વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 274 ) અપમાનિત થતા વડિલો અંગેનો જટિલ પ્રશ્ન -એક સર્વેક્ષણ

Old COUPLE-1

 
ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી ૭૬ વર્ષના મિત્ર શ્રી પી.કે. દાવડા તરફથી “અપમાનિત થતા વડિલો ” એ નામે મુંબઈ સમાચારમાં પ્રગટ એક સમાચારને ટાંકીને કેટલાક આંખ ખોલી નાખે એવા આંકડાઓ રજુ કરતો એક વિચાર પ્રેરક ઈ-મેલ પ્રાપ્ત થયો છે .
 
આ ઈ-મેલને એમના આભાર સાથે નીચે અક્ષરસઃ નીચે ટાંકુ છું .
 
ઈ-મેલમાં આંકડાઓને અંતે એમણે એમના અંગત વિચારો પણ રજુ કર્યાં છે  જે મનનીય છે .
 
અપમાનિત થતા વડિલો
 
૮મી જુલાઈ,૨૦૧૩ માં મુંબઈ સમાચારમાં એક સર્વેક્ષણના આંકડા પ્રગટ થયા છે.
 
આ સર્વેક્ષણ મુજબ ૬૦ વર્ષથી વધારે ઉમ્મરના વડિલોને અપમાનિત કરવાની વૄતિ કુટુંબોમાં વધતિ જાય છે.
 
સર્વેમાં જણાયું છે કે અપમાન કરવામા ૫૯ % પુત્રવધુઓ હોય છે, જ્યારે ૪૧ % પુત્ર હોય છે.
 
અપમાનિત થતા વડિલોમાંથી ૨૦ % નું રોજ અપમાન થાય છે, ૨૯ % નું અઠવાડિયે એકવાર, ૨૫ % નું
 
મહિને એકવાર અપમાન થાય છે. બાકીના ૨૬ % નું ક્યારેક ક્યારેક અપમાન થાય છે.
 
જ્યારે પુછવામાં આવ્યું કે ફરિયાદ શા માટે કરતા નથી, તો ૪૬ % લોકોએ કહ્યું કે કુટુંબની વાત બહાર કેમ
 
કહેવાય? જ્યારે ૫૪ % એ કહ્યું, કોને ફરિયાદ કરીએ?
 
સર્વેમાં ૬૫ % વૃધ્ધોએ કબુલ કર્યું હતું કે હા વૃધ્ધોનું અપમાન થાય છે, પણ પોતાનું અપમાન
 
થાય છે એમ કબુલ કરનારામાં
 
મુંબઈમાં ૧૧ %,
હૈદ્રાબાદમાં ૩૭.૫ %
કલકતામાં ૨૮ %
દિલ્હીમાં ૨૦ % અને
ચન્નઈમાં ૯.૬૪ % લોકો જ હતા.
 
આમ સરેરાશ ૨૦ % વૃધ્ધોએ તો કબુલ કર્યું કે તેઓ અપમાનિત થાય છે.
 
૧૫મી જૂને ‘વિશ્ર્વ વૃદ્ધ અત્યાચાર વિરોધી જાગૃતિ દિન’ હતો. એ નિમિત્તે એક બિનસરકારી સંસ્થાએ કરેલા
 
૨૪ શહેરોમાં ૬,૭૪૮ જયેષ્ઠ વય (૬૦ વર્ષથી વધુ)ના વડીલોના સર્વેક્ષણનાં પરિણામો ચિંતા કરાવે એવાં
 
અને ચોંકાવી મૂકે એવા છે.
 
લાંબો સમય કુટુંબના સંચાલનની દોર પોતાના હાથમાં રાખી હોવાના પરિણામે ચોક્કસ માન-આદર-આધિપત્યથી ટેવાઈ ગયેલા વૃદ્ધોને આ વયે એથી વિરુદ્ધનો અનુભવ બહુ આકરો લાગે છે. આત્મસન્માન તૂટે, ઈચ્છાનો અમલ ન થાય, અપમાન થાય, હડધૂત થવાય, ઝઘડા થાય, ન કર્યાં હોય એવાં કામો કરવાની ફરજ પડે કે એવી અસહ્ય અને તદ્દન અસ્વીકાર્ય સ્થિતિ અનેક ઘરોમાં પ્રવર્તતી હોય છે. માત્ર અભણ ગરીબ કે ચોક્કસ સામાજિક માળખાનાં કુટુંબોમાં વૃદ્ધોની આ હાલત હોય છે એવું નથી, ભણેલા-ગણેલા, આર્થિક રીતે સમૃદ્ધ અને ચોક્કસ સામાજિક દરજ્જો ધરાવતાં કુટુંબોમાં પણ વૃદ્ધોની આવી સ્થિતિ છે.
 
૨૧મી સદીમાં માનવ અનેકવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે, ભૌતિક સુખ-સગવડો વધી રહી છે, આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આગળ વધવા ફાંફાં મારતો થયો છે, શિક્ષણનો વ્યાપ વધવા સાથે એના સામાજિક લાભો મળતા થયા છે. આ સ્થિતિમાં એનું હૃદય સંકોચાઈ રહ્યું હોવાનું તારણ ચિંતા ઉપજાવે છે. વૃદ્ધો સાથેનો આવો રુક્ષ વ્યવહાર અને વૃદ્ધો પ્રત્યેનો આવો કઠોર અભિગમ, માણસ તરીકેની
આપણી શરમ જ લેખાવી જોઈએ.
 
આ માટેનાં કારણો હોય તો પણ સમજાવટ, આગ્રહ, કે લાગણીના દબાણથી પરિસ્થિતિ બદલી શકાય.
 
મૂળ સવાલ એ છે કે આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થઈ?
 
અમે નાના હતા ત્યારે છેક નાની વયથી જ અમને શિખવવામાં આવતું,
 
“કહ્યું કરો મા બાપનું, દયો મોટાને માન,
 ગુરૂને બાપ સમા ગણો, મળસે સારૂં જ્ઞાન.”
 
અને
 
મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ
એથી મીઠી તો મોરી માત રે,
જનનીની જોડ જગે નહિં જડે રે લોલ..
 
અને
 
છડો હું હતો છોકરો છેક છોટો
પિતા પાળી પોષી મને કીધી મોટો
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી
 
અને

ભૂલો ભલે બીજું બધું, માબાપ ને ભૂલશો નહિ,

અગણિત છે ઉપકાર એના, વાત વીસરશો નહિ.

“લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યાં,

એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહિ.”

 
 
બસ આ શિક્ષણે જ અમને અમારા વડિલોનું અપમાન કરતાં રોકી રાખ્યા.
 
-પી.કે.દાવડા
————————————————————————
 
શ્રી પી.કે.દાવડાનો ઉપરનો ઈ-મેલ વાંચતાં જ મને વિનોદ વિહારની અગાઉની તા.૨૩ મી જાન્યુઆરી
 
૨૦૧૨ની ” ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા ” એ નામની પોસ્ટનું
 
સ્મરણ થઇ આવ્યું .
 
શ્રી દાવડાજીના ઈ-મેલના સંદર્ભમાં વાચકોને એ વાંચવા માટે  એ પોસ્ટને ફરી નીચે મૂકી છે .
 
 
ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા – સંકલન
 
( નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .)
 
 
———————————————————————-
  
માવતર એ જ મન્દીર
 
જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો,
ખવડાવશો–પીવડાવશો;
પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?
 
એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;
પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?
 
મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;
પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?
 
બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;
પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?
 
સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;
પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?
 
લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;
પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?
 
હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;
પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?
 
‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;
પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?
 
–વલ્લભભાઈ ઈટાલીયા
સૌજન્ય :(શ્રી ગોવિંદ મારુ ,અભિવ્યક્તિ બ્લોગ )
 
 

10 responses to “( 274 ) અપમાનિત થતા વડિલો અંગેનો જટિલ પ્રશ્ન -એક સર્વેક્ષણ

  1. pragnaju જુલાઇ 11, 2013 પર 5:22 એ એમ (AM)

    આંકડા દુઃખદ છે પરંતુ કેટલીક વાર વડિલોનો પણ વાંક હોય છે
    ઘણા વર્ષ પહેલા વડિલોના વાંકે નાટક પણ જોયું હતુ

    ના ઉતરમા વડિલશ્રી એ ઊતર આપ્યો

    સવાલ વાંકનો નથી, સવાલ બદલાયલી મનોવૃતિનો છે. વડિલોના વાંકે મેં આઠ વર્ષની વયે જોયેલું, છતાં મેં મારા સમયમાં વડિલોનો અનાદર કરતા સગાં-સંબંધી કે મિત્રો જોયાનું યાદ નથી. આજે જ્યારે પણ હું અહીં અમેરિકામાં સીનિયર લોકોની સંસ્થાઓમાં જાઉં છું તો મિત્રો મને ખાનગીમાં આ જ ફરિયાદ કરતા હોય છે. મારા એક દક્ષિણ ભારતીય મિત્ર એના સ્ટેટના ચીફ એંજીનીર હતા, ત્રણ ચાર કરોડની મિલ્કતના માલિક છે, પણ અહિં અમેરિકામાં એમની પુત્રવધુ છેલ્લા આઠ વર્ષથી એમની સાથે વાત પણ કરતી નથી અને નામ માત્રનું પણ સન્માન આપતી નથી. આપણે ક્યાં સુધી પાંગળા બચાવ કરી આપણા સંતાનોને ઢાંકીશું?

