વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 2, 2013

( 255 ) વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે લેખક- – શ્રી યાસીન દલાલ

 

મારા બ્લોગર મિત્ર શ્રી ગોવિંદભાઈ મારૂના ખુબ વંચાતા બ્લોગ  અભિવ્યક્તિમાં  પ્રગટ થયેલ શ્રી

યાસીન દલાલનો એક પ્રેરક લેખ ” વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે ” મને ખુબ ગમ્યો .

શ્રી ગોવિંદભાઈ  અને લેખક શ્રી યાસીન દલાલના આભાર સાથે આજની

પોસ્ટમાં આ લેખ મુક્યો છે .

આશા છે આપને પણ એ વાંચવો અને વિચારવો ગમશે .

— વિનોદ પટેલ

_____________________________________________________

 

વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે

 

એક લોકડાયરામાં એક વક્તાએ એક સરસ વાત કહી. આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને કેળાની છાલ પર પગ આવી જાય એ આપણી કઠણાઈ કહેવાય. પણ, એ પછી આપણે ત્યાંથી ઉભા જ ન થઈએ, જમીન પર બેઠા રહીએ, અને પછી પ્રારબ્ધને દોષ દેતા રહીએ એ આપણી મુર્ખાઈ કહેવાય.

આપણું  જીવન એ સરસ મજાની ફુલોની પથારી નથી. એમાં માર્ગમાં અનેક વીઘ્નો આવે, અંતરાયો આવે, મુસીબતો આવે, અને એ બધાનો સામનો આપણે પુરા પુરુષાર્થથી, અડગ નીશ્વય બળથી કરવો પડે એને બદલે આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે જઈએ અને પછી નસીબને, વીધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું ?

પ્રયત્ન કરવો નહીં અને કરવો તો દીલચોરીથી કરવો, એ આપણી મોટી નબળાઈ છે અને પછી કોઈ ટકોર કરે ત્યારે આપણી પાસે જાતજાતની ‘એલીબી’ હાજર જ હોય છે. ‘મારા નસીબમાં નહોતું’, ‘કોશીશ તો બહુ કરી, પણ વીધાતાએ લેખ જ જુદા લખેલા’, વગેરે વગેરે લુલા બચાવ આપણી પાસે હાજર જ હોય છે. લુલા બચાવ, બહાનાબાજી અને આત્મ–પ્રતારણમાં આપણે લાજવાબ, બેમીસાલ છીએ.

આજના બધા વીવીધ ધર્મો, સંગઠીત ધર્મો, જ્યારે ઉદ્ ભવ્યા ત્યારે એમના મોટાભાગના નીયમો અને આદેશો પાછળ શુભભાવના હતી. આ બધા જ ધર્મો પોતપોતાના સમય અને સ્થળના સંજોગોથી જન્મેલાં હતાં. એ સંજોગો બદલાય એટલે કેટલાક નીયમો આપોઆપ જ ‘આઉટ ઓફ–ડેઈટ’ થઈ જાય. બજારમાંથી મળતી બધી જ દવાઓ ઉપર ‘એક્સપાયરી–ડેઈટ’ લખેલી હોય છે. સદીઓ પહેલાં ઘડાયેલા સંખ્યાબંધ આદર્શો ઉપર આવી ‘એક્સપાયરી–ડેઈટ’ છાપેલી ન હોય એટલે એ આપોઆપ શાશ્વત બની જતા નથી.

આપણે આ મહાન ભુલ કરી અને પરીણામે મહાન ગુંચવાડાઓના ચક્રવ્યુહમાં સરી પડ્યા. જે વૈજ્ઞાનીકોએ પહેલી વાર જાહેર કર્યુ  કે પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે અને એ સમયના ધર્મચક્ર પરીવર્તકોએ આકરી સજા જાહેર કરી હતી. પોપ પોલે સદીઓ પછી એ વાતનો સ્વીકાર કર્યો કે વૈજ્ઞાનીકોને એ સમયના ધર્માચાર્યોએ કરેલી સજા એ મોટી ભુલ હતી ! પણ, ક્યારેક ચા કરતાં કીટલી વધુ ગરમ હોય છે. પોપ પોલના કેટલાક અનુયાયીઓને હજી આમાં ભુલ નહીં દેખાતી હોય ! ગાંધી ખુલ્લા મનના હોય, પણ ગાંધીવાદી તો મોટે ભાગે જડ જ હોય. વૈચારીક જડતા જેવા અસાધ્ય કોઈ રોગ નથી અને માનસીક ગુલામી જેવી બુરી કોઈ ગુલામી નથી. એસ્પ્રો ખાવાથી માથું ઉતરી જાય, મીથ્યા આદર્શોની આધાશીશી ઉતારવા માટેની કોઈ ગોળી બજારમાં મળતી નથી.

