વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 1, 2013

( 270 ) સુવાચનની રંગોળી – ગમતાનો ગુલાલ

 
(નીચેના સંકલિત લેખો શ્રી પ્રફુલભાઈ શાહ તરફથી એમના ઈ-મેલમાં મળ્યા છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મુક્યા છે . આ બધા લેખો ખરેખર સુવાચનની રંગોળી સમાન છે અને પ્રેરક છે –.વિ .પ .)
_____________________________________________
[ 1 ] સંપત્તિ, સફળતા અને સ્નેહ – જગદીશ જોશી
ઘરની બહાર ત્રણ વૃદ્ધોને બેઠેલા જોઈ ગૃહિણીએ તેમને ઘરની અંદર આવવા માટે આમંત્રણ આપ્યું. ત્રણમાંના એકે આંગળી ચીંધીને ઓળખાણ આપી : ‘આ છે સંપત્તિ…’ બાજુમાં આંગળી ચીંધીને કહ્યું : ‘આ છે સફળતા…’ અને પોતાની ઓળખાણ આપતાં કહ્યું : ‘હું છું સ્નેહ….’ અમે ત્રણે સાથે ભાગ્યે જ જઈએ છીએ. તમે વિચાર કરીને કોઈ એકને આમંત્રણ આપો. ગૃહિણીએ ઘરમાં જઈને પતિને વાત કરી. પતિ તો રાજી રાજી થઈ ગયો. એણે સંપત્તિને આમંત્રણ આપવાનું સૂચન કર્યું, પણ પત્નીની ઈચ્છા હતી સફળતાને બોલાવવાની. બન્ને વચ્ચે ચર્ચા ચાલતી હતી ત્યાં નાની પુત્રી આવી. પતિ-પત્નીએ વિચાર્યું કે ચાલો, પુત્રીની ઈચ્છા પૂછી તો જોઈએ. પુત્રીએ સૂચન કર્યું કે સ્નેહને પધારવાનું આમંત્રણ આપો. ગૃહિણીએ તેની વાત માનીને બહાર આવીને સ્નેહને આમંત્રણ આપ્યું. તો સ્નેહની સાથે સાથે સંપત્તિ અને સફળતા પણ ચાલવા લાગ્યા. સંપત્તિ અને સફળતાએ ગૃહિણીને સમજાવ્યું કે જો તમે અમારા બેમાંથી એકને બોલાવ્યા હોત તો બાકીના બે બહાર જ રહેત. પણ જ્યાં સ્નેહ હોય ત્યાં સંપત્તિ અને સફળતા તો હોય જ.
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)
[2] સંયુક્ત કુટુંબ-વિભક્ત કુટુંબ – લીના શેઠ
સંયુક્ત કુટુંબની પ્રથા મોટાં મોટાં શહેરોમાં તૂટતી ગઈ અને તેનું સ્થાન વિભક્ત કુટુંબે લીધું કે જેમાં માત્ર પતિ-પત્ની અને બાળકો હોય. ત્યાં પત્નીની જીવનશૈલી બદલાતાં ખાસ કરીને તેમના આરોગ્યના પ્રશ્નો ઊભા થતા ગયા. માનસી જ્યાં સુધી સંયુક્ત કુટુંબમાં હતી ત્યાં સુધી કામ સાથે, ઘરના બીજા સભ્યો સાથે વાતચીત દ્વારા સમય ક્યાં પસાર થતો અને બાળકો ક્યાં મોટાં થઈ ગયાં તે સમજાયું નહીં, પણ જ્યારથી તે પોતાના ફલૅટમાં બાળકો અને પતિ સાથે રહેવા આવી ત્યારથી તેની જીવનશૈલી જ બદલાઈ ગઈ. માનસિક પ્રશ્નોની સાથે શારીરિક અસ્વસ્થતા પણ વધી. ઘેરાવો વધ્યો સાથે ઘર અને બાળકોની જવાબદારી પણ વધી. સમય વધુ મળતો ગયો તેમ તેનો દુરુપયોગ પણ થયો. સ્વતંત્રતા અને આર્થિક સદ્ધરતાએ તેમને સંપૂર્ણ બેફિકર બનાવી દીધાં. ગામડા કરતાં શહેરમાં વસતી સ્ત્રીઓનો ઘેરાવો 32% વધારે હતો. ત્રણમાંથી બે સ્ત્રીઓ વધુ વજન ધરાવતી અને તેને લીધે વધુ રોગથી પીડાતી જણાતી હતી. માનસશાસ્ત્રી ઈરફાન ખાન જણાવે છે કે વધુ પૈસા, વધુ આરામની સાથે વ્યાવસાયિક હરીફાઈએ તનાવ વધાર્યો. અને આ તનાવે તેમને ‘વધુ આહાર’, ‘વધુ જંક ફૂડ’ ની સાથે રિમોર્ટ અને માઉસની સાથે રમતા કરી દીધા તો સાથે સાથે પતિદેવ સ્વચ્છંદી બની ગયા તો બાળકો પણ બેકાબૂ બનતાં ગયાં. આ સમયે ફરી કેટલાંક કુટુંબો સંયુક્ત કુટુંબ તરફ વળ્યાં છે જ્યાં શાંતિ સાથે આર્થિક અને સામાજિક મુશ્કેલી પણ ઓછી થાય.
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)
[3] સાવિત્રી-સત્યવાનની વાર્તા – વિનોદ ભટ્ટ
સત્યવાન-સાવિત્રીની આ વાત નથી. આ વાત સાવિત્રી-સત્યવાનની છે. ઊલટી ગંગાની વાત છે. સાવિત્રી આગળ છે. સત્યવાન પાછળ છે. સાવિત્રીના આત્માને દોરડાથી બાંધીને યમરાજા લઈ જઈ રહ્યા છે. સત્યવાન તેમની પાછળ પાછળ ચાલી રહ્યો છે. પણ આજે તો યમરાજા બહુ જ સતર્ક છે. એક વાર સાવિત્રી વડે છેતરાયા. એક સ્ત્રીથી છેતરાવાને કારણે સ્વર્ગમાં એમની ખૂબ જ મશ્કરી થયેલી. એટલે બીજી વાર એ છેતરાવા નહોતા માગતા અને માટે જ એ સત્યવાન સાથે વાત નહોતા કરતા. રખે વાતવાતમાં ક્યાંક ફસાઈ જવાય એ ભયે…! સત્યવાન મૂંગોમૂંગો યમરાજાની પાછળ ચાલી રહ્યો હતો. પત્ની માટે આમ પાછળ પાછળ આવતો આ પહેલો જ પુરુષ હતો. યમરાજાને તેની પત્નીભક્તિ માટે ઘણું જ માન થયું. તેની પત્ની-ભક્તિ પર યમરાજા પ્રસન્ન થઈ ગયા. આ પત્નીભક્ત સત્યવાનને એકાદ વરદાન પણ આપવાનું યમરાજાએ મનોમન નક્કી કર્યું. સત્યવાન સામે ફરતાં યમરાજાએ કહ્યું : ‘હું તારા પર પ્રસન્ન થયો છું. મારી પાસે ગમે તે એક વરદાન તું માગી શકે છે, પણ….’ ‘પણ, શું ?’ સત્યવાને ઉત્સુકતાથી પૂછ્યું. ‘પણ આ સાવિત્રીને તો હું જીવતી નહિ જ કરું…..’ ‘બસ….બસ….’ સત્યવાને અધીરાઈથી કહ્યું : ‘હું એ જ કહેવા આવ્યો છું ભૈશાબ, કે મહેરબાની કરીને એને સજીવન ન કરશો !
.’ (વિનોદકથાઓ-‘ઈદમ તૃતીયમ’ માંથી સાભાર.)
