વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 14, 2013

( 241 ) પશુ – પક્ષીઓમાં પણ માતૃપ્રેમની પ્રબળ લાગણી હોય છે એનું દર્શન – બે વિડીઓમાં ( મધર્સ ડે ભાગ-૪ )

આ અગાઉની મધર્સ ડે નિમિત્તેની ત્રણ પોસ્ટમાં આપણે માનવ માતાઓ અને એના ત્યાગ અને પ્રેમને લેખો, કાવ્યો , ચિત્રો અને વિડીયો મારફતે નવાજ્યો .

માનવ જાતની માફક પક્ષીઓ અને પશુઓમાં પણ પોતાનાં બચ્ચાંઓ પરત્વે માતૃત્વની લાગણી અને પ્રેમ ભારોભાર પડેલો હોય છે એને પણ કેમ કરીને ભૂલી જવાય !

આ પશુ-પક્ષીઓમાં પડેલ માતૃત્વની લાગણીના દર્શન આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ .આ મુંગા પ્રાણીઓ આપણી માફક બોલીને પોતાની લાગણી દર્શાવી નથી શકતાં એટલું જ .

ચકલી જ્યારે ઈંડા મુકવાનો વખત આવે એ પહેલાં દુર દુરથી તણખલાં એની ચાંચમાં લાવી લાવીને સારી સલામત જગા પસંદ કરીને માળો બનાવે છે અને ઈંડાઓને કવર કરીને સેવે છે  . સુઘરી પક્ષીના કલાત્મક માળા ઝાડની ડાળીએ લટકતા ઘણાએ જોયા હશે . ઈંડામાંથી બચ્ચું બહાર આવે એ વખતે એને માફક આવે એવો ખોરાક શોધીને લાવીને પક્ષી-માતા પોતાના બચ્ચાની નાજુક ચાંચમાં મુકીને ખવડાવે છે .

બિલાડી પોતાના બચ્ચાને પોતાના મોંઢામાં એવી હળવી રીતે ઊંચકે છે કે બચ્ચું પડી પણ ન જાય, અને સાથે સાથે બચ્ચાને દાંતથી કોઈ ઇજા પણ ન થાય.

વાંદરું પોતાના શરીરે ચીપકી રહેલ બચ્ચાને એક હાથે નીચે પકડે છે અને એક હાથે એક અગાસીમાંથી બીજી અગાસીમાં કુદે છે પણ એ બચ્ચું  નીચે પડતું નથી .

સર્જનહારે માનવ માતાઓની જેમ ગાય, ભેંસ,બકરી , શ્વાન ,વાઘ વિગેરે પ્રાણીઓને પણ બચ્ચું જન્મે એટલે એના ઉછેર માટે આંચળમાં દુધની વ્યવસ્થા કરી હોય છે .આમ ગાય, ભેંસ, કુતરું વિગેરે અહિંસક અને વાઘ, સિંહ ,ચિત્તો વિગેરે હિંસક પ્રાણીઓ એના બચ્ચાને દૂધ પાઈને અને ઉછેરીને એક માતા તરીકેની ફરજ પૂરી કરતાં હોય છે .

આ બધાં મુંગા જીવો મનુષ્ય માતાઓ જેટલી જ પોતાનાં બચ્ચાઓ માટે  પ્રેમ અને ત્યાગની લાગણીથી ભરપુર હોય છે એનાં દર્શન અવાર નવાર આપણને થયા કરતાં હોય છે .

આજની પોસ્ટમાં મુકેલ નીચેના બે વિડીયોમાં એક સિંહ માતા અને એક શાહમૃગ માતાના પોતાના બચ્ચાંઓના ઉછેર અને રક્ષણ માટેની સજાગતા અને માતૃત્વ પ્રેમની લાગણીનાં દર્શન કરાવ્યાં છે ,એ આપને જરૂર ગમશે .

Ostrich protecting eggs

નીચેના પ્રથમ વિડીયોમાં પોતાના ખોરાક માટે શાહમૃગના ઈંડા ઉપર નજર બગાડી એને પ્રાપ્ત કરવા માગતા વાંદરાને, શાહમૃગ જેવો વેશ બનાવીને છેતરીને ઇંડાઓ તરફ ગતી કરી રહેલ એક માણસને અને જંગલી હિસક હાઈના પ્રાણીને કેવી રીતે એક શાહમૃગ માતા નસાડી મુકે છે અને બચ્ચાઓનું રક્ષણ કરે છે એ બતાવ્યું છે .વેશ બદલીને છેતરી એનાં બચ્ચાઓને મેળવવાની માનવ બુદ્ધિની તરકીબ  શાહમૃગ-માતાના અપત્ય પ્રેમ આગળ કેવી હારી જાય છે એ જોવા જેવું છે .

આ સુંદર વિડીયોની લિંક મને ઈ-મેલમાં  મોકલી આપવા માટે મિત્ર શ્રી મનસુખલાલ ગાંધીનો આભારી છું .

Ostrich beat up monkey, man and hyaena


Lioness rescues a cub -jpg

આ વિડીયોમાં એક સિંહણ માતાનું બચ્ચું અકસ્માતે એક બહું જ ઊંડા  ખાડામાં પડી જાય છે અને માંડ માંડ જીવ બચાવીને લટકી રહ્યું છે  . ત્યાં ખાડાની ધાર નજીક બીજી ત્રણ સિંહણો અને  આ બચ્ચાની સિંહણ માતા ભેગા થઇ જાય છે . ત્રણ સિંહણો કશું કર્યા સિવાય આ ખાડા આગળ બેસી રહે છે . પરંતુ અંદર પડી ગયેલ બચ્ચાની સિંહણ માતા હિમ્મત એકઠી કરી પોતાના જીવના જોખમે પોતાના બચ્ચાને ઊંડા અને સીધા ચઢાણ વાળા ખાડામાંથી કેવી અજબ રીતે સહીસલામત બહાર લઇ આવે છે એ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. પ્રાણીઓમાં પણ ઊંચા પ્રકારનો માતૃ પ્રેમ અસ્તિત્વ ધરાવતો હોય છે એનો આ વિડીયો એક સુચક પુરાવો છે .

Really a heart warming story of motherhood in animals !

A Lioness saves her Cub at the risk of her own life