ડગલે ને પગલે આપણી આસપાસ પુરુષાર્થ ભુલીને બધું પ્રારબ્ધ ઉપર છોડી દેવાની મનોવૃત્તી હવે મહાવ્યાધીનું સ્વરુપ લઈ રહી છે. આપણાં ગામડાંનો ખેડુત દુકાળ પડે કે વરસાદ ઓછો પડે ત્યારે માથે હાથ દઈને નીસાસા નાખીને કહેશે, ‘આપણે કંઈક પાપ કર્યાં છે, એની કુદરત સજા આપે છે.’ આમ બોલે ત્યારે એની નજર આકાશ તરફ હોય છે. આકાશ તરફ આપણી આંખ હોય ત્યારે આપણી બુદ્ધી જાણે થીજી જાય છે, વીચારશક્તી બુઠ્ઠી થઈ જાય છે, આકાશમાં ખોડાઈ ગયેલી આપણી આંખ આપણને કહે છે, બધું ઉપરથી જ નક્કી થાય છે. આપણા હાથમાં કંઈ જ નથી. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ ઉપરવાળાની મંજુરી વીના બધુ જ વ્યર્થ છે.

આપણા હાથમાં શું ખરેખર જ કંઈ નથી ? અને, ઉપરવાળો શું માણસને પાણી કે અનાજ મળે એવી સીધીસાદી, અસ્તીત્વ ટકાવનારી વાતમાં પણ પોતાની મંજુરી આપવામાં હીચકીચાટ કરશે ? શા માટે ? માણસને ભુખે મારવામાં ઉપરવાળાને શો રસ હોય ?

પણ, આવા પ્રશ્નો આપણે કરતા નથી. આપણે હવે પ્રશ્નો કરવાનું છોડી દીધું છે, વીચારવાનું છોડી દીધું છે. જો વીચારતા હોત તો જવાબ મળી જાત. મુશ્કેલીમાંથી માર્ગ નીકળી આવત. વીચારીએ તો ખબર પડે કે પાણી વીનાના કુવાને ‘રીચાર્જ’ કરી શકાય છે. ઓછો વરસાદ આવે તોય વાંધો નહીં. જે બે પાંચ ઈંચ વરસાદ પડે એનાં એક એક ટીપાને સાચવવાનું શક્ય છે. કુવાની બાજુમાં એક ખાડો ખોદો, એમાં પાઈપલાઈન લગાવો. ખાડાને પથ્થર અને રેતીથી ઢાંકી દો. વરસાદનું પાણી ગળાઈને, ચળાઈને કુવામાં દાખલ થતું રહેશે. કુવો ભરાશે અને આજુબાજુની જમીનનું તળ ઉંચુ આવશે.

આ તો એક તદ્દન નાનો, મામુલી દાખલો થયો. આ એક નમુનો છે. પણ આપણે વીચારવાની ટેવ પાડીએ, પ્રશ્નો પુછવાની ટેવ પાડીએ તો આમ ઢગલાબંધ નવી માહીતી મળી આવે.

પશ્વીમના દેશોમાં ભાગ્યે જ દુકાળ પડે છે અને એશીયામાં તેમ જ આફ્રીકામાં વારંવાર પડે છે. એનો શો એવો અર્થ કાઢવો કે પશ્વીમના દેશોની પ્રજા પુણ્યશાળી છે અને એશીયા અને આફ્રીકાની પ્રજા પાપી છે ?

આપણી કેટલીક જુની કહેવતો જુની હોવા છતાં એમાં કેટલાંક સનાતન સત્યો સમાયેલાં હોય છે. આવી એક કહેવત છે, ‘સમય વર્તે સાવધાન’ સમયની સાથે તાલ મીલાવે એ વ્યક્તી, એ સમાજ, એ સંસ્થા ને એ દેશ ઉંચા આવે. આપણે સૌ સમયની સાથે રહેવામાં નીષ્ફળ નીવડ્યા છીએ. સાહીર લુધીયાનવી કેટલીક વાર ફીલ્મી ગીતોમાં ઉંચુ કાવ્યત્વ મુકી આપતા હતા. એમના એક ફીલ્મી ગીતની પંક્તી  જુઓ:

કોઈ રુકતા નહી, ઠેહરે હુએ રાહી કે લીયે,

જો ભી દેખેગા, વો કતરા કે ગુજર જાએગા,

હમ અગર વક્ત કે હમરાહ ન ચલને પાએં,

વકત હમ દોનોં કો ઠુકરા કે ગુજર જાએગા…

સમય મુજબ ધાર્મીક રીતરીવાજો બદલાવા જોઈએ, સમય મુજબ રુઢીઓ બદલાવી જોઈએ. જો રુઢીઓ કાળક્રમે એનું મહત્ત્વ ગુમાવી બેઠી હોય એને તીલાંજલી આપવી જ પડે.

