વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 28, 2013

( 299 ) મુજ સે બુરા ના કોઈ ! ( એક હાસ્ય-બોધ-કથા )

 

( નેટ જગતમાં પરિભ્રમણ કરતાં એક અંગ્રેજીમાં લખેલી ટૂંકી હાસ્ય કથા મારા વાંચવામાં આવી . વાર્તા ગમી જતાં એને મારા શબ્દોમાં  ગુજરાતીમાં   ભાવાનુવાદિત કરી આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું . આશા છે આપને એ વાંચવી ગમશે – વિનોદ પટેલ )

 

 મુજ સે બુરા ના કોય ! ( એક હાસ્ય-બોધ-કથા )

 

મોહનને એકવાર એના મનમાં વહેમ ગયો કે એની પત્ની લીલા પહેલાંની માફક સાંભળતી હોય

એમ નથી લાગતી . એને એમ લાગ્યું કે લીલા બરાબર સાંભળે એટલા માટે એને કાને લગાડવાનું

નાનું મશીન કદાચ લાવવું પડશે .

આ માટે એ સીધા એની પત્નીને કઈક વાત કરે એ પહેલાં એની પત્નીની બહેરાશના પ્રશ્ન અંગે

શું કરવું જોઈએ એની ચર્ચા કરવા અપોઈન્ટમેન્ટ લઈને મોહન એના ફેમીલી ડોક્ટરને મળ્યો .

 

ડોક્ટરે મોહનને કહ્યું “તમારા પત્નીની બહેરાશનો ખ્યાલ આવે એટલા માટે એક સીધો સાદો

ટેસ્ટ તમારે મારા વતી કરવો પડશે .”

 

ડોક્ટરે મોહનને આ ટેસ્ટ કેવી રીતે કરવો એ સમજાવતા કહ્યું :

 

“તમારા પત્ની જ્યાં હોય ત્યાંથી ૪૦ ફીટ દુરથી તમે રોજ વાતો કરો છો એવા જ અવાજથી

એની સાથે વાત કરો અને જુઓ કે એ સાંભળે છે કે કેમ . જો આ પ્રમાણે કરતાં એ ન સાંભળે તો

૩૦ ફીટ દુરથી અને ફરી ન સાંભળે તો ૨૦ ફીટ એ પ્રમાણે તમારા પત્ની તમારી વાતનો જવાબ

આપે ત્યાં સુધી કરતા જજો “

 

ડોક્ટરની આ સલાહ પછી એક સાંજે મોહન જોબ ઉપરથી ઘેર આવ્યો ત્યારે એની પત્ની લીલા

રસોડામાં રસોઈ કરતી હતી .મોહન લીલાથી લગભગ ૪૦ ફીટ દુર એના દીવાનખંડમાંથી

રોજ વાતચીત કરતો હોય એવા અવાજથી એને પૂછ્યું ” લીલા આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”

 

એના આ પ્રશ્નનો લીલાએ કોઈ જવાબ ન આપ્યો  એટલે એ રસોડા તરફ થોડા વધુ નજીક

જઈને લગભગ ૩૦ ફીટના અંતરથી એજ પ્રશ્નને દોહરાવતા પૂછ્યું “લીલા આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”

 

ફરી લીલાએ કોઈ જવાબ આપ્યો નહી એમ મોહનને લાગતાં એણે ૨૦  અને ૧૦ ફીટથી

આ પ્રમાણે લીલાને કુલ પાંચ વાર પૂછ્યું પણ એનો કોઈ જવાબ ન મળ્યો .

 

મોહનને હવે મનમાં ઠસી ગયું કે નક્કી લીલાને  સાંભળવાનો પ્રોબ્લેમ લાગે જ છે .

 

છેવટે મોહન રસોડામાં જઈને લીલાની બિલકુલ નજીક લીલાની પીઠ  પાછળ જઈને 

એ જ પ્રશ્ન ફરી કર્યો ” “લીલા આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”

 

લીલા પૂંઠ ફેરવીને મોહનને તતડાવતી હોય એમ ગુસ્સાથી મોટા અવાજે બોલી :

 ” મોહન, મેં તને પાંચ વાર કહ્યું કે ડીનરમાં રોટલી , શાક અને કઢી ભાત છે . સંભળાતું નથી ?

બહેરો થઇ ગયો છે કે શું ?”

 

બોધપાઠ

 

આ હાસ્ય કથામાંથી બોધ એ લેવાનો છે કે કોઇપણ પ્રશ્ન કે ભૂલ માટે આપણે હંમેશા સમરથ કો ન કોઈ દોષ

ગુસાઈ એમ માનીને બીજાનો જ દોષ કાઢીએ છીએ .

આપણે જ્યારે બીજાની તરફ એક આંગળી કરીએ છીએ ત્યારે બીજી ત્રણ આંગળીઓ આપણી તરફ રહેતી હોય

છે  .આપણી પણ ભૂલ કે દોષ હોઈ શકે છે એ ભૂલી જઈએ છીએ .

સંત કબીરે એમના એક દોહામાં સરસ કહ્યું છે કે –

 

બુરા જો દેખન મૈં ચલા, બુરા ના મિલિયો કોય

જો મન ખોજા અપના, મુજ સે બુરા ના કોય

 

ભાવાનુવાદ- વિનોદ પટેલ

——————————————————————————-

ઉપરની કથા હું પોસ્ટ કરી રહ્યો હતો એ સમયે જ ઈ-મેલ ખોલતાં મારા એક સ્નેહી મિત્ર શ્રી અશ્વિનભાઈ

પટેલએ મોકલેલ કોઈ અજ્ઞાત કવિની એક સરસ રચના એમણે મને મોકલી એને એમના 

આભાર સાથે વાચકોમાં વહેંચુ છું .

 

આ કાવ્ય રચનાના કર્તાનું નામ કોઈ મિત્ર જણાવશે તો આભાર સાથે એ નામ પોસ્ટમાં મુકવામાં આવશે .

 

નથી જોઈતો,

 

પ્રેમ આપવો હોય તો આપો ,

બાકી ઉપકાર નથી જોઈતો,

દિલથી આપો એટલે બહુ થઇ ગયું

લેખિત કરાર નથી જોઈતો. 

 

જીવન બહુ સરળ જોઈએ

મોટો કારભાર નથી જોઈતો

કોઈ અમને સમજે એટલે બસ 

કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.

 

માણસમાં માનીએ છીએ

કોઈ ભગવાન નથી જોઈતો,

એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે

આખો પરિવાર નથી જોઈતો.

 

નાનું અમથું ઘર ચાલે 

બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,

ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલે 

લુચ્ચો માલદાર નથી જોઈતો.

 

મ્હો પર બોલતો મિત્ર ચાલે

પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,

ચાર પાચ આત્મીય દોસ્ત ચાલે

આખો દરબાર  નથી જોઈતો.

 

રોગ ભરેલું શરીર ચાલે

મનનો કોઈ વિકાર નથી જોઈતો

જે કહેવું હોય એ સ્પષ્ટ કહો

એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો

 

કવિતા ફોર્વડ ન કરો તો કઈ નહિ 

પણ ગમ્યા નો ઢોંગ નથી જોઈતો

— અજ્ઞાત