વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 18, 2013

(244 ) ‘સેવા’ને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવનાર ગુજરાતણ ઈલા ભટ્ટ

સેવામૂર્તિ‌  ડૉ. ઇલા ભટ્ટનાં છેલ્લાં સાઠેક વર્ષોના જીવનનો અવિભાજ્ય પર્યાય એટલે ‘સેવા’
અગાઉથી સમય નક્કી કરેલો, આગલી સાંજે ફરી સ્મરણ પાઠવેલું તોય ગૂજરાત  વિદ્યાપીઠના સ્ટુડિયોમાં હું અને આલાપ બ્રહ્મભટ્ટની ટીમ રાહ જોતા રહ્યાંને એ ન  આવ્યાં… દીર્ઘ સંવાદના વીડિયો શૂટિંગનું શિડ્યુલ હતું એટલે બીજું તો કંઇ થાય તેમ  ન હતું. અમે પેકઅપ કર્યું. મને મોબાઇલ પર તેઓ સતત અપડેઇટ કરતાં રહેલાં… પણ છેલ્લે  કહ્યું, ‘સોરી, નહીં જ પહોંચાય આજે, કારણ કે બરાબર ફસાઇ છું એક સમાધાનના કેસમાં શું  કરું મારે તો આવું બને છે, કારણ કે મારે માટે તો ‘સેવા’ પહેલી  પ્રાયોરિટી…’
સેવામૂર્તિ‌ ડૉ. ઇલા ભટ્ટ. જેમનાં છેલ્લાં સાઠેક વર્ષોના  જીવનનો અવિભાજ્ય પર્યાય એટલે ‘સેવા’… હા, આ સેવા એટલે સાદી-સીધી કે નામ-દામ  મેળવવાની સેવા નહીં. આ સેવા એટલે SEWA (Self Employed Women’s Association), સ્વાશ્રયી કામદાર મહિ‌લા સંઘ. ડૉ. ઇલા ભટ્ટ SEWAના સ્થાપક, મહિ‌લાઓ માટેની સહકારી  અને ટ્રેડ યુનિયન ચળવળનાં પ્રણેતા,Women’s World Banking સેવાનાં સ્થાપક સભ્ય, Rockfeller Foundationનાં ટ્રસ્ટી, નેલ્સન મંડેલા પ્રેરિત સંસ્થા The Eldersનાં  સભ્ય, પદ્મશ્રી (૧૯૮પ)-પદ્મભૂષણ (૧૯૮૬)-મેગ્સેસે એવોર્ડ (૧૯૭૭-હાર્વર્ડ  યુનિવર્સિ‌ટી દ્વારા માનદ ડોક્ટરેટ (૨૦૧૦)-જાપાનના નિવાનો પીસ પ્રાઇઝ (૨૦૧૦), રાજ્યસભાનાં માનદ સદસ્ય (૧૯૮૬ થી ૧૯૮૯)… યાદી કેટલી લંબાવવી?
સંયુક્ત  રાષ્ટ્ર સંઘનાં આમંત્રણથી યુનોની સંયુક્ત પરિષદને સંબોધનાર ડૉ. ઇલા ભટ્ટ આપણા  ગુજરાતનાં-અમદાવાદનાં-ખાડિયાનાં-દેસાઇની પોળનાં નિવાસી. આજે એંસી વર્ષ વટાવ્યાં  પછીય યાદ કરે છે ભાવથી એ દેસાઇની પોળના ગરબા કે જ્યાં તેમનાં મા વનલીલાબહેન અને  માસી તરુલતાબહેન લાંબા ઢાળના ગરબા ગવડાવતાં અને આજુબાજુની પોળના લોકો એ સાંભળવા  આવતા. ‘આજે જ્યાં અખાનું પૂતળું મૂક્યું છે ને તે ઘર અમારું, ત્યાં કૂવો ઢાંકીને  ચોક કર્યો છે બસ એ ગરબા ગાવાનો ચાચરચોક, અમારો,’ દસેક દિવસ પછી વિદ્યાપીઠમાં નિરાંત  જીવે સંવાદ માંડેલો ત્યારે નિજી જિંદગીમાં કેટલાંય પૃષ્ઠો ખોલ્યાં  ઇલાબહેને.
દાદા ધારાસાણા મીઠા સત્યાગ્રહની પ્રથમ ટુકડીના વડા. આમ  ફિલ્મસર્જક, કુશળ અને સેવાભાવી. ગાંધીજીને વાંચતાં વાંચતાં બધું છોડી દીધું હતું  ઇલાબહેનનો ઉછેર-ભણતર-વકીલાતનો આરંભ બધું સુરતમાં. પિતા અને કાકા બંને વકીલાત કરતાં. દાદાએ કહ્યું કે બંને છોકરા એક જ ર્કોટમાં વકીલાત કરે તે બરાબર નહીં એટલે સુરત  જવાનું થયું. મા વનલીલાબહેન બહુ ઉત્સાહી, ત્રણ ચોપડી ભણીને સાસરે આવેલાં પણ સાસરે  આવીને આગ્રહપૂર્વક ભણ્યાં.
