સમય અને સંજોગોને લીધે માણસ ક્યારેક માન-અપમાન અને ત્યાગ-સ્વાર્થમાં જકડાઇને પોતાના નજીકના સંબંધોમાં દૂર થઇ જાય છે. વિપરીત સ્થિતિમાં જ તો સ્નેહ બંધનની સાચી પરીક્ષા થાય છે
સાસરિયાંમાં જેઠ-જેઠાણીના રૂઆબ વિશે સાંભળ્યું હતું, પરંતુ અહીં જુદું જ વાતાવરણ જોવા મળ્યું. વડીલ તરીકે જેઠજી પાછા પડે એમ નહોતા, તો જેઠાણી મોટી બહેનની જેમ સાચવતાં
અ મારા સંબંધ કદાચ વધારે મજબૂત હતાં અને એટલે જ હું વારંવાર મોટા ભાઇ એટલે કે મારા જેઠના ઘરમાંથી થોડી થોડી વારે સંભળાતી ખાંસીનો અવાજ સાંભળીને વિચલિત થતી હતી. કોઇ કામમાં મારું મન લાગતું નહોતું અને હું બહાર આવીને એવી આશાએ સામેના ઘર તરફ નજર કરતી કે ઘરમાં કોઇનો અવાજ સંભળાય તો મને શાંતિ થાય કે ઘરમાં કોઇ તો છે, ભાઇની સંભાળ લેવા માટે. રાતના ઓળા અવની પર ઊતરી આવ્યા છતાં સામે લાઇટ ન થઇ ત્યારે મને ખાતરી થઇ ગઇ કે મોટા ભાઇ ઘરમાં એકલાં જ છે અને ઊભા થઇને લાઇટ પણ કરી શકે એવી સ્થિતિ નથી.
મનોમન હું અપરાધભાવ અનુભવવા લાગી. મને લાગ્યું જાણે ભાભી મને આકાશમાંથી જોઇ રહ્યાં હોય અને કહેતાં હોય, ‘અરે વસુધા, તું આટલી કઠોર હૃદયની કેમ થઇ ગઇ? જઇને જરા નજર કરી આવ કે તારા મોટા ભાઇની તબિયત કેવી છે?’ હું ભૂતકાળ ભૂલીને એ તરફ જવા માટે પગ ઉપાડતી, પણ એકસાથે અનેક કર્કશ સ્વર મારા કાનમાં ગુંજી ઊઠતાં, ‘કાકી, અમે છીએ ને, પપ્પાની સંભાળ રાખવા માટે. તમે તમારું ઘર સાચવીને બેસો.’ ‘કાકી, તમે જો અમારા મમ્મીપપ્પાને અમારી વિરુદ્ધમાં ચડાવ્યા છે, તો એનું પરિણામ ખૂબ ખરાબ આવશે.’ ‘કાકી, અમારા પપ્પા કાકાની માફક બૈરીના પાલવે નથી બંધાયેલા. મમ્મીને ઠપકો આપવાની હિંમત એમનામાં છે.’ જે બાળકોને મેં મારા હાથે કોળિયા ભરાવ્યા, એમનો હાથ પકડી લખતાં-વાંચતાં શીખવ્યું, એમના જ મોંએથી મારા માટે આવા શબ્દો સાંભળી મારું હૈયું ભાંગી ગયું.
લગ્ન પહેલાં મા પાસેથી જેઠ-જેઠાણીના રૂઆબ અને ઠસ્સા વિશે સાંભળ્યું હતું, પણ મારા સાસરિયાંમાં તો એનાથી સાવ ઊંધું જ જોવા મળ્યું. વડીલપણું નિભાવવામાં મારા જેઠ કાયમ ઉદાર રહેતા, તો જેઠાણી રમાભાભી મોટી બહેનની માફક રહેતાં હતાં. એમના દિશાસૂચન અનુસાર જ હું મારા સાસરિયાંમાં સહેલાઇથી સાયુજ્ય સાધી શકી. અમે બંને દેરાણી-જેઠાણી ઘરનું કામ ઝડપથી પતાવી કલાકો સુધી બેસીને વાતો કર્યાં કરતાં.
