વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2013

( 232 ) ગુજરાતના ૫૩મા જન્મ દિવસે અભિનંદન – જય જય ગરવી ગુજરાત

મુંબઈ રાજ્યમાંથી ૧લી મે, ૧૯૬૦ ના રોજ  ‘મહાગુજરાતની  ચળવળ’ને અંતે  દ્વિભાષી મંબાઈ રાજ્યમાંથી અલગ થઈને આપણા અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી .
 
એક અદના ગાંધી વાદી મુક સેવક રવિશંકર મહારાજને હસ્તે મંગલ દીપ પ્રગટાવીને નવી આશાઓ સાથે નવા ગુજરાત રાજ્યનો શુભારંભ કર્યો થયો હતો .
 
ગયા વર્ષે ગુજરાતના ૫૨મા સ્થાપના દિવસની તારીખ એપ્રિલ ૩૦, ૨૦૧૨ની  પોસ્ટ જેમાં ઘણી વિવિધ માહિતી આપી છે એને અહીં વાંચો .
 
પહેલી મે, ૨૦૧૩ના ગુજરાતના ૫૩મા જન્મ દિવસે તમામ વાંચકોને અભિનંદન.
 
ગુજરાત દિનની ઘણી ઘણી શુભેચ્છાઓ .
 
જય ભારત… જય જય ગરવી ગુજરાત…
 
વિનોદ પટેલ

______________________________

 
 
ગુજરાત અંગે શું તમે આ માહિતી જાણો છો ?
 
નીચેની પી.ડી.એફ .ફાઈલમાથી ગુજરાત વિષે જાણવા જેવી પુષ્કળ માહિતીથી અવગત થાઓ . 
 

Gujarati GK

______________________________________

 
ગુજરાતના ખ્યાતનામ કવિ ઉમાશંકર જોશીની ગુજરાત વિશેની નીચેની સુંદર કાવ્ય
 
રચનાને માણો .
 
ગુજરાત મોરી મોરી રે.
 
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
 
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
 
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
 
ગુજરાત મોરી મોરી રે.
 
ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
 
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
 
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
 
ગુજરાત મોરી મોરી રે.
 
આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
 
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
 
હૈયાંનાં હીર પાઈ હેતભરી નીતરે,
 
ગુજરાત મોરી મોરી રે.
 
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
 
નમણી પનિહારીને ભીને અંબોડલે,
 
નીરતીર સારસ શાં સુખ ડૂબ્યાં જોડલે,
 
ગુજરાત મોરી મોરી રે.
 
નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
 
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
 
એક વાર ગાઈને કેમ કરી ભૂલવી ?
 
ગુજરાત મોરી મોરી રે.
 
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
ઉમાશંકર જોશી

_________________________________________

 
હો રાજ મારું જીત્યું હંમેશા ગુજરાત – જય જય ગુજરાત
 
ગુજરાતના જાણીતા લોક કલાકારો-ગાયકોના કંઠે ગવાએલ ગુજરાત ગૌરવના આ
 
સરસ ગીતને માણો .
 
Jityu Hamesha Gujarat  
 

_______________________________

 
ગુજરાતી મનોરંજન નો અખુટ ખજાનો,
 
ગુજરાતી નાટકો, લોક ગીતો, જોક્સ, ચલ ચિત્રો, કવિતાઓ, વાર્તાઓ, ટુચકાઓ અને
 
એવુબીજુ ઘણુ બધુ નીચેની લિંક ઉપર માણો .
 

_______________________________________________

 
 
સતત ૧૧ વર્ષથી ગુજરાતને પ્રગતિને પંથે દોરનાર ગુજરાતના લોકપ્રિય કર્ણધાર શ્રી
 
નરેન્દ્ર મોદીની એક તસ્વીર
 
 
 
 
 
 
 

Narendra Modi -Time Cover and backyard

(231 ) ‘હું અને મારું’ જીવનનું મોટું બંધન: જીવન દર્શન – મહેન્દ્ર પુનાતર

 
‘હું અને મારું’ જીવનનું મોટું બંધન: માણસનો સૌથી વધુ સંઘર્ષ પોતાની સાથે જીવનમાં બધું છૂટી જાય તો પણ આ સૂક્ષ્મ અહંકારથી છુટકારો મળતો નથી. હું કાંઈક છું એવું માનીએ એટલે તેનાં બીજ વવાઈ જાય છે. ધનવાનનો અહંકાર છે મેં પ્રાપ્ત કર્યું. ત્યાગીનો અહંકાર છે મેં છોડી દીધું. એકનો અહંકાર દેખાય છે, બીજાનો દેખાતો નથી
 
‘આગ ઉપર ચાલવાનું નામ આ સંસાર છે
 
થઈ શકે જો એટલો નિર્ણય તો બેડો પાર છે
 
વિશ્ર્વમાં કુદરતની લીલાનો ભલા ક્યાં પાર છે
 
તારી દૃષ્ટિ શું જુએ છે એ ઉપર આધાર છે
 
સર્વથી તું શ્રેષ્ઠ છો એ ગર્વમાં રહેતો નહીં
 
આપણાથી શ્રેષ્ઠ લોકો જગમાં અપરંપાર છે
 
કોઈનું દિલ તોડવાની વાત કરશો નહીં કદી
 
જીભ તો કાબૂમાં રાખો જીભ તલવાર છે
 
ક્યાંથી આવે છે હવા કેવો હવાનો રંગ છે
 
વિજ્ઞાનીઓને પૂછીએ કે એનો કયો આકાર છે
 
કોણ પ્રગટાવે છે રાતે આ કરોડો તારલા?
 
