વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 14, 2013

( 261 ) હાસ્ય હાઈકુ — ઈ-પુસ્તક ” વિલિયમનાં હાસ્ય હાઈકુ – (પ્રસ્તાવના) – પ્રજ્ઞાબેન વ્યાસ

આ અગાઉની શ્રી ચીમન પટેલ (ચમન ) ના હાઈકુ અને તાન્કા અંગેની પોસ્ટ વાંચીને નીરવ રવે બ્લોગનાં સંપાદક મિત્ર આદરણીય શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસે  શ્રી વલીભાઈ મુસાના હાસ્ય હાઈકુ વિશેના ઈ-પુસ્તક ” વિલિયમનાં હાસ્ય હાઈકુ ” માં એમણે લખેલી પ્રસ્તાવના મારી જાણ માટે એમના ઈ-મેલમાં મોકલી આપી છે .

આ પ્રસ્તાવનામાં પ્રજ્ઞાબેને હંમેશની જેમ સંશોધન અને અભ્યાસ કરીને હાઈકુના વિષયમાં ખુબ જ સુંદર માહિતી આપી છે .

વિનોદ વિહારની હાઈકુ અંગેની અગાઉની પોસ્ટના અનુસંધાનમાં શ્રીમતી પ્રજ્ઞાબેન અને વલીભાઈના આભાર સાથે આ પ્રસ્તાવના નીચે રજુ કરું છું .

વાચકોને એમાંથી હાઈકુ વિષે વધુ પૂરક માહિતી મળી શકશે .

વિનોદ પટેલ


__________________________________________

Smt. Pragnaben Vyas

Smt. Pragnaben Vyas

વિલિયમનાં હાસ્ય હાઈકુ (પ્રસ્તાવના) –  પ્રજ્ઞાબેન વ્યાસ

આદરણીય શ્રી વલીભાઈની વાત….

”ઈન્ટરનેટની મારી સફર દરમિયાન હું “હાસ્ય દરબાર” ના પરિચયમાં આવ્યો અને તેના સંચાલકો ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને સુરેશભાઈ (નો) જાની મિત્ર બની ગયો;

જેમ કોઈ એકબીજાના જાની દુશ્મન બની જતા હોય છે, બસ બરાબર તેનાથી સાવ વિરોધી રીતે જ તો! ૩૧મી માર્ચ ૨૦૧૦ના રોજ મારા પ્રથમ લેખ તરીકે ‘બીજું તો શું વળી?’ લઘુ હાસ્યવાર્તા ત્યાં પ્રસિદ્ધ થઈ. મેં મારી અધકચરી કે અડધીપડધી ઈ-બુકને મારી રીતે તૈયાર કરી હતી, ત્યારે જ મારા બંને મિત્રો અને તેમનાં શ્રીમતીજીઓને આ બુક અર્પણ કરી જ દીધી હતી.”

અને તેની પ્રસ્તાવના લખવાનું માન અમને આપ્યું. આ અંગે અમારાં દીકરીઓ-દીકરાની જેમ ઘણા વધુ લાયક લખનારા છે.

પણ ફરીથી આદેશ થયો અને આ પ્રસ્તાવના લખી રહી છું.

હાઇકુ વિષે

જાપાનીઝ કાવ્યપ્રકાર હાઇકુ ઘણા લાંબા સમયથી ગુજરાતી સાહિત્યમાં અપનાવાયો છે; છતાં ઘણા ઓછા લોકો એ લખવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ઘણા ઓછા લોકો તેને પૂરેપૂરું માણી શકે છે. હાઇકુની સુંદરતા એની લાઘવતામાં છે. (૫-૭-૫ નું અક્ષર બંધારણ – એટલે કે પ્રથમ પંક્તિમાં ૫ અક્ષર, દ્વિતીયમાં ૭ અને તૃતીયમાં ૫ અક્ષર. જોડાક્ષરને એક અક્ષર ગણવામાં આવે છે.)

ગણેલા શબ્દોમાં અનેક વિચારો તથા ભાવો વર્ણવવામાં આવે છે; તેથી જે શબ્દો પસંદ કરવામાં આવે, તે ખૂબ ખૂબ સમજી વિચારીને પસંદ કરવામાં આવતા હોય છે.

એક શબ્દ અથવા શબ્દ-સમૂહની પસંદગી માટે અનેક ભાવો ગોઠવાતા હોય છે. જો વિરામચિહ્નોનો પ્રયોગ થયો હોય તો તેની પાછળ પણ ભાવની યોગ્ય અભિવ્યક્તિ તથા અર્થ હોય છે.

ઓછા શબ્દોમાં લખાયેલા હાઇકુને બરાબર સમજવા માટે તેને ઝડપથી એક વારમાં વાંચવાને બદલે ધીમે-ધીમે વાંચીને તેનો અર્થ સમજવાનો હોય છે અને શબ્દો

દ્વારા જે કહેવાયું છે, તે ઉપરાંત જે ભાવોને શબ્દો નથી મળ્યા, પરંતુ અધ્યાહાર છે, તે પણ સમજવાના હોય છે. જેને બે શબ્દો વચ્ચે વાંચવું કહેવાય.

