જાણીતા બ્લોગર સ્નેહા પટેલના અક્ષિતારક બ્લોગમાં પોસ્ટ થયેલો “માણસાઈનો રકાસ ” એ નામનો સુંદર લેખ ઈ-મેલમાં મેં વાંચ્યો .મને એ ખુબ ગમ્યો .
આ અગાઉની વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 250 ) “માણસ જોઈએ છે…….ક્યાં છે માણસ…..! મળશે ?” ના વિષયની પૂર્તિ કરતા આ લેખને સ્નેહાબેનના આભાર સાથે આજની પોસ્ટમાં રી-બ્લોગ કરું છું .
આ લેખમાં સ્નેહાબેને ગરમીના દિવસોમાં ઘાયલ થઈને નીચે પડેલ એક ભલા ભોળા કબુતર અંગે સામાન્ય લોકો કેવો વર્તાવ દાખવે છે એની નજરે જોએલી કરુણ સત્ય ઘટનાનું સુંદર શબ્દોમાં આલેખન કર્યું છે .
લેખિકાના સંવેદનશીલ હૃદયની લાગણીઓનો આ લેખમાં પડઘો પડે છે .
આશા છે આપને પણ આ લેખ ગમશે
વિનોદ પટેલ
_____________________________________________
માણસાઈનો રકાસ
આજકાલની ગરમી વિશે બહુ નહી લખુ. બધા અનુભવે જ છે. વળી મોબાઈલ -નેટ માં આવતા મેસેજીસ પણ યાદ કરાવતા રહે છે કે પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે પાણી પાવો , તમારી અંદરની છુપી માનવતાને બહાર આવવા એક તક આપો વળી ‘એનિમલ હેલ્પલાઈન નંબર’ પણ ઠેર ઠેર મળી ! કેટલા દયાળુ જીવ, વાહ .
આ બધાંની વચ્ચે નજરે પડેલી એક સત્ય ઘટના લખ્યાં વિના નથી રહી શકતી.
આજે ૧૧ વાગ્યે બપોરે (આમ તો બપોર ના કહેવાય પણ ભવિષ્યમાં કદાચ ગરમીમાં બપોર ૧૦ વાગ્યાથી સાંજના ૮ સુધી થઈ જશે એમ લાગે છેએટલે ૧૧ વાગ્યાના બપોરના સમયે એક ભોળુ ભટાક્ડું કબૂતર ઊડતું..ઊડતું અચાનક મારી બાજુના ફ્લેટની દિવાલે જઈને અથડાયું અને ધબાક…! જ્યાં પડ્યું ત્યાં અને તેમ જ પડી રહ્યું. સાવ અધમૂઉં થઈ ગયેલું. એનામાં કોઈ જ તાકાત નહોતી કે એ હલન ચલન કરી શકે, ડોક એક બાજુ વળી ગયેલી, એક બાજુની પાંખ ખુલ્લી અને એક બાજુની બંધ.એની એ સ્થિતિમાં સુધારો કરવા માટે કોઈ જ ઉપાયો હવે શકય નહોતા. તાકાતવિહીન..ભીંજાયેલ આંખો, અસહાય-લાચાર મોઢું માણસોને કહેતું હતું, ‘હવે મારુઁ જીવન તમારા અને તમારી ‘એનિમલ હેલ્પ લાઈન’ ના ભરોસે જ છે, બચાવી લો ભગવાનને ખાતર..આજીજીઓનો ઢગલો –
‘મારે હજુ જીવવું છે..પ્લીઝ..કંઈક કરો.’
હવે આપણે માણસજાત તો બહુ દયાળુ. બધા જ ટોળે વળીને એને ઘેરી વળ્યાં ..દરેકે પોત પોતાના અનુભવોના પીટારાઓ ખોલવા માંડયા – શિખામણોના ઢગલા ખડકાવા માંડ્યા ! એટલામાં સોસાયટીનો ચોકીદાર એક પાણીની બોટલ લઈને આવ્યો અને એ કબૂતરને પાણી પાવા માંડ્યો..એક જણ એને પૂંઠાની મદદથી પવન નાંખવા લાગ્યો અને બાકીના બધા દિલ પર હાથ મૂકીને એ દ્રશ્ય જોતા પોત-પોતાનો મહામૂલો સમય આપતા ઉભા રહ્યા..(!!!!!)પણ કોઈ જ ઉક્તિ કારગર ના નીવડી..એ અબોલ જીવનું આયખું કદાચ આટલું જ હશે અને એણે આશાભરી આંખે માનવમેદનીને જોતા જોતા જ છેલ્લાં શ્વાસ છોડ્યાં. અને આ શું ?
ત્યાં ઉભેલા દરેક લોકોનો વ્યવહાર તરતા જ બદલાઈ ગયો,
‘અરે યાર, આ તો મરી ગયું. આપણા સફાઈ કામદારો તો આને હાથ પણ નહી લગાડે.અને મ્યુનિસિપાલટીની ગાડી તો છેક બપોરે આવશે. પાંચ વાગ્યા પછી. ત્યાં સુધીમાં તો ગરમીમાં આના શરીરમાંથી અસહ્ય વાસ વછૂટવાનું ચાલુ થઈ જશે..હવે આ બલાનું શું કરવું ?’
ત્યાં તો ભીડમાંથી એક અતિ બુધ્ધિશાળી વ્યક્તિએ એક વચેટનો રસ્તો સુઝાડ્યો..અમારી અને એમની સોસાયટીની વચ્ચે એક કંપાઉન્ડ વોલ જ હતી..એક પુંઠું લઈને કબૂતરની ડેડબોડીને ઉચકીને નાંખ્યું અમારી સોસાયટીમાં,
‘હાશ- ચાલો, બલા ટળી..હવે તો એ ‘સારથીવાળા’એ જોવાનું કે આનું શું કરવું , એના મૃત શરીરની વાસ હવે એ લોકો સહન કરશે..આપણે શું? આપણે તો આપણાથી બનતું કર્યુ.આપણો અમૂલ્ય સમય આપ્યો .બસ આનાથી વધુ તો શું હોય ? હવે કામ ધંધે લાગીએ, ચાલો દોસ્તો..આવજો..સાંજે મળ્યા આ જ બાંક્ડે..!!
તો આ હતો ભરઉનાળામાં સૂર્યની ગરમીને પણ શરમાવતો ખુલ્લે આમ લાગણીશીલતા – સંવેદનો…આ બધા શબ્દોનું ઊઘાડે-છોગ નીલામ કરતો માણસાઈનો રકાસ.
વાચકોના પ્રતિભાવ