કો’ અદીઠી આજ્ઞાનો કેટલો સહકાર છે
 
કેટલો આભાર માનું, કેટલું વર્ણન કરું
 
આઝાદ મારા પર તો ઈશ્ર્વરના ઘણા ઉપકાર છે.’
 
 
કુતુબ ‘આઝાદ’ની આ રચનામાં જીવનનો મર્મ સમજાવાયો છે. સંસારમાં રહીએ છીએ તો અનેક પ્રશ્ર્નો, મુશ્કેલીઓ અને આંટીઘૂંટીઓ ઊભી થવાની છે. માણસે આ બધાનો સામનો કરવાનો છે. બધું આપણી મરજી મુજબ થવાનું નથી. સંસારની આગમાં માણસે તપીને, નક્કર થઈને બહાર આવવાનું છે.
 
આપણે સૌ ઈશ્ર્વરની રચનાના અંશમાત્ર છીએ. કુદરતે ચોમેર તેનો જાદુ પાથર્યો છે, પણ તેને સમજવાનું મુશ્કેલ છે. આપણે તેનો કઈ રીતે સાક્ષાત્કાર માણીએ છીએ તે આપણા પર આધારિત છે. કોઈ પણ જાતના માન, અભિમાન અને અહંકાર વગર જો જાગીને જોઈએ તો તે અતિસુંદર છે. આપણો અહમ્ આપણને સારું જોવા અને સમજવા દેતો નથી. આપણે માનીએ છીએ કે આપણા જેવું કોઈ નથી. આ કૂવામાંના દેડકા જેવી પરિસ્થિતિ છે. બહાર નીકળીને જોઈએ તો ખ્યાલ આવે કે ધસમસતી નદીમાં આપણે એક નાના તણખલા જેવા છીએ. જિંદગી પ્રેમ, મૈત્રી, સંપ અને સહકારથી ચાલે છે. આપણે જાણ્યે-અજાણ્યે તિરાડો ઊભી કરીએ છીએ અને કડવાં વચનો દ્વારા બીજાના દિલને દૂભવીએ છીએ. મનુષ્યમાત્ર રોટીથી જીવતો નથી. પ્રેમ, મૈત્રી, સૌંદર્ય, સંવાદિતા, સચ્ચાઈ, ભલમનસાઈ, પરિશ્રમ, વિશ્રામ, પૂજા, અર્ચના અને આરાધના તેને જીવંત રાખે છે. ઊંચા પર્વતો, કલકલ વહેતાં ઝરણાંઓ, પક્ષીઓનો કલરવ, આકાશમાં ટમટમતા તારલાઓ મનુષ્યને નવું જીવન બક્ષે છે.
 
ઈશ્ર્વરે આપણને મબલખ આપ્યું છે, પણ આપણને સંતોષ નથી. કુદરતે જે આપ્યું છે તે છોડીને કૃત્રિમ રીતે જીવીએ છીએ. દંભ, માન-અભિમાન અને પૂર્વગ્રહના કોચલામાં આપણે સીમિત થઈ ગયા છીએ. દરેક માણસ વધતેઓછે અંશે અહંકારથી પીડાય છે. કોઈને ધનનું, કોઈને તનનું, કોઈને પદનું તો કોઈને પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણી જાતને બીજાથી ચડિયાતા માનીએ એટલે અહંકારના બીજ વવાઈ જાય છે. જ્ઞાનનો અને ત્યાગનો પણ માણસને અહકાર હોય છે. અહંકારી માણસને કોઈનું સારું દેખાતું નથી. કોઈ પોતાનાથી જરાક આગળ નીકળી જાય તો ઈર્ષ્યા થાય છે. કોઈ તેની વાત ન સાંભળે કે તેના હુકમને તાબે ન થાય તો રોષ ઊભો થાય છે. માન-સન્માન ન થાય, આવકાર ન મળે અને ઊંચા આસને બેસવા ન મળે તો માઠું લાગી જાય છે. જેટલો અહંકાર વધે છે તેટલા તેના સુખ-ચેન અને શાંતિ હણાઈ જાય અને માણસ અંદરથી સળગ્યા કરે છે. હું કાંઈક છું એવો ખ્યાલ તેના દુ:ખનું કારણ બની જાય છે. કોઈ માન આપે, ઊંચા આસને બેસાડે કે આદર-સત્કાર કરે ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ બધું શાના માટે છે? ધન, પદ અને સત્તાના કારણે આવાં માન મળતાં હોય છે. આ બધું ન રહે ત્યારે માણસો મોઢું ફેરવી લે છે. એટલે આ માટે અભિમાન રાખવાનું કોઈ કારણ નથી.
 
સ્વાર્થના પાયા પર આ દુનિયા રચાઈ છે. દરેક માણસ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યો છે. કહેવાય છે કે સગાંવહાલાં  સૌ સ્વાર્થનાં’ સ્વાર્થ હોય ત્યારે દૂરના પણ સગા જેવા બની જાય છે અને સ્વાર્થ પૂરો થઈ જાય, માણસ પાછો પડી જાય ત્યારે નજીકનાં સગાંઓ પણ દૂર ભાગે છે. માણસ પાસે સત્તા, ધન, દોલત, સંપત્તિ હોય અને તેનો સિતારો બુલંદ હોય ત્યારે મિત્રો, સગાંસંબંધીઓ અને કહેવાતા હિતેચ્છુઓ મધમાખીની જેમ વીંટળાયેલાં રહે છે. ખુશામતખોરો ટોળે વાળે છે, પણ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આ બધા ક્યાં અલોપ થઈ જાય છે તેની ખબર પડતી નથી.
 
