વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 28, 2013

(231 ) ‘હું અને મારું’ જીવનનું મોટું બંધન: જીવન દર્શન – મહેન્દ્ર પુનાતર

 
‘હું અને મારું’ જીવનનું મોટું બંધન: માણસનો સૌથી વધુ સંઘર્ષ પોતાની સાથે જીવનમાં બધું છૂટી જાય તો પણ આ સૂક્ષ્મ અહંકારથી છુટકારો મળતો નથી. હું કાંઈક છું એવું માનીએ એટલે તેનાં બીજ વવાઈ જાય છે. ધનવાનનો અહંકાર છે મેં પ્રાપ્ત કર્યું. ત્યાગીનો અહંકાર છે મેં છોડી દીધું. એકનો અહંકાર દેખાય છે, બીજાનો દેખાતો નથી
 
‘આગ ઉપર ચાલવાનું નામ આ સંસાર છે
 
થઈ શકે જો એટલો નિર્ણય તો બેડો પાર છે
 
વિશ્ર્વમાં કુદરતની લીલાનો ભલા ક્યાં પાર છે
 
તારી દૃષ્ટિ શું જુએ છે એ ઉપર આધાર છે
 
સર્વથી તું શ્રેષ્ઠ છો એ ગર્વમાં રહેતો નહીં
 
આપણાથી શ્રેષ્ઠ લોકો જગમાં અપરંપાર છે
 
કોઈનું દિલ તોડવાની વાત કરશો નહીં કદી
 
જીભ તો કાબૂમાં રાખો જીભ તલવાર છે
 
ક્યાંથી આવે છે હવા કેવો હવાનો રંગ છે
 
વિજ્ઞાનીઓને પૂછીએ કે એનો કયો આકાર છે
 
કોણ પ્રગટાવે છે રાતે આ કરોડો તારલા?
 
કો’ અદીઠી આજ્ઞાનો કેટલો સહકાર છે
 
કેટલો આભાર માનું, કેટલું વર્ણન કરું
 
આઝાદ મારા પર તો ઈશ્ર્વરના ઘણા ઉપકાર છે.’
 
 
કુતુબ ‘આઝાદ’ની આ રચનામાં જીવનનો મર્મ સમજાવાયો છે. સંસારમાં રહીએ છીએ તો અનેક પ્રશ્ર્નો, મુશ્કેલીઓ અને આંટીઘૂંટીઓ ઊભી થવાની છે. માણસે આ બધાનો સામનો કરવાનો છે. બધું આપણી મરજી મુજબ થવાનું નથી. સંસારની આગમાં માણસે તપીને, નક્કર થઈને બહાર આવવાનું છે.
 
આપણે સૌ ઈશ્ર્વરની રચનાના અંશમાત્ર છીએ. કુદરતે ચોમેર તેનો જાદુ પાથર્યો છે, પણ તેને સમજવાનું મુશ્કેલ છે. આપણે તેનો કઈ રીતે સાક્ષાત્કાર માણીએ છીએ તે આપણા પર આધારિત છે. કોઈ પણ જાતના માન, અભિમાન અને અહંકાર વગર જો જાગીને જોઈએ તો તે અતિસુંદર છે. આપણો અહમ્ આપણને સારું જોવા અને સમજવા દેતો નથી. આપણે માનીએ છીએ કે આપણા જેવું કોઈ નથી. આ કૂવામાંના દેડકા જેવી પરિસ્થિતિ છે. બહાર નીકળીને જોઈએ તો ખ્યાલ આવે કે ધસમસતી નદીમાં આપણે એક નાના તણખલા જેવા છીએ. જિંદગી પ્રેમ, મૈત્રી, સંપ અને સહકારથી ચાલે છે. આપણે જાણ્યે-અજાણ્યે તિરાડો ઊભી કરીએ છીએ અને કડવાં વચનો દ્વારા બીજાના દિલને દૂભવીએ છીએ. મનુષ્યમાત્ર રોટીથી જીવતો નથી. પ્રેમ, મૈત્રી, સૌંદર્ય, સંવાદિતા, સચ્ચાઈ, ભલમનસાઈ, પરિશ્રમ, વિશ્રામ, પૂજા, અર્ચના અને આરાધના તેને જીવંત રાખે છે. ઊંચા પર્વતો, કલકલ વહેતાં ઝરણાંઓ, પક્ષીઓનો કલરવ, આકાશમાં ટમટમતા તારલાઓ મનુષ્યને નવું જીવન બક્ષે છે.
 
ઈશ્ર્વરે આપણને મબલખ આપ્યું છે, પણ આપણને સંતોષ નથી. કુદરતે જે આપ્યું છે તે છોડીને કૃત્રિમ રીતે જીવીએ છીએ. દંભ, માન-અભિમાન અને પૂર્વગ્રહના કોચલામાં આપણે સીમિત થઈ ગયા છીએ. દરેક માણસ વધતેઓછે અંશે અહંકારથી પીડાય છે. કોઈને ધનનું, કોઈને તનનું, કોઈને પદનું તો કોઈને પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણી જાતને બીજાથી ચડિયાતા માનીએ એટલે અહંકારના બીજ વવાઈ જાય છે. જ્ઞાનનો અને ત્યાગનો પણ માણસને અહકાર હોય છે. અહંકારી માણસને કોઈનું સારું દેખાતું નથી. કોઈ પોતાનાથી જરાક આગળ નીકળી જાય તો ઈર્ષ્યા થાય છે. કોઈ તેની વાત ન સાંભળે કે તેના હુકમને તાબે ન થાય તો રોષ ઊભો થાય છે. માન-સન્માન ન થાય, આવકાર ન મળે અને ઊંચા આસને બેસવા ન મળે તો માઠું લાગી જાય છે. જેટલો અહંકાર વધે છે તેટલા તેના સુખ-ચેન અને શાંતિ હણાઈ જાય અને માણસ અંદરથી સળગ્યા કરે છે. હું કાંઈક છું એવો ખ્યાલ તેના દુ:ખનું કારણ બની જાય છે. કોઈ માન આપે, ઊંચા આસને બેસાડે કે આદર-સત્કાર કરે ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ બધું શાના માટે છે? ધન, પદ અને સત્તાના કારણે આવાં માન મળતાં હોય છે. આ બધું ન રહે ત્યારે માણસો મોઢું ફેરવી લે છે. એટલે આ માટે અભિમાન રાખવાનું કોઈ કારણ નથી.
 
સ્વાર્થના પાયા પર આ દુનિયા રચાઈ છે. દરેક માણસ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યો છે. કહેવાય છે કે સગાંવહાલાં  સૌ સ્વાર્થનાં’ સ્વાર્થ હોય ત્યારે દૂરના પણ સગા જેવા બની જાય છે અને સ્વાર્થ પૂરો થઈ જાય, માણસ પાછો પડી જાય ત્યારે નજીકનાં સગાંઓ પણ દૂર ભાગે છે. માણસ પાસે સત્તા, ધન, દોલત, સંપત્તિ હોય અને તેનો સિતારો બુલંદ હોય ત્યારે મિત્રો, સગાંસંબંધીઓ અને કહેવાતા હિતેચ્છુઓ મધમાખીની જેમ વીંટળાયેલાં રહે છે. ખુશામતખોરો ટોળે વાળે છે, પણ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આ બધા ક્યાં અલોપ થઈ જાય છે તેની ખબર પડતી નથી.
 
માણસે સારો સમય હોય ત્યારે સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ. સાચા માણસોને ઓળખવા જોઈએ અને કોઈ પણ જાતના અભિમાનથી દૂર રહેવું જોઈએ. સુખ અને દુ:ખમાં સમભાવ કેળવવો જોઈએ. જેના માટે આપણે ગર્વ કરીએ છીએ તેનો કોઈ ભરોસો નથી. આજે આપણી પાસે આ બધું છે. કાલે ન પણ હોય. તો ઘમંડ શા માટે? જીવનમાં જે કાંઈ મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળ્યું છે તેમ સમજીને ચાલીએ અને આમાં મારું કશું નથી એવો ભાવ રાખીએ તો જીવન સરળ બની જાય. અહંકારને નાબૂદ કરવાનો અને સમભાવ કેળવવાનો એક રસ્તો એ છે કે ‘હું ના બિંદુમાં તું’ દેખાવા લાગે. હું અદૃશ્ય થઈ જાય અને તું દેખાવા લાગે.
 
કોઈએ કહ્યું છે તેમ ‘ઔરોં મેં ખુદ કો ખો કર, મૈકો ઢૂંઢના, ઝિંદગી ઉસી કા નામ હૈ.’ ભગવાન મહાવીરે પણ આ જ બોધ આપ્યો છે. તેમની સાધનાની આખરી કડી ‘કેવળ જ્ઞાન’ છે. કેવળ જ્ઞાન એટલે જ્ઞાની ન રહે માત્ર જ્ઞાન રહે, જાણનારો ન રહે માત્ર જાણકારી રહે, કરનારો ન રહે માત્ર કામ રહે, કર્તા રહે નહીં માત્ર કર્મ રહે.’
 
માણસ બધું છોડી દે અને ત્યાગી બની જાય તો પણ આખરી સૂક્ષ્મ અહંકાર ‘હું’ છે. બધું છોડી દીધા પછી પણ આ ભાવ રહી જાય છે. ધનવાનનો અહંકાર છે ‘મેં પ્રાપ્ત કર્યું છે.’ ત્યાગીનો અહંકાર છે ‘મેં ત્યાગ કર્યો છે.’ ફરક માત્ર એટલો છે ધનવાનનો અહંકાર દેખાય છે, ત્યાગીનો અહંકાર દેખાતો નથી. ધનવાનો કહે છે આ મારું ધન છે, આ મારી મહેલાતો છે. ત્યાગીઓ કહે છે, આ મારો સંપ્રદાય છે. આ મારો આશ્રમ છે, આ મારું મંદિર છે, આ મારું તીર્થ છે. બધું કાંચળીની જેમ ઊતરી જાય તો પણ હું અને મારું રહી જાય છે. સંસારીઓ મહેલો બાંધે છે અને ત્યાગીઓ આશ્રમો. સંસાર અને સંન્યાસ બંનેમાં ઢોલનગારાં અને ધામધૂમ છે. અહંકારનું ઈંધણ છે. વસ્તુઓ છોડી દેવાથી ત્યાગી બનાતું નથી. મનની અંદરથી બધી વસ્તુઓ છૂટી જવી જોઈએ. સંન્યાસીઓ ત્યાગ કર્યા પછી અહીં અટકી જાય છે. હું અને મારું તેમનું સૌથી મોટું બંધન છે. અહંકાર ત્યાગનું મહોરું પહેરી લે છે ત્યારે તે દેખાતો નથી. બહારની દુનિયા અને અંદરની દુનિયા જુદી હોય છે. દરેક માણસ એક બીજો ચહેરો લઈને બેઠેલો છે. એટલે તે ખરા સ્વરૂપમાં દેખાતો નથી. કોઈએ ધનનો, કોઈએ જ્ઞાનનો, કોઈએ સજ્જનતાનો, કોઈએ દયાનો તો કોઈએ કરુણાનો અંચળો ઓઢેલો છે. આપણે સાધારણ લોકો છીએ. ઉપરથી નકાબ લગાવીને આપણે એકબીજાને બનાવીએ છીએ. બહાર દેખાતું બધું અસલી નથી. કોઈનો ડ્રોઈંગ રૂમ જોઈને તેના ઘરનો ખ્યાલ આવી શકે નહીં. ડ્રોઈંગરૂમ બીજાને બતાવવા માટે સજાવેલો હોય છે. આવા જ સજાવેલા માણસના ચહેરાઓ છે.
 
ઘર તો એ છે જ્યાં માણસ જીવે છે, સૂએ છે, ઝઘડે છે, ખાય છે, પીએ છે. સુખ-દુ:ખનો અનુભવ કરે છે. આ બધું સાધારણ છે. આ જિંદગી છે તેનો આ અસલી રંગ છે. ઉપરથી રંગના થપેડા કરવાની જરૂર નથી. અને આ લાંબો સમય ટકે પણ નહીં. અંદરથી જે વસ્તુ પ્રગટ થાય છે તે સ્વાભાવિક છે. બહારથી જે થોપાય છે તે કૃત્રિમ છે. આપણે જિંદગીના મોટા અસલી ભાગને અંધારામાં ધકેલી દઈને કામનું નહીં એવું થોડું જીવીએ છીએ. અંધારા પાછળ ધકેલાઈ ગયેલી જિંદગી આપણને સતત ધક્કા મારતી રહે છે અને કહેતી હોય છે મને જીવવાની તક આપો. પણ માણસ વાઘા ઉતારી શકતો નથી અને તેને જોરથી અંદર ધક્કા મારતો રહે છે. આમ આખી જિંદગી સંઘર્ષમાં વીતી જાય છે. માણસને પોતાની રીતે કદીક જીવવાનું મન થાય છે, પરંતુ આભાસી જીવનમાંથી બહાર નીકળવાની તેની હિંમત નથી. આ વિરોધાભાસના કારણે માણસ પોતાની સામે લડવામાં હારી જાય છે.
 
માણસ સૌથી વધુ દુ:ખ અને કષ્ટ પોતાને આપે છે. બહાર કરતાં સૌથી વધુ હિંસા અને દમન પોતાના પર કરે છે. સીધોસાદો માણસ જે સરળતાથી જીવે છે, તે કશાથી ડરશે નહીં. જેણે કદી ખોટું કર્યું ન હોય, કોઈનું દબાવ્યું ન હોય, છુપાવ્યું ન હોય તેને ડર શેનો? આપણે ભયભીત છીએ એટલા માટે કે ખોટી રીતે જીવીએ છીએ. આપણે અંદરથી બીમાર છીએ, વિક્ષિપ્ત છીએ અને મનથી ભાંગેલા છીએ. જે માણસ બહારથી અને અંદરથી સ્વસ્થ હોય તેને ડરવાનું કોઈ કારણ નથી. આપણે આપણી રીતે ચાલવાનું છે. આપણે સુખી થવું કે દુ:ખી તે આપણા હાથની વાત છે. આ અંગેની ઓશોની કથાનો મર્મ સમજીએ…
 
એક બહુ મોટો જ્યોતિષી હતો. એ જે કાંઈ કહેતો તે બરાબર બનતું તેની કોઈ વાત ખોટી ઠરતી નહીં. એ જે બનવાનું છે તે સાચું કહેતો એટલે ગામના લોકો તેનાથી પરેશાન હતા. ગામના બે યુવાનોએ વિચાર્યું કે આ માણસને એક વખત તો ખોટો પાડવો. તેઓ પોતાના મોટા ઓવરકોટની અંદર એક કબૂતરને છૂપાવીને જ્યોતિષીની પાસે ગયા અને કહ્યું અમે આપને પૂછવા આવ્યા છીએ કે આ કબૂતર જીવતું છે કે મરેલું? તેઓ નક્કી કરીને આવ્યા હતા કે જ્યોતિષી જો જીવતું છે એમ કહે તો અંદરથી તેની ગરદન મરડી નાખવી અને મરેલું કબૂતર કાઢવું અને જો તે કહે મરેલું છે તો જીવતું કબૂતર કાઢવું, ગમે તમે પણ જ્યોતિષીને ખોટો પાડવો.
 
વૃદ્ધ જ્યોતિષીએ ઉપરથી નીચે નજર કરી અને યુવાનોના ચહેરાઓ જોઈને તે વાતને કળી ગયા કે આ યુવાનો તેમને બનાવવા માટે આવ્યા છે. તેણે કહ્યું, ‘કબૂતર નથી જીવતું કે નથી મરેલું. આ તમારા હાથની વાત છે.’ આ જ રીતે જિંદગી કેવી રીતે જીવવી તે આપણા હાથની વાત છે. આપણે મરી મરીને જીવવું છે કે જીવીને મરવું છે તે આપણે નક્કી કરવાનું છે.
_____________________________________________
સૌજન્ય- મુંબઈ સમાચાર
 
 
 
 
 
 
 

God is onee