વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 6, 2013

( 197 ) ચન્દ્રપુકાર બ્લોગના બ્લોગર અને સહૃદયી મિત્ર ડો. ચંદ્રવદનભાઈ મિસ્ત્રી – એક પરિચય

Dr. Chandravadan M.Mistri

થોડા દિવસો પહેલાં ચન્દ્ર પુકાર બ્લોગના બ્લોગર અને મારા સહૃદયી મિત્ર ડો.ચંદ્રવદનભાઈ મિસ્ત્રીએ એમના ભાતીગર જીવનનો પરિચય કરાવતાં એમનાં ચાર પુસ્તકો મને ખુબ જ પ્રેમથી વાંચવા માટે મોકલી આપ્યાં છે , જે માટે એમનો આભારી છું .

ડો. મિસ્ત્રીને હું કદી રૂબરૂ મળ્યો નથી પરંતુ એમના બ્લોગમાં એમના લેખો ,એમનાં કાવ્યો,વાર્તાઓ વી.તથા ફોન ઉપર એમની સાથે અવાર નવાર જે વાતો થઇ એ ઉપરથી એમનો મને જે પરિચય થયો એ ઘણો જ આનંદ દાયક છે .

ગયા ડિસેમ્બર ૨૦૧૨માં જ્યારે હું લોસ એન્જેલસમાં મારી દીકરીને ત્યાં હતો ત્યારે હું, શ્રી રમેશભાઈ પટેલ ( આકાશદીપ બ્લોગ ),શ્રી ગોવિંદભાઈ પટેલ (ગોદાડીયો ચોરો બ્લોગ ) એમ ત્રણ બ્લોગર મિત્રોનો એક સ્થળે ત્રિવેણી સંગમ શક્ય બન્યો હતો .આ વખતે ડો. ચન્દ્રવદનભાઈને પણ આવવા કહેલું પણ એ વખતે તેઓ એમની દીકરીને ત્યાં લંડન ગયા હોઈ તેઓ આવી ન શકતાં એમને એ વખતે મળી શકાયું ન હતું .

મેં એમને એક કુટુંબ વત્સલ અને સમાજ અભિમુખ સંવેદનશીલ હૃદય ધરાવનાર અને પ્રભુ પર પ્રીતિ રાખનાર મિલનસાર સ્વભાવના અને મળવા ગમે એવા સહૃદયી મિત્ર તરીકે ઓળખ્યા છે .

એમના ચંદ્ર પુકાર બ્લોગમાં ડો. ચંદ્રવદનભાઈએ આપેલ પરિચય નીચે વાંચો .

 ડો. ચંદ્રવદનભાઈની જીવન ઝરમર

ડો. ચંદ્રવદનભાઈ એ એક ડોક્ટર તરીકે દર્દીઓ માટે ફક્ત દવાનાં પ્રિસ્ક્રિપ્શન જ નથી લખ્યાં પણ એમના ફાજલ સમયમાં સાહિત્યની આરાધના કરી છે અને એમના ઋજુ હૃદયના ભાવ અને અનુભવ આધારિત કાવ્યો  ,લેખો વિગેરેની રચનાઓ પણ કરી  છે.

આફ્રિકા અને અમેરિકામાં વ્યવશાય કરતા હોવા છતાં તેઓ એમના વતનના વેસ્મા ગામને ભૂલ્યા નથી.એમની ડોક્ટર તરીકેની કમાણીમાંથી સારી એવી રકમ દાનમાં આપી વતનના ગામમાં સામાજિક સંસ્થાઓ ઉભી કરી છે .અવાર નવાર વતનની મુલાકાતો લઈનેએમની પ્રજાપતિ જ્ઞાતિની સામાજિક પ્રવૃતિઓમાં ઉલટભેર રસ લીધો છે .આવી વતન પરસ્તીની ભાવના બહું ઓછી જોવા મળતી હોય છે .

ડો. મિસ્ત્રીએ મને જે નીચેનાં ચાર પુસ્તકો ભેટ તરીકે મોકલ્યાં છે એ એમના વ્યક્તિત્વને વધુ જાણવા માટે ખુબ ઉપયોગી થાય એવાં છે .

 

Book cover -Dr.Chandravadan  Mistry .

Book cover -Dr.Chandravadan Mistry .

૧.યાદોના ઉપવનમાં -એક ડોક્ટરની જીવન કથા  (લેખન -સંપાદક રમણીક રાવલ )

આ દળદાર પુસ્તકમાં ડો. મિસ્ત્રીના ૭૦ વર્ષની આકર્ષક જીવન યાત્રા અને એમનાં સમાજ અભિમુખ કાર્યો ઉપર એમના સ્નેહીજનો અને પ્રજાપતિ જ્ઞાતિ મિત્રોએ દિલ ખોલીને લેખો દ્વારા પ્રકાશ પાડ્યો છે .