માણસે સારો સમય હોય ત્યારે સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ. સાચા માણસોને ઓળખવા જોઈએ અને કોઈ પણ જાતના અભિમાનથી દૂર રહેવું જોઈએ. સુખ અને દુ:ખમાં સમભાવ કેળવવો જોઈએ. જેના માટે આપણે ગર્વ કરીએ છીએ તેનો કોઈ ભરોસો નથી. આજે આપણી પાસે આ બધું છે. કાલે ન પણ હોય. તો ઘમંડ શા માટે? જીવનમાં જે કાંઈ મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળ્યું છે તેમ સમજીને ચાલીએ અને આમાં મારું કશું નથી એવો ભાવ રાખીએ તો જીવન સરળ બની જાય. અહંકારને નાબૂદ કરવાનો અને સમભાવ કેળવવાનો એક રસ્તો એ છે કે ‘હું ના બિંદુમાં તું’ દેખાવા લાગે. હું અદૃશ્ય થઈ જાય અને તું દેખાવા લાગે.
 
કોઈએ કહ્યું છે તેમ ‘ઔરોં મેં ખુદ કો ખો કર, મૈકો ઢૂંઢના, ઝિંદગી ઉસી કા નામ હૈ.’ ભગવાન મહાવીરે પણ આ જ બોધ આપ્યો છે. તેમની સાધનાની આખરી કડી ‘કેવળ જ્ઞાન’ છે. કેવળ જ્ઞાન એટલે જ્ઞાની ન રહે માત્ર જ્ઞાન રહે, જાણનારો ન રહે માત્ર જાણકારી રહે, કરનારો ન રહે માત્ર કામ રહે, કર્તા રહે નહીં માત્ર કર્મ રહે.’
 
માણસ બધું છોડી દે અને ત્યાગી બની જાય તો પણ આખરી સૂક્ષ્મ અહંકાર ‘હું’ છે. બધું છોડી દીધા પછી પણ આ ભાવ રહી જાય છે. ધનવાનનો અહંકાર છે ‘મેં પ્રાપ્ત કર્યું છે.’ ત્યાગીનો અહંકાર છે ‘મેં ત્યાગ કર્યો છે.’ ફરક માત્ર એટલો છે ધનવાનનો અહંકાર દેખાય છે, ત્યાગીનો અહંકાર દેખાતો નથી. ધનવાનો કહે છે આ મારું ધન છે, આ મારી મહેલાતો છે. ત્યાગીઓ કહે છે, આ મારો સંપ્રદાય છે. આ મારો આશ્રમ છે, આ મારું મંદિર છે, આ મારું તીર્થ છે. બધું કાંચળીની જેમ ઊતરી જાય તો પણ હું અને મારું રહી જાય છે. સંસારીઓ મહેલો બાંધે છે અને ત્યાગીઓ આશ્રમો. સંસાર અને સંન્યાસ બંનેમાં ઢોલનગારાં અને ધામધૂમ છે. અહંકારનું ઈંધણ છે. વસ્તુઓ છોડી દેવાથી ત્યાગી બનાતું નથી. મનની અંદરથી બધી વસ્તુઓ છૂટી જવી જોઈએ. સંન્યાસીઓ ત્યાગ કર્યા પછી અહીં અટકી જાય છે. હું અને મારું તેમનું સૌથી મોટું બંધન છે. અહંકાર ત્યાગનું મહોરું પહેરી લે છે ત્યારે તે દેખાતો નથી. બહારની દુનિયા અને અંદરની દુનિયા જુદી હોય છે. દરેક માણસ એક બીજો ચહેરો લઈને બેઠેલો છે. એટલે તે ખરા સ્વરૂપમાં દેખાતો નથી. કોઈએ ધનનો, કોઈએ જ્ઞાનનો, કોઈએ સજ્જનતાનો, કોઈએ દયાનો તો કોઈએ કરુણાનો અંચળો ઓઢેલો છે. આપણે સાધારણ લોકો છીએ. ઉપરથી નકાબ લગાવીને આપણે એકબીજાને બનાવીએ છીએ. બહાર દેખાતું બધું અસલી નથી. કોઈનો ડ્રોઈંગ રૂમ જોઈને તેના ઘરનો ખ્યાલ આવી શકે નહીં. ડ્રોઈંગરૂમ બીજાને બતાવવા માટે સજાવેલો હોય છે. આવા જ સજાવેલા માણસના ચહેરાઓ છે.
 