આમ, હાઇકુ એ તેના રચયિતા તથા વાચક બંને માટે પડકારરૂપ છે. જો યોગ્ય રીતે લખાય અને સમજાય તો તેનું અદ્વિતીય રૂપ છે. તેને માણવામાં સરળતા લાવવા કોઈએ તે અંગે કોઇ ઘટના કહેવા પ્રયત્ન કર્યો હોય તો ખ્યાલ નથી, પણ મારા જ હાઇકુ પર વલીભાઇએ લખ્યું, ત્યારે મારું તે વિષે ધ્યાન ગયું. પછી તો એ પ્રણાલિ ચાલી.ઘણાં ખરાં હાઇકુમાં ઘટના વર્ણવવાનું કર્યું. એકવાર એક સિનેમાના ગાયન ‘હર સવાલકા સવાલ હી જવાબ હૈ’ પ્રમાણે ૧૭ અક્ષરમાં ઉત્તર આપવા માંડ્યું, જેમાં જોડાક્ષર દોઢ અક્ષર નથી ગણાતો તેથી સારું રહ્યું.

એક આડ વાત. ગઝલની વ્યાખ્યામાં હરણની મરણચીસ એવું કહેવાયું છે અને તે કરુણરસ પ્રધાન રહેતી. ગઝલસભા એ શોકસભા જેવી લાગતી. ગઝલના કાશી એવા સૂરતમા આ ઓછું અનુકૂળ લાગ્યું, તેથી હઝલ લખાઇ અને તેના પઠનમાં માણનાર હસી રહે, ત્યાર બાદ દુબારાની પ્રથા થઇ !

તેવી રીતે ગુઢ અર્થપ્રધાન હાઇકુને સરળ કરાયું અને હાસ્ય હાઇકુઓ થયાં.

મુક્તપંચિકા/હાઇકુ પણ લખાયાં છે. અમારાં મોનાબેન નાયકનું આ ‘મુપંહા’ જોઈએ:

ભૂત, ભવિષ્ય,

વર્તમાનનાં-

સુંદર વાઘાં પે’રી

સદા અહીં જ

રમે સમય!

શું સમેટું હું?

વેરવિખેર

પળોની મીઠી યાદ?

કે યાદની એ

મધુર પળો?

સ્નેહરશ્મિ’ના ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ અને ‘કેવળ વીજ’ તેમના પ્રસિધ્ધ હાઇકુ સંગ્રહ છે,જેમાંના

પ્રસિધ્ધ પ્રથમ હાઇકુમાં આકાશમાં ઊડતા પંખીના ગીતગુંજનથી ફૂટતા પરોઢનુંચિત્રાત્મક

અને મનોરમ દૃશ્ય ઝીલાયું છે.

બીજા હાઇકુમાં ખીલેલા ગુલાબને જોઇને આંખ દ્વારા રૂપ-દર્શન, નાક દ્વારા સુગંધ અને હૈયા

દ્વારા ભાવ- એમ ત્રિવિધ સ્તરે સૌંદર્ય પામવાની સ્પર્ધા થતાં ત્રણેય વચ્ચે મીઠા

ઝઘડાનું માર્મિક ભાવચિત્ર કંડારી આપ્યું છે.

ત્રીજા હાઇકુમાં વરસાદથી છાપરું ચૂવે છે અને છાપરા નીચે બેઠેલી વિવશ માતાના ખોળામાં સૂતેલું બાળક માતાના આંસુથી ભીંજાય છે- આ બે દૃશ્યોને સાથે મૂકીને કવિએ પરવશ માતાનુંકરુણ શબ્દ ચિત્ર આલેખ્યું છે.ચોથા હાઇકુમા વરસાદ પડી ગયા પછીના રમણીય દૃશ્યનું વર્ણન છે.

(૧) ગીત આકાશે;

પંખીની પાંખમાંથી

ફૂટે પરોઢ!

(૨) ખીલ્યું ગુલાબ;

ઝઘડો હવે આંખ,

નાક ને હૈયે!

(૩) છાપરું ચુવે;

ભીંજે ખોળામાં બાળ

માનાં આંસુથી!

(૪) ગયું ઝાપટું

વર્ષી, કિરણો ભીનાં

હવે હવામાં!

હમણાં ‘વિદેશિની’ પન્નાબેનનો હાઇકુ સંગ્રહ બહાર પડ્યો.

તારી જુદાઈ

ખૂંચે, પગ તળેના

કાંકરા જેવી!

ધોધમાર તું

વરસ્યો, લીલોછમ્મ

થયો સમય!