બાળકોને ભણાવતી વખતે વાતવાતમાં જ મને એમના વિશે પણ ઘણું જાણવા મળી જતું. મને વિનય અને રાહુલના મિત્રો, શિક્ષકો અને એમની પ્રવૃત્તિ વિશે વધારે જાણકારી રહેતી હું જ એમને ભણાવતી હોવાથી સ્કૂલની પેરેન્ટ્સ મિટિંગમાં પણ હું જ જતી હતી. ઘણી વાર તો ભાભી મને એકલીને જ મોકલતાં. આથી ક્યારેક લોકો મને જ વિનય અને રાહુલની મમ્મી સમજી લેતાં હતાં. હું પણ ભૂલી ગઇ હતી કે એ મારા નહીં, પણ જેઠ-જેઠાણીના સંતાનો છે. અને આ જ મારી ભૂલ થઇ… કિશોરાવસ્થામાં પ્રવેશી રહેલા સંતાનોને હું સંપૂર્ણ હકથી ઠપકો આપતી અને રોકટોક કરતી અને તરુણાવસ્થાના ઉંબરે પ્રવેશી રહેલાં વિનય અને રાહુલને આ ન ગમ્યું. એ મારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. હું કંઇ કહું તો એ ભાભી અને મોટા ભાઇને કહીને સંબંધોમાં તિરાડ પાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એમને લાગતું હતું કે ઘરમાં મારા લીધે એમની માતાની અવગણના થઇ રહી છે.
ભાભી તો આખો દિવસ અમારી સાથે ઘરમાં રહેતાં અને બધું ધ્યાન હોવાથી દીકરાઓની વાતની તેમના પર અસર થતી નહીં, પણ મોટા ભાઇ કોણ જાણે કેમ બાળકોની વાત માનતાં થઇ ગયા. એમને એવું લાગવા માંડ્યું કે હું જાણીજોઇને બાળકોની ભૂલો કાઢું છું અને એમને બીજાથી ઉતરતા ગણાવું છું. એક દિવસ રાહુલ ટેસ્ટ પેપર લાવ્યો, જેમાં એને ખૂબ ઓછા માર્ક્સ આવ્યા હતા. એ જોઇને મને ખૂબ ખરાબ લાગ્યું કેમ કે આગલા દિવસે જ મેં એને એ બધું સરસ રીતે સમજાવ્યું હતું. આથી હું એના પર અકળાઇ અને એને ઠપકો આપ્યો. રાહુલ મોં ઢીલું કરીને બેસી રહ્યો, પણ મોટા ભાઇ આવ્યા ત્યારે વિનયે કોણ જાણે એમને શું કહ્યું કે એમણે બીજા દિવસથી જ બાળકોને ટ્યુશન શરૂ કરાવી દીધું. આ એક રીતે મારું અપમાન કરવા સમાન હતું, પણ ભાભીના કહેવાથી મેં મન મનાવી લીધું.
પપ્પાને પોતાની વાતો પર વિશ્વાસ કરતાં જોઇને રાહુલ અને વિનયને મોકળો માર્ગ મળી ગયો. હવે એ વારંવાર મને અપમાનિત કરવાના ઉપાયો વિચારતા રહેતા. એમનો ગુસ્સો મારા બાળકો પર ઉતારતા. છાનામાનાં ક્યારેક ચૂંટલી ભરી લેતા કે એમની નોટના પાનાં ફાડી નાખતાં. શરૂઆતમાં તો મને આ બધી વાતોનો વિશ્વાસ નહોતો આવતો પણ પછી જ્યારે સાવ નિ:સહાય બની ગઇ ત્યારે ભાભીને આ વાત કરી. ભાભીએ એ બંનેને ઠપકો આપ્યો. આવી અનેક નાનીમોટી વાતોથી ઘરનું વાતાવરણ ક્લેશભર્યું બનવા લાગ્યું.
એ દિવસે રાતે મોટા ભાઇએ એમને બાજુનો ભાડે આપેલો અમારો ફ્લેટ ખાલી કરાવીને અમને ત્યાં શિફ્ટ થઇ જવાનું કહ્યું. બસ, સંબંધોમાં પડેલી તિરાડે ખાઇનું સ્વરૂપ લઇ લીધું. અમારો વર્ષોનો વિશ્વાસ, એકબીજા પરનો આધાર બધું પળવારમાં કડડભૂસ થઇ ગયું. ભાભી વિના હું ઘરસંસાર કેવી રીતે ચલાવી શકીશ, એની મને કલ્પના પણ નહોતી આવતી. અમે બંને એ દિવસે ખૂબ રડ્યાં. ભાભી વારંવાર મારી માફી માગતાં હતાં કે મેં એમના બાળકોના ભવિષ્ય સુધારવા માટે કહ્યું, તેના બદલામાં મારે અપમાનિત થઇને ઘરમાંથી નીકળવું પડ્યું. જોકે ઇચ્છવા છતાં હું એમને કહી ન શકી કે ભાભી બાળકોનો તિરસ્કાર તો હું એમને મારા બાળકો માનીને સહી લેત, પણ મોટા ભાઇને અમારા પર અવિશ્વાસ કેમ આવ્યો?