ઘર તો એ છે જ્યાં માણસ જીવે છે, સૂએ છે, ઝઘડે છે, ખાય છે, પીએ છે. સુખ-દુ:ખનો અનુભવ કરે છે. આ બધું સાધારણ છે. આ જિંદગી છે તેનો આ અસલી રંગ છે. ઉપરથી રંગના થપેડા કરવાની જરૂર નથી. અને આ લાંબો સમય ટકે પણ નહીં. અંદરથી જે વસ્તુ પ્રગટ થાય છે તે સ્વાભાવિક છે. બહારથી જે થોપાય છે તે કૃત્રિમ છે. આપણે જિંદગીના મોટા અસલી ભાગને અંધારામાં ધકેલી દઈને કામનું નહીં એવું થોડું જીવીએ છીએ. અંધારા પાછળ ધકેલાઈ ગયેલી જિંદગી આપણને સતત ધક્કા મારતી રહે છે અને કહેતી હોય છે મને જીવવાની તક આપો. પણ માણસ વાઘા ઉતારી શકતો નથી અને તેને જોરથી અંદર ધક્કા મારતો રહે છે. આમ આખી જિંદગી સંઘર્ષમાં વીતી જાય છે. માણસને પોતાની રીતે કદીક જીવવાનું મન થાય છે, પરંતુ આભાસી જીવનમાંથી બહાર નીકળવાની તેની હિંમત નથી. આ વિરોધાભાસના કારણે માણસ પોતાની સામે લડવામાં હારી જાય છે.
 
માણસ સૌથી વધુ દુ:ખ અને કષ્ટ પોતાને આપે છે. બહાર કરતાં સૌથી વધુ હિંસા અને દમન પોતાના પર કરે છે. સીધોસાદો માણસ જે સરળતાથી જીવે છે, તે કશાથી ડરશે નહીં. જેણે કદી ખોટું કર્યું ન હોય, કોઈનું દબાવ્યું ન હોય, છુપાવ્યું ન હોય તેને ડર શેનો? આપણે ભયભીત છીએ એટલા માટે કે ખોટી રીતે જીવીએ છીએ. આપણે અંદરથી બીમાર છીએ, વિક્ષિપ્ત છીએ અને મનથી ભાંગેલા છીએ. જે માણસ બહારથી અને અંદરથી સ્વસ્થ હોય તેને ડરવાનું કોઈ કારણ નથી. આપણે આપણી રીતે ચાલવાનું છે. આપણે સુખી થવું કે દુ:ખી તે આપણા હાથની વાત છે. આ અંગેની ઓશોની કથાનો મર્મ સમજીએ…
 
એક બહુ મોટો જ્યોતિષી હતો. એ જે કાંઈ કહેતો તે બરાબર બનતું તેની કોઈ વાત ખોટી ઠરતી નહીં. એ જે બનવાનું છે તે સાચું કહેતો એટલે ગામના લોકો તેનાથી પરેશાન હતા. ગામના બે યુવાનોએ વિચાર્યું કે આ માણસને એક વખત તો ખોટો પાડવો. તેઓ પોતાના મોટા ઓવરકોટની અંદર એક કબૂતરને છૂપાવીને જ્યોતિષીની પાસે ગયા અને કહ્યું અમે આપને પૂછવા આવ્યા છીએ કે આ કબૂતર જીવતું છે કે મરેલું? તેઓ નક્કી કરીને આવ્યા હતા કે જ્યોતિષી જો જીવતું છે એમ કહે તો અંદરથી તેની ગરદન મરડી નાખવી અને મરેલું કબૂતર કાઢવું અને જો તે કહે મરેલું છે તો જીવતું કબૂતર કાઢવું, ગમે તમે પણ જ્યોતિષીને ખોટો પાડવો.
 
વૃદ્ધ જ્યોતિષીએ ઉપરથી નીચે નજર કરી અને યુવાનોના ચહેરાઓ જોઈને તે વાતને કળી ગયા કે આ યુવાનો તેમને બનાવવા માટે આવ્યા છે. તેણે કહ્યું, ‘કબૂતર નથી જીવતું કે નથી મરેલું. આ તમારા હાથની વાત છે.’ આ જ રીતે જિંદગી કેવી રીતે જીવવી તે આપણા હાથની વાત છે. આપણે મરી મરીને જીવવું છે કે જીવીને મરવું છે તે આપણે નક્કી કરવાનું છે.
_____________________________________________
સૌજન્ય- મુંબઈ સમાચાર
 
 
 
 
 
 
 

God is onee

( 230 ) એક ચિત્ર-કાવ્ય રચના……( એક વિકલાંગ ચિત્રકારની કેફિયત )

 બે હાથ ન હોવા છતાં માત્ર મોં વડે પીંછી પકડીને રાધા-કૃષ્ણનું સરસ રંગીન ચિત્ર બનાવી રહેલ એક વિકલાંગ કલાકાર (સૌજન્ય- ગુગલ )

બે હાથ ન હોવા છતાં માત્ર મોં વડે પીંછી પકડીને રાધા-કૃષ્ણનું સરસ રંગીન ચિત્ર બનાવી રહેલ એક વિકલાંગ કલાકાર (સૌજન્ય- ગુગલ )

 
 
ઉપરનું આ અજ્ઞાત વિકલાંગ કલાકારનું ચિત્ર દિલને સ્પર્શી ગયું .આ ચિત્ર જોઈને મારા મનમાં જાગેલાં વિચાર-સ્પંદનોમાંથી નીચેની એક કાવ્ય રચના અનાયાસે રચાઈ ગઈ
 
 
એક વિકલાંગ ચિત્રકારની કેફિયત
 
 
હાથ મારા બે , ભલે કુદરતે  છીનવી  લીધા હશે
 
ભીતર પડેલી મારી  કલા સુઝને કોણ છીનવી શકે.
 