આવાં કેટલાંયે સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતિનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યાં છે. એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’,૨૦૬ હાઈકુથી શણગાર્યો છે.

એમાંનાં થોડાં હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો.

આજકાલ ભાવશૂન્ય અને પ્રભાવશૂન્ય કવિતાઓ વધારે લખાય છે. કેટલાક તો એક પંક્તિને તોડી ત્રણ પંક્તિઓ બનાવે છે; જેમા ન છંદ હોય, ન લય હોય,ન વિચાર,ન કલ્પના; ત્યારે શ્રી વલીભાઇ પોતાના પ્રાણ રેડીને હાઇકુને જીવન પ્રદાન કરે છે અને માણનારને આનંદથી ભરી દે છે. હાઇકુ માટે કેટલાક સ્વદેશી આને પરદેશી માની અડકતા નથી!

હાઇકુ માટે કોઈ વિષય ત્યાજ્ય નથી. સાહિત્ય માનવ સંવેદનાની કે સામાજિક પ્રશ્નોની ઉપેક્ષા કરી શકતું નથી. હાઇકુને પણ ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોવાં જોઇએ.

ભાવની આંચમાં તપ્યા વિના હાઇકુ પોતાનું સાચું સ્વરૂપ ધારણ નથી કરી શકતું. પર્વત-શિખર પરથી ગબડી બેડોળ પથ્થર ઠોકરો ખાઈ એક નવું રૂપ ધારણ કરે છે.એમાં એક અનોખું સૌંદર્ય જાગે છે. આ સૌંદર્ય તેના સંઘર્ષનું છે. જે કવિએ જેટલો સંઘર્ષ કર્યો હશે, દુઃખ-દર્દને પોતાના માનસમાં જીવ્યો હશે, તેનું હાઇકુ તેટલું ભાવ-પ્રવણ,જીવંત અને ઔર મર્મસ્પર્શી હશે. અનુભવ, સંસ્પર્શ, ભાષા સહજ અને ભાવાનુરૂપ પ્રયોગ ઉંમરનું નહીં પણ અનુભવનું મોહતાજ છે.

બહુમુખી પ્રતિભાવાળા વલીભાઈનું અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી (ઉર્દુ) પર સમાન પ્રભુત્વ છે. આ જ કારણથી હાઇકુ-રચનામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે

અને આ ભાવ-પ્રવણ હાઇકુઓનું સર્જન વલીભાઇની આ શક્તિ તેમને નીરસ રચના કરવાવાળા અગ્રજોથી અલગ કરે છે.

એમનાં હાઇકુઓનો ફલક બહુ વિશાળ છે. સમાજ પ્રતિ સંવેદનશીલતા આ યાત્રાનું આત્મતત્વ છે. ભાવોની મસૃણતા, અભિવ્યક્તિની સહજતા હાઇકુઓમાં જણાઇ

આવે છે.તેમની પાસે સશક્ત ભાષા જ નહીં, ઉર્વર કલ્પના પણ છે. હાઇકુમાં બીજમંત્રની શક્તિ નિહિત છે, એનો અહેસાસ વલીભાઇના હાઇકુપઠનથી થાય છે.

આ સંકલન હાઇકુ-વિરોધીઓમાં મોઁ બંધ કરવા પણ સક્ષમ છે. કોઇ પણ પ્રાણહીન-ભાવહીન લખી એને હાઇકુ કહે; તેથી તે સારો સાહિત્યકાર નથી બની શકતો,કારણ કે સારું લેખન જ સાહિત્યકારને મજ઼બૂત બનાવે છે. શ્રી વલીભાઇનુ આ કાર્ય આ વિધાનનું મઝાનું ઉદાહરણ છે. આજે નહીં, તો કાલે આ સંગ્રહની પ્રાસંગિકતાનો સ્વીકાર કરવો જ પડશે.

– પ્રજ્ઞા વ્યાસ http://niravrave.wordpress.com/

* * * * *

શ્રીમતી પ્રજ્ઞાબેને લખેલી ઉપરની પ્રસ્તાવના માટે  શ્રી વલીભાઈએ  એક હાયકુમાં આભાર

આ રીતે માન્યો છે .

પ્રજ્ઞાબેન,

આભાર માનું?

ડરું ભાર લાદતાં,

જે સ્નેહે થયું!

દુઆગીર,

વલીભાઈ

હું પણ મિત્ર વલીભાઈ સાથે પ્રજ્ઞાબેનના આભારમાં જોડાતાં આનંદ અનુભવું છું .

હાઈકુના અનોખા અને આકર્ષક  પ્રકાર હાસ્ય હાઈકુને લોકપ્રિય કરવામાં

શ્રી વાલીભાઈનો અમુલ્ય ફાળો રહેલો છે .

શ્રી વલીભાઈ મુસાના હાઈકુ (રમુજી ) એમના બ્લોગની

આ લિંક ઉપર વાંચો અને માણો .

વિનોદ પટેલ