વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 14, 2013

(203)…પછી માળામાં ફરક્યું વેરાન…..

 
  સંતાનો જીવનમાં આગળ વધવા બહારગામ કે પરદેશ વસે છે ત્યારે આધુનિક મા-બાપની શી સ્થિતિ થાય છે?
 
 

વિનીત શુક્લ
અગ્રણી ગુજરાતી કવિ માધવ રામાનુજના એક યાદગાર, સંવેદનશીલ ગીતનો આરંભ આવો છે:
દાદાના આંગણામાં કોળેલા આંબાનું
કૂણેરું તોડ્યું રે પાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી
માળામાં ફરક્યું વેરાન…


આ કૂણેરું પાન એટલે કોણ? પરદેશી પંખી કયું? એ ક્યાં ઊડી ગયું? કયા માળામાંથી ફરક્યું? વેરાન એટલે શું?


સુરતવાસી જિજ્ઞા કાપડિયાની મોટી દીકરીના યોગ્ય ઘરમાં લગ્ન થઈ ગયાં અને નાની દીકરી એમબીબીએસ થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમેરિકા જતી રહી એ પછી એમને જબરી એકલતા ઘેરી વળી.અમદાવાદવાસી કેયુરી જોષીની મોટી દીકરી પરણીને બહેરીનમાં સ્થાયી થઈ અને એણે મિકેનિકલ એન્જિનિયર એવા નાના ભાઈને ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાં જ બોલાવી લેતાં એમને સંતાનો વગરનું  ખાલી ઘર કરડવા લાગ્યું.


મુંબઈવાસી વિક્રમ જાડેજાના મોટા સીએ દીકરા અને નાના આઈટી એન્જિનિયર દીકરાને બેંગલોરમાં સારી નોકરી મળી તથા છેવટે સૌથી નાની દીકરી ફેશન ડિઝાઈનિંગનું ભણવા દિલ્હી જતી રહી એ પછી તેઓ બહારથી લગભગ સ્વસ્થ રહેવા છતાં અંદરથી ભાંગી પડ્યા.


આધુનિક યુગમાં દર બીજા કે ત્રીજા ઘરમાં સર્જાતી આવી લાગણીસભર પણ ચિંતાજનક સ્થિતિને માનસશાસ્રીઓએ એક અદ્દભુત નામ આપ્યું છે: ‘એમ્ટી નેસ્ટ સીન્ડ્રોમ’ (માળો ખાલી થયાની લાગણી), જે ખાસ્સું કલ્પનાસભર અને સૂચક છે. સંતાનો પહેલી વાર ઘર છોડી જાય પછી મા-બાપ જે લાગણી અનુભવતાં હોય છે અને એના પરિણામે એમના માનસમાં જે ફેરફાર થતા હોય છે એ વર્ણવવા માટે માનસશાસ્રીઓએ આ શબ્દપ્રયોગ રચ્યો છે. સૌ સંતાનો ઘરમાંથી નીકળી જાય ત્યારે મા-બાપને (વધુ માતાને) પોતે હવે બિનજરૂરી બન્યાં હોવાની લાગણી ઘેરી વળે છે. એમને પોતાનું ભાવિ પણ અસ્થિર કે દિશા વગરનું લાગવા માંડે છે. સદ્ભાગ્યે આપણે એકવાર આ સ્થિતિ સમજી લઈએ, એનો સ્વીકાર કરીએ, કુદરતના સાહજિક ક્રમમાં જીવનની નાની-મોટી વાતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા માંડીએ તથા, સૌથી વધુ તો, સંતાનમુક્ત જીવન કેવી અવનવી તકો પૂરી પાડે છે એ ભણી નજર માંડીએ પછી પેલા ‘એમ્ટી નેસ્ટ સીન્ડ્રોમ’નો ઘેરો આપણી આસપાસથી નીચો અને પાતળો થવા લાગે છે.