    આપણા બ્લોગના વડિલ ની વાત કોકવાર અનુકૂળ ન લાગે તો સવિનય જણાવીશું પણ અનાદરપૂર્વક નહીંજ

    Like

  2. rajendra જુલાઇ 11, 2013 પર 7:55 પી એમ(PM)

    ઘણી દુખદ વાત છે.

    Like

  3. pravina Avinash જુલાઇ 12, 2013 પર 7:15 એ એમ (AM)

    વડીલ વ- વગર વાંકે
    ડી- ડંડાઈ ઉંહકારો ન ભણે
    લ- લપાઈને જોયા કરે

    વડીલોનો પણ વાંક હોઈ શકે તેમાં બે મત નથી. માત્ર બધી વાતને શંકાથી જોવી એ ક્યાંનો ન્યાય ?. વડીલો ઉદાર દિલ રાખે, મનને સંયમમા રાખે, ફાવશે, ચાલશે, ભાવશેની વૃત્તિ હોય છતાં ચાલે” કહી આંખ આડા કાન કરે. વધતી જતી ઉમરનો મલાજો ન પળાય તેથી દુખ થાય પણ છતાંય મોકળે મને “એ તો એમ જ ચાલે” કહી બાકીની જીંદગી સારી રીતે જીવવી આવશ્યક છે.

    એક જીંદગી જીવવાની છે. ફરિયાદ કરવા કરતાં અવગણના કરતાં શિખવું અગત્યનું છે.

    પિપળ પાન ખરંતા હસતી કુંપળિયા

    મુજ વીતી તુજ વિતશે ધીરી બાપલિયા

    Like

  4. DR. CHANDRAVADAN MISTRY જુલાઇ 12, 2013 પર 10:45 એ એમ (AM)

    The Topic of “How the Elders are treated by the Younger Generation in the Modern Times ?”
    I read Pragnajuben’s Reply.
    At times the Elders are at Faults for the Events.
    The Elders MUST lower the expectations from the Young Ones.
    The Elders MUST abandon the OLD Thoughts & adopt the Changing World.
    The CHANGE in the Attitude in the Elders may make the younger Generation to RETHINK…may be there is a BETTER UNDERSTANDING between ALL.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    There must be a SURVEY in the YOUNGSTERS about their feelings about the ELDERS.
    Thus…there can be SOLUTIONS !

    Like

  5. jjkishor જુલાઇ 12, 2013 પર 12:03 પી એમ(PM)

    દરેક સવાલને એકથી વધુ બાજુઓ હોય જ છે. નાનપણમાં આપણે જુદા હતા તે વાત અમુક લોકો માટે સાચી હોઈ શકે છે પણ જૂના સમયમાં પણ પરિસ્થિતિ તો આવી જ હોવી જોઈએ…..સંયુક્ત કુટુંબો અનિવાર્ય હતાં તેથી બીજો કોઈ જ ઉપાય ન હોય ત્યારે અપમાનિત થતાં વૃદ્ધો શું કરી શકે ? શહેરોમાં પણ સંયુક્ત કુટુંબના રિવાજો હતા જ અને તેવે સમયે ગરીબી અને સંકડાશને કારણે કોણ કોને ફરિયાદ કરે ?

    ફરિયાદ કરનારા ઘરડા લોકો જ હોય તે સહજ છે પણ યુવાનોની પરિસ્થિતિની ફરિયાદો પણ હોય….આર્થિક તો ખરી જ પણ સંકડાશનાય પ્રશ્નો ઓછા નથી હોતા…

    ઘણી વાર તો અપેક્ષાઓ જ કારણભૂત હોય છે ! બન્ને પક્ષની અપેક્ષાઓ ક્યારેય સંતોષી શકાતી નથી. બન્ને પક્ષોના મનોજગત અલગ હોય છે. વૃદ્ધો પણ યુવાન હતા ત્યારે તેમનું જે હતું તે મનોજગત યાદ કરે તો ઘણા સવાલોના જવાબ મળી જાય.

    દરેક યુગને પોતાની ખાસિયત હોય છે. ઘડપણ એ સમયનો બદલાવ હોય છે ને બદલેલા સમયને અનુકૂળ થવાની વાત ભાગ્યે જ કોઈ કરે છે.

    પરસ્પર અનુકૂલન એ જ આ મહાપ્રશ્નનો ઉપાય બની શકે છે.

    સરસ લેખો બદલ સૌ કોઈનો આભાર.

    Like

  6. પરાર્થે સમર્પણ જુલાઇ 12, 2013 પર 6:27 પી એમ(PM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

    આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબ પાસે અનુભવનૂ બાથુ

    સાથે પ્રસંગને નિરખવાની અનેરી દ્રષ્ટી છે.

    આ સમસ્યા હવે શહેરોમાંથી ગામડાં સુધી વિકસી છે.

    Like

  7. dadimanipotli1 જુલાઇ 12, 2013 પર 10:08 પી એમ(PM)

    એ હકીકત છે કે આંકાડા દુઃખદ છે, અને સાથે સાથે એ પણ હકીકત છે કે અહીં વડીલોના આંકડા આપી આપણે તેમને બિચારા બનાવી આપવાના નથી. પોતાની જાતને કેમ સંભાળવી તે જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. કોઇપણ બાબત -પરિસ્થિતિ ને મૂલવતા પહેલા તેનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. અનેક સંજોગો અને પરિસ્થિતિ, રહેણીકરણી, ખોરાક, આર્થિક ઉપાર્જન, કુટુંબ વ્યવસ્થા, રહેણાંક ની જગ્યાની સગવડતા વિગેરે નાં પરિણામ આપણે આ પ્રકારની પરસ્થિતિ સમાજ સમક્ષ ઉભી થયેલી જોઈએ છીએ . બાળકોને બચપણ થી ક્યા અને કેવા સંસ્કાર આપવા જોઈએ ? તેમની સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ ? કુટુંબનું વાતાવરણ ? કુતુંમ્બા સભ્યો માટે સમય કાઢવો… તેના કાર્યમાં રસ લેવો …. આવા અનેક ફેક્ટર આ બાબત માટે ઘણેખરે અંશે જવાબદાર છે… સમય નાં નામે પૈસા પાછળ ની દોટ, સાથે બેસી થોડો સમય વાતચીત કરવાનો કે ભોજન કરવાનો સમય આજે અનેક પરિવારોમાં નથી. સમય ને અનુલક્ષી ને વડીલોના તેમજ યુવાનોના વિચારોમાં બદલાવ પણ દરેક માટે જરૂરી છે, જે કારણે અમૂક પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ જ ઘટી જાય છે… ખાસ તો પરસ્પર અનુકુળતા જેટલી વધુ કેળવાશે તેટલી મર્યાદાઓ પણ જળવાશે …

    ખૂબજ સુંદર અવલોકન અને લેખ છે, અને આવા લેખ જ નહિ પરંતુ તંદુરસ્ત ડીબેટ પણ સાથે સાથે જરૂરી છે. લેખ બદલ આભાર !

    Like

  8. Pingback: જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો ……….. લેખક- શ્રી દિનેશ પાંચાલ | વિનોદ વિહાર

  9. Ramesh Patel જુલાઇ 13, 2013 પર 6:34 એ એમ (AM)

    પ્રશ્ન છે, સંજોગો સાથે સમાધાન ને વધુ પડતી અપેક્ષાની વાતો પણ આ સંદર્ભે મૂલવવી પડે તેમ છે.આમછતાં મૂલ્યો તો બદલાયા જ છે…અત્યારે અપંગ વ્યક્તિ કુટુમ્બમાં લાચાર થઈ જાય એવી દશા છે.

    સરસ માહિતી લેખ દ્વારા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  10. mdgandhi21, U.S.A. જુલાઇ 13, 2013 પર 4:40 પી એમ(PM)

    હવે તો ગામડામાં પણ “વડીલ” જો કમાતો નહોય તો કોઈ કિંમત નથી, તો શહેરમાં તો કિંમત ક્યાંથી રહેવાની? જગ્યાની મારામારી, મોંઘવારી, માંદગી, એટલેજ અમેરીકાના યુવાનોએ વર્ષો પહેલાં પોતાના ભવિષ્ય માટે “સોશ્યલ સીક્યોરીટી”ની સ્થાપના કરી દીધેલી, કેમકે તેમને ખબર હતી કે, તેમણે તેમના માબાપને રાખ્યા નથી, તો તેમના બાળકો તેમને ક્યાંથી રાખવાના? અને કરેલી બચત જો રાખી મુકી હોય તો સંતાનો કદાચ પડાવે લ્યે અથવા ઉડાવી દયે, એટલે પોતાની જ બચત ૬૫-૬૭ વરસ પછી સરકાર તરફથી જ નિયમિત મળ્યા કરે અને સંતાનોના સહારે કે ભરોસે ન રહેવું પડે…… હાલના ભવિષ્યમાં ભારતમાં તો આવું શક્યજ નથી..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: