વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 313 ) ક્રોધ એ માણસ માટે એક ધીમા ઝેર સમાન છે ……… ( બે બોધ કથાઓ )

Anger

હિંદુ શાસ્ત્રોમાં કામ, ક્રોધ ,લોભ ,મોહ , મદ અને મત્સર એ બધી માણસની વૃતિઓને

ષડરીપુ એટલે કે છ પ્રકારના દુશ્મનો કહેવાયા છે .

માણસ માટે ક્રોધ એ એના શરીર અને મન માટે એક ધીમું ઝેર છે . ક્રોધ માણસને અંદરથી ખોખલો બનાવી દે છે .

એની અસર નીચે એ સારા કે નરસાનું ભાન ગુમાવી દે છે .

બધાં જ દર્દોની એક દવા-જડીબુટ્ટી જેવી આપણી શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં

જે લક્ષણો બતાવ્યાં છે , એમાં પણ જણાવાયું છે કે –

 

વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે ,

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નિપજે.

ક્રોધથી મૂઢતા આવે , મૂઢતા સ્મૃતિને હરે ,

સ્મૃતિલોપે બુદ્ધિ નાશ , બુદ્ધિનાશે વિનાશ છે .

 

સંત કબીરે પણ એમના એક દુહામાં ગાયું છે કે  –

 

 કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ મનમેં ખાન,

તબલગ પંડિત મુરખ હી, કબીર એક સમાન.

 

સમાજમાં મા-બાપ ઘણીવાર વાત વાતમાં સંતાનો ઉપર ક્રોધ કરતાં જોવામાં આવે છે . એમના પુત્ર કે પુત્રીને શું કહેવાનું છે

એ પુરું સાંભળ્યા કે સમજ્યા વિના એમને દબાવી દેવામાં આવે છે .

વારંવારના આવા બનાવોથી સંતાનો પોતાની સાચી ઓળખને ગુમાવતાં જાય છે .એમની કલ્પનાશક્તિ દબાઈ જાય છે .

તેઓ એક પ્રકારની હીનતાની લાગણી અનુભવતાં થઇ જાય છે .

આગળ જતાં આ બાળકો મા-બાપ પ્રત્યે સ્વાભાવિક પ્રેમને બદલે વિદ્રોહી સ્વભાવનાં  

અને માનસિક રીતે એમનાથી દૂરતાની લાગણી ધરાવતાં થાય છે .

 

જ્યારે માણસની બુદ્ધિ ઉપર ક્રોધની લાગણી હાવી થઇ જાય છે ત્યારે ન કહેવાનું કહેવાઈ જાય છે અને ન કરવાનું

કાર્ય થઇ જાય છે  .ક્રોધ કર્યાં પછી જ્યારે માણસની બુદ્ધિ ઠેકાણે આવે છે ત્યારે એને સાચી વાત સમજાતાં

પુષ્કળ પસ્તાવાની લાગણી થતી હોય છે .

 

નીચે જે વિડીયો મુક્યો છે એ જોવાથી તમોને આ બધી વાત દીવા જેવી સ્પષ્ટ થઇ જશે .

 

કુટુંબનાં કે બહારનાં માણસો પ્રત્યે પ્રેમ બતાવવાને બદલે ભૌતિક વસ્તુઓ પ્રત્યે વધુ પ્રેમ બતાવવામાં આવે અને એવા પ્રેમને

આંચ આવતાં ક્રોધ કરવામાં આવે ત્યારે એનું શું પરિણામ આવી શકે છે એ વાત પણ નીચેના વિડીયોમાં

બાખુબ કહેવામાં આવી છે .

 

આ વિડીયોની બોધ કથા આ પ્રમાણે છે —-

 

એક પિતા એમની ગુલાબના ગોટા જેવી નાની નિર્દોષ બાલિકાને એમણે હમણાં જ ઘસી ઘસીને ચકચકિત કરેલી મોટર ગાડી ઉપર

કલરના ક્રેયોનથી કઈક લખતી જુએ છે અને આ પિતાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જાય છે .

