વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 2, 2013

( 233 ) ઘોડા ઉપર સવાર થઈને પતિ ગૃહે લગ્ન માટે જનાર હિંમતવાન યુવતી રજનીની અનોખી દાસ્તાન ( સત્ય ઘટના )

Bride on horse goes to Bride groom

તમોએ એક પુરુષ વરરાજાને ઘોડા ઉપર બેસીને વાજતે ગાજતે સાજન માજન સાથે દુલ્હનના ઘેર જાન લઈને પરણવા માટે જતો જોયો હશે પણ  એક લગ્ન ઉત્સુક કન્યાને ઘોડા ઉપર સવાર થઈને  જાન લઈને એના પતિના ઘર સુધી લગ્ન માટે જતી જોઈ નહી હોય !
 
સામાન્ય રીતે જાન લઇને કન્યાના ઘર સુધી જવાનો  યુવકોનો જન્મસિદ્ધ અધિકાર માનવામા આવતો હોય છે .
 
પરંતુ કોઈને જલ્દી માન્યામાં ન આવે એવી એક સત્ય ઘટના ભારતમાં મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના  સતવાડા ગામમાં તારીખ ૨૪મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ  પાટીદાર સમાજના એક લગ્ન પ્રસંગમાં જોવા મળી હતી .
 
આ દિવસે ૨૫ વર્ષીય કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની રજની દુલ્હનનો શણગાર સજી ધજીને ઘોડા પર બેસીને એક કલાક લાંબા ચાલેલા નાચ-ગાનાના કાર્યક્રમ સાથેની બારાતનું મુખ્ય આકર્ષણ હતી. આ લગ્નની જાન ગામમાંથી પસાર થઇને વરરાજાના ઘેર લગ્ન મંડપમાં પહોંચી અને વર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો .
 
આ બહાદુર દુલ્હન રજનીના ૩૦ વર્ષીય સરકારી નોકરી કરતા પતિ પ્રવીણ પાટીદારે આ નવા શિરસ્તા અંગે ગર્વ પ્રદર્શિત કર્યો હતો કે એની થનાર પત્ની જાન લઈને એના
ઘેર સુધી આવી. એના પાટીદાર સમાજમાં ઘણાં લાંબા સમયથી  ભુલાવી દેવામાં આવેલી આ પરંપરા ફરી એકવાર સજીવન થઇ એનો આનદ વ્યક્ત કર્યો હતો.
 
સમાજના વરિષ્ઠ લોકોએ પણ રજનીના આ ક્રાંતિકારી પગલાનુ સમર્થન કર્યું હતું અને વર્ષો જૂની પરંપરાને ફરીથી જીવિત કરવાની હિમ્મત બતાવવા બદલ એની પ્રસંશા કરી હતી .
 
દુલ્હા પ્રવીણભાઈના પિતા ઇશ્વરલાલ પટેલે જણાવ્યું કે એમણે લગ્નનું કાર્ડ એક મહિના પહેલા છપાવ્યુ હતું . આ નિમન્ત્રણ કાર્ડમાં એમણે મહિલા સશક્તિકરણ માટે આ પરંપરા ચાલુ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. શ્રી ઈશ્વરભાઈએ કહ્યું હતું કે એમના પરિવારની ઇચ્છા હતી કે ભૂલાઈ ગયેલ પરંપરાને સજીવન કરવામાં આવે અને અમારી થનારી વહુ જાન લઇને અમારા ઘર સુધી આવે અને લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડે .
 
આ પરંપરા અનુસાર પહેલા દુલ્હનના માતા પિતા એને નારિયેલ ભેટ કરે છે . આ વિધિ પૂર્ણ થાય ત્યારબાદ યુવતી ઘોડા પર સવાર થઇને વરના ઘર સુધી મંડપ સુધી આવે છે .વર અને પરિવારના લોકો  દુલ્હનનું સ્વાગત કરે છે. વર સમક્ષ દુલ્હન લગ્નનો પ્રસ્તાવ મુકે છે. યુવતી વરને પૂછે છે કે એ તેની સાથે લગ્ન કરવા એ રાજી છે ?
 
ત્યારબાદ લગ્ન વિધિ શરુ થાય છે અને વર- કન્યા લગ્ન સંબંધથી જોડાય છે .કાયદાનો અભ્યાસ કરતી રજની માને છે કે એનું આ પગલું મહિલાઓના  સશક્તિકરણમાં મદદરૂપ થશે અને  સ્ત્રીઓ પ્રત્યે હાલ સમાજમાં જે બુરાઈઓ થતી માલુમ પડે છે એને નાબુદ કરવામાં પણ મદદ કરશે .
 
આ રીતે લગ્નનો નવો ચીલો પાડવાની દુલ્હન રજનીએ બતાવેલ હિમ્મત, અને સમાજમાં સ્ત્રી સન્માનની ભાવના બતાવી સ્ત્રીઓનું ગૌરવ બરકરાર કરવા બદલ એના પતિ પ્રવીણ પાટીદાર અને એમના પિતા ઈશ્વરભાઈ પાટીદારને ધન્યવાદ ઘટે છે .
 
આજે સમાજમાં રજની જેવી હિંમતવાન સ્ત્રીઓની તાતી જરૂર નથી શું ?
 
સ્ત્રી શશક્તિકરણ  જિંદાબાદ . 
 
વિનોદ પટેલ
________________________________________
 
નીચેના વિડીયોમાં ઘોડા ઉપર અસવાર થઈને વાજતે ગાજતે ગામમાંથી પસાર થતી વરના ઘેર લગ્ન માટે જતી હિંમતવાન દુલ્હન રજની અને એનું સ્વાગત
કરવા આતુર દુલ્હા પ્રવીણભાઈ પાટીદારને નિહાળો .
 
Bride goes on horse to groom’s house, asks for his hand
 
 

___________________________________________________________________

 

(source:http://articles.timesofindia.indiatimes.com/2013-04-6/indore/38842158_1_baraat-marriage-procession-horse)

(આભાર- શ્રી વિજયભાઈ ચૌહાણ- ઈ-મેલમાં ખબર આપવા માટે )