[4] જાન બચાવ્યો – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
એક ચિત્રકાર પોતાના માણસ સાથે ચિત્રનો સામાન લઈને એક ટેકરી પર ગયો. ચાર-છ કલાકની ભારે જહેમત બાદ એક સુંદર ચિત્ર તૈયાર કર્યું. તેમાં મજેના રંગો પૂર્યા. રંગો પૂરી લીધા બાદ ‘દૂરથી આ ચિત્ર કેવું લાગે છે’ એ જોવા માટે ચિત્રકાર મૂળ સ્થાનેથી ધીમેધીમે પાછો હટતો ગયો. જુદીજુદી ચાર-છ જગ્યાએથી ચિત્ર જોયા બાદ ચિત્રની બિલકુલ સામેની દિશામાં તે પાછળ હટતો ગયો. મોઢું ચિત્ર સામે અને પગ પાછળ ! પાછળ હટતાંહટતાં છેક ટેકરીની ધાર સુધી પહોંચી ગયો. બે જ ડગલાં પાછળ જાય તો સીધો ત્યાંથી ખીણમાં પડે ! ચિત્રની બિલકુલ બાજુમાં જ બેઠેલા ચિત્રકારના માણસે આ જોયું. પરિસ્થિતિ માપી ગયો. ‘બૂમ પાડીશ તો ગભરાટમાં ને ગભરાટમાં જ ચિત્રકાર ખીણમાં ગબડી પડશે’ એ વિચારે બાજુમાં જ પડેલો રંગનો ડબ્બો તેણે ઉઠાવ્યો અને તરત જ ચિત્ર પર ઢોળી નાખ્યો. પેલો ચિત્રકાર તો આ જોતાં જ ખૂબ ગુસ્સે થઈ ગયો. દોડતો દોડતો ચિત્ર પાસે આવ્યો અને ખડખડાટ હસી રહેલા પેલા માણસને લાફો લગાવી દીધો, ‘નાલાયક ! મારી જબરજસ્ત મહેનતને તેં બરબાદ કરી નાખી અને પાછો હસે છે ?’ ‘હજૂર ! એટલા માટે હસું છું કે એમ કરવામાં આપનો જાન બચી ગયો છે. ચિત્ર જોવામાં આપ એવા એકતાન બની ગયા હતા કે આપ ક્યાં જઈ રહ્યા છો એનો આપને ખ્યાલ જ નહોતો. મેં આપને અહીંથી પાછા હટતા જોયા. આપ છેક ટેકરીની ધાર સુધી પહોંચી ગયેલા. બે જ ડગલાં પાછળ અને આપનું મોત ! બૂમ પાડવામાં જોખમ હતું. છેવટે આપનો જાન બચાવવા માટે આ એક જ ઉપાય દેખાયો અને મેં તે અમલમાં મૂકી દીધો ! આપને જે સજા કરવી હોય તે કરી શકો છો !’ માણસે જવાબ આપ્યો. માણસને જ્યારે પોતાના કામનું અભિમાન આવે ત્યારે તેને અભિમાનમાંથી ઊગારવા માટે ઈશ્વર તેનું કામ ક્યારેક બગાડી નાખે છે પણ માણસને પૂરેપૂરો બચાવી લે છે.
(‘હું મારી જ શોધમાં’ પુસ્તકમાંથી સાભાર.)
[5] અનર્થોનું મૂળ – લિયો ટોલ્સટોય
પહેલાંના વખતમાં લોકો બીજા પાસે જબરજસ્તીથી, એટલે કે તેમને ગુલામ રાખીને મજૂરી કરાવતા. આજે પૈસાને જોરે આપણે બીજાઓ પાસે મજૂરી કરાવીએ છીએ. આ પૈસો એ જ સર્વ અનર્થનું મૂળ છે. જે લોકો પાસે પૈસો છે તે દુ:ખી છે, જે લોકો પાસેથી પૈસો છીનવી લેવામાં આવ્યો છે તે લોકો પણ દુ:ખી છે. જે લોકો પૈસાનો દુરુપયોગ કરે છે તેમને તેમનાં હૃદય ડંખે છે. જે લોકો પાસે પુષ્કળ પૈસો છે અને જે લોકોને તેનાથી વંચિત કરવામાં આવ્યા છે તેમની વચ્ચે ઝઘડો થવાનો ભય છે. આમ પૈસો સર્વ અનર્થનું મૂળ હોવા છતાં આધુનિક સમાજની બધી ધાલાવેલી તે માટે છે. આખી દુનિયા એની પાછળ દોડાદોડ કરી રહી છે. જુદા જુદા દેશો અને રાજ્યો વચ્ચે પૈસા માટે દાવપેચ રમાય છે અને લડાઈઓ થાય છે. શરાફો, વેપારીઓ, કારખાનાદારો તથા જમીનદારો પૈસા સારુ મથી મરે છે, પ્રપંચો રચે છે, દુ:ખી થાય છે અને બીજાને દુ:ખી કરે છે. અમલદારો અને કારીગરો પૈસાને માટે ઝઘડા કરે છે, છેતરપિંડી રમે છે, જુલમ કરે છે અને દુ:ખી થાય છે. અદાલતો અને પોલીસ પૈસાનું રક્ષણ કરવા માટે હોય છે. જેલો, સખત મજૂરીની સજાઓ અને કહેવાતી ન્યાયવ્યવસ્થાના બધા ત્રાસો એ સઘળું પૈસાને અર્થે છે. પૈસો સર્વ અનર્થનું મૂળ છે. આખી દુનિયા ધનની વહેંચણી કરવામાં અને ધનનું રક્ષણ કરવામાં મશગૂલ છે. પરંતુ આખો સમુદાય પોતાના મતથી વિરુદ્ધ પડ્યો હોય, ત્યાં એક માણસ શું કરી શકે ?
(‘ત્યારે કરીશું શું ?’માંથી સાભાર.)
[6] પેટમાં ખોસવાનું વાવ્યું હોય તો ? – રવિશંકર મહારાજ
અમદાવાદમાં મોટીમોટી સોસાયટીઓ થતી જાય છે. આવી એક સોસાયટીમાં મારા મિત્રે મને બોલાવેલો. એમને ત્યાં, ઘરની સામે સારી એવી જમીન હતી. ત્યાં તેમણે બગીચો બનાવ્યો હતો. ગુલાબ ને મોગરા, જાઈ ને જૂઈ, ચંપો ને ચમેલી – એવાં કેટલાંયે ફૂલો વાવીને મઢી દીધો હતો બગીચો. મેં પૂછ્યું, કેમ આટલાં બધાં ફૂલોનાં કાંઈ વનનાં વન ઉગાડ્યાં છે ને ? તો કહે, હા, ઘરમાં ભગવાનની પૂજામાં કામ આવે અને બહેનોને માથામાં ખોસવા કામ લાગે. મેં કહ્યું, પેટમાં ખોસવાનું કંઈ વાવ્યું હોય તો ! ફૂલનાં ફૂલ થાય ને તેમાંથી ફળ અને શાકભાજી થાય. ઘરને શોભાવવા માટે જાતજાતની અને ભાતભાતની વેલ ચઢાવે. અલ્યા, વાલોરનો વેલો ચડાવે તો શું ઘરનું સુશોભન ઓછું થાય ? આંબાને બદલે આસોપાલવ જ વાવવાનો. આંબો વાવે તો તે ગામડિયો ગણાય. હાફુસ ને પાયરી ખાતાં ગામડિયો ના ગણાય ! અને શાકભાજી પણ જેમ વધુ ખાય તેમ વધુ સુધરેલો ગણાય. ભાણામાં બે-પાંચ શાક હોય તે ઘર સંસ્કારી અને ખાનદાન ગણાય ! પણ એ શાક ઉગાડવાનું ન સૂઝે. એટલું જ નહીં, પણ એ ઉગાડીને આપણને ખવડાવનાર ઊતરતો ગણાય. એની તો કોઈ પ્રતિષ્ઠા જ નહીં ને ! પ્રતિષ્ઠા તો લૂગડા પર એક ડાઘો ય ન પડવા દેનાર ફૂલફટાક થઈને ફરનારાઓની. ઘેર આવ્યો હોય તો સાદડી ઉપરેય ન બેસાડે. કારણ કે તે ખરબચડાં કપડાં પહેરનારો, ટિનોપોલ અને ગળી વિનાનાં કપડાં પહેરનારો. એની સાથે ઉજળિયાતની આઠ-દસ વરસની છોડીયે તુંકારાથી વાત કરે ! આવું વાતાવરણ હોય ત્યાં ગરીબાઈ જાય ક્યાંથી ? શ્રમ કરનારાને વધુ મહેનત કરવાની હોંશ થાય ક્યાંથી ? એક માણસ કેટલી બધી મહેનત કરીને દાણાં પકવે છે, કમસેકમ આપણને વહાલો તો લાગવો જોઈએ ને ? પણ આપણે તો આ વિશે કાંઈ ચિંતવન જ કર્યું નથી.
(‘સંતની મંગલવાણી’ પુસ્તકમાંથી સાભાર.)
PRAFUL C. SHAH BORIVALI ( W ), MUMBAI 400 091
PHONE : 022-2898 4951, (M) 9322591560