વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 13, 2013

(290 ) “પ્રેમની વ્યાખ્યા ” અને “હું શા માટે લખું છું?” વિષે શ્રી પી.કે.દાવડાના વિચારો ….. (સંકલિત )


(Photo courtesy – Google images )

 માત્ર અઢી અક્ષરના શબ્દ પ્રેમની વ્યાખ્યા થોડા શબ્દોમાં થઇ શકે એવી સરળ નથી .
 
વિકિપીડીયાની આ લીંક ઉપર પ્રેમ અને પ્રેમની વ્યાખ્યા ઉપર સુંદર વાંચવા જેવી માહિતી એકત્રિત કરીને
 
આપવામાં આવી છે એ વાંચવા જેવી છે .
 
એમાં જણાવ્યું છે એમ “પ્રેમ એ સ્નેહ (affection) , આસક્તિ (attachment)ની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણી (emotion) અને અનુભવો પૈકીની એક છે. પ્રેમ શબ્દને સામાન્ય આનંદ (pleasure) થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે. શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.”
 
પ્રેમ અથવા તો સીને જગતનો પ્રિય શબ્દ મહોબતને હૃદય સાથે સંબંધ છે. પ્રેમ એ શબ્દોના બંધન બહાર હૃદયથી અનુભવ કરવા જેવી લાગણી યા અનુભૂતિ છે . એટલા માટે તો એનું પ્રતિક ( Symbol )  હૃદય (Heart)ની આકૃતિ છે .
 
પ્રેમનો પ્રભાવ દરેક પ્રકારના અભાવને દુર કરે છે .
 
અંતે , પ્રેમ વિષે મને ગમેલાં કેટલાંક અવતરણો નીચે ટાંકુ છું .
 
પ્રેમના દરિયાને કિનારા નથી હોતા ,
એમાં પડનારા બધા તરનારા નથી હોતા ,
કિનારો ભલે મળે ન મળે , તરણાંને ભરોંસે ,
તરનારના હોંસલા ઓછાં નથી હોતા .
— સંજ્ય જોશી
 
પ્રેમના કવિ સ્વ .કલાપીનું ટૂંકું જીવન પ્રેમ રસથી ભરપુર હતું  .  પ્રેમ વિષે એમનાં આ બે  આ અવતરણ કેટલા
 
સુંદર છે !
 
બન્ને આત્મા રસમય થતાં એકય નું પાન થાતું ,
તે દ્રષ્ટિમાં લય થઈ ગઈ વિશ્વની સૌ ઉપાધી -કલાપી
 
જરાક અમથી હૂંફથી , આ બરફ કેવો પીગળવા લાગ્યો !
હૂંફ ચીજ જ એવી છે, માણસને પોતાનો આકાર ભુલાવી દે ! – કલાપી
 
 
એમની છોતેર વર્ષની પાકટ ઉંમરે પણ નિવૃતિના સમયમાં સાહિત્ય પ્રવૃતિમાં વ્યસ્ત રહેતા , ફ્રિમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે. દાવડાજીએ ” પ્રેમની વ્યાખ્યા ” અને  “હું શા માટે લખું છું?” એ નામના એમના બે લેખો ઈ-મેલથી મને સપ્રેમ મોકલી આપ્યાં છે .
 
આ બે ટૂંકા લેખોમાં એમણે એમના અનુભવો આધારિત વિચારો રજુ કર્યાં છે .
 
આ લેખો સૌને માટે  વિચાર પ્રેરક ઈ એને આજની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે .
 
મને આશા છે નીચે પોસ્ટ  કરેલ શ્રી દાવડાજીના બે લેખો  આપને વાંચવા અને વિચારવા ગમશે .
 
આ લેખોના વિષય અંગે આપ શું વિચારો છો એને પ્રતિભાવ રૂપે પાઠવવા માટે વાચકોને મારું પ્રેમ ભર્યું નિમન્ત્રણ છે .
 
વિનોદ પટેલ
 
——————————————————————-
Mr. P.K.DAVDA

Mr. P.K.DAVDA

 
પ્રેમની વ્યાખ્યા – લેખક શ્રી પી.કે. દાવડા
 
પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક વ્યાખ્યા માટેના કારણો પણ આપ્યા છે.
 
“પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.
 
“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.
     
“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.
 
“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષયમાં મારે કંઈ કહેવાની જરૂરત છે?
 
“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.
 
“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કર્યાં પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે,
 
પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.
 
આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ
 
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
 
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય ,
રાજા-પરજા  જેહી રુચે, સીસ દેઈ લે જાય.  
 
પ્રેમ છિપાયા ના છીપે, જો ઘટ પ્રગટ હી હોય ,
જોકિ મુખ બોલે નહિ, નયન દેત હૈ રોય . 
 
     -પી.કે.દાવડા, ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા .
____________________________________
 
હું શા માટે લખું છું?
 
મારા માતા-પિતાથી ગણું તો મારી આજે ચોથી પેઢી ચાલે છે. કેટલાક લોકોની પાંચમી પેઢી પણ આવી ચૂકી હશે. આ દરમ્યાન માનવ-જીવનમાં મોટાપાયે પરિવર્તન આવી ગયું છે.
 
આ પરિવર્તનની અલગ અલગ સમાજમાં વધતી-ઓછી અસર થઈ છે. કેટલીક ખરાબ પ્રથાઓ નાશ પામી છે તો કેટલીક સારી પ્રથાઓ પણ લુપ્ત થઈ ગઈ છે. નવું બધું સારૂં અને જૂનું બધું ખરાબ એવા પ્રચારમાં આપણે ટબના પાણી સાથે ક્યાંક બાળકને પણ બહાર નથી ફેંકી દીધુંને? (Have we thrown out baby with bath water?)
 
મારા કેટલાક લખાણોએ એવી છાપ ઊભી કરી લાગે છે કે હું જુનું બધું સારૂં હતું અને નવું બધું ખરાબ છે એમ કહેવા માગું છું, પણ આ વાત સાચી નથી. મારો પ્રયત્ન આજની પેઢીને છેલ્લા ૬૦-૭૦ વર્ષનો આપણા સમાજનો ઈતિહાસ દર્શાવવાનો છે. મુલ્યાંકન કરવાનું મારૂં ગજું નથી.  
 
હું જાણું છું કે છેલ્લા ૬૦-૭૦ વર્ષમાં થયેલા સામાજીક રીતરિવાજ અને રહેણીકરણીમાં આવેલા પરિવર્તનથી અનેક લાભ થયા છે. બાળ-મરણની સંખ્યા ઘટી છે, લોકોના આયુષ્યમા વધારો થયો છે.
 
નવા નવા ઉપકરણોને લીધે ગધ્ધા-મજૂરી ઘટી છે, શિક્ષિત લોકોની સંખ્યામાં જબરો વધારો થયો છે, મુસાફરી માટેની સગવડોમાં ખૂબજ સુધારો થયો છે અને લોકોની આર્થિક ઉન્નતિ થઈ છે. એની સામે આપણા બાળકોએ એમનું બચપણ ગુમાવ્યું છે, સંબંધોમાંથી સચ્ચાઈ જતી રહી છે, લાંબા આયુષ્યમાં અનેક રોગોની પીડા આવી ગઈ છે. શરીરની પ્રતિકાર શક્તિ ઘટી ગઈ છે, bottled water પીતા લોકો પણ રોગોની ઝપેટમાં આવી જાય છે. વડિલો પ્રત્યેનો આદરભાવ ઘટ્યો છે, સંયુક્ત કુટુંબો લગભગ ગાયબ થઈ ગયા છે, લગ્નની પરિભાષામાં ઝડપી બદલાવ આવી રહ્યો છે.
 
Sex ની બાબતમાં ઝડપથી આવી રહેલા પરિવર્તનને અટકાવી શકવામાં સમાજ અસમર્થ હોવાથી મુંગે મોઢે જોઈ રહ્યો છે. ગર્ભપાતની ગોળીઓની ટી.વી. મા જાહેરાતો આવે છે અને સંસ્કારી ગણાતાં છાપાં તથા મેગેજીન્સમાં sex ના પ્રકાર અને વૈવિધ્યનું વર્ણન કરવામાં આવે છે.  
 
હું નથી કહેતો કે મારા બાળપણ અને યુવાનીના સમયમાં બધું સારું હતું, હું તો માત્ર એટલું જ કહું છું કે ત્યારે આવું ન હતું.
 
સાંભળ્યું છે કે શ્રીકૃષ્ણના અંતિમ દોર(યાદવાસ્થળી)માં લગભગ બધું અત્યારે છે એવું જ હતું.!
 
   -પી.કે.દાવડા, ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા
 
———————————————————————————————————
 
ઉપર પ્રેમ વિશેનો લેખ વાંચ્યા પછી પ્રેમ દીવાની મીરાંબાઈની એક જાણીતી રચનાને મધુર સ્વર
 
અને સુંદર સંગીતને સથવારે નીચેના વિડીયોમાં સાંભળીને હરિના પ્રેમમાં તમે પણ પાગલ બની જાઓ ! 
 
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;મુને લાગી કટારી પ્રેમની – વિડીયો
 
  સ્વર :- નિશા ઉપાધ્યાય , સંગીત :- આસિત દેસાઇ ,રચના- મીરાંબાઇ
 
 
 
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;
મુને લાગી કટારી પ્રેમની.
 
જળ જમુનાનાં ભરવા ગયા’તાં;
હતી ગાગર માથે હેમની રે;
 
કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે;
 
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે;
 
         –મીરાબાઈ
 
__________________________________________
 
અહં વિષે શ્રી પી.કે.દાવડાનો શબ્દોનું સર્જન બ્લોગમાં પ્રગટ એક લેખ પણ