૨.શ્રી કૃષ્ણ લીલામૃત

ડો. ચંદ્રવદન મિસ્ત્રીનાં સ્વર્ગસ્થ માતા ભાણીબેન ,પિતા માધવભાઈ અને મોટાભાઈ છગનભાઈને શ્રધાંજલી રૂપે બહાર પાડેલ પ્રાર્થનાઓ,ભજનો ,ધૂન-આરતીઓ ,ગીતાસાર ,સુવિચારો વી. આધ્યાત્મિક સામગ્રીથી ભરપુર આ ભક્તિ પ્રધાન પુસ્તક વારંવાર વાંચવા જેવું અને અમુલ્ય છે .

૩.ત્રિવેણી સંગમ

ડો. ચંદ્રવદનભાઈનાં પ્રગટ કાવ્યોનો સંગ્રહ

૪. ભક્તિ ભાવનાં ઝરણા – 

ડો.ચંદ્રવદન મિસ્ત્રીના સ્વ.રચિત કાવ્યોના પુસ્તક “ભક્તિ ભાવનાં ઝરણા”-બીજી આવૃત્તિમાં ડો. ચન્દ્રવદનભાઈની પ્રભુ ભક્તિનો રંગ દરેક કાવ્યમાં જણાયા વગર રહેતો નથી .

આ પુસ્તકમાંથી એક કાવ્ય ” હજુ સમય નથી થયો મારો !”ને એમના મિત્ર શ્રી દિલીપભાઈ ગજ્જરએ એમના બ્લોગ લેસ્ટર ગુર્જરીમાં વિડીયોમાં ઢાળ્યું છે . એમના આભાર સાથે આ વિડીયો નીચે મુક્યો છે .

આ વિડીયોમાં ડો. ચંદ્રવદનભાઈ એમના ઉપરોક્ત ગીતનું પઠન કરતાં પહેલાં આ ગીતની કેવા સંજોગોમાં રચના થઇ એ જણાવતા કહે છે કે એમને ૧૭મી સપ્ટેમ્બર ૧૯૮૯ ના રોજ હાર્ટ એટેક આવેલો અને હોસ્પીટલમાં દાખલ કરેલા .જીવનની આ કસોટીમાંથી તેઓ હેમખેમ ઉગરી ગયા અને નવું જીવન પ્રાપ્ત કર્યું એ પછી ૨૮મી સપ્ટેમ્બરે  તેઓએ પ્રભુ પ્રત્યેના ભક્તિ ભાવથી ભરપુર આ રચના કરી હતી .

હજુ સમય નથી થયો મારો !

હજુ સમય નથી થયો મારો !

માનવ જન્મ મળ્યો આ મારો ,

વળી સાથ પ્રભુજી તારો ,

હજુ સમય નથી થયો  મારો (૨)……..(ટેક)

પુરા કર્યા જિંદગીના દિવસ જ ચાર ,

નથી જોઈ દુનિયા તારી , ઓ પાલનહાર ,

હજુ સમય નથી થયો  મારો (૨)

માનવ જન્મ મળ્યો આ મારો …

કંઇક પુણ્ય કરવાની તક આ મળી ,

મેં તો ભૂલો કરી દીધી ઘણી,

હજુ સમય નથી થયો  મારો(૨)

માનવ જન્મ મળ્યો આ મારો …

સંસાર માયાની ઝાળ છે તારી,

મારા નાનેરા બાળકો કાજે શક્તિ માંગુ તારી,

હજુ સમય નથી થયો  મારો(૨)

માનવ જન્મ મળ્યો આ મારો …

નવું જીવન દઈને પ્રભુ તું જો રાજી ,

ચંદ્ર કહે સમયે આવી પ્રભુ તુજને બદલી મારી બાજી ,

હજુ સમય નથી થયો  મારો(૨)

માનવ જન્મ મળ્યો આ મારો …

(કાવ્ય રચના, સપ્ટેમબર ૨૮,૧૯૮૯)

એમની આ રચનાને એમનાં જ મુખે નીચેના વિડીયોમાં સાંભળો અને માણો .

ડો ચંદ્રવદનભાઈ એક કુટુંબ વત્સલ વ્યક્તિ છે .એમનાં પત્ની કમુબેન અને ચાર દીકરીઓ પરત્વેનો એમનો

હૃદયનો પ્રેમભાવ એમનાં કાવ્યો અને લેખોમાં જણાઈ આવે છે .

ઉપર જણાવેલ ચાર સુંદર સાચવી રાખવા જેવાં પુસ્તકો મને ભેટ આપવા માટે હું અંતરથી સહૃદયી મિત્ર

ડો. ચંદ્રવદનભાઈનો ફરી આભાર માનું છું .

ડો ચંદ્રવદનભાઈની જીવન યાત્રા નિરામય રીતે આગળ પ્રગતી કરતી રહે એવી મારી હાર્દિક શુભેચ્છાઓ .

વિનોદ પટેલ   

How you see yourself ...ADog Picture