તેઓ ગુસ્સામાં કશું જોયા વિચાર્યા વિના એમને બહું પ્રિય એવી એમની ગાડીનું બારણું જોરથી બંધ કરે છે .

આ બારણામાં એમની નાની દીકરીના એક હાથની નાજુક આંગળીઓ ચગદાઈ જાય છે .

ગાડીનું બારણું બંધ કરીને જ્યારે પિતાએ જોયું તો એમની પુત્રીએ ક્રેયોનથી આ લખ્યું હોય છે:  ” આઈ લવ યુ પપ્પા “

 

રોતી કકળતી નાની બાલિકાની એક આંગળીને હોસ્પીટલમાં  કપાવી નાખવી પડે છે .

નાની અબુધ દીકરી પિતાને પૂછે છે “મારી આ આંગળી ક્યારે પાછી ઉગશે પપ્પા .”

આ છોકરી જ્યારે મોટી થશે ,પરણશે ત્યારે જ્યારે જ્યારે કપાયેલી આંગળીઓ ઉપર નજર કરશે ત્યારે એને વર્ષો

પહેલાંનો પિતાનો ક્રોધિત ચહેરો નજર સામે દેખાશે .

 

આ બનાવ બન્યા પછી પિતાને પુષ્કળ પસ્તાવો થાય છે કે મેં મારી દીકરી કરતાં મારી ગાડીને વધુ મહત્વ આપ્યું

એનું કેવું ખરાબ પરિણામ આવ્યું !

પરંતુ નાનકના શબ્દોમાં-

 

” અબ પસ્તાયે ક્યાં હોત જબ ચીડીયા ચુગ ગઈ ખેત “

 

આ વિડીયોમાંની કથાનો ટૂંકો બોધ એ છે કે —

 

LOVE THE PEOPLE NOT  THINGS , USE THE THINGS NOT PEOPLE,  D+ANGER = DANGER

 

—————————————————-

 

ઉપરની કથામાં એક પિતાના પુત્રી પ્રત્યેના ગુસ્સાની આપણે વાત કરી .

નીચે જે બોધ કથા આપી છે એમાં એક પુત્રના ગુસ્સાને કાબુમાં રાખવા

માટે પિતા કેવી રીતે પાઠ શિખવે છે એ બતાવ્યું છે . 

 

બોધકથા -સંકલન -વિલાસ ભોંડે

એક અદભૂત બોધકથા રજૂ કરું છું,

એકવાર વાંચશો તો જીવનમાં ઘણું બધું શીખવા મળશે.

 

એક છોકરો. ઉંમર હશે ૧૩ કે ૧૪ વરસની. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે.

વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે.કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે.

માબાપ બિચારા હેરાનપરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ કરી જોઈ. પણ

પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને એને મનોચિકિત્સક પાસે

લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું !

 

છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી પછી કહ્યું કે

જ્યારે જ્યારે એને દાઝ ચડે – ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગ (વંડી)માં એક ખીલો ઠોકવો.

પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠબકારી દીધા !

જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે

દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે.

આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં.

એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે

‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’

 

બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર

કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’

બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત

અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું.

જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે

બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો.

એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું :

‘બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ?

એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.

તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં

આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે.

 

‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો.

તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે.

તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે.

મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું…

’ બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો !

 

મારા વહાલા મિત્રો…..

તમારા દિલની દીવાલમાં અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઈ ગયો હોય તો મને માફ કરજો.