 
ધાર્યું મનમાં હતું મારે રાધા-કૃષ્ણનું ચિત્ર બનાવવું
 
મોં ને હાથ બનાવી જુઓ બનાવ્યું કેવું કમાલનું !
 
 
હાથ,પગ અને અન્ય અંગો જરૂરી હશે જીવનમાં
 
કિન્તુ એથીએ વધુ જરૂરી છે ભીતરી હામ હૃદયમાં
 
 
દયા કદી ન ખાશો મિત્રો કે મારે બેઉ હાથ નથી
 
હાથ વિહોણો પણ શું હું અન્યો જેવો ચિત્રકાર નથી !
 
 
કુદરતે ભલે મારા જીવન માટેનું ચિત્ર બગાડી દીધું ,
 
મારા જીવન જુસ્સાએ જુઓ કેવું ચિત્ર સુધારી દીધું !
 
 
વિનોદ પટેલ
 
 

Jai Shri Krishna- in few lines

( 229) હિન્દી સિનેમા-બોલીવુડની મશહૂર ગાયિકા શમશાદ બેગમનું નિધન -શ્રધાંજલિ

ભારતના પ્રેસીડન્ટ વિમલા પાટીલના હસ્તે પદ્મભૂષણનો ખિતાબ સ્વીકારી રહેલ શમશાદ બેગમ

બોલીવુડની જાણીતી ગાયિકા શમશાદ બેગમનુ ૯૪ વર્ષની વયે તારીખ ૨૪મી એપ્રિલ ૨૦૧૩ના રોજ મુંબઈમાં નિધન થયુ છે.
 
શમશાદ બેગમની તબિયત છેલ્લા ઘણાં દિવસોથી નાદુરસ્ત હતી અને હોસ્પિટલમાં હતા.તેમના અંતિમ સંસ્કારમાં થોડા મિત્રો જ ઉપસ્થિત હતા.
 
સિનેમા જગતમાં શમશાદ બેગમે ૧૩૦૦થી વધુ ગીતો સતત ૨૦ વર્ષ સુધી ગાઈને એક મશહુર ગાયિકા તરીકે પોતાનું નામ અમર કરી ગયાં છે .
 
શમશાદ બેગમનો જન્મ 14 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં અમૃતસર ખાતે થયો હતો. શમશાદ બેગમ અને નૂરજહાં બંને બોલિવૂડમાં નસીબ ચમકાવવા લાહોરથી મુંબઈ આવ્યાં હતાં.
 
પાર્ટિશન વખતે નૂરજહાં પાકિસ્તાન જતાં રહ્યાં પણ શમશાદ બેગમે મુંબઈમા જ રહેવું પસંદ કર્યું હતું. તેઓ મુંબઈમાં એમનાં પુત્રી ઉષા અને જમાઈ સાથે રહેતા હતા.શમશાદ બેગમે માત્ર ૧૭ વર્ષની વયે હિન્દુ એડવોકેટ ગણપતલાલ બટ્ટો સાથે લવમેરેજ કર્યા હતા.  ગણપતલાલનું ૧૯૫૬માં અવસાન થયું. ત્યારબાદ ચારેક વર્ષ ગાઈને શમશાદ બેગમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ગાયિકા તરીકેનું કામકાજ સંકેલી લીધું હતું .
 
એમનાં ગીતો હજુ પણ લોક જીભે રમી રહ્યાં છે .શમશાદ બેગમ દ્વારા ગવાયેલા જાણીતા ગીતોમાં  ‘મેરે પિયા ગયે રંગૂન’‘કજરા મુહબ્બતવાલા’ ‘કભી આર કભી પાર’,
“કહીં પે નિગાહેં કહીં પે નિશાના’, ‘સઈયાં દિલ મેં આના રે’, ‘લે કે પહલા પહલા પ્યાર’, ‘બુઝ મેરા ક્યા નામ રે’ વગેરે  સામેલ છે.
 
શમશાદ અને લતા મંગેશકરે ઘણાં ગીતો સાથે ગાયાં છે. આ ગીતોમાં બંનેએ સાથે ગાયેલી ‘મુઘલ-એ-આઝમ’ની કવ્વાલી ‘તેરી મહેફિલમેં કિસ્મત આજમા કર હમ ભી બેઠેગે…’ઘણી મશહુર છે . ( નીચે વિડીયોમાં એ કવ્વાલી સાંભળી શકાશે )
 
આ મશહુર સ્વરકારા આવાં તો ઘણાં એમના સુરીલા કંઠે ગાયેલાં ગીતોનો  અમર વારસો મૂકી ગયાં છે .
 
જાણીતા પત્રકાર અને લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટએ સંદેશ.કોમમાં  શમશાદ બેગમના જીવનની ઘણી રસિક માહિતી આપી છે એને આ લિંક ઉપર એમના આભાર સાથે વાંચો .
 
મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના ઈ-મેલમાં મોકલેલ નીચેની લિંક ઉપર શમશાદ બેગમ વિષે અંગ્રેજીમાં વિસ્તૃત માહિતી મળશે .
 
શમશાદ બેગમ ખુબ શાન અને માનથી ભરપુર જીવન જીવી ગયાં છે .એમની ગાયકીને સો સો સલામ .
 
પ્રભુ એમના આત્માને શાંતિ આપે .
 
બોલીવુડની આ મશહુર ગાયિકા સમશાદ બેગમને હાર્દિક શ્રધાંજલી .
 
વિનોદ પટેલ

________________________________________________

 
સ્વ. શમશાદ બેગમનાં લોક જીભે રમતા કેટલાંક જાણીતાં મને ગમતાં ગાયનોનો આસ્વાદ નીચેના વિડીયોમાં  સાંભળીને એમને શ્રધાંજલી આપીએ .
 

Shamshad Begum Interview (November 2009)

Shamshad Begum – Pi Ke Ghar Aaj Pyari Dulhaniya Chali – Mother India [1957]

Mughal – E – Azam – Teri Mehfil Mein Qismat – Lata Mangeshkar – Shamshad Begum – Chorus

Shamshad Begam Songs Collection

 
 યુ-ટ્યુબની આ લિંક ઉપરશમશાદ બેગમના જાણીતાં વધુ ગીતો વિડીયોમાં સાંભળવાનો આનંદ લ્યો .
 
 
 
 
 

( 228 ) દુઃખ પણ જવા માટે જ આવતું હોય છે : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

ફૂલો કા ખેલ હૈ, કભી પત્થર કૈ ખેલ હૈ, ઈન્સાન કી જિંદગી તો મુકદર કા ખેલ હૈ,

હમ જિસકો ઢૂંઢતે હૈ ઝમાને મેં ઉમ્રભર, વો જિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ..

– રાજેશ  રેડ્ડી

એક શહેનશાહ હતો. દુઃખ હોય કે સુખ, એને સતત ભય લાગતો હતો કે હવે શું થશે? સુખમાં હોય ત્યારે એને થતું કે આ સુખ ચાલ્યું જશે તો? દુઃખમાં હોય ત્યારે ડર લાગતો કે આ દુઃખ ક્યારેય ખતમ જ નહીં થાય તો? આ ઉપાધિનું શું કરવું એની શહેનશાહને સમજ પડતી ન હતી. આખરે તેને વિચાર આવ્યો કે મારા દરબારમાં કેટલાં બધાં બુદ્ધિરત્નો છે, એ ક્યારે કામ આવશે? ચાલો તેને જ કહું કે મને આ મુશ્કેલીનો માર્ગ શોધી આપે.

દરબાર ભરીને શહેનશાહે ફરમાવ્યું કે મને એક એવી વીંટી જોઈએ છે જે દુઃખમાં મને દિલાસો આપે અને સુખમાં મને છકી જતા રોકે, આવી વીંટી ક્યાંથી લાવવી? બધા દરબારીઓ મૂંઝાયા. કોઈને કંઈ રસ્તો સૂઝતો ન હતો. એવામાં જ એક ફકીર ફરતો ફરતો દરબારમાં આવી ચડયો. બધાને દ્વિધામાં જોઈ તેણે કારણ પૂછયું. વીંટીની વાત નીકળી તો એ હસવા લાગ્યો. તેણે કહ્યું કે બસ આટલી જ વાત છે? તે શહેનશાહ પાસે ગયો અને કહ્યું કે તમારી વીંટી આપો. શહેનશાહે હાથની આંગળીમાંથી વીંટી કાઢીને આપી. ફકીરે આ વીંટી ઉપર કંઈક લખ્યું અને પાછી શહેનશાહને પહેરાવી દીધી. વીંટીમાં માત્ર એટલું જ લખ્યું હતું કે આ પણ વહ્યું જશે.

ફકીરે કહ્યું કે સુખ કે દુઃખ કંઈ જ કાયમી નથી. સુખ હોય ત્યારે વિચારજો કે આ પણ ચાલ્યું જવાનું છે એટલે તમે છકી નહીં જાવ અને દુઃખ હોય ત્યારે પણ વિચારજો કે આ પણ ચાલ્યું જવાનું છે એટલે તમે હતાશ નહીં થાવ. માણસ ગમે તે સ્થિતિમાં હોય, એ ભય હેઠળ જ જીવતો રહે છે. ખાસ તો દુઃખ આવે કે તરત જ માણસ ફફડી જાય છે. હાય હાય હવે શું થશે? મને તો કોઈ રસ્તો જ સૂઝતો નથી. કંઈ જ સારું થશે એવું લાગતું જ નથી. હા, જિંદગીમાં એવો સમય આવતો હોય છે જ્યારે માણસનું ક્યાંય ધ્યાન પડતું નથી. એવા સમયે ટકી રહેવા માટે માત્ર એક જ સૂત્ર અકસીર છે કે આ પણ ચાલ્યું જવાનું છે.

આપણે સુખને સાહજિક ગણી લઈએ છીએ પણ દુઃખને સહજ રીતે લઈ શકતા નથી. સુખને આપણે આપણો અધિકાર સમજીએ છીએ અને દુઃખનાં રોદણાં રડીએ છીએ. કેટલાંક દુઃખ કુદરતી હોય છે, જેમાંથી માણસે પસાર થવું જ પડે છે. દુનિયાનો દરેક માણસ ક્યારેક તો આવી અવસ્થા ભોગવતો જ હોય છે. તમે એ દુઃખનો કેવી રીતે સ્વીકાર કરો છો તેના પરથી જ તેની તીવ્રતા અને અસરકારકતા નક્કી થતી હોય છે. માથે હાથ દઈને રડવાથી કોઈ દુઃખ ચાલ્યું નથી જવાનું. જો એ વાત સાચી હોય કે દરેક દુઃખ ચાલ્યું જ જવાનું હોય છે તો પછી માથે હાથ દઈને રડવું શા માટે ? હસતા મોઢે એનો સામનો શા માટે ન કરવો?

