વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 20, 2013

( 207 ) ગંગા સતી અને પાન બાઈનાં ભજનોનો આસ્વાદ ( સંકલિત )

Ganga Sati-Panbai

ગુજરાતી ભાષાના અધ્યાત્મ આકાશમાં વીજળીની જેમ ચમકી રહેલી ગંગા સતી અને પાન બાઈનાં ભજનો સૌરાષ્ટ્ર અને બધી જગાઓએ લોક કલાકારો અને ભજનીકો દ્વારા ખુબ જ ભક્તિ ભાવથી ગવાતાં હોય છે .

વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી.

ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.

નાનકડા ગામડામાં વસનાર ગંગાસતીએ ચોપડીયોનો અભ્યાસ ન કર્યો હોય પરંતુ અધ્યાત્મ માર્ગના ઊંડા રહસ્યો તેમના પદોમાં રહસ્યોદઘાટિત થતા જોઈ શકાય છે.

ડાબી ઈંગલા ને જમણી છે પિંગલા

રાખવું સ્વરભેદમાં ધ્યાન રે….

સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું એમ કાયમ લેવું વ્રતમાન રે…..

માં યોગમાર્ગના રહસ્યો, પ્રાણાયામનું વિજ્ઞાન રજૂ થયું છે. તો એમના પ્રસિદ્ધ ભજન વીજળીને ચમકારેમાં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થઈ છે.

જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ

એકવીસ હજાર છસ્સો કાળ ખાશે.

માણસ દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતો હોય છે. આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે એમની પંક્તિમાં એકવીસ હજાર છસ્સોની ગણના કેટલી વૈજ્ઞાનિક આધારવાળી છે !.

ગંગાસતીના ભજનોની રચના પાછળની કથા કંઈક આ પ્રમાણે છે.

એકવાર એક ખેડૂતની ગાય સર્પદંશથી મરણ પામી. જીવદયાથી કે લોકોના વ્યંગને કારણે ગંગાસતીના પતિ કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામસ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો.

ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે.

બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ.

સૌજન્ય- વિકિપીડિયા )

સંકલન- વિનોદ પટેલ 


______________________________________________________

ગુજરાતી ભાષાના અધ્યાત્મ આકાશમાં વીજળીની જેમ ચમકી રહેલી ગંગા સતીની રચનાઓમાંથી અવારનવાર ગવાતી બે રચનાઓને નીચેના વિડીયોમાં માણો .

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે
 
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે
 
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે
 
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે
 
– ગંગા સતી

Vijali ne chamkare – Gangasati – Panbai – Gujarati Bhajan

( ગુજરાતી મુવી ગંગા સતીનું એક ભજન ) 

____________________________________________

 

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે

 

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી.
 
ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી,
ને કરે નહીં કોઈની આશજી;
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ.
 
હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠે પહોર રહે આનંદજી,
નિત્ય રહે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ.
 
તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,
તેનું નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને અલખ આરાધે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ.
 
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.
 
સંગત કરો તો એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ
જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી – મેરુ.
 
– ગંગા સતી

Meru To Dage Pan Jena – Gangasati Wani – Gujarati Devotional Song -Singer: Meena Patel

________________________________________________________________

ગંગા સતીનાં ભજનો નીચેની લિંક ઉપર (સૌજન્ય-આભાર- સ્વર્ગારોહણ બ્લોગ )

http://www.swargarohan.org/bhajans/ganga-sati/Page-2.htm

ગંગાસતીના ૫૨ ભજનોના સંગ્રહનું ઈ-પુસ્તક નીચેની લિંક ઉપર ડાઉન લોડ કરી વાંચી શકાશે

(સૌજન્ય- આભાર- અક્ષર નાદ બ્લોગ )

http://aksharnaad.com/downloads/

તમસો મા જ્યોતિર ગમ્ય-- જીવન અને દીપકનો પ્રકાશ