  મિછછામી દુકડમ  

 

સૌજન્ય – આભાર-  વિજયનું ચિંતન જગત

 

 

 

7 responses to “( 313 ) ક્રોધ એ માણસ માટે એક ધીમા ઝેર સમાન છે ……… ( બે બોધ કથાઓ )

 1. pragnaju સપ્ટેમ્બર 20, 2013 પર 1:01 પી એમ(PM)

  ક્રોધ અંગે સ રસ ચિંતન મનન
  સંતો કહે તે પ્રમાણે–જયારે મનમાં કોઈ વિકાર જાગે છે ત્યારે શરીર પર બે ઘટનાઓ તત્કાલીન શરૂ થઈ જતી હોય છે. એક એ કે શ્વાસની પોતાની નૈસર્ગિક ગતિ બદલાઈ જાય છે. જેવો મનમાં વિકાર જાગે કે શ્વાસ તેજ અને અનિયમિત થઇ જાય છે. આ જોવું ઘણું આસાન બને છે. બીજું એ કે શરીરમાં સુક્ષ્મ સ્તર પર એક જૈવરાસાયણિક પ્રક્રિયા શરૂ થઇ જાય છે જેના પરિણામ સ્વરૂપ સંવેદનાઓનું નિર્માણ થતું હોય છે. દરેક વિકાર શરીર પર કોઈ ને કોઈ સંવેદના ઉત્પન્ન કરતો હોય છે.
  આ પ્રાયોગિક ઉપાય થયો. એક સામાન્ય વ્યક્તિ અમૂર્ત વિકારોને જોઈ શકતો નથી – અમૂર્ત ભય, અમૂર્ત ક્રોધ, અમૂર્ત વાસના વગેરે. પરંતુ યોગ્ય પ્રશિક્ષણ અને પ્રયાસ કરે તો સહેલાઈથી શ્વાસ અને શરીર પર થતી સંવેદનાઓને જોઈ શકે છે. આ બન્નેનો (શ્વાસ અને સંવેદનાઓનો) મનના વિકારો સાથે સીધો સંબંધ છે.
  શ્વાસ અને સંવેદનાઓ બે રીતે મદદ કરે છે. એક તો એ કે એ પ્રાઇવેટ સેક્રેટરીનું કામ કરે છે. જેવો મનમાં વિકાર જાગે છે કે તેની સાથે શ્વાસની સ્વાભાવિકતા જતી રહે છે અને તે આપણને સૂચવે છે કે, “જુઓ, કાંઈક ગરબડ છે.” શ્વાસને તો આપણે લઢી પણ નહી શકીએ. આપણે એની ચેતવણી, એની સૂચના માનવી જ પડશે. આવી જ રીતે સંવેદનાઓ આપણને સૂચવે છે કે, “કશુંક ખોટું થઇ રહ્યું છે.” બન્ને ચેતવણીઓ મળ્યા પછી આપણે શ્વાસ અને સંવેદનાઓને સહેલાઈથી જોઈ શકીએ છીએ. આમ કરવાથી આપણે જોઈ શકીશું કે વિકાર જલ્દીમાં ક્ષીણ થઈ જાય છે.
  શરીર અને મનનો આ પારસ્પરિક સંબંધ એક જ સિક્કાના બે પાસાઓ સમાન છે. એક તરફ મનમાં ઉઠતા વિચાર અને વિકાર, અને બીજી તરફ શ્વાસ અને શરીર પર થતી સંવેદનાઓ. મનમાં વિચાર કે વિકાર જાગતાની સાથે જ તત્ક્ષણ તે શ્વાસ અને સંવેદનાઓને પ્રભાવિત કરતા હોય છે. આજ રીતે શ્વાસ અને સંવેદનાઓને આપણે જોતાની સાથે જ વિકારોને પણ જોઈ શકીએ છીએ. આ રીતે અભ્યાસ કરવાથી આપણે પલાયન નથી થતા, વિકારોને આમુખ થઈને સચ્ચાઈનો સામનો કરીએ છીએ. આપણે શીઘ્ર જોઈશું કે વિકારોની તાકાત ઓછી થતી જાય છે અને પહેલાની માફક આપણે વિકારોથી અભિભૂત નથી થતા. જો આપણે આ અભ્યાસ સતત કરતા રહીશું તો વિકારોનું સર્વથા નિર્મૂલન થઇ જશે. વિકારોથી મુક્ત થતા થતા આપણે સુખ અને શાંતિનું જીવન જીવવા લાગીશું.
  ..આ પ્રકારે આત્મનિરિક્ષણની આ વિદ્યા આપણને અંદર અને બહારની બન્ને સચ્ચાઈઓની જાણ કરાવે છે. પહેલાં આપણે કેવળ બહિર્મુખી રહેતા હતા અને અંદરની સચ્ચાઈને જાણી શકતા નહતા. પોતાના દુ:ખનું કારણ હંમેશા બહાર શોધતા હતા. બહારની પરિસ્થિતિઓને મૂળભૂત કારણ માની એમને બદલવાનો પ્રયત્ન કરતા હતા. અંદરની સચ્ચાઈ વિષે અજ્ઞાત રહેતા હોવાના કારણે આપણે એ સમજી નહતા શકતા કે આપણા દુ:ખનું કારણ આપણી અંદર છે. તે કારણ એ છે કે સુખદ અને દુ:ખદ સંવેદનાઓ પ્રત્યેની આપણી જ આંધળી પ્રતિક્રિયા.

