વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 9, 2013

( 237 ) જગતમાં સારપ કેમ સર્વ વ્યાપક બનતી નથી ? ( એક વિચાર મંથન )

અગાઉની પોસ્ટ નંબર ૨૩૬ માં શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એક પ્રેરક લેખ “સારા કે ખરાબ માણસ હોવું એટલે શું?” મુકવામાં આવ્યો હતો .

આ લેખમાં એક સુંદર વાક્ય હતું ” મહાન બનવું હજુયે સહેલું છે પણ સારા બનવું સહેલું નથી. તમારી અંદર રહેલા ‘સારાપણા’ ને જીવતું રાખો,જીવવાની મજા આવશે.”

આ વાક્યને અનુલક્ષીને વિચારક મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ  લેખકના બ્લોગમાં એમણે મુકેલ કોમેન્ટને દોહરાવતાં નીચે મુજબ કોમેન્ટમાં લખ્યું હતું. 

___________________

 

બહુ જ મુદ્દાની વાત. સરસ વાત.

હમ્મેશ મને એક પ્રશ્ન મૂંઝવ્યા કરે છે.

આટઆટલા પેગંબરો, સંતો, ઋષિઓએ સમાજને સારા માર્ગે વાળવા કોશિષો કરી-

પણ સારપ કેમ કદી સર્વ વ્યાપક બનતી નથી?

અમેરિકામાં ગુલામી નાબુદી; ભારતમાં વિદેશી શાસન અને આભડછેટ ગાંધીયુગના

પ્રતાપે ગયા- આવું બધું ઘણું છતાં પણ પછી ફરી અંધારું કેમ?

કેમ સારપનો હમ્મેશ અસ્ત જ થયા કરે છે?

ઈમેલથી જવાબ આપશો તો આભારી થઈશ.

_______________________

 

શ્રી સુરેશભાઈએ કરેલ પ્રશ્ન “કેમ સારપનો હમ્મેશ અસ્ત જ થયા કરે છે? ” મારા મનમાં રમ્યા કરતો હતો . છેવટે આ અંગે મેં ઈ-મેલમાં જે મારા વિચારો એમને જણાવ્યા હતા એને થોડા અપડેટ કરીને-આગળ વધારીને  આ પોસ્ટમાં નીચે જણાવ્યા છે .

“કેમ સારપનો હમ્મેશ અસ્ત જ થયા કરે છે? ” એ બહુ જટિલ પ્રશ્ન છે .આનો કોઈ સરળ જવાબ નથી .

દરરોજ સવારે અખબાર જ્યારે વાંચીએ છીએ ત્યારે એનાં પાનાં ખૂન ખરાબી,યુદ્ધ ,દુષ્ટાચાર, અમાનવ પ્રસંગોના સમાચારોથી ભરપુર હોય છે . આપણી માનવ જાત પ્રત્યેની શ્રધ્ધા ડગી જાય છે .

આ અંગે મને કવિ શ્રી કરશનદાસ માણેકનું આ જાણીતું કાવ્ય યાદ આવી જાય છે.

મને એ સમજાતું નથી – કરસનદાસ માણેક

 

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

 

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,

તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

 

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,

ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

 

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

 

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,

ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

 

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,

ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

 

– કરસનદાસ માણેક

આવી નિરાશાજનક પરિસ્થિતિ હોવાં છતાં મને એમ લાગે છે કે જગતમાં સારપનું પલ્લું બુરાઈ કરતાં થોડું ભારે હોય છે .મનુષ્ય વખતોવખત સારપ બતાવતો હોય છે .

આ તો ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એના જેવી વાત છે .આપણે  તો  સકારાત્મક દ્રષ્ટિ રાખીને જગતમાંથી  દુષ્ટ તત્વો ઓછાં થશે એવી અંતરમાં શ્રધ્ધા રાખીને ચાલવું રહ્યું .

મોટે ભાગે મનુષ્યની ભીતરને સમજવી મુશ્કેલ હોય છે .ઘણા માણસો અસલી અને નકલી ચહેરા લઈને ફરતા હોય છે . મુખોટા હેઠળનો ખરો ચહેરો આપણને દેખાતો નથી .જગતમાં સારપ ફેલાવવાનો બોધ આપતા મહાત્માઓ પણ એમના અંગત જીવનમાં દુષ્ટાચાર આચરતા આપણે જોઈએ છીએ .

