વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 28, 2013

( 210 ) અંત નિશ્ર્ચિત હોય ત્યારે માણસ શું કરી શકે?

 
અમેરિકી પત્રકાર સુસેન સ્પેન્સર વેન્ડલે એના એકમાત્ર કામ કરતા અંગ અંગૂઠાની મદદથી બેસ્ટ સેલર પુસ્તક લખ્યું!

Writer with one thumb

 
સુખનો પાસવર્ડ – આશુ પટેલ
 
‘તારી પાસે હવે માત્ર ત્રણ વર્ષ જેટલો સમય બચ્યો છે,’ ડોક્ટરે ૪૩ વર્ષની અમેરિકન મહિલા પત્રકારને કહ્યું, સામાન્ય રીતે આવું સાંભળીને કોઈ પણ માણસ હિંમત હારી જાય. પણ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટની પત્રકાર સુસેન સ્પેન્સર વેન્ડલે જીવનનો બાકીનો સમય માણી લેવાનું નક્કી કર્યું. તેણે તેની ઈચ્છા હતી એવા ઘણાં સ્થળોની મુલાકાત લીધી અને પછી પોતાની બીમારી અને પોતાના જીવન વિશે પુસ્તક લખ્યું. હાર્પર કોલિન્સ કંપનીએ એ પુસ્તક પ્રસિદ્ધ કરવા માટે સુસેન સ્પેન્સર-વેન્ડલને ર.૩ મિલિયન (ર૩ લાખ) ડોલર એટલે કે રૂપિયા ૧૨ કરોડ, ૬૫ લાખ ચૂકવ્યા! એ પુસ્તક પ્રસિદ્ધ થવાની સાથે સુસેન સેલિબ્રિટી રાઈટર બની ગઈ.
 
‘અન્ટિલ આઈ એ ગુડબાય’ નામનું પુસ્તક લખનારી સુસેન ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં કુટુંબ સાથે રહે છે. તે ‘ધ પામ બીચ પોસ્ટ’ અખબારમાં કોર્ટ રિપોર્ટર તરીકે ફરજ બજાવતી હતી. તેણે ર૦૦૦માં ફ્લોરિડામાં અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે રી-કાઉન્ટ (ફેર મતગણતરી)થી માંડીને અનેક સ્ટોરીઝ ‘ધ પામ બીચ પોસ્ટ’ માટે કરી હતી. એ તેના પતિ અને ત્રણ બાળકો સાથે ખુશ હતી. સુસેન તંદુરસ્ત શરીર ધરાવતી હતી, પણ ર૦૦૯માં એક રાતે બેડરૂમમાં નાઈટ ડ્રેસ પહેરતી વખતે અચાનક તેણે જોયું કે તેનો ડાબો હાથ જાણે બદલાઈ ગયો છે. તેના ડાબા હાથની ચામડીનો કલર ઝાંખો પડી ગયો હતો અને હાથ સંકોચાઈ ગયો હતો. તેના જમણા હાથથી ડાબો હાથ તદ્દન જુદો લાગતો હતો.
 
ગભરાઈ ગયેલી સુસેન બીજા જ દિવસે એના ફેમિલી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે એને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે મોકલી. બે વર્ષ સુધી સુસેનને શું રોગ થયો છે એ ડોક્ટરો નક્કી ન કરી શક્યા. છેક ૨૦૧૧માં અનેક મેડિકલ ટેસ્ટ બાદ ડોક્ટરોએ તેને કહ્યું કે તેને એમીઓ ટ્રાફિક લેટરલ સીરોસિસ નામનો રોગ લાગુ પડ્યો છે. આ ન્યુરોલોજિકલ રોગમાં નર્વ સેલ્સ ખતમ થવા માંડે છે અને પરિણામરૂપે મગજમાંથી શરીરને સંદેશો મોકલતા હોય છે એ બંધ થઈ જાય છે. મગજમાંથી મળતા સંદેશાને કારણે મસલ્સ કામ કરે છે એ સંદેશા બંધ થતાં મસલ્સ કામ કરતા બંધ થઈ જાય છે. આ વિચિત્ર રોગ થાય એ પછી દર્દી ત્રણથી પાંચ વર્ષમાં મૃત્યુ પામે છે.
 
સુસેનને ર૦૦૯માં આ રોગ થઈ ગયો હતો, પણ બે વર્ષ સુધી મેડિકલ ટેસ્ટ્સ પછી ડોક્ટરને ખબર પડી કે સુસેનને એ રોગ થયો છે ત્યારે ડોક્ટરે સુસેનને કહ્યું કે તારી પાસે વધુમાં વધુ ત્રણ વર્ષ છે. ત્યાં સુધીમાં તો સુસેનના શરીરના અંગો કામ કરતા અટકી ગયા હતા. સુસેનને આ રોગ વિશે ખબર પડી અને પોતાની પાસે બહુ ઓછો સમય રહ્યો છે એવું તેને કહેવાયું ત્યારે પહેલા તો તે હેબતાઈ ગઈ, પણ પછી તેેણે હસતા મોઢે આ રોગનો સામનો કરવાનું નક્કી કર્યું.
 