મને ખબર નહીં કે નાની દીકરી અનન્યા અમેરિકા ભણવા ન જાય એવી મારી શરૂઆતની ઈચ્છા પાછળ ભવિષ્યમાં એના પણ ઘરમાંથી જવાથી આટલું તીવ્ર દુ:ખ થવાનું છે એ કારણ હતું, એમ જિજ્ઞાબહેન કહે છે. મોટી દીકરી નિર્ઝરીનું સાસરું સુરતમાં જ હોવાથી તથા અનન્યા ત્યારે ઘરમાં હોવાથી એ સમયે આટલું આકરું નહોતું લાગ્યું, પણ અનન્યાના ગયા પછી તો, ખાસ્સા સમજદાર પતિ અવિનાશના સાથ-સહકાર છતાં, હું સાવ એકલી પડી ગઈ હોવાનું અનુભવતી હતી. વારે-તહેવારે કારણ વગર આંખમાં આંસું આવી જતાં હતાં. કંઈ જ કરવાનું ગમતું નહોતું. મારી જાતનું કે જાત સાથે શું કરવું એ જરીકે સમજાતું નહોતું. શરીર પણ જાણે કરમાઈ ગયું હોય એવું લાગતું હતું. દીકરીઓ અને એમના મિત્રોની હોહા-પ્રવૃત્તિ વગર ઘર જાણે સૂનું પડી ગયું હતું. વધુમાં એમને નાની-મોટી વાતે ટોકવાનું પણ અટકી જતાં મારું ‘મમ્મીપણું’ જ જાણે ખતમ થઈ ગયું હતું, જિજ્ઞાબહેન ગળગળા અવાજે કહે છે.


અવિનાશ મને સમજાવતા રહ્યા કે દીકરીઓના ઘરમાંથી જવાથી આપણે એમનાં મા-બાપ મટી નથી જતાં. બન્ને દીકરી જેટલી આપણને ચાહે છે એટલી જ આપણને યાદ પણ કરતી રહે છે, પછી એમની સાથે અંતર પડવાનો સવાલ જ ક્યાં છે? આપણે જ એમને સ્વતંત્રપણે કારકિર્દીમાં અને જીવનમાં આગળ વધવા પ્રોત્સાહન નહોતું આપ્યું? તો હવે તેઓ ઘરમાં નથી એ જ કારણે આટલો સંતાપ યોગ્ય છે? આપણે હવે મનગમતી પ્રવૃત્તિઓમાં વધુ સમય અને શક્તિ ખર્ચી શકીશું ને?


જિજ્ઞાબહેન ઉમેરે છે કે બે વર્ષે હું જીવનમાં નવેસરથી ગોઠવાવા માટે તૈયાર થઈ શકી. જીવનમાં માણવા જેવું હજી ઘણું બાકી છે એ વાત મારા ગળે છેવટે ઊતરી. મારા જેવી બીજી માતાઓએ આ સ્થિતિનો સામનો કેવી રીતે કર્યો એ જાણીને સ્પષ્ટતા વધી. જોકે, ખરેખર તો હું મારી દીકરીઓની આભારી છું. એમના ઘરમાંથી નીકળ્યા વગર એમને માટેના મારા હૃદયમાંના પ્રેમના ઊંડાણને હું કયારેય ન જાણી શકી હોત. પ્રેમાળ, જવાબદાર અને સ્વતંત્ર યુવતીઓ તરીકેનો એમનો વિકાસ મને આજે ખૂબ સંતોષ અને ગૌરવ આપે છે. એમના વગર મારું જીવન આટલું પૂર્ણ અને અર્થસભર ન બની શક્યું હોત, જિજ્ઞાબહેન આંખમાં ચમકારા સાથે કહે છે.


દીકરો કરણ ૧૪ વર્ષનો હતો ત્યારે પતિ રાજર્ષિને અકસ્માતમાં ગુમાવનારાં કેયુરીબહેન અંગ્રેજીનાં નિવૃત્ત શિક્ષિકા છે. સહૃદયી જેઠના પ્રયાસથી દીકરી શાલ્મલીને જ્ઞાતિના ગુણવાન યુવાન વેપારી સાથે પરણાવી અને દીકરાને સ્કોલરશિપ સાથે એન્જિનિયર બનવામાં શક્ય એટલો ટેકો આપ્યો. આરંભે મમ્મીના ખેંચાણને કારણે અવઢવ અનુભવતો કરણ મોટી બહેનના પ્રેમાગ્રહ સામે હથિયાર હેઠાં મૂકી બહરીન ગયો પછી કેયુરીબહેન પર જાણે કે વીજળી પડી. એકલતા ટાળવા એમણે થોડા મહિને યુવાન આધ્યાપિકા કવિતાને પેઇંગ ગેસ્ટ તરીકે રાખી. આનંદી અને હકારાત્મક વિચારોથી ભરેલી કવિતાએ એમના જીવનમાં નવો અધ્યાય શરૂ કરવામાં વિધેયાત્મક ભૂમિકા ભજવી. જીવનમાં આગળ વધવાનો કવિતાની સમજાવટને અંતે એમણે અમદાવાદની પડોશના ગામની સરકારી શાળામાં ગરીબ બાળકોને અંગ્રેજીનું વધારાનું જ્ઞાન આપવાની અવેતન જવાબદારી સ્વીકારી લીધી.


કેયુરીબહેન કહે છે આ કામ મને અનહદ સંતોષ આપે છે. અંગ્રેજી બોલતાં – વાંચતાં – લખતાં શીખતાં બાળકોનો કલશોર મારા હૃદયને આનંદથી ભરી દે છે. રોજ સવારે આ નિર્દોષ અને આશાભર્યાં બાળકો મારી જેટલી રાહ જોતાં હોય છે એના કરતાં વધુ હું શાળાએ પહોંચવાની રાહ જોતી હોઉં છું. એમને જીવનોપયોગી જ્ઞાન આપવામાં હું નિમિત્ત બની રહી છું એને હું ઈશ્ર્વરની મોટી કૃપા માનું છું. સૌથી વધુ તો હું ઘરે એકલતાના એક સમયના અસહ્ય દુ:ખને ઘણું દૂર છોડી શકી છું અને એની દૂર વસતાં  મારાં વસતાં દીકરી-જમાઈ – દીકરાને ઘણી ખુશી છે, કેયુરીબહેન તરવરાટ સાથે કહે છે.


દીકરાઓ બેંગલોરમાં સ્થિર થયા પછી ત્રણ વર્ષે દીકરી તૃષ્ણા પણ ઘર છોડી દિલ્હી પહોંચી એ પછી વિક્રમ બેપરવા, થાકેલા અને નિરુત્સાહી રહેવા માંડ્યા એ મારી અંગત વ્યથાના ભાર નીચે મારા ધ્યાનમાં જ ન આવ્યું, એમ એમનાં પત્ની મંજુબહેન કહે છે. તેઓ ‘એમ્ટી નેસ્ટ સીન્ડ્રોમ’ના શિકાર થયા છે એવું નિદાન અમારા ફેમિલી ડોકટરે કર્યું ત્યારે મને ભારે આશ્ર્ચર્ય થયેલું અને મોટો આઘાત પણ લાગેલો. મોટે ભાગે સ્ત્રીઓને સતાવતો આ સીન્ડ્રોમ વેલ્થ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ એવા મારા પતિ પર પણ ત્રાટકી શકે છે એ વાત પહેલાં તો મારા માન્યામાં જ ન આવી. દીકરી પણ ઘરમાંથી નીકળી ગયાના નવ મહિનાથી વિક્રમ આ લાગણી હેઠળ પીડાતા હતા. દીકરાઓ બેંગલોર ગયેલા ત્યારે મેં  ભારે અંગત ખોટ અનુભવેલી. વિક્રમે લાંબા સમય પછી પોતાની લાગણીનો થોડા સંકોચ સાથે પણ સ્વીકાર કર્યો, એ જ દર્શાવે છે કે વધુ સંખ્યામાં પુરુષો પર પણ આ સીન્ડ્રોમ ત્રાટકી રહ્યો છે.


પપ્પાઓ પણ સંતાનોની સારસંભાળમાં અને એમના સર્વગ્રાહી વિકાસમાં હવે વધુ ને વધુ સક્રિય હિસ્સો લેતા થયા છે એટલે સંતાનરૂપી પંખીઓ ઘરના માળામાંથી ઊડી જાય ત્યારે તેઓ પણ એની તીવ્ર પીડા અનુભવે એ સ્વાભાવિક છે. જોકે સંતાનો પોતાની આ સ્થિતિથી વ્યથિત ન થાય એવું વિક્રમ મક્કમતાથી ઈચ્છે છે. એટલે જ તેઓ કહે છે કે મારે સશક્ત બનવું જ પડશે. એનાથી મારાં વહાલાં સંતાનોને સંદેશો પહોંચશે કે એમણે આગળ વધીને જગતને મક્કમતાથી વધુ ખંખોળવાનું – ધમરોળવાનું છે. હું આજે જે શૂન્યાવકાશ અનુભવું છું એ તેઓ મા-બાપ બને અને એમનાં સંતાનો આભને આંબવા દૂર નીકળી જાય છેક ત્યારે જ અનુભવે એમ હું ઈચ્છું છું.


ઘર ‘ખાલી’ થઈ ગયાનું લાગે ત્યારે એને ફરી પાછું ‘ભરવા’નો પડકાર બહુ મોટો છે એ કબૂલ, પરંતુ એ પડકાર ઝીલવાના હૃદયપૂર્વકના આપણે જેટલા પ્રયાસ કરીશું એટલા આપણે એમાં સફળ થઈશું.


ઘરમાં માતા-પિતા બન્ને હોય તો તો આ ‘માળો’ પાછો ગોઠવવામાં ઘણી વધુ તકલીફ નથી પડતી. એકમેક સાથે વધુ સમય ગાળવામાં આવે, એકમેકનું વધુ ધ્યાન રાખવામાં આવે, એકમેકની મનગમતી પ્રવૃત્તિ વધુ કરવામાં આવે તો મનનો ખાલી માળો ભરાવા માંડે છે અને એનો જેટલો હિસ્સો ખાલી રહે છે એ સહ્ય બને છે. માતા કે પિતા એકલા શેષ રહ્યા હોય ત્યારે સ્થિતિ થોડી વધુ મુશ્કેલ હોય છે, પણ એને એ બદલવાની સ્વતંત્રતા થોડી વધુ પણ હોય છે.


અખબાર-સામયિકોના મનગમતા વિષયના લેખો તથા પુસ્તકોમાંથી સારાં કાવ્યો-નવલિકા અને ટુકડે ટુકડે નવલકથા વાંચી સંભળાવવી, નિયમિત રીતે સૂર્યોદય કે સૂર્યાસ્ત કે બન્ને જોવા નીકળી પડવું, પંખીઓનો કલશોર કે (શક્ય હોય તો) નદી-સાગરનું ગર્જન સાંભળવું, વૃક્ષારોપણ કે બીજારોપણમાં પ્રવૃત્ત થવું, પોતાની શૈક્ષણિક યોગ્યતા અનુસાર શાળા-કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક વળતરની અપેક્ષા વગર માર્ગદર્શન આપવું, ઈન્ટરનેટના અઢળક ખજાનામાંથી દૃશ્ય-શ્રાવ્ય મોતીઓ વીણવાં, સેવાના મનપસંદ માર્ગે આગળ વધવું આરોગ્ય જાળવવા, વય મુજબની કસરત કરવા જેવી અપાર પ્રવૃત્તિઓમાંથી જે યોગ્ય લાગે એમાં સક્રિય થઈને રહી શકાય. એનાથી ધરમાંથી નીકળી ગયેલાં સંતાનો સાથે અદકેરું અને કંઈક જુદું જ અનુસંધાન રચાશે.


સંયુક્ત કુટુંબ પ્રથા સશક્ત હતી ત્યારે સંતાનોને ઘર છોડવાની ખાસ જરૂર પડતી નહીં એવો કાળ હતો. એકલદોકલ કિસ્સામાં એવું બનતું ત્યારે મા-બાપને એ ખોટ ન વર્તાય એવું કૌટુંબિક વાતાવરણ રહેતું. કુટુંબીઓ વિષમ સ્થિતિમાં સચવાઈ જાય એ સંયુકત કુટુંબ પ્રથાનો એક મુખ્ય લાભ હતો. આજે અનિવાર્ય બનેલાં વિભક્ત કુટુંબોએ આ એમ્ટી નેસ્ટ સીન્ડ્રોમનો સામનો વહેલા કે મોડા કરવાનો આવે જ છે.


એટલે આવાં સૌ મા-બાપને બેસ્ટ ઓફ લક – બી બ્રેવ.

સૌજન્ય- મુંબઈ સમાચાર 

<prainbow-2