએ રમુજમાં એક મંત્ર સંભળાવેલો.
ઓમ નમો બ્રાહ્મણ્ય દેવાય,
જે આપે તે લેવાય,
ગજવામાં મુકાય.
ના નૈ(નહીં ), કે’વાય(કહેવાય). . ઓમ શાંતિ:! શાંતિ;!! શાંતિ:!!!
LikeLike