દુઃખથી છૂટવાનાં ફાંફાં ઘણી વખત માણસને વધુ દુઃખ આપતાં હોય છે. શાણા લોકો કહે છે કે ખરાબ સમયને શાંતિથી પસાર થઈ જવા દેવો. કાચબો કેવું કરે છે? જ્યારે એને ભય લાગે ત્યારે તેનાં અંગો સંકોરી લે છે. આપણે સંકોરીએ છીએ? ના, આપણે તરફડીએ છીએ. માથાં પછાડીએ છીએ અને આપણા દુઃખને ગાયા રાખીએ છીએ. દુઃખને પસાર થઈ જવા દો. વાવાઝોડું આવે ત્યારે આપણે બહાર નીકળવાનું ટાળીને ઘરમાં બેસી રહીએ છીએ. વાવાઝોડાને પસાર થવા દઈએ છીએ. આપણને એ ખબર જ હોય છે કે આ વાવાઝોડું પૂરું થવાનું જ છે. દુઃખ પણ પૂરું થવાનું જ હોય છે. એ પસાર થવા માટે જ આવે છે, આપણે બસ એ ચાલ્યું જાય ત્યાં સુધી રાહ જોવાની હોય છે.

કુદરતી દુઃખ તો કુદરતી રીતે જ દૂર થઈ જતાં હોય છે પણ બધાં દુઃખ કુદરતી નથી હોતાં, કેટલાંક દુઃખો તો આપણે હાથે કરીને ઊભાં કરેલાં હોય છે. આ દુઃખથી દૂર રહેવા અને આવી પડયું હોય તો ટાળવા માટે જ સમજદારીની જરૃર રહે છે. આવા સમયે પણ માણસ છેવટે તો પોતાના નસીબને અથવા તો પોતાના લોકોને દોષ દેવાની વૃત્તિ જ રાખતા હોય છે. દુઃખ માટે બે વસ્તુ સૌથી જરૃરી છે, એક તો કોઈને દોષ ન દો અને બીજું કોઈ વાતનો અફસોસ ન કરો, કારણ કે આ બંનેથી કંઈ જ ફર્ક પડવાનો નથી.

માણસ સૌથી વધુ શેનાથી દુઃખી થાય છે? એક તો સરખામણી કરીને અને બીજું અપેક્ષાઓ રાખીને. તેની પાસે આટલું છે અને મારી પાસે નથી, એ આટલું બધું કરી શક્યો અને હું તો કંઈ કરી જ ન શક્યો. ઘણા તો પોતાની મેળે જ પોતાની જિંદગીને વ્યર્થ સમજી લ્યે છે. યાદ રાખો, કંઈ જ નકામું કે ફોગટ નથી. તમારી જિંદગીનો મતલબ છે અને તમારું સુખ તમારે જ નક્કી કરવાનું છે. અપેક્ષા ન રાખો, કારણ કે જેટલી તમે વધુ અપેક્ષા રાખશો એટલા જ વધુ દુઃખી થશો.

અત્યારે મોટા ભાગના દુઃખી લોકોનું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો એ છે કે મેં બધાનું કર્યું પણ મારી કોઈને પડી નથી. મેં કર્યું એ બધા જ ભૂલી ગયા છે અને મને રેઢો મૂકી દીધો છે. એક બહેનની વાત છે એ ઘરમાં મોટી હતી. એક અકસ્માતમાં મા-બાપ ચાલ્યાં ગયાં. ભાઈ નાનો હતો. બધી જવાબદારી બહેન પર આવી પડી. તેને ભણવું હતું પણ જો ભણે તો ઘર કેમ ચાલે? ભાઈના ભવિષ્યનું શું? આખરે તેણે નક્કી કર્યું કે હું ભણવાનું છોડી કામ કરીશ. ભાઈને કહ્યું કે તું ભણ, હું તારા માટે મહેનત કરીશ. ભાઈને ભણાવ્યો. ભાઈની ખુશીથી જ એને આનંદ મળતો. ભાઈને સરસ નોકરી મળી ગઈ. ભાઈનાં લગ્ન થયાં. ભાઈ-ભાભી એની જિદગીમાં વ્યસ્ત થઈ ગયાં.

બહેનનાં પણ સામાન્ય ઘરમાં લગ્ન થયાં. જોકે બહેન પછી એક જ ફરિયાદ કરે કે મેં મારા ભાઈ માટે કેટલું બધું કર્યું અને હવે એ પોતાની જિંદગીમાં મસ્ત થઈ ગયો, મારો ભાવ પણ પૂછતો નથી. એક સમય તો એવો આવ્યો કે ભાઈનું સુખ પણ તેનાથી સહન નહોતું થતું. એ જલસા કરે છે અને અમે માંડ માંડ પૂરું કરીએ છીએ. બહેનનો પતિ સમજુ માણસ હતો. એક દિવસ તેણે કહ્યું કે તેં જે કર્યું એનું તને ગૌરવ કેમ નથી? તું તો ઊલટું અફસોસ કરે છે. અરે, ભાઈના સુખ માટે તો તેં બલિદાન આપ્યું હતું અને હવે એ સુખી છે તો તારાથી સહન કેમ નથી થતું? તારે તો ખુશ થવું જોઈએ કે તારે જે કરવું હતું એ તું કરી શકી. તારા ભાઈને શા માટે દોષ દે છે? આપણા પડકારો આપણા છે અને આપણે તેનો સામનો કરીશું. દુઃખી થઈને તો તું તારા ભાઈનું પણ ભલું ઇચ્છી નથી શકતી અને તું પોતે પણ ખુશ નથી રહી શકતી. આવું કહીને તો તું તેં જે કર્યું છે એના ઉપર પણ પાણી ફેરવે છે.

બદલા કે વળતરની અપેક્ષા ઓલવેઝ દુઃખી કરે છે. દરેક પાસે પોતાના સુખ પૂરતું હોય જ છે, કમનસીબી એ જ છે કે આપણું સુખ ક્યારેય આપણને પૂરતું લાગતું નથી. મોટાભાગે તો દુઃખ હોતું જ નથી, આપણે જ તેને ઓઢીને ફરતાં હોઈએ છીએ અને હા, દુઃખ હોય તોપણ ડરો કે ડગો નહીં, કારણ કે કંઈ જ કાયમી નથી. તમે ધારો તો સુખને કાયમી રાખી શકો. સવાલ એ છે કે તમે દરેક પરિસ્થિતિમાં તમારી જાતને સુખી સમજો છો? જો હા તો તમને કોઈ જ કે કંઈ જ દુઃખી કરી શકશે નહીં. બસ એટલું જ નક્કી કરો કે મારે દુઃખી નથી થવું.

છેલ્લો સીન : 

રાતે સૂર્ય ગુમાવવા બદલ તમે આંસુ વહાવશો તો તમે તારા પણ ગુમાવશો.

-રવીન્દ્રનાથ ટાગોર.

(આભાર -‘સંદેશ’, તા. 7મી એપ્રિલ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ)

____________________________________________________

આ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલા શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટના બીજા પ્રેરક લેખો

આ લીંક ઉપર વાંચો

Mother Teresa- Quote

( 227) ‘માનવ કમ્પ્યુટર’ શકુંતલા દેવીનું ૮૦ વર્ષે અવસાન – પરિચય અને હાર્દિક શ્રધાંજલિ

Human Computer Shakuntaladevi

 

બેંગ્લોર, તા. ૨૧

ગણિત જેવા જટીલ વિષય પર મહારત ધરાવતા અને ‘માનવ કોમ્પ્યુટર’ તરીકે જાણીતા શકુંતલા દેવીનું બેંગલોરમાં ૮૦ વર્ષની વયે અવસાન થયું છે.

અઘરામાં અઘરી ગણતરીઓને ક્ષણવારમાં કરી શકવાની ક્ષમતાના કારણે તેમનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પણ સમાવાયું હતું. શકુંતલા દેવીના શૈક્ષણિક ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે તેમનું આજે સવારે ૮.૨૫ કલાકે નિધન થયું હતું. શ્વાસનતંત્રની ગંભીર તકલીફના કારણે તેમને થોડા સપ્તાહો અગાઉ દવાખાનામાં દાખલ કરાયા હતા. તેમની હૃદય અને કિડનીની બીમારી પણ વકરી હતી.

ગણિતને ગમ્મત બનાવી દેતા અનેક પુસ્તકો લખનારા શકુંતલા દેવી ગઇ સદીની કોઇપણ તારીખે કયો વાર હતો તે પણ પળવારમાં કહી દેતા. તેમના પિતા સર્કસમાં કામ કરતા. ત્રણ વર્ષની ઉંમરે શકુંતલા દેવીની ગણતરીઓ કરવાની ક્ષમતાને પિતાએ પારખી લીધી હતી. ૬ વર્ષની ઉંમરે તેમણે મૈસુરની યુનિ.માં જાહેર કાર્યક્રમ દરમિયાન પોતાની આ કુદરતી ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. ૧૯૭૭માં શકુંતલા દેવીએ ૨૦૧ આંકડાના નંબરનું ૨૩મું વર્ગમૂળ માત્ર માનસિક ગણતરીઓ દ્વારા જ કાઢી બતાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ઘણા જાણીતા શકુંતલા દેવી ૧૬ આંકડાના નંબરનો બીજા ૧૬ આંકડાના નંબર સાથે મનમાં જ સરવાળો કરી તેના પરિણામે તે જ આંકડા સાથે ગૂણીને ક્ષણવારમાં જવાબ આપી શકતા.

 શકુંતલા દેવીએ તેમના આ અજોડ કળા અંગે એકવાર કહ્યું હતું કે ”આ તો કુદરતની ભેટ, એક દિવ્ય આવડત છે.” નવેમ્બર ૧૯૩૯માં રૃઢીચુસ્ત કન્નડ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શકુંતલાજી એક કુશળ જ્યોતિષી હતા અને જન્મના સમય તેમજ તારીખના આધારે તેમણે અનેક લોકોને ઉપાયો પણ સૂચવેલા. તેઓ હંમેશા કહેતા કે બાળકો ગણિતથી આટલા ડરે છે શા માટે? ખોટા વલણ અને ગણિતને માત્ર એક વિષય તરીકે જોવાથી જ ગણિત ભારેખમ લાગે છે.

( Courtesy- Gujarat Samachar )

Shakuntala devi -Numbers link us all together-Interview with Russia Today

_________________________________

શકુંતલા દેવી વિષે વધુ અંગ્રેજીમાં વિકિપીડીયાની આ લીંક ઉપર જાણો .

http://en.wikipedia.org/wiki/Shakuntala_Devi