ધીરે ધીરે અમારો જુદો ઘરસંસાર ચાલવા લાગ્યો. બસ, સારી કંઇ વાત હોય તો એટલી જ કે મારા અને ભાભી વચ્ચેનો પ્રેમ જળવાઇ રહ્યો. ઘણી વાર હું અને ભાભી ઝડપથી ઘરનાં કામકાજ પતાવી આખો દિવસ સાથે બેસીને વાતો કરતાં. રાહુલ અને વિનયને હું ગમતી જ નહોતી તેથી હું તેમની ગેરહાજરીમાં જ જતી. સમય વીતવા સાથે તેમનાં લગ્ન થયાં અને ઘરમાં વહુઓ આવવાથી મારે એમને ત્યાં જવાનું નહીંવત બની ગયું. અલબત્ત, મોટા ભાઇ પોતે લીધેલા નિર્ણય પર પછી તો પસ્તાયા, આથી એમણે સંબંધો જાળવી રાખ્યા. છતાં દંપતીનો ઘરસંસાર અલગ હોય છે અને માતાપિતા બન્યા બાદ બધા પરિમાણો બદલાઇ જાય છે. વિનય, રાહુલ અને એમની પત્નીઓ સારા દીકરા-વહુ ન બની શક્યાં. આ વાતની જાણ મને ભાભી પાસેથી જ થઇ.
એક દિવસ ભાભીના ઘરમાંથી રોક્કળનો અવાજ સાંભળી હું દોડતી ત્યાં પહોંચી. ખબર પડી કે ભાભી કાયમ માટે અમને છોડીને ચાલ્યાં ગયાં હતાં. એ દિવસે મને લાગ્યું કે હું સાસરામાં અનાથ થઇ ગઇ છું. મોટા ભાઇના ખોળામાં માથું મૂકી એ દિવસે હું ખૂબ રડી, જાણે કે કહેતી હોઉં, મોટા ભાઇ અમારા માથે તમારી છત્રછાયા ખસેડતા નહીં. ભાભીના નિધન બાદ મોટા ભાઇ અંદરખાને કેટલા ભાંગી પડ્યા હશે એ વેદના હું સારી રીતે સમજી શકતી હતી. બસ, એટલા માટે જ અમે બંને કલાકો એમની પાસે જઇને બેસતાં.
અમારી આવી આત્મીયતા છોકરાઓને પોતાના ઘરમાં દખલગીરી લાગી. એક દિવસ વિનય અને એની પત્નીએ અમને કહી દીધું, ‘કાકી, અમે લોકો છીએ ને તમે તમારા ઘરનું ધ્યાન રાખો.’ ફરી એ ભૂતકાળ યાદ આવી ગયો અને મેં ત્યાં જવાનું બંધ કરી દીધું. છતાં આજે ફરી મોટા ભાઇને ખાંસતાં સાંભળી મન વ્યથિત થઇ ગયું. સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે એમની તબિયત સારી નથી એવામાં ઘરમાં બંને વહુઓ ન હોય એથી મને ગુસ્સો આવતો હતો. મને એ દિવસો યાદ આવ્યાં જ્યારે મારી કે મારા બાળકોની તબિયત સહેજ પણ ખરાબ થાય, તો મોટા ભાઇ એમના ભાઇની રાહ જોયા વિના અમને ડોક્ટર પાસે લઇ જતાં. મારા દીકરાને ન્યૂમોનિયા થયો હતો, ત્યારે કેટલીય રાત સુધી એને ઊંચકીને ફર્યાં હતા મોટા ભાઇ. જ્યારે આજે હું ઇચ્છવા છતાં મોટા ભાઇ પાસે જવાની હિંમત નથી કરી શકતી. સમયની પણ કેવી ક્રૂરતા છે?
રાત તો જેમતેમ કરીને કાઢી, પણ સવારે ફરી એ જ અકળામણ અને મૂંઝવણ. એ ઘરે હોત તો કદાચ મેં એમને જ મોકલ્યા હોત, પણ એ ત્રણ દિવસ માટે ટૂર પર ગયા હતા. આખરે સવારે ઊઠતાંની સાથે મેં મોટા ભાઇ પાસે જવાનું નક્કી કરી લીધું. કીટલીમાં મોટા ભાઇની ખાંસીનો અકસીર ઇલાજ એવો ‘કાઢો’ જે હું વર્ષોથી એમને પિવડાવતી હતી, તે પણ ભરીને લેતી ગઇ. રવિવાર હોવાથી રાહુલ-વિનય અને બંને વહુઓ ઘરે જ હતાં. બારણું ખુલ્લું હોવાથી હું અંદર ગઇ. અંદરનું દૃશ્ય જોતાંની સાતે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. દીકરો-વહુ ચારેય નિરાંત ચા-નાસ્તો કરતાં હતાં, જ્યારે મોટા ભાઇ બાથરૂમમાં ચાદર ધોતાં હતાં. એમના રૂમનું દૃશ્ય તો ત્યાં પડેલાં સાવરણો અને પાણી જોઇ સમજાઇ ગયું કે શું વાત છે શરૂઆતથી જ મોટા ભાઇને જ્યારે ખાંસી થતી, ત્યારે ઊલટી થઇ જતી હતી.
