વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 16, 2013

( 204 ) હું ફરી ક્યાંથી હવે માણસ બનું? -ડોક્ટરની ડાયરી, ડો. શરદ ઠાકર

Dr. Sharad Thaker

Dr. Sharad Thaker

હાશ !’ એમબીબીએસની છેલ્લા વર્ષની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે  મારા મિત્ર સુકેતુનો પહેલો પ્રતિભાવ આ હતો, ‘પાસ થઇ ગયા. હવે જીવનભરની નિરાંત. દુ:ખ  ભયે દિન બિતે રે ભૈયા, અબ સુખ આયો રે…’સુકેતુના એક એક શબ્દ સાથે હું સહમત હતો. એના સંઘર્ષને મેં બહુ નજીકથી જોયેલો હતો. એના પિતા માર્ગ અકસ્માતમાં વરસો પહેલાં  મૃત્યુ પામ્યા હતા. એમના અવસાન પછી બેન્કની ખાલી પડેલી નોકરીમાં સુકેતુનાં મમ્મીને  રાખી લેવામાં આવ્યાં હતાં. સુકેતુથી મોટી બે બહેનો હતી, જેમને પરણાવવાની બાકી હતી. એ જમાનામાં બેન્ક કર્મચારીઓના પગાર એટલા બધા સારા ન હતા.

સુકેતુ એની જ્ઞાતિની સ્કોલરશિપમાંથી ભણવાની ફી અને ચોપડીઓનો  ખર્ચ કાઢતો હતો. એ સિવાય પણ બીજા ખર્ચા ઓછા ન હતા. ભોજનખર્ચ, લોન્ડ્રીનું બિલ, તેલસાબુ, ચાનાસ્તો… દર મહિનાની વીસમી તારીખ આવતાં સુધીમાં સુકેતુ હાંફી જતો, માથામાં તેલ નાખ્યા વગર ચલાવી લેતો, કપડાં જાતે ધોઇ નાખતો, અમે ચા પીવા જતા હોઇએ  ત્યારે એ લાઇબ્રેરીમાં બેસી રહેતો. જ્યારે અમે આનું કારણ સમજતા થયા, એ પછી પરાણે  એનો હાથ પકડીને કેન્ટીનમાં ખેંચી જતા.

એક વર્ષ પછી અમે મળ્યા. મેં જોયું કે એના ખરાબ દિવસો હવે  ખરેખર પૂરા થઇ ગયા હતા. એને એના જ શહેરમાં નોકરી મળી ગઇ હતી. એની પત્ની ટેલિફોન  ખાતામાં નોકરી કરતી હતી. બંને બહેનોને એક જ દિવસે પરણાવીને વળાવી દીધી હતી.‘વાહ! હવે ઘરમાં તમે ત્રણ જ સભ્યો રહ્યા અને ત્રણેય જણ કમાય છે. આવકનો રણકાર ઘરના ખૂણે  ખૂણે સંભળાય છે.’ મેં રાજી થઇને કહ્યું, પછી સહેજ ભીના અવાજે પૂછ્યું, ‘મિત્ર, સુખી  છો ને?’‘ના.’

સુકેતુએ ત્વરિત જવાબ આપી દીધા પછી બંને હાથ  માથાની ઉપર લઇ જઇને અંગડાઇ મરડી. મોટી સાઇઝનું બગાસું ખાઇને ઉમેર્યું, ‘આને સુખ  કે’વાય? ઘરનું ઘર છે, પણ એ તો પપ્પાએ લીધેલો ટુ-બી-એચ-કેનો ફ્લેટ છે. કોઇ મહેમાન  આવે અને રાતવાસો કરે ત્યારે અગવડ પડે છે. બસ, થોડીક બચત થાય અને એક ટેનામેન્ટ ખરીદી  લઇએ એ પછી તું પૂછજે કે ખુશ તો છે ને? ત્યારે હું હા પાડીશ.’

સૌરાષ્ટ્રના  નાનકડા શહેરમાં ત્રણ જણ કમાતા હોય અને ખર્ચ સાવ સીમિત હોય; પૈસાની બચત થતાં વાર  કેટલી લાગે? બરાબર અઢી વર્ષ પછી ડો. સુકેતુએ એક સુંદર ટેનામેન્ટ ખરીદી લીધું. મને  વાસ્તુપ્રસંગે આમંત્રણ મળ્યું હતું, પણ હું અમદાવાદમાં પોસ્ટ ગ્રેજયુએશન કરતો હતો, એટલે જઇ ન શક્યો. એકાદ મહિના પછી એને ત્યાં જવાનું શક્ય બન્યું. ઘર જોઇને હું ખુશ  થઇ ગયો.

ટેનામેન્ટમાં સ્થાયી થયા પછી સુકેતુએ નોકરી  છોડી દીધી. એક ભાડાની દુકાન લઇને જનરલ પ્રેક્ટિસ શરૂ કરી. અભાવોની માટીમાં  પરિશ્રમના ખાતરપાણીથી ઊગેલું જાતવાન ફૂલ હતું. બુદ્ધિની દેવીએ એના પર આવડતના  આશીર્વાદ ઉતાર્યા હતા, એટલે પ્રેક્ટિસ જામવામાં વાર ન લાગી. લક્ષ્મીનો ધોધમાર વરસાદ  વરસવા માંડ્યો. એની સાથે ભણતાં અમે સૌ હજુ તો એમડી અને એમએસ થઇને ‘જોબ’ શોધતા હતા, ત્યારે ડો. સુકેતુ એના શહેરના એક પોશ ઇલાકામાં મોટા બંગલાનો માલિક બની ચૂકયો  હતો.

મેં ફોન ઉપર જ એને અભિનંદન આપી દીધાં, ‘વાહ, દોસ્ત! કમાલ કરી  નાખી તેં તો. હવે તો સુખી છો ને?’‘આને તે સુખ કે’વાય? ફર્નિચર વગરના બંગલામાં ભોંય  ઉપર બેસીને જમવું પડે ને શેતરંજી પાથરીને સૂવું પડે એને જો સુખ ગણાતું હોય તો એવા  સુખની તને ખબર…’ સુકેતુના અવાજમાં ચીડ હતી.‘કેમ આવુ બોલે છે? ફર્નિચર તો તારા  મકાનમાં હતું જ, તારાં ડાઇનિંગ ટેબલ-ખુરશી ઉપર તો હું જમી ચૂકયો છું. એ બધું વેચીને  બંગલો લીધો છે કે શું?’

‘ના, બંગલો તો પ્રાઇવેટ પ્રેક્ટિસની કમાણીમાંથી ખરીધ્યો છે, પણ ફર્નિચર બનાવવાનું હજી બાકી છે. મારા ઇન્ટીરિયર ડિઝાઈનરે કહી દીધું છે કે નવા  બંગલામાં જુનું ફર્નિચર નહીં ચાલે. એટલે ટેનામેન્ટનું બધું ફર્નિચર પાણીના મૂલે  કાઢી નાખ્યું. અત્યારે તો પલાંઠી વાળીને ભોજન કરીએ છીએ અને ફૂટપાથવાસીઓની જેમ  ચટ્ટાઇ પર પોઢીએ છીએ. હવે તો ચોમાસાની રાહ જોઉં છું. મેલેરિયાની સિઝન આવે એટલે  ફર્નિચરનો ખર્ચ…’ચોમાસું આવ્યું અને મુશળધાર આવ્યું. મચ્છરોનો ઉપદ્રવ ચીનનાં  ધાડાં જેવો રહ્યો. મેલેરિયાના તાવે એક પણ ઘરને બાકાત ન રાખ્યું. ડો. સુકેતુએ ત્રણ  મહિનામાં આખા બંગલાની આંતરિક સજાવટનો ખર્ચ કમાઇ લીધો.

હું તો છેક ઉનાળાની રજાઓમાં એના ઘરે જઇ શક્યો. ઘર જોઇને આભો  બની ગયો, ‘વાહ, સુકેતુ, વાહ! હવે મારે તને એવું નથી પૂછવું કે તું સુખી છો કે નહીં, પણ તારો બંગલો અને આ બધી સુવિધાઓ જોઇને હું તો ખૂબ ખુશ છું.’‘મારે અને સુખને પણ હવે  વધારે છેટું નથી રહ્યું.’ સુકેતુએ બંને હાથ માથા પર લઇ જઇને આળસ મરડી, ‘બસ, એકાદ  ફાર્મહાઉસ, આ નાની કારની જગ્યાએ મોટી કાર અને દસ-પંદર લાખની જવેલરી થઇ જાય એ પછી  શાંતિ જ શાંતિ. પછી આપણા જીવને વધારે અભરખા નથી.’

સુકેતુ ભૌતિક સાધનસગવડોની લિફ્ટમાં ઊંચકાઇને  ગરીબીના બેઝમેન્ટ પરથી ઐશ્ચર્યના આઠમા માળ તરફ સરકી રહ્યો હતો. એ બહુ નજીકના  ભવિષ્યમાં એવા શિખરબિંદુએ પહોંચી જવાનો હતો કે જ્યાંથી એને મેડિકલ હોસ્ટેલના  અભાવગ્રસ્ત દિવસો નજરે પણ નહીં ચઢે. શરત માત્ર એક જ હતી કે ત્યાં પહોંચ્યા પછી એને  સુખનો નિવાસ હજુ બે-ચાર માળ ઉપરની દિશામાં છે એવું ન લાગે.

***
ઘરે પાછા આવીને હું જુની તસવીરોનું આલબમ જોવા  બેઠો. એક ફોટા આગળ હું થંભી ગયો. અમે પિકનિક ઉપર ગયા હતા. ત્યાં ઉનાળાના ધોમધખતા  તડકામાં મને કુલ્ફી ખાવાની ઇચ્છા થઇ. મેં સુકેતુને પૂછ્યું. એણે ના પાડી : ‘આઠ આના  ક્યાંથી કાઢવા?’ મેં બે કુલ્ફીઓ ખરીદીને એક એને આપી : ‘લે, આ મારા તરફથી.’ અમે  કુલ્ફી ચાટતા હતા, બરાબર તે ક્ષણે કોઇ ત્રીજા મિત્રે જૂના ડબલા જેવા કેમેરા વડે  અમારો ફોટોગ્રાફ ‘ક્લિક’ કરી દીધો.

મને યાદ આવી ગયું, એ વખતે મેં  સુકેતુને પૂછ્યું હતું : ‘ખુશ છો?’ અને એણે હસીને જવાબ આપ્યો હતો : ‘ખુશ?! અરે, જલસા પડી ગયા, દોસ્ત! પપ્પાના ‘ડેથ’ પછી આજે પહેલી વાર કુલ્ફી ચાખવા મળી. આવું સુખ  તો ભવિષ્યમાં એક કરોડના બંગલામાં એસીવાળા રૂમમાં બેસીને મોંઘામાં મોંઘો આઇસક્રીમ  ખાઇશને, ત્યારે પણ નહીં મળે.’ મેં હસીને આલબમ બંધ કરી દીધું.

(સત્યઘટના)

_______________________________________________________________________

અગાઉ વિનોદ વિહારમાં તરીખ ૧૧ મી જુન ૨૦૧૨ની પોસ્ટ નંબર ૫૯માં ડો. શરદ ઠાકર નો પરિચય અને એમના જીવનમાં

બનેલી આવી જ એક સત્ય કથા “દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે ” પોસ્ટ કરેલી એ વાંચવા માટે

નીચેની લિંક ઉપર ક્લિક કરશો .

https://vinodvihar75.wordpress.com/2012/06/11/59