સદાચારને અનુસરવું એ પહાડ ચડવા બરાબર છે અને પાપને અનુસરવું એ ઢાળ ઉતરવા સમાન છે .પાપની ખાઈમાં પડતાં બહુ સમય નથી લાગતો .

માણસ જન્મથી ખરાબ નથી હોતો .આજુબાજુનું સામાજિક વાતાવરણ ,

સોબત,જીનમાં પડેલા સંસ્કારો વિગેરેથી ઘણા માણસો ખોટે રસ્તે ફંટાઈ જતાં હોય છે .

 

ગાંધીજીએ કહેલું કે જગતમાં બદલાવ લાવવો હોય તો એની શરૂઆત પોતાનાથી કરો .એવું જ એમનું બીજું સરસ અવતરણ છે કે An Eye for an an eye will make whole world blind.

વિશ્વમાં જાણીતા વિચારક બર્નાર્ડ રસેલએ પણ કહેલું આ મતલબનું એક વાક્ય યાદ આવે છે કે હું સવારે અખબાર વાચું છું ત્યારે માનવ જાતમાંથી મારી શ્રધ્ધા ડગી જાય છે, પરંતુ ફૂલો વચ્ચે બગીચામાં કામ કરતા મારા માળીને જોઉં છું ત્યારે મને આશા બંધાય છે કે ના દુનિયામાં સારપ હજુ ઘણી બચી છે .આપણે સૌએ આવી શ્રધા સાથે જીવવું જ રહ્યું .

હવે, આજની પોસ્ટના વિષયના સંદર્ભમાં , મને આજની ઈ-મેલમાં એક મિત્રે તરફથી મળેલ આ ચિત્ર જોવા અને સમજવા જેવું છે .

Two blindmen and monkey

આ ચિત્રમાં એ બતાવ્યું છે કે –

બંગલોર, ભારતમાં રાજીગુડા મંદીરમાં એક પાણી પીવાની ચકલી ઉપર બે અંધજનો પાણી પીવા માટે જાય છે .

બરાબર જોઈ ન શકવાને લીધે એમનાથી પાણીની ચકલી ખુલી શક્તિ નથી . એટલામાં એક વાનર માતા એમને  જોઈને આ બે અંધજનો પાસે આવીને  એમના માટે પાણીની ચકલી ખોલી આપે છે .અંધ જનો પાણી પી રહ્યા પછી આ દયાળુ વાનર માતા પોતે થોડું પાણી પી લઈને ચકલી બંધ કરીને ત્યાંથી જતી રહે છે .

આ ચિત્ર શું સાબિત કરે છે ? એ કે જગતમાંથી માનવતા-સારપ હજી મરી પરવારી નથી .બુદ્ધિશાળી કહેવાતા માનવો કદાચ માનવતાને ભૂલી જાય પણ આ વાનર માતા જેવાં પ્રાણીઓ  માનવ જાતને માનવતા કેમ બતાવાય એના પાઠ શીખવી જાય છે.

આજની આ પોસ્ટના વિષયના અનુસંધાનમાં શ્રી સુરેશભાઈના બ્લોગ ગદ્ય સુરમાં એમણે અગાઉ પોસ્ટ કરેલ નીચેના આ ત્રણ લેખો વાંચવા જેવા છે . એમાં  પ્રદર્શિત થયેલી વિચાર સમૃદ્ધિ કાબીલે દાદ છે .

૧.   http://gadyasoor.wordpress.com/2011/03/10/why/

૨.  http://gadyasoor.wordpress.com/2011/03/12/for_this/

૩.  http://gadyasoor.wordpress.com/2012/02/27/good_bad/

આપ સૌને પણ આ પોસ્ટ અંગે આપના વિચારો  પ્રદર્શિત કરવા નિમન્ત્રણ છે .

આ પોસ્ટને અંતે મને બહું ગમતું એક ગીત – પ્રાર્થના ” ઇતની શક્તિ હમેં દેના દાતા “

નીચેના વિડીયોમાં તમે પણ માણો .

વિડીયોમાં બતાવેલાં વાસ્તવિક ચિત્રો આપણા દિલને હલાવી જાય એવાં કરુણ છે .

“Itni Shakti Hamein Dena Daata”- a God Prayer- Ankush(1985)

 

 

 

 

 

 

 

a GOOD gujrati Quote-Sand Art