  Like

 2. ગોદડિયો ચોરો… સપ્ટેમ્બર 20, 2013 પર 1:01 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  માનવ જાતને દુઃખની ગર્તામાં ધકેલનાર છ જાતના દુશ્મનો ખુબ સરળતાથી સમજાવયા છે.

  Like

 3. pravinshastri સપ્ટેમ્બર 20, 2013 પર 11:13 પી એમ(PM)

  ક્રોધનું આધ્યાત્મિક આલેખન સરસ છે. ક્રોધ સંહાર કરે છે એ વાત સાચી છે તેની સાથે ક્રોધ સર્જનને માટે જવાબદાર હોય એવા દ્રટાંતો પણ મળશે. આંતરિક અણગમો ક્રોધ ઉત્પન્ન કરે સવાલ એ છે કે અણગમો કઈ રીતે પ્રગટ થાય! વિજયભાઈના ચિંતનને આપના બ્લોગમાં સમાવેશ કરવા બદલ ધન્યવાદ.

  Like

 4. Dr.Chandravadan Mistry સપ્ટેમ્બર 21, 2013 પર 7:23 એ એમ (AM)

  હિંદુ શાસ્ત્રોમાં કામ, ક્રોધ ,લોભ ,મોહ , મદ અને મત્સર એ બધી માણસની વૃતિઓને

  ષડરીપુ એટલે કે છ પ્રકારના દુશ્મનો કહેવાયા છે .
  Win over these 6….and the JIVAN is DHANYA.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Like

 5. nabhakashdeep સપ્ટેમ્બર 21, 2013 પર 8:45 એ એમ (AM)

  ક્રોધ એટલે અગ્નિ..જીવન ભસ્મિભૂત કરી દે તેવો. સુંદર બોધકથાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. aatamjani સપ્ટેમ્બર 21, 2013 પર 2:26 પી એમ(PM)

  ઉકત બ’ન્ને રચનાઓ મને ખુબજ ગમી. ખુબજ સરસ છે.

  Like

 7. Capt. Narendra સપ્ટેમ્બર 23, 2013 પર 9:31 એ એમ (AM)

  આજની પોસ્ટ ઘણી વિચાર પ્રેરક છે. ખાસ કરીને આપણાં વિદુષી પ્રજ્ઞાબહેને આપેલ પ્રતિભાવ ઊંડી અસર કરી ગયો. આજ સુધી મગજમાં ઊઠી રહેલા એક મૂળભૂત પ્રશ્નનો પ્રજ્ઞાબહેને એટલો સુંદર અને સરળ ઉકેલ શોધવા જે માર્ગદર્શન આપ્યું તેનો આભાર માનવા આપને આ પત્ર મોકલી રહ્યો છું.

  વિકાર અને વિચારોની શરીર પર શ્વાસ દ્વાર થતી અસરનો આ પહેલાં કદી ખ્યાલ આવ્યો નહોતો. આપે તેને સરળથાથી દર્શાવી અંતર્દર્શન કરવાનો માર્ગ ચિંધ્યો તે માટે આપનો શતશ: આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: