વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 9, 2013

( 287 ) ભગવાનનું અસ્તિત્વ ………એક વિચાર મંથન……

ભગવાન છે ? છે તો ક્યાં છે ? કોણે જોયો છે ? આવા અનેક પ્રશ્નો ઘણા માણસોના મનમાં વણ ઉકલ્યા રમ્યા કરતા હોય છે .

માણસો  બે પ્રકારના હોય છે .ભગવાનમાં જે માનતા હોય એવા આસ્તિકો અને ભગવાનને માનતા ન હોય એવા નાસ્તિકો .

નાસ્તિક અથવા રેશનાલીસ્ટ માણસો જે બાબત વિજ્ઞાનના સિદ્ધાંતો લાગુ પાડીને સાબિત કરી ન શકાય એને માનવા તૈયાર નથી હોતા . આસ્તિકો ધર્મને પાયામાં રાખી એમાં શ્રધા અને આસ્થા રાખી ભગવાન એક પરમતત્વ છે એમ માનીને એની હસ્તીને સ્વીકારી એને ભજે છે . કહેવાતા નાસ્તિક લોકો અને આસ્તિક લોકોની  વિચારવાની દ્રષ્ટિમાં ફેર છે . નાસ્તિક બાહ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુએ છે જ્યારે આસ્તિક પોતાના અંતરની ધાર્મિક પરંપરા પ્રમાણે ઘડાયેલી આંતર દ્રષ્ટિથી જુએ છે અને વિચારે છે . .

ભગવાન છે કે નથી એ વિશેની ચર્ચા અંગે મને અંગ્રેજીમાં વાંચેલી એક રમુજ કથા અત્રે યાદ આવે છે  .

અમેરિકાની એક શાળામાં ભગવાનમાં ન માનતાં એવાં એક શિક્ષિકા વર્ગમાં પૃથ્વીની ઉત્ક્રાંતિનો સિધાંત અને ભગવાન અંગે બાળકોને સમજાવી રહ્યાં હતાં .આ વર્ગમાં એક સાત વર્ષની ચબરાક છોકરી પણ હતી .

શિક્ષિકાએ એક કેવન નામના છોકરાને ઉભો કર્યો અને એને પૂછ્યું .

” કેવન, બારી બહાર  નજર કર , તને ત્યાં એક ઝાડ દેખાય છે ?”

કેવન – હા .

શિક્ષિકા – તને બહાર લોનનું ઘાસ દેખાય છે ?

કેવન- હા

શિક્ષિકા – હવે ઉંચે નજર જોઈને કહે ઉપર આકાશ દેખાય છે ?

કેવન- હા બેન, મને આકાશ દેખાય છે .

શિક્ષિકા- કેવન ઉપર આકાશમાં જોયું ત્યારે ત્યાં તને ભગવાન દેખાયા ?

કેવન- ના બેન , ન દેખાયા .

શિક્ષિકા- બાળકો મારે તમને  સમજાવવાનો આ જ મુદ્દો છે કે કે આપણે ભગવાનને જોઈ નથી શકતા કારણ કે એ ત્યાં છે જ નહિ . જેનું  અસ્તિત્વ જ નથી એ ક્યાંથી દેખાય ?

આ સાંભળીને સાત વર્ષની પેલી ચબરાક છોકરી લ્યુસી ઉભી થઇને શિક્ષિકાને કહે છે  –

” બેન , હું  આ કેવનને  થોડા પ્રશ્નો પૂછી શકું ?”

શિક્ષિકા –  હા જરૂર એને પુછ .

લ્યુસી- બોલ કેવન ,બહાર તને ઝાડ દેખાય છે ?

કેવન – હા .

લ્યુસી- બહાર આકાશ દેખાય છે ?

કેવન – હા .

લ્યુસી- કેવન, તને આપણા આ  શિક્ષિકાબેનનું માથું દેખાય છે ?

કેવન – હા, દેખાય છે .

લ્યુસી- તને એમનું મગજ દેખાય છે ?

કેવન- ના નથી દેખાતું .

લ્યુસી- તો આપણને આ બેને આજે વર્ગમાં જે શીખવ્યો એ ન દેખાય એ હોઈ જ ન શકે એ નિયમને આધારે એમનામાં મગજ હોઈ જ ન શકે !

આ વાત ઉપરથી મને સ્વામી વિવેકાનંદના ગુરુ  શ્રી રામકૃષ્ણ પરમહંસનું આ અવતરણ ટાંકવાનું મન થાય છે .

“દહીમાં માખણ છે એ સૌ જાણે છે , હું પણ જાણું છું , તમે પણ જાણો છો .દહીને ધીરજથી વલોવવાથી જ માખણની પ્રાપ્તિ થાય છે .દહીમાં માખણ છે એમ પોકારવાથી કે એનું રટણ કરવાથી એ નહી મળે .એક બાળક લાંબા વખતથી વિખુટી પડેલી એની માતાની ગોદમાં જવાને માટે જેટલી આતુરતાથી ઝંખે છે એટલી જ આતુરતાથી ભગવાનની પ્રાપ્તિ માટેની ઈચ્છા સેવતા રહો અને એને ભજતા રહો .”- શ્રી રામકૃષ્ણ પરમહંસ

ભગવાન કઈ એવી હસ્તી નથી કે એને નરી આંખે જોઈ શકાય . આપણું આ શરીર એક મંદિર છે અને એ મંદીરમાં જ ભગવાન બિરાજમાન છે .

આપણે ભારતીયો જ્યારે એક બીજાને મળીએ છીએ ત્યારે બે હાથ જોડી નમસ્તે કરીએ છીએ .આ નમસ્તે  એટલે નમઃ + તે  એટલે કે હું તારામાં રહેલા ભગવાનને નમન કરું છું . 

આત્મા એ જ પરમાત્મા . એ અદ્રશ્ય શક્તિ જ આપણને ચલાવી રહી છે . મોટા વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ પણ એ અદ્રશ્ય શક્તિને પીછાણી છે .

આઈન્સ્ટાઈન જેવા પ્રખર વૈજ્ઞાનિક પણ એવી માન્યતા ધરાવતા હતા કે વિજ્ઞાન અને ધર્મ એક બીજાથી જુદા નથી પરંતુ એક બીજાના પુરક છે .

” SCIENCE WITHOUT RELIGION IS LAME , RELIGION WITHOUT SCIENCE IS BLIND “

—  Albert Einstein

મોટું ઓપરેશન કર્યાં પછી નિષ્ણાત ડોક્ટર કહેતા હોય છે કે મારા મેડીકલ જ્ઞાનનો બધો ઉપયોગ કરીને મેં મારાથી બનતું બધું કર્યું છે હવે દર્દીના જીવન કે મરણનો આધાર ઉપર ભગવાન ઉપર છે .

દરેક મનુષ્યની અંદર આ પરમ તત્વ કે પરમ શક્તિનો વાસ હોય છે પણ આપણે એને બરાબર ઓળખી નથી શકતા .

 ”મારા નયણાની આળસ રે ન નિરખ્યા હરિને જરી,

એક મટકુ ન માર્યુ રે નજરીયા ઝાખી કરી.”

આપણી બધી જ ઇન્દ્રીઓનું ચાલક બળ આ પરમ શક્તિ કે પરમાત્મા છે . એની હોવા કે ન હોવાની ચર્ચા  અસ્થાને છે .

આજે તો પરિસ્થિતિ એવી છે કે ભગવાને જેમને બનાવ્યા એ જ માણસો ભગવાનને બનાવી રહ્યાં છે !

પરવરદીગારે જીભ દઈ તને બોલતો કર્યો

ત્યારે પૂછ્યું એ જીભથી ,પરવરદિગાર ક્યાં છે ?

— શાયર શાહબાજ

પરમ તત્વની કૃપા કોઈ કાર્યને પાર પાડવા માટેની  પહેલી શરત છે.પરમ તત્વની આપણા ઉપરની અસીમ કૃપાને કદી ન વિસરીએ.

One who meditates, all his knots of his heart, the bondages are opened; all the doubts are eliminated and one becomes gradually free from the fetters of action with ego.      ~Mundak Upanishad

 

વિનોદ પટેલ

——————————————————-

ભગવાન છે ? છે તો ક્યાં છે ? કોણે જોયો છે ?   આવા બધા છુલ્લ્ક પ્રશ્નોનો જવાબ નીચે મુકેલ વિડીયોમાં તમને જોવા મળશે .

“જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની -એક અદભૂત વિડીયો

નીચેનો વિડીયો જોઈને તમને જરૂર અનુભૂતિ થશે કે જગતમાં વિખરાયેલી પડેલી નયન રમ્ય  કુદરતી

સૃષ્ટિને બનાવનાર કોઈ પરમ તત્વ છે ખરું .

છોડ છોડમાં રણછોડ અને દેરક જીવમાં શિવનો વાસ છે .

 

આ અદભૂત વિડીયોમાં ગવાતા Brian Doerksen રચિત સુંદર અંગ્રેજી ગીત  “Creation Calls”
 
માં આવો જ સંદેશ છે .
 

The Magnificent
 
 

આ વીડીઓ જોઈને મને જે કાવ્ય રચના માટેની પ્રેરણા થઇ એને નીચે પ્રસ્તુત કરું છું .

જ્યાં જ્યાં નજર મારી ઠરે,…

જગતપતિની અગણિત અગમ્ય લીલાઓ થકી

આ સચરાચર ભર્યું ભર્યું દિશે ચોપાસ ,

ઓ અગમ સર્જનહાર તારી અદભૂત કલાકૃતિઓ

અને મનોરમ સૃષ્ટિ જોવાનો મને આનંદ અપાર

 આ વાતા પવનો અને વહેતા જળનું સંગીત,

 વિશાલ જલધિ ,ઉડતાં પંખીનો નીડર સમૂહ,

 ગુલાબની સુગંધ અને નવજાત બાળ રુદન,

 લીલાછમ મેદાન,પર્વતો અને ઊંડી ખીણો

એક જોઈએ અને બીજી ભૂલીએ એવી અનેક

તારી રચેલી સૌન્દર્ય અપાર લીલાઓ જોઈને

એક બાળક બનીને હું પણ અવશ્ય માનું , પ્રભુ ,

આ નજરે દેખાઈ રહેલી તારી હયાતીને !

અને હર્ષોલ્લાસે આ ગીતની પંક્તિ ગાઈ ઉઠું ,

જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.

 વિનોદ આર. પટેલ

———————————

 

Grandpa-Grand daughter