વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2013

( 226 ) શ્રી રામનવમી…… અને શ્રી હરિ – શ્રી સ્વામીનારાયણ જયંતિ

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્ત કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી.
 
શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ.
 
( આભાર —વિકિપીડિયા)
 

ram-sita-lord-with-laxman-hanuman-

 
ચાલો ,રામનવમીના પવિત્ર દિવસે નીચેના વિડીયો સાથે સ્વર કિન્નરી લતા
 
મંગેશકરના સ્વરમાં શ્રી રામજીનાં ગુણ ગાન  કરીએ .

શ્રી રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી
 
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન
 
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
 
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર
 
કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
 
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર
 
ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
 
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર
 
શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
 
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર
 
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
 
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર
 
Sri Ramachandra Kripalu Bhajamana – Lata Mangeshkar
Sri Lord Rama devotional
 

 
આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં
 
રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ
 
દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો
 
ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

Swaminarayan Bhagvaan

 
જય શ્રી સ્વામીનારાયણ
જન્મ તિથિ : ૩ એપ્રિલ ૧૭૮૧
જન્મ સ્થાન : છપૈયા, ઉત્તર પ્રદેશ, ભારત
પૂર્વાશ્રમનું નામ : ઘનશ્યામ પાન્ડે
મૃત્યુ તિથિ : ૧ જૂન ૧૮૩૦
મૃત્યુ સ્થાન : ગઢડા, ગુજરાત, ભારત
સન્માન : ભગવાન
 
શ્રી સ્વામીનારાયણ ભગવાન અંગે વધુ વિગતવાર માહિતી વિકિપીડીયાની
 
 
નીચેના વિડીયોમાં શ્રી જયંતી નિમિત્તે ભગવાન સ્વામીનારાયણની સ્તુતિ અર્ચનાને
 
આધ્યાત્મિક આનંદ માણીએ .
Swaminarayan Namo Namah
 
 

Cheshta – શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટા

નિત્ય નિયમ,
 
રાત્રે સુતા પહેલા કરવાનું સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી
 
સ્વામિનારાયણની રોજીન્દી સ્વાભાવિક ક્રિયાનું ધ્યાન.
 
 
 
 
 
 
 
 
 
 
Swaminarayan Mandir, Kalupur,Ahmedabad

Swaminarayan Mandir, Kalupur,Ahmedabad

( 225 ) દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ ( સંકલિત )

Father-Daughter[1]

એક સ્નેહી મિત્ર શ્રી વિજયભાઈ ચૌહાણએ એમના ઈ-મેલમાં મને મોકલેલ એક લેખ “દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ “મને ગમી જતાં ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે આજની પોસ્ટમાં એમના અને લેખકના આભાર સાથે મુકેલ છે .

દીકરીની ઓછી કિંમત આંકતી ઘણી ઉક્તિઓ આપણા સમાજમાં પ્રચલિત છે.જેવી કે દીકરી અને ગાય,દોરે ત્યાં જાય,દીકરી તો પારકી થાપણ કહેવાય !,દીકરી એટલે સાપનો ભારો ,દીકરી એટલે રાતનો ઉજાગરો વિગેરે.વિગેરે .

પરંતુ હવે સમય બદલાયો છે આવાં અવિચારી વાક્યો આજે દીકરીને લાગુ પાડી શકાય એમ નથી .આજની સ્ત્રી-દીકરી ગાય જેવી ગરીબ નથી રહી.એ હવે સોળે કળાએ ખીલીને પોતાની અસલી શક્તિની સાબિતી આપી રહી છે . હવે દીકરી નથી સાપ નો ભારો ,દીકરી નથી રાત નો ઉજાગરો ,દીકરી તો છે પાવન તુલસી ક્યારો.

આ સંબંધમાં મને જાણીતા લેખક શ્રી સુરેશ ગણાત્રાના એક લેખમાંથી દીકરી ખરેખર શું છે એનું ખુબ જ સુંદર નિરૂપણ કરતું નીચેનું અવતરણ ટાંકવાનું મન થાય છે .

દીકરી બાપના દિલની શાતા  

……….ક્યારે ય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુઃખોથી ઘેરાયેલી મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.તેની સાથે દિલ દિલ ખોલીને વાત કરી લેજો .ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધુ ઠંડક અને અને અનંત શક્તિ અનુભવવા મળશે .દીકરી તો મા-બાપનો શ્વાસ છે , જે લીધા વગર ચાલતું નથી અને સમય આવ્યે છોડ્યા વગર ચાલતું નથી.ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે.દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે .દીકરી જગતના કોઈ પણ ખૂણે જશે ,માતા-પિતાના હૃદયથી ક્યારે ય દુર જતી નથી .દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારે ય ઢીલી પડતી નથી .દીકરી જ સચ્ચાઈ છે. દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઇ શકે છે .કદાચ એટલા  માટે  જ આપણા તત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે.ક્લેજાનો ટુકડો કહ્યો છે અને એટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખોમાં આંસું વહે છે .નક્કી માનજો કે દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યાં હોય તેને જ મળે છે .

Son is son till he gets wife, while daughter is daughter till her life “– સુરેશ ગણાત્રા  

કવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શકુંતલ’માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : ‘સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?”

જેઓને  દીકરીના મા-બાપ બનવાનું સદભાગ્ય  પ્રાપ્ત થયું છે એમને  આ પોસ્ટમાં દીકરી પ્રત્યે પોતાના દિલની લાગણીઓનો પડઘો પડતો અનુભવાય તો નવાઈ નહીં .

મને આશા છે આપને આ પોસ્ટ ગમશે .આપ આ અંગે શું વિચારો છો એ જરૂર પ્રતિભાવ રૂપે જણાવશો .

વિનોદ પટેલ

_____________________________________________

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ!

કેળવણીના કિનારે! ડો. અશોક પટેલ.

દીકરો એ બાપનું રૂપ છે તો દીકરી એ બાપનું સ્વરૂપ છે. દીકરો બાપ પાસે અપેક્ષા રાખે-ક્યારેક હુકમ પણ કરે, જ્યારે દીકરી બાપને મદદ કરે. દીકરી એટલે હૂંફની ગુફા કે જેમાં બેસીને બાપ રાહતનો દમ ખેંચી શકે છે. દીકરો પણ બાપને મદદરૂપ થાય છે, પણ આ મદદરૂપ થવાના ઘણાં કારણો છે. જેમ કે દીકરાની ફરજ, દીકરા અને બાપે સાથે મળીને આર્થિક ઉપાર્જન કરીને ઘર ચલાવવું, કુટુંબ કે સમાજના સભ્યો દીકરાને ટોણો ન મારે, સમાજમાં સારા દેખાવા માટે વગેરે.

પણ દીકરી બાપને મદદરૂપ થાય છે તેમાં ઉપરનું એક પણ કારણ નથી.

દીકરીને બાપ પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાસરે ગયા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી કે નથી સમાજ કોઈ ટોણો મારવાનો. આમ છતાં સમાજમાં એવા હજારો કુટુંબ જોવા મળે છે કે જેમાં સાસરે રહીને પણ દીકરી બાપનો હાથ પકડતી હોય, બાપને મદદરૂપ થતી હોય. આ બાબત જ દીકરીની બાપ પ્રત્યેના પ્રેમની નિશાની છે. દીકરી સાસરે ગયા પહેલાં કે પછી પણ બાપનો સતત વિચાર કરતી હોય છે. તેની મા-બાપ સાથેની લાગણી એવી તો જોડાઈ ગઈ હોય છે કે દીકરા વગરના બાપને કે બાપથી જુદા રહેતા દીકરાની ગેરહાજરીમાં જરૂર પડે, કાંધ પણ આપે છે.

જમાનો બદલાય છે, પણ દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ રહે છે. આવી દીકરી ત્યારે જ જન્મતી હોય છે કે જ્યારે તમે પરભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હોય અને આ ભવમાં પણ તેનો સિલસિલો ચાલુ રાખ્યો હોય.

‘દીકરી એટલે સવાઈ મા.’ માના તમામ સ્વરૂપ દીકરીમાં છે. ઉપરાંત મા દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે, જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે. માટે જ દીકરીને ‘સવાઈ મા’ કહેવામાં સહેજ પણ ખોટું નથી. કહેવત છે કે ‘મા વિના સૂનો સંસાર’ તો કહી શકાય કે, ‘દીકરી વિના અધૂરો સંસાર.’ એટલે કે જે બાપને માત્ર દીકરો જ છે, તેનું જીવન અધૂરું જ ગણાય.

સંસારમાં રહીને સાચો પ્રેમ પારખવો હોય અને ચાખવો હોય તો દીકરીના બાપ બનવું પડે. આવા દીકરીના બાપ નસીબદાર વ્યક્તિ જ બની શકે. જેને પોતાની દીકરી નથી તે બાપે આ સંસારમાં રહીને કશુંક ખૂબ જ મોટું ગુમાવ્યું છે, પણ આ વાતનો ખ્યાલ દીકરી વિહોણા કમનસીબ બાપને નહીં આવે. તેનો અનુભવ કરવા સદ્નસીબ હોવું જોઈએ અને સદ્નસીબ બનવા દીકરીના બાપ બનવું પડે!

દીકરીને ઘડવામાં માનો ફાળો અનન્ય છે, તો બાપને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે. આમ જોતાં… મા વિનાની દીકરી અધૂરી છે, તો દીકરી વિનાનો બાપ અધૂરો છે. રાજા દશરથ આ રીતે અધૂરા હતા. જો તેમને એક દીકરી હોત તો રામને વનમાં જવું ન પડયું હોત. દીકરીએ દશરથને ખખડાવીને કહ્યું હોત કે રામને વનમાં જવાની જરૂર નથી અને દશરથ રાજાની હિંમત હતી કે દીકરીના વેણને ઉથાપે? અરે, દીકરી એ તો દીકરી છે. દુનિયાના કોઈ પણ બાપને ખખડાવવાનો અને ધાર્યું કરાવવાનો હક માત્ર દીકરીને જ છે.

આ જગતની એક પણ એવી દીકરી નહીં હોય કે જેણે તેના બાપને સાચવ્યો ન હોય. પોતે ઉંમરમાં નાની હોય છે, પણ સમજમાં મોટી હોય છે. પોતે ભૂખી રહીને બાપને પહેલાં ખવડાવનાર આ દીકરી પાછળ લાખો રૂપિયાનો કરિયાવર પણ નાનો જ પડે. પોતાની મનગમતી વાનગી ખાવા બેસનાર દીકરી સૌ પહેલાં માને પૂછે છે કે પપ્પા માટે આ વાનગી રાખી છે ને?

રાત્રે પોતે પથારીમાં સૂઈ જઈને બાપને પલંગ કે ખાટલામાં સૂવાડતી આ દીકરીનો ઓરતો કયા બાપને ન આવે? અડધી રાત્રે ઊઠીને પણ પપ્પા ઓઢીને સૂઈ ગયા છે કે કેમ તેની ખાતરી કરતાં કોઈ દીકરીની ઊંઘ ઊડી ગઈ હોય તેવું આજદિન સુધી સાંભળ્યું નથી. દીકરી પોતાના ખર્ચમાં કાપ મૂકીને બાપની આવકમાં ઘર ચલાવવામાં માને મદદ કરતી હોય છે, જેથી બાપ હળવાશથી સૂઈ જાય. બાપના દરેક સવાલનો તેની પાસે એક જ જવાબ હોય છે, “ચાલશે, ભાવશે અને ફાવશે.” ક્યારેય કોઈ માગણી નહીં, માત્ર લાગણી જ.

સતત લાગણીથી નીતરતી દીકરી સાથે એક જ થાળીમાં ખાવાનું દરેક બાપના નસીબમાં નથી હોતું. જો દીકરી મોટી થયા પછી તેની સાથે એક થાળીમાં ખાય તો તે સંભારણું બની જતું હોય છે. બાપ જ્યાં વાપરવાનું કહેતો હોય છે, ત્યાં દીકરી બચાવવાનું કહેતી હોય છે. બાપના ખર્ચ પર સૌથી વધારે કાપ મૂકવાની શરૂઆત દીકરી તરફથી જ થતી હોય છે અને બાપ માટે કોઈ વસ્તુ લાવવાની શરૂઆત પણ દીકરી તરફથી જ થતી હોય છે.

બીમારીમાં સપડાયેલ બાપની ચાકરી માટે જ દીકરીનું સર્જન થયું હશે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી જ. એક દીકરા માટે મા જેટલું કરી શકે તેના કરતાં પણ ઓછા સમયમાં દીકરી વધુ કરી જાય છે.

મા સાથે દીકરો સાઠ-સિત્તેર વર્ષ રહે છે, જ્યારે બાપ સાથે દીકરી એકવીસથી પચીસ વર્ષ રહે છે. છતાં માના મનમાં દીકરા માટે જેટલા આદર, ભાવના, લાગણી હોય છે તેટલી જ કે તેનાથી પણ વધારે માંડ પચીસ વર્ષ રહેતી દીકરીના મનમાં બાપ માટે હોય છે. તે જ દીકરીની ખરી ખાનદાની છે.

બાપને સાચવવામાં અવ્વલ રહેતી દીકરી જરૂર પડે તો બાપને ખખડાવવામાં પણ અવ્વલ રહે છે. કોઈ પણ કુટુંબમાં બાપને ખખડાવવાનો અધિકાર મોટાભાગે દીકરી પાસે જ હોય છે. ચૂપ થાઓ તેમ બાપને ઘરમાં માત્ર દીકરી જ કહી શકતી હોય છે. છતાં બાપની તાકાત નથી કે તે દીકરીની સામે ગુસ્સાથી બોલી શકે. આ બાબત જ દીકરીને સવાઈ કરે છે. આ દુનિયાનો જે બાપ દીકરીથી ખખડયો ન હોય તેણે ઘણું ગુમાવ્યું છે. એટલું જ નહીં આવા બાપને લાગણી એટલે શું તે અનુભવવામાં સમય લાગશે.

ઓફિસમાં સેવકો કે કર્મચારીને ખખડાવતો બાપ નાની છોકરી સામે ચૂપ કેમ રહે છે? આટલું જ વિચારજો અને જવાબ શોધજો એટલે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો હોય છે તેનું જ્ઞાન આવશે. અને હા… જો અનુભવ લેવો હોય તો દીકરીના બાપ બનવું પડે અને દીકરીથી ખખડવું પડે. ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડવા નથી દેતી તે તેની વિશેષતા છે. પોતાના બાપ વિરુદ્ધનું એક પણ વાક્ય સાંભળવા દીકરી ક્યારેય તૈયાર હોતી નથી. તેના મતે તો મારો બાપ જ સાચો અને સર્વશ્રેષ્ઠ.

સુખી બાપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય?

જવાબ સરળ જ છે. જેની દીકરી સુખી તે બાપ સુખી. તેનાથી ઊલટું પણ એટલું જ સાચું છે કે જેની દીકરી દુઃખી તેનો કરોડપતિ બાપ પણ દુઃખી.

દીકરી બાપને ઘરે-પિયરમાં હોય ત્યારે એક કહેવત છે: “દીકરી એટલે પારકી થાપણ.” આ કહેવત પાછળનો ભાવાર્થ આપ સૌ જાણો જ છો? આ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે કેટલાંક સાસરિયાં તેને ‘પારકી જણી’ પણ કહેતાં હોય છે. આમ દીકરી મારી છે એમ કહેનાર કોઈ જ નહીં.

કેવો લુચ્ચો સમાજ!

હકીકતમાં દીકરી એ તો બાપનો શ્વાસ અને વિશ્વાસ છે. બાપ દીકરી પર જેટલો વિશ્વાસ મૂકે છે તેટલો વિશ્વાસ પોતાના દીકરા કે પોતાની પત્ની પર નથી મૂકી શકતો.

દીકરી વગરના કમનસીબ બાપને દસ મિનિટ માટે સદ્નસીબ બનવા માટેની એક ચાવી… કોઈની પણ દીકરીને સાસરે વળાવવામાં આવતી હોય ત્યારે કાર કે સ્કૂટર બાજુમાં ઊભું રાખીને પણ તે દૃશ્ય જોજો. તમે આપેલી દસ મિનિટ જ નહીં, પણ તમારા દસ દિવસ સુધરી જશે. રડીને પણ હળવા થઈ શકાય? આનંદિત થઈ શકાય?

હા… સાસરે જતી કોઈની પણ દીકરીને જોવાનો આંસુ સાથે આનંદનો પ્રસંગ! કેવો અમૂલ્ય પ્રસંગ. એક જ બોલથી બાપની બોલતી બંધ કરી દેતી દીકરીએ હવે સતત બીજાના જ બોલ મૌન બનીને સાંભળવાના છે. છતાં આનંદિત થઈને રડતો બાપ દીકરીને સાસરે વળાવે ત્યારનો પ્રસંગ રામાયણ કે ગીતા કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આવા પવિત્ર પ્રસંગે આંસુરૂપે પડતું દરેક ટીપું ગંગાના પવિત્ર જળ જેટલું જ પવિત્ર ગણાય. આવું દરેક આંસુ અમૃત જળ કહેવાય. જેને વહેવડાવવાનો મોકો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે.

કેટલાક વિધાનો વિચારજો… કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી અને કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. દીકરી ઘર છોડીને જાય ત્યારે થાપા કરે છે કારણ તે જાણે છે બાપનો દીકરો મિલકત માટે અંગૂઠો કરશે અને મિલકત લેશે. જ્યારે દીકરી કહે છે કે ભાઈ, માત્ર અંગૂઠો જ નહીં મારા દસેદસ આંગળાની છાપ આપું છું કે મારે મિલકત જોઈતી નથી. દીકરીને કારણે બાપ દેવાદાર બન્યો હોય તેવા ઉદાહરણ ભાગ્યે જ હશે, પણ દીકરાને કારણે દીકરી એ તો બાપનું આરોગ્ય છે. માટે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે, દીકરાને નહીં.

________________________________________

Dikri etle Svas -Visvaas -2

દીકરી એટલે વહાલનો દરિયો — દીકરી એટલે દાંપત્યનો દીવડો

અગાઉ આ બ્લોગમાં તા.૧૦મી ફેબ્રુઆરી ૨૦૧૨ ની ” દીકરી એટલે વહાલનો દરિયો — દીકરી એટલે દાંપત્યનો દીવડો ” એ નામની પોસ્ટના લેખો વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો .

https://vinodvihar75.wordpress.com/2012/02/10/

________________________________________

નીચેના વિડીયોમાં લોકપ્રિય ગાયક કલાકાર મનહર ઉદાસ ના સુરીલા કંઠે “ દીકરી મારી લાડકવાઈ “ ગીત માણો .

Dikri mari ladakvaai – Manhar Udhas- Gujarati Song

DIKRI ETLE SVAAS -VISVAAS

( 224 ) અમેરિકામાં બોસ્ટન શહેરનો સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને આતંકવાદ વિષે થોડું વિચાર મંથન

સોમવાર તા .15મી એપ્રિલ,2013ના રોજ બોસ્ટનમાં થયેલ બોમ્બ ધડાકા વખતનાં કેટલાંક દ્રશ્યો -સૌજન્ય ગુગલ

અમેરિકાના બોસ્ટન શહેરમાં, તારીખ ૧૫ મી એપ્રિલ ૨૦૧૩ ,સોમવારની બપોરના ૨.૫૦ મિનિટે, કોપલે સ્ક્વેર ઉપર થયેલ બે સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી સમસ્ત અમેરિકા ચોંકી ઉઠ્યું છે . આ જગાએ ભયભીત બનીને જીવ બચાવવા માટે દોડી રહેલ માનવ સમૂહ અને ઘાયલ લોકોનાં ટી. વી. ના પડદે બતાવાતાં દ્રશ્યો કમકમાટી ઉપજાવે એવાં હતાં .
 
સમાચારો પ્રમાણે આ ધડાકામાં ત્રણ નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે જેમાં એક ૮ વર્ષનો માર્ટીન રિચર્ડ નામનો નિર્દોષ બાળક પણ છે . નાની મોટી ઇજાઓથી ઘાયલ થયેલ લોકોની સંખ્યા ૧૫૦ જેટલી છે જેમાંના ૧૭ માણસો જીવન અને મૃત્યું વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે .
 
જે દિવસ ઉજવણી અને ઉત્સાહનો દિવસ થવાનો હતો એ દિવસ કરુણ અને ભયંકર દિવસમાં પલટાઈ ગયો . 
 
આ મેરેથોન વખતે સૌથી વધુ ક્રાઉડ ફિનિશ લાઇનની પાસે હોય એવી ગણતરીથી આ બ્લાસ્ટ ફિનિશ લાઇન પાસે જ કરવામાં આવ્યો, જેથી વધુમાં વધુ લોકો એનો ભોગ બને . બીજા બે બોમ્બને જો નાકામયાબ કરવામાં આવ્યા ન હોત તો જાનહાની આનાથી પણ વધુ થઇ શકત .
 
અમેરિકામાં 2001માં થયેલા 9/11 ના ન્યુયોર્ક, પેન્સીન્વેલીયા અને અમેરિકાના કેપિટલ વોશીન્ગટનમાં પેન્ટાગોન ઉપર થયેલ આતંકી હુમલાનાં 12 વર્ષ પછી આ સૌથી મોટો હુમલો છે.
 
બોસ્ટન મેરેથોન એ અમેરિકામાં દર વર્ષે યોજાતી એથ્લેટિક્સ સ્પર્ધા છે. સને ૧૮૯૭થી એપ્રિલ મહિનાના ત્રીજા સોમવારે પેટ્રિયટ ડે ના દિવસે  બોસ્ટન મેરેથોનનું
આયોજન થતું હોય છે. આ મેરેથોન-દોડમાં દર વર્ષે સ્થાનિક તેમ જ વિશ્વભરમાંથી આવતા લગભગ ૨૭,૦૦૦ સ્પર્ધકો ભાગ લેતા હોય છે અને પાંચ લાખ જેટલા દર્શકો આ દોડવીરોને પ્રોત્સાહિત કરવા જમા થતા હોય છે .
 
દુનિયામાં સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવતા દેશ અમેરિકામાં  ૧૨ વર્ષથી અત્યાર સુધી અમેરિકામાં કોઇ બ્લાસ્ટ થયો ન હતો, પરંતુ બોસ્ટન બ્લાસ્ટે એક વાત સાબિત કરી દીધી છે કે આતંકવાદીઓ હજુ પણ અમેરિકાને ડરાવવા માટે એની સજ્જડ સુરક્ષા વ્યવસ્થાને પણ પાર કરી દેશમાં આતંક મચાવવામાં સફળ થઇ શકે છે .
 
ઓસામા-બિન-લાદેનને અને મોટા આતંગ વાદીઓને અમેરિકાએ ભલે ખતમ કર્યા હોય પરંતુ આ બનાવ અમેરિકા માટે એક ગમ્ભીર ચેતવણી રૂપ છે કે આતંકવાદનો ખતરો દેશ પરથી હજુ દુર થયો નથી.
 
હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ બોસ્ટનમાં થયેલ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. એફબીઆઈએ આ એક આતંકવાદી હુમલો હોવાનું કહ્યું છે. પ્રેસીડન્ટ બરાક ઓબામાએ બોસ્ટન બ્લાસ્ટ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ ઘટના પાછળ જે કોઈ પણ હશે તેને માફ નહીં કરવામાં આવે.
 
તાલિબાન ગ્રુપે ૨૦૧૦માં ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં નિષ્ફળ ગયેલા કાર બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી.આ કેસમાં પકડાયેલા ફૈઝલ શેહઝાદે કબૂલ કર્યું હતું કે એને પાકિસ્તાન તાલીબાન તરફથી તાલીમ આપવામાં આવી હતી .
 
અત્યારે તો એવું લાગે છે કે આતંકવાદ એ અમેરિકા માટે અંત વગરનું યુદ્ધ છે !
 
આજે યુધ્ધની પરિભાષા બદલાઈ ગઈ છે .હવેના યુદ્ધો માત્ર બોર્ડર ઉપર બે દુશ્મન દેશો વચ્ચે નથી લડાતાં પરંતુ દુશ્મનો દેશમાં ઘૂસીને એક પ્રકારનું ‘પ્રોકસી વોર’ પણ લડી શકે છે .
 
દુનિયાના બે મોટા લોકશાહી દેશો ભારત અને અમેરિકા સહીત દુનિયાના દેશો આજે આવું  ‘વોર અગેઇન્સ્ટ ટેરરિઝમ’ લડી રહ્યાં છે .
 
૨૦૧૧ન  ૯/૧૧ ના હુમલા પછી અમેરિકાની પ્રજા એક જાતના ભયના ઓથાર નીચે જીવી રહી છે . આ ૯/૧૧ ના હુમલા પછી હોમ લેન્ડ સિક્યોરીટી નામનું એક જુદું જ ખર્ચાળ ડીપાર્ટમેન્ટ દેશની આંતરિક સલામતી માટે કામ કરી રહ્યું છે .એરપોર્ટ ઉપર થતી ન ગમતી ચાંપતી તપાસમાં મુસાફરો પુષ્કળ અગવડ ભોગવી રહ્યાં છે .
 
આજે જે પ્રકારના આતંકવાદથી વિશ્વના દેશોની ઉંઘ હરામ થઇ ગઈ છે એ અમેરિકાએ છેડેલા અફગાનિસ્તાન અને ઈરાક યુધ્ધની આડ પેદાશ છે એવું ઘણા લોકોનું માનવું છે .યુદ્ધમાં લાખ્ખો લોકોની ખુવારી થતી હોય છે . યુદ્ધ એ કોઈને માટે સારું નથી હોતું .વેરથી વેર કોઈ દિવસ શમતું નથી . આ અંગે મહાત્મા ગાંધીએ સરસ શબ્દોમાં કહ્યું છે કે :” An eye for an eye ,will make all the world blind .”
 
એક અખબારી રિપોર્ટ પ્રમાણે અમેરિકાની સપ્ટેમબર ૧૧ ૨૦૦૧ની ઘટના પછી અમેરિકાની આતંકવાદ વિરોધી લડાઇની ફળશ્રુતિ જોઈએ તો ઈરાક, અફગાનિસ્તાન
પાકિસ્તાન ,યેમન જેવાં દેશોમાં કુલ મૃત્યાંક ૨.૩૦ લાખ ,ઘાયલ ૩.૮૦ લાખ અને બે ઘર થયેલા માણસોની સંખ્યા ૮૦  લાખ છે . મિલકતોને થયેલ નુકશાનીનો તો કોઈ હિસાબ નથી .આજસુધીમાં અમેરિકા અને એના સાથી દેશો અને પાકિસ્તાનના સૈનિકો, પત્રકારોની મૃતક સંખ્યા લગભગ ૩૨૦૦૦  જેટલી થવા જાય છે .આજ સુધીમાં અમેરિકાએ આ બધાં યુધ્ધો પાછળ લગભગ ૪.૫ ટ્રીલીયન ડોલરનો ધુમાડો કર્યો છે .આનાથી દેશનું અર્થ તંત્ર સાવ ડહોળાઈ ગયું છે .મુસ્લિમ દેશોમાં અમેરિકા પ્રત્યેની દુશ્મનાવટમાં ઘટાડાને બદલે વધારો થયો છે .અમેરિકાના ડ્રોન હુમલામાં નિર્દોષ લોકોનાં થતાં મોતથી પણ અમેરિકાના  વિરોધીઓ ધૂંઆપૂંઆ છે.
 
અમેરિકાની યુધ્ધની આવી દારુણ ફલશ્રુતિ જોતાં આ સંજોગોમાં એની જગત જમાદારી એને  ભારે પડી રહી છે. અમેરિકાનું સંરક્ષણ માટેનું બજેટ દિન પ્રતિ દિન વધતું જ જાય છે .દેશનું નાણું પાકિસ્તાન અને અફગાનિસ્તાન જેવા દેશોમાં પુષ્કળ પ્રમાણમાં ખર્ચાતું હોવાં છતાં અમેરિકા તરફની દુશ્મનાવટ ઓછી થતી નથી .કરેલ ઉપકારનું પરિણામ બહું દેખાતું નથી .
 
ખેર , આપણે ઇચ્છીએ કે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને અમેરિકા હવે બીજા કોઈ નવા યુદ્ધમાં ઝંપલાવતા પહેલાં ખુબ વિચાર કરે અને સૌ પ્રથમ સમજાવટનો અને શાંતિનો માર્ગ અપનાવે.આમ કરવાથી દેશનું નાણું દેશની ઉન્નતી માટે વપરાશે અને આર્થિક પરિસ્થિતિમાં થોડો સુધારો દેખાશે .
 
બોસ્ટનમાં થયેલ વખોડવા લાયક આતંકી હુમલામાં અવસાન પામેલ નિર્દોષ
 
આત્માઓને પ્રભુ શાંતિ બક્ષે .
 
Our thoughts and prayers go out to all of the victims, their families
 
and everyone who was impacted by the horrific event that took
 
place in Boston on 15th April .
 
May Almight God bring peace to America, India
 
and also to all nations.
 
વિનોદ પટેલ
 

peace13

( 223 ) નિયતિ રામને પણ ન છોડે…. ( ચિંતન લેખ ) લેખક- શ્રી ગુણવંત શાહ

Dr. Gunvant Shah

Dr. Gunvant Shah

આપણે સૌ પૃથ્વી નામના ગામના નાગરિકો છીએ. એ ગામનું અસલ નામ ‘જીવનગ્રામ’ છે. સમગ્ર બ્રહ્માંડમાં આવું બીજું કોઈ ગામ હોવાનું જાણ્યું નથી. ગામમાં રહેનાર સૌને દુઃખની ભેળસેળ વગરનું સુખ જોઈએ છે. સુખ માણસની ઝંખના છે, દુઃખ જીવનની હકીકત છે.ભગવાન બુદ્ધને સમજાયું કે જીવન દુઃખમય છે. તથાગતે લાંબા ચિંતનને અંતે ચાર આર્યસત્યો માનવજાતને સંભળાવ્યાં :
 
1. દુઃખ છે.
2. દુઃખનું કારણ છે.
3. દુઃખનો ઉપાય છે.
4. ઉપાય શક્ય છે.
 
 
આવી દુઃખમીમાંસાને અંતે તથાગતે બ્રહ્મવિહારનાં ચાર પગથિયાં બતાવ્યાં :
 
‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા(ઉપેક્ષા એટલે વૈરાગ્યયુક્ત જીવનદષ્ટિ)
 

આપણા જેવા સામાન્ય માણસો સુખની ક્ષણે છલકાઈ જાય છે અને દુઃખની ક્ષણે બેવડ વળી જાય છે. આપણને સૌને એક પ્રશ્ન સતાવે છે : દુઃખની સાથે કામ શી રીતે પાડવું ? જીવનમાં ચાર પ્રકારની દુઃખદ ઘટનાઓ માટે માણસે પોતાના મનને સતત તૈયાર રાખવાનું છે.

1. સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ

2. કલ્પના પણ ન કરી હોય એવી વ્યક્તિ તરફથી દગાબાજી

3. ઓચિંતો ત્રાટકેલો કોઈ અસાધ્ય રોગ

4. સંજોગોના ષડયંત્રને કારણે આવી પડેલી ગરીબી.

સુખની ઝંખના ટાળવા જેવી બાબત નથી.દુઃખની પ્રતીક્ષા ન હોય, પરંતુ એ આવી જ પડે ત્યારે સાધકે કહેવાનું છે : ‘ભગવન ! તારી ઈચ્છા પૂર્ણ થાઓ.’ આ વાત કહેવી સહેલી છે, પણ પચાવવી મુશ્કેલ છે. આપણું જીવન એક એવું રહસ્ય છે, જે આપણને જ સમજાતું નથી. ત્રણ અંગ્રેજી શબ્દો અગત્યના છે : Myth, Mysticism અને Mystery. આ ત્રણે શબ્દો ગ્રીક ક્રિયાપદ ‘Musteion’ પરથી આવેલા છે. એનો સીધોસાદો અર્થ છે : ‘મોં બંધ કરવું અને આંખો બંધ કરવી.’ આપણા રોજિંદા જીવનમાં એક જ વાત મનોમન પાકી કરવાની છે કે જીવન ઢંકાયેલું (Obscure) છે, અંધારામાં ગોપાયેલું છે કે પછી શાંતિથી ભરેલું છે. આવી સહજ અનુભૂતિ જ્ઞાન ભણીની યાત્રાનો પ્રારંભ બની જાય એ અશક્ય નથી. દુઃખને આમંત્રણ આપવાનું નથી, પરંતુ આવી પડેલા દુઃખનો સદુપયોગ કરી લેવાનું ટાળવા જેવું નથી. જૉન બોરિસેન્કો કહે છે : ‘તમે મૃત્યુ પામશો કે નહીં એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે મૃત્યુ પામશો.’ જીવન રહસ્યમય છે, પરંતુ મૃત્યુ તો સાક્ષાત રહસ્ય જ છે.

જે ચીજની આપણે તૃષ્ણા નથી રાખી તે ચીજ આપણા દુઃખનું કારણ બનવાની તાકાત ગુમાવી બેસે છે. સુખની ઝંખના નથી સતાવતી, પરંતુ છીછરા સુખની ઝંખના આપણી આનંદયાત્રામાં અંતરાય ઊભો કરનારી છે. શરાબસેવન સુખદાયી જણાય છે, પરંતુ લાંબે ગાળે એ આપણા સહજ આનંદને કાપે છે.આપણી નાનીમોટી ઈચ્છાઓના રાફડા સર્જાતા રહે છે. જેની ઈચ્છા રાખીએ તે કાયમ ઈચ્છનીય હોય છે ખરું ? જેની પ્રાપ્તિ આપણી તૃષ્ણાને જગાડે છે તે પ્રાપ્તવ્ય જ હોય એવું ખરું ? જેનું આપણે મન ઘણું મૂલ્ય હોય તે ખરેખર મૂલ્યવાન હોય જ એવું ખરું ?

આજકાલ જ્યાં જુઓ ત્યાં છીછરા સુખ પાછળની દોટ જોવા મળે છે. છીછરું સુખ આખરે તો ઊંડા દુઃખમાં પરિણમતું જોવા મળે છે. ટેકનોલૉજી સુખ અને દુઃખથી પર એવા આનંદથી આપણને છેટા ન રાખે ત્યાં સુધી આવકારદાયક છે. ‘આનંદ’ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. વૈરાગ્ય વિના આનંદ ક્યાંથી ? આપણી અઢળક ઈચ્છાઓને સખણી રાખનારા વૈરાગ્ય (ઉપેક્ષાભાવ) વિના આનંદની સહજ અનુભૂતિ શક્ય ખરી ? ઈચ્છાપૂર્તિમાં બધું જીવન વીતી જાય ત્યારે માનવું કે જીવનભર મજૂરી જ ચાલતી રહી.મજૂરી કદી પણ આનંદપર્યવસાયી ન હોઈ શકે. સફળતાની ઝંખના રોગની કક્ષાએ પહોંચે ત્યારે નિષ્ફળતાનું સૌંદર્ય નષ્ટ થાય છે. રળિયામણી નિષ્ફળતા સૌના નસીબમાં ક્યાંથી ? એક ફ્રેન્ચ કહેવત છે : જખમોની કથા ધૂળ પર લખજો,પરંતુ કરુણાની કથા આરસપહાણ પર લખજો.

મર્યાદાપુરુષોત્તમ રામનું જીવન દુઃખ નામના તત્વને સમજવામાં ઉપકારક થાય તેમ છે. જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તે જ દિવસે ચૌદ વર્ષનો વનવાસ આવી પડ્યો. વનવાસ પૂરો થવામાં હતો ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું. અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું અને ઓચિંતો સીતાત્યાગનો પ્રસંગ ઉપસ્થિત થયો. વાલ્મીકિ ઋષિના પ્રયત્નને પરિણામે ફરીથી રામસીતા મિલનની ક્ષણ નજીક હતી ત્યાં સીતા પૃથ્વીમાં સમાઈ ગઈ. જો નિયતિ રામને ન છોડે તો આપણને છોડે ખરી ? જીવનમાં બધું કેમ,કઈ રીતે અને કોના દોરીસંચારથી બને છે તેનો ખયાલ આપણને આવતો નથી. જીવનના રહસ્યનો આવો અભિક્રમ આપણા હાથની વાત નથી. શું દુઃખ સામે હાથ જોડીને બેસી રહેવું ? રામનું જીવન અહીં પ્રેરણાદાયી બની શકે. સીતાનું અપહરણ થાય એ નિયતિનો ખેલ હતો, પરંતુ રાવણવધ એ રામના પ્રચંડ પુરુષાર્થનું પરિણામ હતું.

ઈચ્છાપૂર્તિ માટે સતત મથવું એ કામદારવૃત્તિ છે. સુખનો સહજ સ્વીકાર એ કારીગરવૃત્તિ છે. સાક્ષીભાવે દુઃખનો વૈરાગ્યપૂર્ણ સ્વીકાર એ કલાકારવૃત્તિ છે. જીવન નાની નાની અસંખ્ય ઘટનાઓનું બનેલું છે, પરંતુ જીવન સ્વયં નાની ઘટના નથી. જીવતાં હોવું એ પ્રાપ્તિ છે, પરંતુ જીવંત હોવું એ ઉપલબ્ધિ છે.

(શ્રી ગુણવંત શાહના પ્રેરક  નિબંધોના પુસ્તક ‘ભગવાનની ટપાલ’માંથી સાભાર.)

 

શ્રી ગુણવંત શાહનો પરિચય અને એમના લેખો એમના બ્લોગ “ટહુકો ” ની નીચેની લિંક ઉપર વાંચો .

http://gunvantshah.wordpress.com/

 

Gujrati Quote

( 222 ) મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનને એમની ૨૧ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

Kusumben V.Patel Kusumben V.Patel

 
આજે ૧૪ મી એપ્રિલ ૨૦૧૩ .
 
જીવનનું ચક્ર તો ચાલ્યા જ કરે છે પણ  ભૂતકાળની કેટલીક જીવન સાથે જોડાઈ
 
ગયેલી યાદો ભૂલી ભુલાતી નથી હોતી .
 
આજથી એકવીસ વર્ષ પહેલાં તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં
 
ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસને લીધે લાંબી
 
માંદગીનું દુખ સહન કર્યા બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન
 
થયું હતું.
 
 
અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવનનો એ દિવસે કરુણ અંત આવ્યો હતો .
 
આજની પોસ્ટમાં એમની સ્મૃતિમાં એમને હાર્દિક સ્મરણાંજલિ આપવાનો ઉપક્રમ છે .
 
 
  સ્વ.કુસુમબેનને એમની ૨૧ મી વાર્ષિક પુણ્યતિથીએ
 
 
                                                    હાર્દિક શ્રધાંજલિ
 
 
ગોઝારા એ કરુણ દિને ,હૃદય ભગ્ન થયાં હતાં અમારાં,
 
પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં .
 
નશ્વરદેહ ભલે તમારો પંચ મહાભૂતમાં ભળી ગયો,
 
મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા.
 
વેદનાઓ કષ્ટો સહ્યાં તમે અપૂર્વ ધીરજ બેશબ્દ રહી,
 
જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં.
 
પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના
 
તસ્વીરો જોઈને તમારી, તાજાં થતાં સૌ સંસ્મરણો.
 
શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો અમ પર આપના
 
અર્પું તવ પુણ્ય તિથીએ  આ શ્રધાંજલિ અલ્પ શબ્દોથી.
 
 
૧૪મી અપ્રિલ,૨૦૧3.               —વિનોદ આર. પટેલ
 

ફોટો સૌજન્ય- મિત્ર શ્રી સુરેશ જાની

ફોટો સૌજન્ય- મિત્ર શ્રી સુરેશ જાની

ઉપરના પ્રથમ ફોટામાં – સ્વ .કુસુમબેન અને વિનોદભાઈ , લગ્નના દિવસે , ઓગસ્ટ 14, 1962.

બીજા ફોટામાં સ્વ .કુસુમબેન વિ .પટેલ ત્રણ બાળકો- 2 પુત્રો અને પુત્રી-સાથે – 1972

__________________

ગયા વર્ષે સ્વ. કુસુમ્બેનની ૨૦મી પુણ્ય તિથીએ આપેલ શ્રધાંજલિ વાંચવા
 

_______________________________________________

 
એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો
      – કરશનદાસ   લુહાર
 
The music in my heart I bore
Long after it was heard no more
 
   —– Wordsworth – (Solitary Reaper )
 
The song is ended …. but the melody lingers ……-Irving Berlin
 
 
 
 
 

( 221) સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ વર્ષ કેમ જીવે છે એનું કારણ જાણવું છે ?

Man & woman

એક માતા અને એક પિતા પોતાના ઘરના દીવાનખાનામાં સોફા ઉપર બેસીને ટી..વી. નો કોઈ પ્રોગ્રામ જોઈ રહ્યાં હતાં .થોડી વાર ટી.વી. જોયાં પછી માતાએ કહ્યું :
 

” ઘણું માંડું થઇ ગયું . મને જરા થાક પણ વર્તાય છે . મને લાગે છે કે હવે મારે બેડ રૂમમાં જઈને સુઈ જવું જોઈએ .”

આમ કહીને આ માતા આવતીકાલના લંચ માટે સેન્ડવિચો તૈયાર કરવા માટે રસોડામાં ગઈ .પોપકોર્નના બાઉલ ધોઈ નાખ્યા અને આવતીકાલના સાંજના ડીનર માટે ફ્રીઝરમાંથી કેટલીક ખાદ્ય ચીજો બહાર કાઢી .સીરીયલના બોક્ષ તપાસી લીધાં કે એમાં સીરીયલ ખલાસ તો નથી થઇ ગયાં ને . સુગરના ડબ્બામાં સુગર ભરી દીધી .

આવતીકાલની સવારની કોફી બનાવવા કોફી પોટ ચાલું કર્યું . ટેબલ ઉપર સ્પુન અને બાઉલ મૂકી દીધાં .

એ પછી આ માતાએ  થોડાં ભીનાં કપડા વોશરમાંથી કાઢીને ડ્રાયરમાં નાખ્યા અને વોશરમાં મેલાં કપડાનો લોડ નાખી દીધો .એક શર્ટને ઈસ્ત્રી કરી નાખી ,એક શર્ટમાં બટન નીકળી જાય એવું હતું એને બરાબર ટાંકી દીધું.

છોકરાંઓએ ટેબલ ઉપર રમ્યા પછી વેર વિખેર સ્થિતિમાં મૂકી રાખેલાં રમકડાંને ઉપાડી લઈને ઠેકાણે મૂકી દીધા .નીચે પડેલ ફોનને ફરી ચાર્જર ઉપર મૂકી દીધો અને ટેલીફોન બુકને ટેબલના ખાનામાં મૂકી દીધી .

આ બધું પતાવી બગાસું ખાતી ખાતી એ માતા સુવા માટે બેડ રૂમ તરફ જવાં લાગી.

વચ્ચે એક ટેબલ આગળ અટકી અને ખુરશીમાં બેસી એના બાળકના શિક્ષક ઉપર એક નોટ લખવાની હતી એ લખી નાખી . છોકરાની  નિશાળમાંથી જનાર પ્રવાસ માટે આપવા માટે જરૂરી પૈસા છે કે નહી એની ખાત્રી કરી લીધી . ખુરસી નીચે છોકરાનું એક પાઠ્ય પુસ્તક પડેલું એને ઉપાડીને ઠેકાણે મુક્યું. એક મિત્રના જન્મ દિવસ પ્રસંગે પોસ્ટ કરવાના ગ્રીટિંગ કાર્ડમાં એની સહી કરીને પરબીડીયા ઉપર એદ્દ્રેસ કરી એના ઉપર સ્ટેમ્પ લગાડી દીધો.  આવતીકાલે ગ્રોસરી સ્ટોરમાંથી શું શું લાવવાનું છે એનું જલ્દી જલ્દી લીસ્ટ એક નોટમાં બનાવી નાખ્યું .આ નોટ અને પરબીડિયું એની પર્સ પાસે યાદ રહે એ રીતે મૂકી દીધાં. 

ત્યારબાદ આ માતાએ  મોં ધોયુ ,રોજની ટેવ પ્રમાણે ઉંમરને ઢોંક્વા માટેનાં રાતે લગાડવાનાં લોશન લગાડ્યા .બ્રશ ઉપર ટુથ પેસ્ટ મુકીને બ્રશ અને ફ્લોસ કરી લીધું .

એટલામાં ટી.વી.. જોઈ રહેલા પિતાનો દીવાનખાનામાંથી ઘાંટો સંભળાયો .

” અરે, હજુ ત્યાં શું કરે છે. મને તો એમ કે તું સુવા માટે ગઈ છે .” 

માતાએ જવાબ આપ્યો હું બેડ રૂમ તરફ જ જાઉં છું . આમ બોલી પાળેલા કુતરાની ડીસમાં પાણી નાખ્યું. બિલાડીને બહાર મૂકી દીધી .ઘરનાં બધાં બારણા બરાબર લોક કર્યા છે અને પેટીઓની લાઈટ ચાલુ છે કે નહી એ ચેક કરી લીધું . છોકરાઓની રૂમમાં  જઈને એક નજર કરી લીધી અને ટેબલ લેમ્પની લાઈટ ચાલુ રહી ગયેલી એને બંધ કરી દીધી.

એક બાળકનું શર્ટ નીચે પડી ગયેલું એને એની જગાએ ભેરવી દીધું ,રૂમમાં પડેલા ગંદા પગના મોજાંઓને ધોવા માટે લોન્ડ્રીની બોક્ષમાં નાખી દીધાં .એક બાળક હજુ જાગતો હતો અને લેશન કરતો હતો એની સાથે થોડી વાતચીત કરી લીધી .

એની પોતાની બેડ રૂમમાં જઈને સવારે ઊઠવા માટેનું એલાર્મ સેટ કર્યું. આવતીકાલે સવારે ઉઠીને પહેરવા માટેનો પોશાક બહાર કાઢી મૂકી દીધો. પગરખાંની રેક બરાબર ગોઠવી દીધી, બધું બરાબર કામ સંતોષકારક રીતે પતી ગયું છે એની મનમાં ખાત્રી કરી લઈને સુતા પહેલાં આ માતા રોજની નિયત સાયં પ્રાર્થના મનમાં રટવા લાગી .

આ બધા સમય દરમ્યાન ટી.વી. જોતા હતા એ  પિતાશ્રી  રીમોટ કન્ટ્રોલથી ટી .વી ની સ્વીચ બંધ કરી ઉભા થયા અને ત્યાં કોઈ સાંભળનાર હતું નહી તો પણ બોલ્યા ” હાશ , થાક્યા ,ચાલો હવે સુવા માટે જઈએ “.

ત્યારબાદ મનમાં બીજો કોઈ પણ જાતનો  વિચાર કર્યા સિવાય આ પિતાશ્રી સુવા

માટે બેડ  રૂમમાં  ગયા.

ઉપરનું લખાણ વાંચીને તમને એક સ્ત્રી અને પુરુષમાં-માતા અને પિતાની કાર્ય

પરસ્તી અને પ્રકૃતિમાં શું ફેર છે એનો કોઈ ખ્યાલ આવ્યો.?

પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કેમ જીવે છે એનું કારણ સમજાયું ? સ્ત્રીઓ પ્રકૃતિએ જ હોય છે

કામગરી .સ્ત્રીઓ ઈચ્છે તો પણ વહેલાં મરી નથી શકતી કેમ કે મરણ આવે એ પહેલાં

એમના લીસ્ટમાં ઘણાં કામો કરવાનાં બાકી રહેતાં હોય છે અને એ કામોને પતાવી

લેવા મરણને પાછું ઠેલી શકાય એમ હોય તો એમ કરવાની પણ મનમાં ઈચ્છા

રાખતી હોય છે .!

તાંજેતરમાં જેમનું 87 વર્ષની ઉંમરે અવસાન થયું એ બ્રિટનનાં ભૂત-પૂર્વ પ્રથમ

મહિલા પ્રધાન માર્ગારેટ થેચરનું એક સુંદર  અવતરણ અત્રે ટાંકવાનું મન થાય છે .

એ અવતરણ આ છે.

“If you want something said, ask a man

If you want something done, ask a woman ”

– Margaret Thetcher

એમનો કહેવાનો અર્થ એ છે કે–

” જો તમારે માત્ર વાતોનાં વડાં જ કરવાં હોય તો પુરુષોને કહો .

અને જો તમારે કોઈ કામ પાર પાડવાનું હોય તો સ્ત્રીઓને કહો “

માર્ગારેટ થેચરનું આ તારણ પુરુષો માટે શરમ જનક અને સ્ત્રીઓ માટે હરખાવા જેવું નથી શું ?

વાચક મિત્રો , તમે આ અંગે શું માનો છો ? આપના પ્રતિભાવને કોમેન્ટ બોક્ષમાં

જણાવવા માટે ભાવભીનું ઈજન છે .


( મૂળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ )                             — વિનોદ પટેલ