એમ. એન. રોયે સાચું કહ્યું છે કે, ‘માણસ વ્યક્તીગત રીતે અભીમાની હોય એ ચલાવી લેવાય; પણ પોતાની જ્ઞાતી કે પોતાનો ધર્મ સર્વશ્રેષ્ઠ છે એમ એ માનવા લાગે તો એમાંથી કલેક્ટીવ ઈગો (સામુહીક અહમ્) જન્મે છે.એમાંથી જ કોમ–કોમ અને બે જ્ઞાતીઓ કે બે જુથો વચ્ચે સામુહીક અથડામણ થાય છે.’ પાકીસ્તાનની રચના ધર્મના આધારે થઈ; પણ હજી સુધી ત્યાંના ચાર પ્રાંતોની પ્રજા શાંતી અને સુખચેનથી જીવી શકતી નથી. પરવેઝ મુશર્રફ ઉપર ત્રણથી ચાર વાર હુમલા થઈ ચુક્યા છે. ઈરાક હોય કે ઈરાન હોય, સાઉદી અરેબીયા હોય કે મોરક્કો હોય બધે પ્રશ્ન ધાર્મીક રુઢીચુસ્તતાનો છે. આપણે બીનસાંપ્રદાયીક બંધારણ અપનાવ્યું; પણ હજુ સુધી આપણી પ્રજામાં ઉદારમતવાદી વલણ ઉતર્યું નથી. માત્ર બંધારણમાં સમાનતા અને એકતા શબ્દ લખવાથી સમાનતા આવી જતી નથી. એને માટે આપણું માનસીક વલણ પાયાથી બદલવું પડશે.

આરબ દેશો ભલે પોતાને ઈસ્લામીક કહેવડાવે, પણ એમણે તેલના કુવાઓમાંથી પેટ્રોલ કાઢવા માટે પશ્વીમના નીષ્ણાતોને બોલાવવા પડે છે અને મોટાભાગના શ્રમીકો ભારતથી લાવવા પડે છે. આજના બદલાતા વીષયમાં કોઈ દેશને કોઈ એક ધર્મ કે કોઈ એક વીચારધારા ઉપર અવલંબન રાખવું પોષાય તેમ જ નથી. વૈશ્વીકરણનો આ જ સાચો તકાજો છે.

ધર્મ કે ઉપાસના પદ્ધતીને આધારે માણસ સંગઠન રચે છે, એની કોમ કે જ્ઞાતી બને, અને પછી એ એકમેકના સહકારને બદલે ઘર્ષણમાં પરોવાય અને આવા કહેવાતા ક્રીયાકાંડોના રક્ષણ માટે લડાઈઓ કરે. એ વીજ્ઞાનના વીકાસની હરણફાળના યુગમાં અત્યંત બેહુદું લાગે છે.

આપણે ઘરને સાફસુફ કરીએ છીએ. કચરો અને જાળાં દુર કરીએ છીએ. દરરોજ આપણાં ફર્નીચર, યંત્રો, ટીવી, રેફ્રીજરેટર પર જામી ગયેલી ધુળ દુર કરીએ છીએ. પણ, મગજમાં સદીઓ પુરાણા વહેમો અને માન્યતાઓના જામી ગયેલા થરની બીલકુલ પરવા જ કરતા નથી ! ઘરની ગંદકી તો સ્થુળ અને ભૌતીક છે, પણ મગજની ગંદકી તો માનસીક છે અને ભારે નુકસાનકારક નીવડી શકે છે.

મનમાં સતત બહારના વાતાવરણની ચીલાચાલુ માન્યતો, પુર્વગ્રહો અને રુઢીઓની ધુળ દાખલ થતી રહે છે. એને રોકવા માટેનું કોઈ ફીલ્ટર હજી શોધાયું નથી, પણ આપણાં વૈચારીક દૃષ્ટાંતો અને ભય તેમ જ લાલચ મીશ્રીત ધર્માદેશોને એકવાર મનમાં પ્રવેશવા દીધા પછી એને હટાવવામાં નાકે દમ આવી જશે.

એકવાર આવી ધુળ અને આવો કચરો જામી જાય પછી એને ઉખેડવા માટે વૈચારીક યજ્ઞો પણ ઓછા પડે. થોડું ઘણું ખુલ્લું મન હોય એવા માણસના મનનો કચરો દુર થવાની શક્યતા રહે છે; પણ એકવાર મગજ અને મનના દરવાજા બંધ થયા પછી બહારના તાજા વીચારો અંદર આવશે નહીં અને અંદરની ધુળ બહાર નીકળશે નહીં. ઘરમાં જેમ હવાની અવરજવર માટે ‘વેન્ટીલેશન’ની ચીંતા કરીએ છીએ, એમ મગજના ‘વેન્ટીલેશન’નું ધ્યાન રાખીએ તો વીચારોની સ્થગીતતાના ગુલામ બનવાના ભયમાંથી નીકળી જઈએ. Read more of this post