વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 17, 2013

( 224 ) અમેરિકામાં બોસ્ટન શહેરનો સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને આતંકવાદ વિષે થોડું વિચાર મંથન

સોમવાર તા .15મી એપ્રિલ,2013ના રોજ બોસ્ટનમાં થયેલ બોમ્બ ધડાકા વખતનાં કેટલાંક દ્રશ્યો -સૌજન્ય ગુગલ

અમેરિકાના બોસ્ટન શહેરમાં, તારીખ ૧૫ મી એપ્રિલ ૨૦૧૩ ,સોમવારની બપોરના ૨.૫૦ મિનિટે, કોપલે સ્ક્વેર ઉપર થયેલ બે સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી સમસ્ત અમેરિકા ચોંકી ઉઠ્યું છે . આ જગાએ ભયભીત બનીને જીવ બચાવવા માટે દોડી રહેલ માનવ સમૂહ અને ઘાયલ લોકોનાં ટી. વી. ના પડદે બતાવાતાં દ્રશ્યો કમકમાટી ઉપજાવે એવાં હતાં .
 
સમાચારો પ્રમાણે આ ધડાકામાં ત્રણ નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે જેમાં એક ૮ વર્ષનો માર્ટીન રિચર્ડ નામનો નિર્દોષ બાળક પણ છે . નાની મોટી ઇજાઓથી ઘાયલ થયેલ લોકોની સંખ્યા ૧૫૦ જેટલી છે જેમાંના ૧૭ માણસો જીવન અને મૃત્યું વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે .
 
જે દિવસ ઉજવણી અને ઉત્સાહનો દિવસ થવાનો હતો એ દિવસ કરુણ અને ભયંકર દિવસમાં પલટાઈ ગયો . 
 
આ મેરેથોન વખતે સૌથી વધુ ક્રાઉડ ફિનિશ લાઇનની પાસે હોય એવી ગણતરીથી આ બ્લાસ્ટ ફિનિશ લાઇન પાસે જ કરવામાં આવ્યો, જેથી વધુમાં વધુ લોકો એનો ભોગ બને . બીજા બે બોમ્બને જો નાકામયાબ કરવામાં આવ્યા ન હોત તો જાનહાની આનાથી પણ વધુ થઇ શકત .
 
અમેરિકામાં 2001માં થયેલા 9/11 ના ન્યુયોર્ક, પેન્સીન્વેલીયા અને અમેરિકાના કેપિટલ વોશીન્ગટનમાં પેન્ટાગોન ઉપર થયેલ આતંકી હુમલાનાં 12 વર્ષ પછી આ સૌથી મોટો હુમલો છે.
 
બોસ્ટન મેરેથોન એ અમેરિકામાં દર વર્ષે યોજાતી એથ્લેટિક્સ સ્પર્ધા છે. સને ૧૮૯૭થી એપ્રિલ મહિનાના ત્રીજા સોમવારે પેટ્રિયટ ડે ના દિવસે  બોસ્ટન મેરેથોનનું
આયોજન થતું હોય છે. આ મેરેથોન-દોડમાં દર વર્ષે સ્થાનિક તેમ જ વિશ્વભરમાંથી આવતા લગભગ ૨૭,૦૦૦ સ્પર્ધકો ભાગ લેતા હોય છે અને પાંચ લાખ જેટલા દર્શકો આ દોડવીરોને પ્રોત્સાહિત કરવા જમા થતા હોય છે .
 
દુનિયામાં સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવતા દેશ અમેરિકામાં  ૧૨ વર્ષથી અત્યાર સુધી અમેરિકામાં કોઇ બ્લાસ્ટ થયો ન હતો, પરંતુ બોસ્ટન બ્લાસ્ટે એક વાત સાબિત કરી દીધી છે કે આતંકવાદીઓ હજુ પણ અમેરિકાને ડરાવવા માટે એની સજ્જડ સુરક્ષા વ્યવસ્થાને પણ પાર કરી દેશમાં આતંક મચાવવામાં સફળ થઇ શકે છે .
 
ઓસામા-બિન-લાદેનને અને મોટા આતંગ વાદીઓને અમેરિકાએ ભલે ખતમ કર્યા હોય પરંતુ આ બનાવ અમેરિકા માટે એક ગમ્ભીર ચેતવણી રૂપ છે કે આતંકવાદનો ખતરો દેશ પરથી હજુ દુર થયો નથી.
 
હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ બોસ્ટનમાં થયેલ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. એફબીઆઈએ આ એક આતંકવાદી હુમલો હોવાનું કહ્યું છે. પ્રેસીડન્ટ બરાક ઓબામાએ બોસ્ટન બ્લાસ્ટ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ ઘટના પાછળ જે કોઈ પણ હશે તેને માફ નહીં કરવામાં આવે.
 
તાલિબાન ગ્રુપે ૨૦૧૦માં ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં નિષ્ફળ ગયેલા કાર બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી.આ કેસમાં પકડાયેલા ફૈઝલ શેહઝાદે કબૂલ કર્યું હતું કે એને પાકિસ્તાન તાલીબાન તરફથી તાલીમ આપવામાં આવી હતી .
 
અત્યારે તો એવું લાગે છે કે આતંકવાદ એ અમેરિકા માટે અંત વગરનું યુદ્ધ છે !
 
આજે યુધ્ધની પરિભાષા બદલાઈ ગઈ છે .હવેના યુદ્ધો માત્ર બોર્ડર ઉપર બે દુશ્મન દેશો વચ્ચે નથી લડાતાં પરંતુ દુશ્મનો દેશમાં ઘૂસીને એક પ્રકારનું ‘પ્રોકસી વોર’ પણ લડી શકે છે .
 
દુનિયાના બે મોટા લોકશાહી દેશો ભારત અને અમેરિકા સહીત દુનિયાના દેશો આજે આવું  ‘વોર અગેઇન્સ્ટ ટેરરિઝમ’ લડી રહ્યાં છે .
 
૨૦૧૧ન  ૯/૧૧ ના હુમલા પછી અમેરિકાની પ્રજા એક જાતના ભયના ઓથાર નીચે જીવી રહી છે . આ ૯/૧૧ ના હુમલા પછી હોમ લેન્ડ સિક્યોરીટી નામનું એક જુદું જ ખર્ચાળ ડીપાર્ટમેન્ટ દેશની આંતરિક સલામતી માટે કામ કરી રહ્યું છે .એરપોર્ટ ઉપર થતી ન ગમતી ચાંપતી તપાસમાં મુસાફરો પુષ્કળ અગવડ ભોગવી રહ્યાં છે .
 
આજે જે પ્રકારના આતંકવાદથી વિશ્વના દેશોની ઉંઘ હરામ થઇ ગઈ છે એ અમેરિકાએ છેડેલા અફગાનિસ્તાન અને ઈરાક યુધ્ધની આડ પેદાશ છે એવું ઘણા લોકોનું માનવું છે .યુદ્ધમાં લાખ્ખો લોકોની ખુવારી થતી હોય છે . યુદ્ધ એ કોઈને માટે સારું નથી હોતું .વેરથી વેર કોઈ દિવસ શમતું નથી . આ અંગે મહાત્મા ગાંધીએ સરસ શબ્દોમાં કહ્યું છે કે :” An eye for an eye ,will make all the world blind .”
 
એક અખબારી રિપોર્ટ પ્રમાણે અમેરિકાની સપ્ટેમબર ૧૧ ૨૦૦૧ની ઘટના પછી અમેરિકાની આતંકવાદ વિરોધી લડાઇની ફળશ્રુતિ જોઈએ તો ઈરાક, અફગાનિસ્તાન
પાકિસ્તાન ,યેમન જેવાં દેશોમાં કુલ મૃત્યાંક ૨.૩૦ લાખ ,ઘાયલ ૩.૮૦ લાખ અને બે ઘર થયેલા માણસોની સંખ્યા ૮૦  લાખ છે . મિલકતોને થયેલ નુકશાનીનો તો કોઈ હિસાબ નથી .આજસુધીમાં અમેરિકા અને એના સાથી દેશો અને પાકિસ્તાનના સૈનિકો, પત્રકારોની મૃતક સંખ્યા લગભગ ૩૨૦૦૦  જેટલી થવા જાય છે .આજ સુધીમાં અમેરિકાએ આ બધાં યુધ્ધો પાછળ લગભગ ૪.૫ ટ્રીલીયન ડોલરનો ધુમાડો કર્યો છે .આનાથી દેશનું અર્થ તંત્ર સાવ ડહોળાઈ ગયું છે .મુસ્લિમ દેશોમાં અમેરિકા પ્રત્યેની દુશ્મનાવટમાં ઘટાડાને બદલે વધારો થયો છે .અમેરિકાના ડ્રોન હુમલામાં નિર્દોષ લોકોનાં થતાં મોતથી પણ અમેરિકાના  વિરોધીઓ ધૂંઆપૂંઆ છે.
 
અમેરિકાની યુધ્ધની આવી દારુણ ફલશ્રુતિ જોતાં આ સંજોગોમાં એની જગત જમાદારી એને  ભારે પડી રહી છે. અમેરિકાનું સંરક્ષણ માટેનું બજેટ દિન પ્રતિ દિન વધતું જ જાય છે .દેશનું નાણું પાકિસ્તાન અને અફગાનિસ્તાન જેવા દેશોમાં પુષ્કળ પ્રમાણમાં ખર્ચાતું હોવાં છતાં અમેરિકા તરફની દુશ્મનાવટ ઓછી થતી નથી .કરેલ ઉપકારનું પરિણામ બહું દેખાતું નથી .
 
ખેર , આપણે ઇચ્છીએ કે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને અમેરિકા હવે બીજા કોઈ નવા યુદ્ધમાં ઝંપલાવતા પહેલાં ખુબ વિચાર કરે અને સૌ પ્રથમ સમજાવટનો અને શાંતિનો માર્ગ અપનાવે.આમ કરવાથી દેશનું નાણું દેશની ઉન્નતી માટે વપરાશે અને આર્થિક પરિસ્થિતિમાં થોડો સુધારો દેખાશે .
 
બોસ્ટનમાં થયેલ વખોડવા લાયક આતંકી હુમલામાં અવસાન પામેલ નિર્દોષ
 
આત્માઓને પ્રભુ શાંતિ બક્ષે .
 
Our thoughts and prayers go out to all of the victims, their families
 
and everyone who was impacted by the horrific event that took
 
place in Boston on 15th April .
 
May Almight God bring peace to America, India
 
and also to all nations.
 
વિનોદ પટેલ
 

peace13