દીકરી ઇલાએ જ્યારે બી.એ. કર્યું ત્યારે માએ  મેટ્રિક પાસ કર્યું દીકરીને વકીલ બનાવવાનું શ્રેય માને જાય. પોતે અખિલ હિ‌ન્દ  મહિ‌લા પરિષદમાં પણ કાર્ય કરે. ‘ભણવામાં રુચિ કેવી હતી, ઇલાબહેન?’ આ પ્રશ્ન પુછાતાં  જ ઇલાબહેન ભટ્ટ તરત બોલી ઊઠયાં: ‘મને મારી રુચિ ન પૂછશો. મારાં માબાપની રુચિ પૂછો. તેઓનો ઉત્સાહ એટલો હતો કે મને ભણવા બેસાડી સીધાં ત્રીજા ધોરણમાં તેર વર્ષે મેટ્રિક, સત્તર વર્ષે બી.એ., ૧૯ વર્ષે એલએલ.બી., વીસ વર્ષે મજૂર મહાજન સંઘમાં વકીલાત શરૂ, એકવીસ વર્ષે પહેલું બાળક, સત્તાવીશ વર્ષે બીજું બાળક અને પછી આઝાદ…’ તેઓની આઝાદીએ  સમાજને કેટલું આપ્યું તેની કોઇ ગણતરી કે કોઇ ભાર વગર ઇલાબહેન હળવાશ અને નિખાલસતાથી  વાતો કરતાં હતાં.
સ્વાતંત્ર્યની ચળવળનો સમય હતો એ, જ્યારે ઇલા ભટ્ટનું  તારુણ્ય અને યુવાની રંગે ચડયાં હતાં. શાળાના ગણિત શિક્ષક તલાટીસાહેબ પારસી હતા. ગણિત તો સરસ ભણાવે જ પણ હારોહાર જીવનનાં મૂલ્યોની વાતો પણ કરે. દેશને આઝાદ કરવાનો  છે, દેશનું ચારિત્ર્ય ઘડવાનું છે… એવી વાતો થતી ત્યારે. કોલેજકાળમાં તો દેશનાં  નવનિર્માણનાં સ્વપ્નો જોયાં હતાં. મહાત્માજીએ ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તે તો  સ્પષ્ટ કરી આપેલું. ગામડામાં જાવ, ત્યાં કામ કરો, ગરીબો-પછાતો-વંચિતો માટે સમય આપો  એવું કહેતાં કોલેજમાં અધ્યાપકો.
મહાત્માજીની હત્યાનો સમય બરાબર યાદ છે  ઇલાબહેનને. ‘સમાચાર મળ્યા કે બાપુની હત્યા થઇ છે ત્યારે મહોલ્લામાં ચર્ચા થયેલી કે  જરૂર કોઇ મુસલમાને માર્યા હશે ગાંધીજીને, ત્યારે મારાં બા અને બાપુજીએ સૌને કહ્યું: ના, આપણા જ લોકોએ હત્યા કરી હશે. આપણો વિરોધ કરનારા જીવ લેવા સુધી ન જાય, એ કામ તો  કોઇ અંદરના ને નજીકના જ કરી શકે… મારી બા બહુ રડી હતી.
દાદાજીએ અઠવાડિયા  સુધી મૌન રાખ્યું હતું. અમે પણ શુક્રવારે મૌન રાખતાં થયેલાં. શાળામાં શોકસભા થયેલી  તેમાં મેં રચેલી જીવનની પહેલી કવિતા રજૂ કરી બાપુને અંજલિ આપેલી…’ આજે પણ ઇલાબહેન  એગ્રેસિવ નથી, એક્ટિવિસ્ટ પણ નથી કારણ કે નાનપણમાં બીકણ, શરમાળ, હિંમત ન ચાલે એવાં. રમવા-કૂદવાનું ન મળ્યું કદી. જલદીથી મોટા ને પીઢ થઇ જવાયું. હા, સેન્સ ઓફ જસ્ટિસ  ભારે. પોતે બેઠાં હોય તે જગ્યા પર પછી કોઇ બેસે તો તેને ઉઠાડે અને ન ઊઠે તો તેને  કહે: ‘ઊભા થાવ નહીં તો હું કેસ કરીશ તમારા પર…’ આ વાત પિતાજી કહેતા. કશામાં ભાગ ન  લેવો, ડિબેટમાં બોલવું નહીં, દલીલો મનમાં હોય પણ પહેલ કરીને કૂદી પડવું એવું કંઇ  નહીં… એમાં એક ટર્નિંગ પોઇન્ટ આવ્યો ૧૯૭૧ના સેન્સસની પ્રિ-ટેસ્ટનું કામ કોલેજને  સોંપાયું. કોલેજ વતી આ કામમાં જોડાયાને નજીકના માછીવાસમાં પહેલીવાર જવાનું બન્યું. તેઓની બધી વિગતો પૂછવાની ને પછી લખવાની. ઘણો સમય માછીમારો વચ્ચે ગાળ્યો. ઘરે આવે  ત્યારે કપડાંમાંથી મચ્છીની વાસ આવે. ઘરના પૂછે તો શો જવાબ આપવો?