ઊલટી થવાને લીધે રૂમ ખરાબ થયો હોવાથી રૂમ ધોયા પછી મોટા ભાઇ પોતાની ચાદર ધોઇને સાફ કરતાં હતાં. મારી નજર સામે ભૂતકાળ તરવરી ઊઠ્યો. એમને રૂઆબ, એમના માનપાન, એમની શિસ્ત અને એમનું વાત્સલ્ય બધું… એમની આ સ્થિતિ જોઇને મારો જાત પર કાબૂ ન રહ્યો અને ગુસ્સામાં બોલી ઊઠી, ‘રાહુલ-વિનય, તમારા સૌની આંખો ફૂટી ગઇ છે કે શું?’ બધાં એકદમ સ્તબ્ધ થઇ ગયાં અને મોટી વહુ બબડી, ‘પપ્પાને ખાંસી આવતી હતી એટલે વારંવાર રૂમ અને ચાદરો…’
‘તમે તો બોલશો જ નહી, મેં તમારી પાસેથી કંઇ સ્પષ્ટતા નથી માગી. જ્યારે દીકરાઓ જ કાંટા જેવા હોય ત્યારે વહુઓ તો સોય જેવી જ હોવાની. તમને લોકોને જો સંબંધની કિંમત હોત, તો આજે આ કાકી બીજા ઘરમાં નહીં, તમારી માની છાયા બનીને રહેતી હોત. તમે સૌ નિરાંતે બેસીને ચા-નાસ્તા કર્યા કરો, હું મોટા ભાઇને મારી સાથે લઇ જાઉં છું.’
‘તમે એવું કંઇ ન કરી શકો, એ અમારા બાપ છે.’ રાહુલે રૂઆબ બતાવવાનો પ્રયત્ન કર્યો. ‘ખબરદાર જો આજે કોઇએ મને રોકી છે, તો મારો હાથ ઉપડી જશે.’ હું ઝડપથી મોટા ભાઇના રૂમમાં ગઇ અને એમની જરૂરી ચીજવસ્તુઓ એક ચાદરમાં ભેગી કરવા લાગી. મારા કોઇ કામ સામે મોટા ભાઇએ વિરોધ ન કર્યો. એમની આંખોમાં આવેલા ઝળઝળિયાં ઘણુંબધું કહી જતાં હતાં. મારું આવું સ્વરૂપ બધા માટે નવાઇભર્યું હતું. જ્યારે જુદા થયા ત્યારે જે કાકી આંસુ સારીને બેસી રહી હતી, આજે એના અવાજની કડકાઇથી બધાંના પગ જાણે જકડાઇ ગયાં. મોટા ભાઇને મારા ખભાનો ટેકો આપી હું બારણાં તરફ આગળ વધી. રાહુલ અને વિનયે એક વાર તો મને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ મારી આંખોમાં રહેલા ક્રોધને જોઇ અચકાયા.
ઘરે આવીને મેં મોટા ભાઇને પથારીમાં સૂવડાવી ધાબળો ઓઢાડ્યો. પછી ગરમ કાઢાનો કપ આપ્યો ત્યારે એ રીતસર રડી પડ્યા. મારી આંખોમાં પણ આંસુ આવી ગયાં. કાઢો પીધા પછી મોટા ભાઇ સૂઇ ગયાં અને હું ભાભીના ફોટા સામે જઇને બેઠી. મેં કહ્યું, ‘ભાભી, બાળકો તો મા-બાપા પ્રેમને પોતાનો હક સમજતાં હોવાથી તેમની કિંમત નથી હોતી. કદાચ એટલા માટે જ તેઓ ઘણી વાર ફરજપાલન કરવામાં ચૂકી જાય છે… પણ રિવાજથી બનેલા સંબંધોનું બંધન જ્યારે મજબૂત હોય છે, ત્યારે એની ફરજપાલનમાં કોઇ ભૂલ નથી કરતાં. જ્યાં આપણે એક અજાણ્યા ડર સાથે આવીએ છીએ કે કોણ જાણે કેવા લોકો હશે, ત્યાંથી મળેલો પ્રેમ જીવનભરની મૂડી હોય છે. આવો પ્રેમ આપણો જન્મસિદ્ધ અધિકાર નહીં, પણ કુદરતનું વરદાન હોય છે. હું એ સંબંધને નિભાવી રહી છું.’ ફોટામાં ભાભીનો ચહેરો હસી રહ્યો હતો…
–Shanno
સૌજન્ય- દિવ્ય ભાસ્કર
વાચકોના પ્રતિભાવ