સુસેનને જન્મ આપનારી માતા કેલિફોર્નિયામાં રહેતી હતી, પણ સુસેનને એ ખબર નહોતી કે તેની માતા ક્યાં છે. સુસેન નાની હતી ત્યારથી તેની જન્મદાતા માતા સાથે સંબંધ તૂટી ગયો હતો. એ પિતા અને સાવકી મા સાથે રહીને મોટી થઈ હતી. સુસેને કેલિફોર્નિયા જઈને એની જન્મદાત્રીને શોધવાનું નક્કી કર્યું. એ પછી તે અમેરિકાના જુદા જુદા વિસ્તારોમાં ફરવા ગઈ અને કેરેબિયન ટાપુ પર પણ તેણે પોતાના કુટુંબ સાથે થોડો સમય ગાળ્યો. તેની ઈચ્છા હતી ત્યાં બધે જઈ આવ્યા પછી સુસેનની પાસે જીવનમાં કોઈ એજન્ડા રહ્યો નહીં. આ દરમિયાન તેના શરીરનો ગળાથી નીચેનો સંપૂર્ણ હિસ્સો કામ કરતો બંધ થઈ ગયો હતો. તે માત્ર તેેનો અંગુઠો હલાવી શકતી હતી.
 
આ સ્થિતિમાં તે કંઈ નહીં કરી શકે એવું ડોક્ટરોએ તેેને કહી દીધું હતું, પણ સુસેને વિચાર્યુ કે મારો અંગૂઠો તો હજી કામ કરે છે એનાથી હું કંઈક કરી શકીશ. અને સુસેને પોતાના જીવન પર એક પુસ્તક લખવાનું નક્કી કરી નાખ્યું. તેણે પોતાના આઈ ફોનમાં અંગૂઠાથી ટાઈપ કરીને ૮૯,૦૦૦ શબ્દોનું પુસ્તક લખ્યું. તે પુસ્તક લખી રહી હતી એ દરમિયાન તેના પ્રવાસના વર્ણનો હાર્પર કોલિન્સના અધિકારીઓના ધ્યાન પર આવ્યાં અને તેમણે સુસેનનું એ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું.
 
સુસેને એ પુસ્તકમાં પોતાના રોદણાં રડવાને બદલે આવી સ્થિતિમાં પણ તેને કઈ વાતોથી મજા આવી અને પ્રવાસ દરમિયાન તેણે કેવો આનંદ મેળવ્યો એ વિશે લખ્યું છે. સુસેન કહે છે કે મારે એવું લખવું હતું કે જેનાથી લોકો ખુશ થઈ શકે. હું જીવનની ઉજળી બાજુ જોવામાં માનું છું.
 
કોર્ટમાંથી સ્ફોટક સ્ટોરીઝ મેળવવા માટે દોડધામ કરતી રહેલી સુસેને જીવનમાં પ્રથમવાર કંઈક જુદા પ્રકારનું લખ્યું. તે કહે છે કે આ મારા જીવનનું શ્રેષ્ઠ લેખન છે. સુસેને આ પુસ્તકમાં એ વાતો પણ લખી છે કે તેના રોગનું નિદાન થયું ત્યાં સુધી તે કેવાં કેવાં પરીક્ષણોમાંથી પસાર થઈ અને જીવનના અંતિમ દિવસોમાં પોતાની પ્રિય વ્યક્તિઓને ગૂડ બાય કહેવા માટે તેણે કઈ રીતે માનસિક તૈયારી કરી.
 
સુસેને એના જીવનના છેલ્લા તબક્કામાં લખેલા પુસ્તકમાં જે વાતો કરી છે એના કરતા તેનું જીવન અનેકગણું પ્રેરણાત્મક છે. જીવનનો અંત નિશ્ર્ચિત હોય અને ગળાથી નીચેનું શરીર કામ કરતું બંધ થઈ ગયું હોય એ સ્થિતિમાં પણ માણસ કંઈક કરી શકે છે એ સુસેને સાબિત કરી બતાવ્યું છે. સુસેન પાસે હવે એકાદ વર્ષ જેટલો સમય બચ્યો છે, પણ તે હસતા હસતા જીવન વિતાવી રહી છે. તેને ઈચ્છા થાય ત્યારે તે રોક સોંગ્સ પણ સાંભળે છે.
 
સુસેનને આ રેર રોગ લાગુ ન પડ્યો હોત તો તે એક કોર્ટ રિપોર્ટર તરીકે જ જીવન વિતાવી દેતે, પણ કુદરતે તેની સાથે કંઈક જુદું કરવાનું ધાર્યંુ હશે એટલે તેના જીવનમાં આવો વળાંક આવ્યો અને તેણે એક બેસ્ટ સેલર પુસ્તક લખ્યું. બાય ધ વે, સુસેનને આ પુસ્તકની જે રૉયલ્ટી મળી એ કંઈ નથી. યુનિવર્સલ પિક્ચર્સ કંપનીએ આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવા સુસેનને રૂપિયા પંચાવન કરોડથી વધુ રકમ ચૂકવી છે!
 
સૌજન્ય- મુંબઈ સમાચાર
 

lonely Kudu