વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 289 ) કવિ શ્રી હેમેન શાહ અને એમની રચનાઓ – લેખક શ્રી સૌરભ શાહ

સુરત નિવાસી મારા સાહિત્ય રસિક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમની

ઈ-મેલમાં કવિ હેમેન શાહના કાવ્ય પુસ્તકનું સરસ રસ દર્શન કરાવતો

મુંબઈ સમાચારમાં પ્રગટ શ્રી સૌરભ શાહ લીખિત એક લેખ મોકલ્યો છે .

આ સાહિત્યિક લેખ મને ગમી જતાં, શ્રી ઉત્તમભાઈ , શ્રી સૌરભભાઈ અને મુબઈ સમાચારના આભાર
સાથે આજની પોસ્ટમાં મુકતાં આનંદ થાય છે .
આશા છે વિનોદ વિહારના વાચકોને પણ એ લેખ જરૂર ગમશે .
વિનોદ પટેલ

—————————————-

 

 

 

 

kavi hemen shah

કંઠને શોભે તો શોભે   માત્ર પોતાનો અવાજ પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

 

                                                                      સન્ડે મોર્નિંગસૌરભ શાહ
 
  આ વર્ષના ‘કવિ કલાપી   ઍવોર્ડ’ના હક્કદાર હેમેન શાહના કોઈ બે જ શેર યાદ કરવાના હોય તો હું   જિંદગીના નિચોડસમા આ બે શેર ટાંકું:
 
  મન ન માને એ જગાઓ પર   જવાનું છોડીએ,
 
  કોઈના દરબારમાં હાજર   થવાનું છોડીએ.
 
  કંઠને શોભે તો શોભે   માત્ર પોતાના અવાજ,
 
  પારકી રૂપાળી કંઠી   બાંધવાનું છોડીએ.
 
  ખુમારીની માત્ર વાતો ન હોય.   સ્વાભિમાન અને આત્મસન્માનનાં માત્ર બણગાં ફૂંકવાનાં ન હોય. સેલ્ફ એસ્ટીમ શું ચીજ   છે તેની જાણ કડવાસારા અનુભવો થયા પછી થતી હોય છે. જે કવિ આ બધામાંથી પસાર થઈ   ચૂક્યા હોય એ જ આટલી સરળ ભાષામાં આવી ગહન વાત રજૂ કરી શકે. કવિ હેમેન શાહ આવા   ખુદ્દાર સમકાલીન ગુજરાતી કવિઓમાં પહેલી હરોળમાં સ્થાન ધરાવે છે.
 
  વ્યવસાયે ડૉક્ટર, ડર્મેટોલોજિસ્ટ   જેમને સાદી ભાષામાં સ્કિન સ્પેશિયાલિસ્ટ કહેવાય. પિતા અમૂલ શાહ પણ જાણીતા ડૉક્ટર   હતા અને લઘુબંધુ નીલેન શાહ પણ વિખ્યાત ઓર્થોપેડિક. ડૉક્ટર ફેમિલીમાં ઉછેર એટલે   કવિને આમ કવિ જેવી આર્થિક હાડમારીમાંથી પસાર નહીં થવું પડ્યું હોય. પણ જિંદગીની   બધી ખુશીઓ કે જિંદગીનાં બધાં સપનાંઓ માત્ર આર્થિક સલામતીમાંથી નથી આવતાં. રોટી, કપડાં ને   મકાનની ચિંતામાંથી મુક્ત થઈ ગયા પછી માણસને અનેક લાલચો સતાવતી હોય છે. આવી   લાલચોનો સામનો કર્યા પછી જે વિચારો પ્રગટ થાય છે તે ભઠ્ઠીમાં ઓગળીને બહાર આવેલા   શુદ્ધ સોના જેવા હોય છે.
 
  કવિતા લખવાનું કામ માત્ર પ્રતિષ્ઠા   મેળવવા માટે નથી થતું. પોતાની આસપાસ જોયેલી અને પોતાની અંદર જિવાયેલી જિંદગીના   અનુભવોમાંથી સાર ગ્રહણ કરીને શબ્દોમાં મૂકવાનું કવિકર્મ સૌથી મહત્ત્વનું હોય છે.   હેમેન શાહ આ કર્મને વફાદારીથી વળગી રહ્યા છે. પોતાની જાતને સતત પ્રમોટ કર્યા   કરતા સાહિત્યકારો, લેખકો, પત્રકારોથી તેઓ ઘણા જુદા છે. કવિતા લખાઈ ગયા પછી એનું શું   કરવાનું? કશું જ નહીં,   હેમેન શાહ કહે છે અને આ ભાવને   પદ્યમાં મૂકતાં લખે છે:
 
  તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,
 
  કાગળની હોડીને કદી ધક્કા   મરાય નહીં.
 
  પોતાના સર્જનનો અને   પોતાના નામનો હાઈપ ઊભો કરવાનો આ કોઈ શો બિઝનેસ નથી. ચૂપચાપ લખીને બાજુમાં સરકી   જવાની આ કળા છે. આ લખાણોમાંથી જે ટકવાનું હશે તે ટકશે. નરસિંહ, મીરાં કે સૂરદાસે મુશાયરાઓ ગજવ્યા નથી છતાં ટક્યાં છે. સત્ત્વશીલ   સર્જન તાળીઓનું, પ્રસ્તાવનાઓનું કે પબ્લિક રિલેશનશિપનું મોહતાજ   નથી હોતું.
 
  સર્જનમાં અનુકરણ મૃત્યુ સમાન છે.   કોઈના જેવું લખવું એટલે મૂળની છઠ્ઠી ફોટોકોપી બનીને સાહિત્યના બજારમાં મહાલવું.   વિચારોમાં અને રજૂઆતમાં જે પોતાની રીતે આગળ વધે છે તે જ સાહિત્યકારના શબ્દો અમર   બને છે. રિફ્લેક્ટેડ ગ્લોરીમાં ઊજળા દેખાઈને કે કોઈ મહાનુભાવનો હાથ પકડીને તમે   ક્યાં સુધી પ્રવાસ કરી શકવાના છો?   હેમેન શાહે પોતાની આસપાસ આવું ઘણું   ઘણું જોયું છે. અને એટલે જ એ કહી શકે છે:
 
  ચાંદની રાતે સરોવર બનવું   તો સૌને ગમે,
 
  આગિયા બનવાની હિંમત થાય   તો કંઈ થઈ શકે.
 
  હેમેન શાહનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક, ખ કે ગ…’ ૧૯૮૮માં   તૈયાર થયો અને ૧૯૮૯માં ગુજરાત સાહિત્ય અકાદમીએ એ પ્રગટ કર્યો એ પહેલાંથી એક ભાવક   તરીકે હું એમની સર્જનપ્રક્રિયાનો સાક્ષી અને ચાહક રહ્યો છું. ત્રણ દાયકા કરતાં   વધુ સમય પહેલાં જે કવિ માનવ સંબંધોની આરપાર આ રીતે જોઈ શકે એ કવિની સમજણ કેટલી   પુખ્ત હશે, વિચાર કરો:
 
  ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર   તપાસ કર,
 
  લોહી વડે લખાયેલા અક્ષર   તપાસ કર.
 
  ત્યાં મિત્રતાના અર્થને   ચોખ્ખો લખ્યો હશે,
 
  જુલિયસ સીઝરની પીઠનું   ખંજર તપાસ કર.
 
  સામાજિક ચેતના અને સાંપ્રત વેદના   જેવાં શબ્દજોડકાં વિવેચકો માટે અનામત રાખીએ. પણ કવિએ વર્તમાનયુગમાં સત્તાશાળીઓ   કેવા હોય છે તે જોયું છે, એમની આગળ ઝૂકી જતી પ્રજાનું કૌવત કેટલું છે તે પણ તપાસ્યું   છે. આ શેરમાં ખાખી અને ખાદી બેમાંથી કોઈપણ શબ્દ મૂકો, અર્થમાં કોઈ   ફરક નહીં પડે:
 
  ખાખી વરદી પહેરી એક   મવાલી નીકળે,
 
  ને સલામી ઝીલતી રૈયત   નમાલી નીકળે.
 
  પ્રેમનો સંબંધ કેવી રીતે જન્મે છે, કેવી રીતે   ઓસરે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ કે શા માટે એ ઓસરે છે – આ વિશે અનેક કવિઓએ   પોતપોતાના મૌલિક અંદાજમાં યાદગાર પંક્તિઓ લખી છે. દરેકનો પોતાનો મિજાજ છે, દરેકની   પોતાની અન્ડરસ્ટેન્ડિંગ છે અને દરેક પાસે રજૂઆતની આગવી શૈલી છે. હેમેન શાહ પણ આ   જ વિચારોને પોતાની મૌલિક બાજુમાં,   નોખા પોઈન્ટ ઓફથી રજૂ કરે છે:
 
  જન્મની મુખપૃષ્ઠ જેવી   સનસનાટી હોય છે,
 
  ક્યાંક નીચે નોંધમાં   મૃત્યુ મુકાતું હોય છે.
 
  ચાહવામાં હૂંફ છે કેવળ   અમુક માત્રા સુધી,
 
  એ પછી તો માત્ર આડેધડ   દઝાતું હોય છે.
 
  ‘ક,   ખ અને ગ…’ના   પ્રાગટ્યના લગભગ દાયકા પછી હેમેન શાહનો બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે – ‘લાખ ટુકડા   કાચના.’ હૂંફ અને દાઝવાની વાતનું અનુસંધાન આ સંગ્રહના પહેલા જ પાને   જોવા મળે છે:
 
  પ્રેમના પ્રકરણ વિશે કંઈ   બોલવાનું છોડીએ,
 
  ચોપડીમાં એક વચ્ચે કોરું   પાનું છોડીએ.
 
  કવિએ માત્ર પ્રેમની કે સંબંધોની   વાતો નથી કરવાની. એની આસપાસનું જગત એના કરતાં ઘણું વિશાળ છે. હેમેન શાહ આ વાત   સમજે છે. એમને નવા રસ્તાઓની ખોજ છે. પણ ચારે તરફથી સલામત થઈ ગયેલી જિંદગીમાં નવો   રસ્તો શોધવો હોય તોય કેવી રીતે શોધવો?
 
  હોય રમણીય રસ્તાઓ જે   સ્થળ ઉપર,
 
  માર્ગ ત્યાં શોધવાનું   વિકટ હોય છે.
 
  કવિમાં આ સમજ છે એટલે જ   એમણે એક વખત લખ્યું હતું:
 
  એક પણ તૈયાર કેડી ના ગમી,
 
  ત્યારથી યાત્રા શરૂ શાયદ  થઈ.
 
  સો વખત બોલાયેલું જુઠ્ઠાણું એકસો   એકમી વખત લોકોને સત્ય લાગવા માંડે છે એવા હિટલરના પ્રચાર સલાહકાર ગોબેલ્સના   વિધાનને વારંવાર ખોટું પડતાં જોયું છે. જે ખોટું નથી એને તમે લાખ વાર ખોટું છે, ખોટું છે   કહેશો તો પણ એમાં રહેલા સત્યની એક કાંગરી પણ ખરવાની નથી. આ જ વાત કવિ કેવી રીતે   જુએ છે?
 
  દરરોજ અંધકારનો પ્રચાર   થાય છે,
 
  તો પણ અજાયબી છે કે સવાર   થાય છે.
 
  જલદી નિરાશ થઈ જાય કે થાકી જાય એ   કવિ નહીં. એણે તો રવિનું કિરણ પણ ન પહોંચી શકે એવાં અંધારાંઓ ઉલેચવાનાં હોય છે.   કવિના શબ્દોમાં સત્ય પ્રગટે છે. આ સત્ય ક્યારેક કડવું હોવાનું, ક્યારેક   નગ્ન. કવિને સત્યના સ્વાદ કે સ્વરૂપ સાથે નહીં પણ એના મૂળ તત્ત્વ સાથે નિસબત છે.   એટલે જ એ જે જુએ છે તે પોતાના આવરણ વિનાના,   ઢાંકપિછોડા વિનાના શબ્દોમાં પ્રગટ   કરે છે:
 
  જંગલનો કાયદો બધે જ છે   અમલ મહીં,
 
  જેની ગતિ હો મંદ, એ શિકાર થાય છે.
 
  હેમેન શાહના બેઉ ગઝલ સંગ્રહની લગભગ   બધી જ કે ઘણીખરી રચનાઓ સમાવી લેતા અને એન. એમ. ઠક્કર એન્ડ કંપની દ્વારા પ્રકાશિત   પુસ્તકનું શીર્ષક એમના એક અમર શેરની યાદ અપાવનારું છે: ‘તો દોસ્ત હવે   સંભળાવ ગઝલ.’
 
  આ પછી ગયા વર્ષે ઈમેજ પબ્લિકેશન્સમાં   ત્રીજો કાવ્યસંગ્રહ ‘આખરે ઉકલ્યા જો અક્ષર’   પ્રગટ થયો. આમાંની પુસ્તકના ૬૩મા   પાને છે એ  રચના ‘પ્રિસ્ક્રિપ્શન’  લયસ્તરો ડૉટ  .કોમ માં વાંચવા જેવી છે .

  ગઝલસમ્રાટ અમૃત ઘાયલે હેમેન શાહની   ત્રિપદીઓ ‘નવનીત સમર્પણ’માં વાંચીને સામેથી પત્ર લખ્યો હતો: ‘મારી દાદ   મનોમન રાખું એટલો હું કંજૂસ નથી. (આવું કરનાર) સાચો સર્જક-શાયર હોઈ જ ન શકે માટે   આ પત્ર દાદને નિમિત્તે છે.’
 
  હેમેન શાહની બે ત્રિપદીઓથી સમાપન   કરીએ:
 
  ક્યાં થશે ગુજરાન? કંઈ નક્કી નથી,
 
  છે અળસિયાની સનાતન આ   દ્વિધા,
 
  કઈ તરફ પ્રસ્થાન? કંઈ નક્કી નથી.
 
  ***
 
  આખરે એક વાતનું તો સુખ   થયું,
 
  જો થઈ પ્રત્યેક બારી બંધ   તો
 
  કોઈ આપોઆપ અંતર્મુખ   થયું.

 

આભાર-સૌજન્ય  : મુંબઈ સમાચાર 

 

4 responses to “( 289 ) કવિ શ્રી હેમેન શાહ અને એમની રચનાઓ – લેખક શ્રી સૌરભ શાહ

 1. chaman ઓગસ્ટ 13, 2013 પર 7:51 એ એમ (AM)

  I liked it.

  with regards,
  Chiman Patel ‘chaman’

  Date: Mon, 12 Aug 2013 18:30:06 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 2. P.K.Davda ઓગસ્ટ 13, 2013 પર 9:59 એ એમ (AM)

  તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,

  કાગળની હોડીને કદી ધક્કા મરાય નહીં.

  હું આ વાત સાથે ૧૦૦ % સહમત છું, એક્વાર તમે કંઈ બ્લોગમા મૂક્યું તો પછી એ લોકોનું થઈ ગયું, એનું જેને જે કરવું હોય તે કરે.

  લેખમાંની બધી કડીઓ ઉત્તમ છે.

  Like

 3. ડૉ.મહેશ રાવલ ઓગસ્ટ 13, 2013 પર 10:16 એ એમ (AM)

  આદરણીય કવિશ્રી હેમેન શાહને હાર્દિક અભિનંદન….
  અહીં ટાંકવામાં આવેલા એમના પ્રત્યેક શેર,એમની સશક્ત અને કસાયેલી કલમનો સીધો પરિચય કરવા/કરાવવા સક્ષમ છે….કવિશ્રીની નિવડેલી કલમને સાદર સલામ…..

  Like

 4. nabhakashdeep ઓગસ્ટ 16, 2013 પર 12:46 પી એમ(PM)

  કવિતાનો પમરાટ માણ્યો..અભિનંદન કવિશ્રીને.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: