વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 2, 2013

(214 ) શબ્દો જ્યારે જીવતા થાય છે- લેખક- શ્રી. પી.કે. દાવડા

 શ્રી પી.કે.દાવડાએ એમના તારીખ ૧૬ મી જાન્યુઆરી ૨૦૧૩ના ઈ-મેલથી  વિનોદ વિહાર માટે લખી મોકલેલો એક લેખ “શબ્દો જ્યારે જીવતા થાય છે” ને  આજની પોસ્ટમાં એમના આભાર સાથે મુકતાં  આનંદ થાય છે . 

વિનોદ વિહારના વાચકો શ્રી પી.કે.દાવડા અને એમના ચિંતનશીલ લેખોથી સુપરિચિત છે .આ અગાઉ તારીખ 30મી નવેમ્બર 2012ની પોસ્ટ નમ્બર 139માં શ્રી પી.કે.દાવડાએ આ બ્લોગ માટે મોકલી આપેલો એમનો પથમ લેખ “જીવનના અલગ અલગ મુકામ “ એમના પરિચય સાથે પ્રસિદ્ધ કર્યો હતો .

 ત્યારબાદ એમનો આ પાંચમો લેખ વિનોદ વિહારમાં પ્રગટ થઇ રહ્યો છે. 

શ્રી વિજય શાહના બ્લોગ વિજયનું ચિંતન જગતમાં હપ્તાવાર પ્રગટ થયેલ લેખ માળા અંતિમ પડાવ ભાગ ૧ થી ૧૦માં એમણે અમેરિકાના નિવાસ દરમ્યાન થયેલા અનુભવો અને એમના વિચાર મંથનોને બાખુબી વર્ણવ્યાં છે . 

શ્રી પી.કે.દાવડાએ આ લેખોની પી.ડી.એફ.ફાઈલ ઈ-મેલથી મોકલી આપી એ બદલ એમનો આભાર માનું છું . આ લેખને અંતે મુક્રેલ આ ફાઈલમાની લેખ માળા  વાચકોને જરૂર ગમશે અને પ્રેરક જણાશે . 

વિનોદ પટેલ

____________________________________________________

 

શબ્દો જ્યારે જીવતા થાય છે            શ્રી પી.કે દાવડા

 

આજના આ ઘોંઘાટ ભર્યા જીવનમા શબ્દો ક્યાં સંભળાય છે? અને સંભળાય તો યે ક્યાં સમજાય છે? આજની ફીલ્મોમાં loud music અને ઢંગધડા વગરના શબ્દો યાદ રાખવા જેવા પણ નથી. 

આજે વર્ષો બાદ ૧૯૪૭ના એક નાટક ‘શંભૂમેળો’ નું ગીત યાદ આવ્યું છે. ફક્ત Harmonium અને ધીમા તબલા સાથે જ્યારે મોતીબાઈના કંઠે, પ્રભુલાલ દ્વિવેદીનું લખેલું આ ગીત ગવાતું ત્યારે મુંબઈના Princess Theater માં ભાગ્યે જ કોઈ એવું હશે, જેની આંખ ભીની ન થઈ હોય. હકીકતમાંશબ્દો જીવંત થતાં, નઝરની સામે આબેહુબ ચિત્ર ઉપસી આવતું.

થોડા સમય પહેલાં જ પરણીને સાસરે આવેલી યુવતીને નવરાશની પળોમા એનું પિયરિયું યાદ આવે છે, અને એ ગાય છે, 

“પિયરીયું સાંભરે, બાઇ, મને પિયરીયું સાંભરે

સાંભરે માડી ના હેત –૦

 

ગાડુંવળાવ્યું ત્યારે રોતી’તી માવડી

બાપુ ઉભા’તા અચેત —૦

 

એકજ ઓસરીએ હતા ચાર ચાર ઓરડા

આંગણીયે લીમડાની છાયા

ગાતી’તી હું ત્યારે ઘેરીને બેસતી

ગાયું વાછરડાસમેત—૦

 

ખેતર લીલુડા ને લહેરાતી વાડીયું

ખેલતા ધરતીને ખોળે.

મળતી જો હોત ફરી મહિયર ની માયા

મોઢે માંગ્યાંમૂલદેત—O”

 

પિયરિયામાં સૌથી પહેલાં મા યાદ આવે છે, મા એ વરસો સુધી આપેલો પ્રેમ યાદ આવે છે, અને પછી તરત જ પોતાની વિદાયનું દ્રષ્ય યાદ આવે છે.

“ગાડું વળાવ્યું ત્યારે રોતી તી માવડી,

બાપુ ઊભા તાં અચેત…..બાઈ મને…” 

ગામડાંમા કોઈની પણ દીકરી પરણીને બીજે ગામ જતી હોય ત્યારે આખું ગામ તેને વળાવવા ભેગું થતું. ગાડું દેખાય ત્યાં સુધી ઉભા રહેતાં અને પછી ભીની આંખે ઘરે જતા. આજે આપશ્રી/બન્ને/સહકુટુંબ લખીને આમંત્રણ આપનારાઓને આ નહીં સમજાય. 

દિકરીને વળાવતી આંસુ સારતી મા અને શૂન્ય મસ્તક થઈ ગયેલા બાપને જોતી આ નવોઢએ જોયેલું આ દ્ર્ષ્ય નજર સામે આવે છે કે નહિં? શબ્દો જીવતાં થઈ, કંઈક કહી રહ્યા છે કે નહીં? 

છેલ્લી બે પંક્તિઓ ઘણું બધું કહી જાય છે, જે સમજી શકે એમના માટે છે.

કદાચ “આતી ક્યા ખંડાલા?”અને“મસકઅલી, મટકઅલી..” સાંભળીને મોટા થતા લોકોને આ ન પણ સમજાય.

 

પી. કે. દાવડા,ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા

_____________________________________________________

 

અંતિમ પડાવ ભાગ ૧ થી ૧૦            લેખક- શ્રી પી.કે.દાવડા

 

જીવનના ૭૫ વર્ષ, સતત કાર્યરત રહીને મુંબઈ શહેરમાં ગાળ્યા પછી, જીવનના છેલ્લા નિવૃતિના તબક્કામાં ભારતમાંથી બધું સમેટી લઈને શ્રી પી.કે. દાવડા અને શ્રીમતી દાવડા અમેરિકામાં પોતાનાં સંતાનો સાથે બાકીની જિંદગી પસાર કરવાનું નક્કી કરીને ૧૮મી જન્યુઆરી, ૨૦૧૨ થી   ફ્રીમોન્ટ કેલીફોર્નીયામાં નિવાસ કરી રહ્યા છે. 

શ્રી પી . કે . દાવડા આવા લેખો ,કાવ્યો વી . લખીને એમનો નિવૃતિનો સમય સૌને માટે ઉપયોગી થાય એવી પ્રવૃતિમાં વિતાવી રહ્યા છે એ બદલ એમને અભિનંદન ઘટે છે . એમના લેખો ,કાવ્યો વિગેરે સાહિત્યને વાચકોનો સારો પ્રતિભાવ મળતો હોય છે . 

એમના એક લેખમાં તેઓ જણાવે છે કે “ભારતને જો આપણે આપણી જન્મભૂમિ તરીકે પ્રેમ કરીએ તો અમેરિકાને પણ આપણે આપણા બાળકોની કર્મભૂમિ તરીકે માન આપવું જોઈએ.” 

અહીં અમેરિકાના વસવાટ દરમ્યાન એમના મનમાં ચાલતા વિચાર મંથનોને આ “અંતિમ પડાવ “ લેખ શ્રેણીમાં એમણે ભાવવાહી શબ્દોમાં બયાન કરેલ છે . મોટી ઉંમરે અહીં અમેરિકામાં રહેતા અન્ય વડીલોને આ લેખોમાં એમના દિલનો પડઘો પડતો હોય એમ લાગે તો નવાઈ નહિ .શ્રી દાવડા સિવિલ એન્જીનીયર હોવા છતાં એક સાહિત્ય રસિક અને ચિંતનશીલ જીવ છે . 

શ્રી પી . કે . દાવડા અને શ્રી વિજયભાઈ શાહના આભાર સાથે નીચેની પી.ડી.એફ. ફાઈલની લિંક ઉપર ” અંતિમ પડાવ ભાગ ૧ થી ૧૦ “વાંચવાનો આનંદ પ્રાપ્ત કરો .

P.K.DAVDA- AAKHRI PADAV- Part1 to 10

 

 

આ લેખો અંગે આપના અભિપ્રાય આવકાર્ય રહેશે .

સૌજન્ય – વિજયનું ચિંતન જગત

______________________________________________

 

શ્રી.પી.કે.દાવડાની એક કાવ્ય રચના

 

બસ તું રાજી?

હું નાનો, તું મોટો, બસ તું રાજી ?

તું તો મોટો  દરિયો, હું મીઠા જળનો લોટો, બસ  હું રાજી !

 

તું સાચો, હું ખોટો, બસ તું રાજી ?

મૂરખ સાથે વાદ વદીને, કોણ થયો છે મોટો? બસ હું રાજી !

 

હું મૂરખ તું જ્ઞાની, બસ તું રાજી ?

છતાં ક્યારેય, તારી વાત ન  માની, બસ હું રાજી !

 

હું નબળો, તું બળિયો, બસ તું રાજી ?

હું છું નાનું હરણું, તું ઊંચો ઊંટડિયો, બસ હું રાજી

 

જ્યાં તું રાજી ત્યાં હું રાજી, તો શાને આપણો ઝગડો ?

તું જ્યાં જ્યાં લખે એકડો, મારે લખવો બગડો.

 

-પી.કે. દાવડા 

_____________________________________________________

 

આ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ શ્રી દાવડાજીના ચાર લેખો અહીં વાંચો .

 

Gujrati -PICTURE-Quote