ઇલાબહેન  ધીમા અવાજે ભર્યા સાદે કહે છે: ‘આ સેન્સસે મારા જીવનમાં મોટો વિસ્ફોટ કર્યો પહેલો  અનુભવ હતો જિંદગીનો કે ગરીબોનાં ઝૂંપડાંમાં જવાનું ને જાણવાનું કે તે શું ખાય  છે-કેમ જીવે છે-કેટલાં જન્મે છે-એમાંથી કેટલાં મરે છે-શું છે કરતાં શું નથી? આપણા  ઘરથી આટલાક દૂર છે તે લોકો વિશે આપણને કશી ખબર નથી? આ તો બહુ સ્વાર્થી જીવન ગણાય… આ સમયમાં મારા વર્ગસાથી સાથે મૈત્રી થઇને એ પરિણયમાં પરિણમી.’
મજૂર મહાજન  સંઘમાં જોડાયાને વકીલાત શરૂ કરી ઇલાબહેને. તે સમયના સમર્થ વકીલ સોમનાથ દવેએ  ગ્રેજ્યુઇટીના બિલનું પાયાનું કામ સોંપ્યું. મજૂરોના નાના નાના પ્રશ્નોના કેસોથી  વકીલાતનો આરંભ થયો. બહુ નવું લાગતું ત્યારે કારણ બધા જ પુરુષો, ર્કોટમાં પણ અને  મહાજનમાં પણ… ‘મારા સાડલાની ર્બોડરનો રંગ કયો હશે કાલે, તેની પણ ચર્ચા થવા  લાગી… હું જરા કોન્સિયસ બની ગઇ અને તેમાંથી ઘણું શીખી’ ૧૯૬૯માં હુલ્લડ થયાં તેમાં  મિલકામદારો પહેલીવાર ભળ્યા એ ખેદજનક વાત હતી.
શ્યામાપ્રસાદ વસાવડા જનરલ  સેક્રેટરી. તેમની અને નાનાભાઇ શુક્લની સાથે હુલ્લડો દરમિયાન બહુ કામ કર્યું. મડદાં  ઊંચકી ટ્રકમાં ભર્યાં મિલકામદારોનાં ધાડેધાડાં મદદ માટે મહાજનમાં આવવા લાગ્યાં. ઇલાબહેન ભટ્ટને કામ સોંપાયું કે ‘સર્વે કરો બહેનોને ક્યાં-કેવી ઇજા થઇ છે?’ ‘આ  લોકોનાં ઘર કેમ ચાલે છે?’ અને આ સર્વેએ ઇલા ભટ્ટના જીવનનો બીજો વિસ્ફોટ કર્યો જાણવા  મળ્યું કે મિલકામદારોના-શ્રમિકોનાં ઘર તો બહેનોની કમાણીથી જ ચાલે છે. શાક વેચે છે, ખોળાં બનાવે છે, બાંધકામ મજૂરી કરે છે, લારી ખેંચે છે, ખેતમજૂરી કરે છે… અને આ  લોકોને કોઇ રક્ષણ તો નથી, કારણ કે આ સ્વાશ્રયી વર્કર નથી માટે વર્કરનો કાયદો તેને  લાગુ નથી પડતો.
એ સમયે ૮૯ ટકા કામદારો એવા હતા કે જેને સામાજિક કે કાયદાકીય  રક્ષણ તો હતું જ નહીં આ તે કેવું? ઇલાબહેન ભટ્ટે નક્કી કર્યું: ‘મારે વકીલાત નથી  કરવી. અસંગઠિતોનું સંગઠન કેમ નહીં? જેના કોઇ માલિક નથી તેનું યુનિયન ન હોય તે કેમ  ચલાવી લેવાય? જેમને કોઇ નામ જ નહોતું તેને અમે Employed એવું નામ આપ્યું.’ વર્કર  અને યુનિયન શબ્દોને રિડિફાઇન કરનાર ઇલા ભટ્ટે ૧૯૭૨માં SEWA સ્થાપી, અરવિંદ બુચ  પ્રમુખ અને ઇલા ભટ્ટ જનરલ સેક્રેટરી.
‘સેવા’નું રજિસ્ટ્રેશન કરાવવામાં નવ  મહિ‌ના સંઘર્ષ કરવો પડ્યો. સોસાયટીનો માઇન્ડસેટ કારણભૂત હતો. ઇચ્છા એવી કે આ  શ્રમજીવી અદૃશ્ય રહે તો અબોલ રહે અને તો જ શોષિત રહે ‘ચૂલાની ડિઝાઇન બદલવી જોઇએ, લારીને બ્રેક હોવી જોઇએ, લારી નીચે લટકીને સૂતાં શ્રમજીવીનાં બાળક માટે સગવડતા હોવી  જોઇએ, માણસનો માણસ તરીકે સ્વીકાર થવો જોઇએ. વસાવડાસાહેબ, શંકરલાલ બેંકર, હંસાબહેન  હજારે, ખંડુભાઇ દેસાઇ સૌની સાથે મળી ઘનિષ્ઠ કામ થયું. શનિવારે મહાજન સંઘમાં  સ્વાધ્યાય થાય તેમાં ‘ગાંધીસિદ્ધાંતો’ની ચર્ચાથી કામનો પાયો નંખાય.’
ઇઝરાયેલની લેબર એન્ડ કોઓપરેટિવ ઇન્સ્ટિ‌ટ્યુટમાં નવ માસનો ડિપ્લોમા કોર્સ  કરવા ઇલાબહેનને મોકલવામાં આવ્યાં. ત્યારે ખ્યાલ આવ્યો કે વિચાર આપણો છે, પણ તેનો  નમૂનો ઇઝરાયેલે પૂરો પાડ્યો છે. અહીંથી જીવનને સાર્થકતાનો રસ્તો મળ્યો. ‘સેવા’ દ્વારા ત્રણ વાતો અમલમાં મુકાવી: ૧. ‘અમે છીએ’ તેની નોંધ લો. ૨. ‘અમારે શું જોઇએ  છે?’ તે જાણો. ૩. ‘અમારી પ્રમાણભૂતતાનો સ્વીકાર કરો.’ પાથરણાવાળા પણ નેચરલ માર્કેટ  છે, એવું સુપ્રીમ ર્કોટ સુધી લડી સેવાએ પ્રસ્થાપિત કર્યું, મજૂરી પણ સેવા છે તેવું  સ્વીકૃત કરાવ્યું. નાના શ્રમિકોને નાનું ધિરાણ આપનાર વચેટિયાને કાઢવા બેંક શરૂ કરી. શ્રમિક રોજ એક રૂપિયો બેંકમાં મૂકી શકે, પચાસ રૂપિયા થાય એટલે બેંક તેને ધિરાણ આપે. છ રાજ્યોમાં આ સેવાબેંક આજે ધમધમે છે.
સેવાએ યુનિયન-બેંકિંગ-વીમો-કાયદાકીય  સલાહ-આવાસયોજના અને હવે માઇક્રો પેન્શનની યોજનાઓને અમલમાં મૂકી વિશ્વસ્તરે સૌને  અચંબિત કર્યાં છે. ‘સેવા’ના બાર લાખથી વધુ સભ્યો છે. ‘સેવા’નાં વિધિવત્  પ્રધાનમંત્રીપદે હવે ઇલા ભટ્ટ નથી, છતાં તેની ખાસ કાળી ઓટોરિક્ષા જોઇને કોઇપણ  અમદાવાદી કે ગુજરાતી સેવાના પર્યાય ઇલા ભટ્ટને ઓળખી જાય છે એકસોને પાંચ નાની સહકારી  મંડળીઓમાં કાર્યવ્યસ્ત ‘સેવા’ના પુરસ્કર્તા કહે છે: ‘આપણે ઊંચે જઇએ તેના બદલે  વિસ્તારમાં ફેલાઇએ તે જરૂરી છે. ઘરકામ અને માતૃત્વ બહેનો માટે બોજો નથી, તે તો  સ્ત્રીના પાવરના મોટા ર્સોસ છે.’ છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પુછાયો: ‘તમને જિંદગીમાં  સૌથી વધુ શું નડ્યું છે?’ જવાબ બેધડક અને સ્પષ્ટ હતો: ‘શહેરી ભણેલા લોકોનો ટિપિકલ  માઇન્ડસેટ બહુ નડયો છે… આપણી માણસ પ્રત્યેની નિસ્બત ઘટતી જાય છે તેના બધા પ્રશ્નો  છે’ ‘
bhadrayu2@gmail.com
વિશેષ, ભદ્રાયુ વછરાજાની
 
સૌજન્ય- દિવ્ય ભાસ્કર .કોમ